ફિલ્મ-રિવ્યુ : ABCD2

એક ટિપિકલ ફૉમ્યુર્લાવાળી અન્ડરડૉગ સ્ટોરી, જોવાં-સાંભળવાં ગમે એવાં ગીતો અને ખૂબબધો ડાન્સ રિયલિટી શોનો મસાલો. બસ, આ જ છે અઢી કલાકની આ ફિલ્મમાં
જયેશ અધ્યારુ


સ્ટાર-2.5


બે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ-ડિરેક્ટરો અને રિયલિટી શોઝથી સ્ટાર બની ગયેલા ડાન્સરોને લઈને ‘ABCD : ઍની બડી કૅન ડાન્સ’ નામની ફિલ્મ બનાવેલી ત્યારે એ જોઈને ડાન્સદીવાનાઓ પુલકિત-પુલકિત થઈ ગયેલા, કારણ કે એ સરપ્રાઇઝિંગ્લી સારી ફિલ્મ હતી. એક તો અત્યારના યુથને અપીલ કરે એવી પૂરેપૂરી

ડાન્સ-ઓરિયેન્ટેડ મસ્સાલેદાર અર્બન ફિલ્મ, ઉપરથી પ્રભુ દેવા-કે.કે. મેનન જેવા સ્ટાર્સ, હૉલીવુડની આવી જ ફિલ્મ-સિરીઝ ‘સ્ટેપ અપ’ જેવી ફીલ અને ઓવરઑલ શરીરની પેચોટી ખસી જાય એવાં ધમાકેદાર ડાન્સ-પર્ફોર્મન્સ. ઉપરથી યંગસ્ટર્સને આકર્ષવા માટે ૩Dનો વઘાર. એટલે જ તો ‘ABCD : ઍની બડી કૅન ડાન્સ’માં બધાને મજા પડી ગયેલી, પરંતુ સીક્વલ બનાવવા માટે કંઈક નવી અને નક્કર સ્ટોરી જોઈએ. બાપડા-બિચારા થઈ પડેલાં પાત્રોને સફળ કરાવવાની અન્ડરડૉગ ટાઇપની સ્ટોરીમાં પણ કંઈ નવું ન હોય તો શું મજા આવે? એકલાં સૉન્ગ ઍન્ડ ડાન્સથી તો અઢી કલાકનો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ શો જોતા હોઈએ એવું લાગે.

નચ બલિયે

નાલાસોપારાનાં સુરેશ (વરુણ ધવન), વિની (શ્રદ્ધા કપૂર) અને તેમના ડાન્સિંગ સાથીદારો એક ડાન્સ રિયલિટી શોમાં પર્ફોર્મ તો મસ્ત કરે છે, પણ જજિઝને ખબર પડે છે કે આ લોકોએ તો ડાન્સનાં સ્ટેપ્સની પેલા સંગીતકાર પ્રીતમની જેમ ઉઠાંતરી કરેલી છે. બસ, શોમાંથી ટીમ ડિસ્ક્વૉલિફાય થઈ અને ચારેકોર ચોર-ચોર તરીકેની બદનામી થઈ એ અલગ. હવે આ કલંકને ધોવા માટેના ડિટર્જન્ટ જેવો એક શો અમેરિકાના લાસ વેગસમાં થવાનો છે, વલ્ર્ડ હિપ હૉપ ડાન્સ કોમ્પિટિશન. હૂપાહૂપની આ સ્પર્ધામાં નસીબ અજમાવવા માટે એક નવી ટીમ બને છે, જેમાં સૌથી પહેલાં તો ગુરુ પિતામહ વિષ્ણુસર (પ્રભુ દેવા)ની વરણી થાય છે. ત્યાર બાદ ધર્મેશ ઉર્ફે‍ ડી (ધર્મેશ યેલાન્ડે) તથા વિનોદ (પુનિત પાઠક) જેવા ઇલૅસ્ટિક બૉડીવાળા ડાન્સરોની એન્ટ્રી થાય છે. હવે લાસ વેગસ ગયા પછી એ લોકો જીતે છે કે ત્યાંના જુગારીઓની જેમ ધોતિયું ફાડીને રૂમાલ કરે છે એ જાણવા માટે તમારે થિયેટરનો ધક્કો ખાવો પડે.

ઓન્લી નાચના-ગાના

આ ફિલ્મ ૩Dમાં છે, મતલબ કે ૩D ચશ્માં પહેરીને જોવાની ફિલ્મ છે. એટલે આપણે પણ ચશ્માં પહેરીને વાત કરીએ. પહેલાં પૉઝિટિવિટીનાં ચશ્માં પહેરીને સારી-સારી વાતો જોઈએ. રેમો ડિસોઝા પોતે એક અચ્છો ડાન્સર અને કોરિયોગ્રાફર છે. આ ફિલ્મની બધી જ ડાન્સ-સીક્વન્સિસ તેણે જાતે જ કોરિયોગ્રાફ કરી છે. અને શું ડાન્સ છે બૉસ? ડાન્સના ઔરંગઝેબોના પગ પણ થિરકવા માંડે. સૌથી પહેલાં એકદમ અંધારામાં માત્ર અલ્ટ્રાવાયલેટ લાઇટમાં પર્ફોર્મ કરતા ઇલ્યુમિનાટી ગ્રુપનો પર્ફોર્મન્સ અને પછી આપણી જુગલજોડીની ધમાલ. જે લોકો ટીવી પરના ડાન્સ શોઝને બ્રશ કરવા જેટલી નિયમિતતાથી જોતા હોય અથવા તો ગલીકૂંચામાં ચાલતા ડાન્સ-ક્લાસિસમાં જતા હોય તેમને તો આ બધા જ પર્ફોર્મન્સિસ પોતાનાં ફૅમિલી-ફંક્શન્સ જેવાં લાગશે.

આપણી ગુજ્જુ સંગીતકાર જોડી સચિન-જિગરનું મ્યુઝિક તો ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાંથી જ હિટ થઈને લોકોના રિંગટોનમાં આવી ગયું છે. એમાંય ‘બેઝુબાં ફિર સે’, ‘નાચ મેરી જાં નાચ’, ‘સુન સાથિયા’ તો વિડિયો વગર હેડફોનમાં પણ સાંભળવાની મજા પડી જાય એવાં બન્યાં છે; જ્યારે બાકીનાં ગીતો એનાં પિક્ચરાઇઝેશનને કારણે જોવાં ગમે છે. જેમ કે ‘વન્દે માતરમ્’ ગીતમાં મયૂર પુરી (અગેઇન ગુજ્જુ)ના રમતિયાળ શબ્દો તથા એકદમ ક્રીએટિવ ડાન્સ-સ્ટેપ્સને કારણે મજા કરાવે છે (ખાસ કરીને હવામાં છૂટતા રંગોથી તિરંગો બને છે ત્યારે). ‘ઇફ યુ હોલ્ડ માય હૅન્ડ’ ગીત સરસ આંખ ઠરે એવા લોકેશનમાં શૂટ થયું છે. એવા જ રમતિયાળ શબ્દોવાળું ‘હૅપી અવર્સ’ સૉન્ગ મિકાએ ગાયેલું હોવા છતાં પ્રભુ દેવાના ડાન્સને કારણે જોવું ગમે છે.

બીજી એક મજાની વાત એ છે કે લીડ પેર એવાં વરુણ અને શ્રદ્ધા આ ફિલ્મમાં નવી એન્ટ્રી છે, પરંતુ પ્રેક્ષકોનો બીજાં પાત્રો સાથેનો ઘરોબો (ટીવી શોઝને કારણે) ‘ABCD’ થીયે જૂનો છે. એટલે જ વરુણ કે શ્રદ્ધાની એન્ટ્રી વખતે શાંત રહેતી પબ્લિક પ્રભુ દેવા, (વડોદરાના ડાન્સર) ધર્મેશ, પુનિત પાઠક, રાઘવ જુયાલ, લૉરેન ગૉટલિબની એન્ટ્રીને ચિક્કાર હુરિયો બોલાવીને વધાવે છે. વળી એ લોકો પ્રોફેશનલ ડાન્સરો છે. એટલે વરુણ-શ્રદ્ધા સારાં ડાન્સર હોવા છતાં આપણું ધ્યાન તો પેલા ડાન્સરોના ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરતા ડાન્સ પર જ રહે છે. વળી ફિલ્મમાં સતત વહેતું કૉમેડી-ડ્રામાનું કૉમ્બિનેશન પણ આપણો રસ સાવ સુકાવા દેતું નથી.

હવે પહેરીએ નેગેટિવ ચશ્માં. આ ફિલ્મમાં કલાકેકના ડાન્સ-પર્ફોર્મન્સિસને બાદ કરો તો એ એકદમ ચવાયેલી અન્ડરડૉગ સ્ટોરી જ બચે છે. અગાઉ આપણે આવી અઢળક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ કે એક ટીમ બને એમાં થોડી માથાકૂટો થાય, દગો થાય, કોઈ વળી ટાણે માંદું પડે, ક્યાંકથી જેલસી-ઈર્ષા ફૂટી નીકળે, અચાનક દેશપ્રેમ જાગ્રત થઈ જાય, કરુણાની સરવાણીઓ ફૂટી નીકળે. અન્ડરડૉગ ફિલ્મોની આ દાદીમાની રેસિપી જેવી જૂની ફૉમ્યુર્લા છે, પરંતુ એ રેસિપી પરની આ ફિલ્મમાં આપણી ધારણા બહારનું ખાસ કશું બનતું જ નથી. ઈવન ફિલ્મનાં મુખ્ય પાત્રોની સામે ખરેખર કરો યા મરો ટાઇપની કોઈ ચૅલેન્જ પણ ફીલ નથી થતી. ABCD’ જેવી ફીલ અનુભવાતી નથી. બસ, કલાકારો નાચ્યા કરે છે અને ફિલ્મ ધીમે-ધીમે આગળ વધતી રહે છે. અઢી કલાક ઉપરની આ ‘ABCD૨’ જાણે કોઈ લાંબો ડાન્સ રિયલિટી શો જોતા હોઈએ એવું જ લાગવા માંડે છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી તો કોઈ જ દેખીતા કારણ વગર ફિલ્મને તાણીતૂસીને લાંબી કરી છે.

રિઝલ્ટ બોલે તો?

આ ફિલ્મ ડાન્સ-ઓરિયેન્ટેડ છે એટલે વરુણ-શ્રદ્ધાએ પણ ચિત્ર-વિચિત્ર કપડાં પહેરીને ક્યુટ દેખાવાનું અને ડાન્સ કરવાનું જ આવ્યું છે. પ્રભુ દેવાની તો આમેય ઍક્ટિંગ કરતાં લોકોને તેનો ડાન્સ જોવામાં જ વધારે રસ હોય છે. એટલે કુલ મિલા કે બાત યે હૈ કિ તમે ડાન્સ રિયલિટી શોઝના ચરસી જેવા વ્યસની હો, પ્રભુ દેવાને જોઈને તમારા મોંમાંથી પણ વિષ્ણુસર નીકળી જતું હોય, રેમો-ટેરેન્સ-ધર્મેશ-રાઘવ-પુનિત-લૉરેન ગૉટલીબ-ગણેશ આચાર્ય તમને તમારાં ફૅમિલી-મેમ્બર્સ જેવાં લાગતાં હોય અથવા તો તમારા હૃદયના કોઈક ખૂણે એક ડાન્સરનો આત્મા સળવળતો હોય તો જ આ ફિલ્મ તમારા માટે છે, બાકી હિપ હૉપ જેવા હાડકાતોડ ડાન્સ તમને નાચકણા-કૂદકણા લાગતા હોય તો મહેરબાની કરીને લાંબા ન થતા.અને હા, આ ફિલ્મને માત્ર એક ગિમિક માટે જ ૩D બનાવવામાં આવી છે. એવી કોઈ મહાન ૩D ઇફેક્ટ આ ફિલ્મમાં છે નહીં. એટલે ટિકિટોના અત્યંત વધી ગયેલા ભાવ જોતાં પ્રમાણમાં ઓછી કિંમતે ૨Dમાં જ જોવાનું રાખજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK