ફિલ્મ રિવ્યુ : અબ તક છપ્પન ૨

હવામાં ગોળીબાર, રામ ગોપાલ વર્માનું ભૂત આવીને પીરસી ગયું હોય એવી આ વાસી ફિલ્મમાં ઍક્ટિંગના છૂટક ચમકારા સિવાય કશો ભલીવાર નથી

ab tak chhappanજયેશ અધ્યારુ

એક દાયકા પહેલાં આપણી ફિલ્મોમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટનો કન્સેપ્ટ નવો હતો. સમાજની ગંદકી સાફ કરવા સુપરકૉપ નાના પાટેકર ઠંડા કલેજે ગુનેગારોને ઠાર કરતો અને પછી ઘરે ફોન કરીને ખાવામાં શું બનાવ્યું છે એ પૂછતો. ડિરેક્ટર શિમિત અમીન તથા પ્રોડ્યુસર રામ ગોપાલ વર્માની એ ‘અબ તક છપ્પન’માં બતાવેલી ઠંડી ક્રૂરતા જોઈને લોકો ધ્રૂજી ગયેલા. હવે આજે જો એ વાર્તામાં કશું જ નવું ઉમેરવા જેવું ન હોય તો એની બોરિંગ, ચવાયેલી સીક્વલ બનાવવાનો શો અર્થ?

ભડાકે દેજો રાજ

પત્નીના અવસાન બાદ પોતાના દીકરા સાથે મુંબઈથી દૂર એક ગામડામાં આવીને વસી ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સાધુ આગાશે (નાના પાટેકર)ને હવે પોલીસ-ફોર્સમાં પાછા ફરવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ મુંબઈમાં ગૅન્ગસ્ટરોનો ઉત્પાત એટલો વધી જાય છે કે મુખ્ય પ્રધાન અન્નાસાહેબ (દિલીપ પ્રભાવળકર) અને હોમ-મિનિસ્ટર જનાદર્‍ન જાગીરદાર (વિક્રમ ગોખલે) નાના પાટેકરને ફરી પાછો મુંબઈ તેડાવે છે. તેની આગેવાની હેઠળ ફરી પાછી એન્કાઉન્ટર-સ્ક્વૉડ શરૂ કરવામાં આવે છે. ધડાધડ ઢીમ ઢળે છે, પરંતુ લોહીનો રેલો પોતાના સુધી પહોંચ્યા બાદ નાના પાટેકરને સમજાય છે કે તે પોતે અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે.

નહીં માફ નીચું નિશાન

નાના પાટેકરના દમદાર અવાજવાળા મૉનોલૉગથી શરૂ થતી આ ફિલ્મના આરંભમાં નાના પાટેકર એક અલગ અંદાજમાં પેશ થાય છે. બંદૂક મૂકીને હવે નાના બોટમાં બેસીને ફિશિંગ કરે છે, ખાવાનું બનાવે છે, નારિયેળ છોલે છે. ઈવન બાળકો સાથે લખોટીએ પણ રમે છે. આપણને થાય કે આ નાનો મુંબઈ આવીને ગુંડાલોકોનાં પણ આ જ રીતે છોતરાં કાઢી નાખશે. શરૂઆતમાં નાના મુંબઈ આવીને પોતાના મારફાડિયા ઓરિજિનલ મિજાજનો પરચો પણ બતાવે છે; જેમાં આશુતોષ રાણા જેવા જુનિયર એન્કાઉન્ટર કૉપ અડફેટે પણ આવી જાય છે, પરંતુ પછી ફિલ્મમાં નક્કર કહી શકાય એવું કશું બનતું જ નથી.

નાના પાટેકરને ફોન પર ટિપ મળતી રહે છે અને ઢીમ ઢળતાં રહે છે; પરંતુ એ લોકો ખરેખર કોને મારે છે, શા માટે મારે છે, એનાથી સિસ્ટમ કઈ રીતે સાફ થઈ રહી છે એવા કોઈ સવાલોના જવાબો નથી મળતા. આખી વાતનો તાળો છેલ્લે એક વાક્યમાં આપી દેવામાં આવે છે જે કાચી રસોઈની જેમ આપણા ગળે નથી ઊતરતો. એ પહેલાંની આખી ફિલ્મ છૂટક એન્કાઉન્ટરોનું કલેક્શન જ બનીને રહી જાય છે. નાના પાટેકર મુંબઈ શહેરની ગુનાખોરી ડામવા આવે છે, પણ એવું કોઈ જાતનું ચિત્ર સ્પક્ટ થતું નથી.

આખી ફિલ્મ એટલી હદે પ્રિડિક્ટેબલ છે કે શરૂઆતમાં કોઈ પાત્ર દેખાય, એ જ ક્ષણે આપણને ખબર પડી જાય કે ગમે ત્યારે આની ગેમ ઓવર થવાની છે અને થાય પણ ખરી. વાંદરો બે બિલાડીને લડાવીને મલાઈ ખાઈ જાય એવી વાર્તા ધરાવતી જથ્થાબંધ ફિલ્મો છેલ્લા દાયકામાં આપણે ત્યાં આવી ગઈ છે. એટલે શરૂઆતની દસ મિનિટમાં (રહસ્ય સહિત) આખી વાર્તાનું લૉજિક આપણને સમજાઈ જાય, પરંતુ આટલી અમથી વાત સાધુ આગાશે બનતા નાના પાટેકરના પાત્રને કેમ સમજાય નહીં એ આપણા દિમાગમાં ઊતરે એવી વાત નથી.

૨૦૦૪ની ‘અબ તક છપ્પન’ રામ ગોપાલ વર્માની સ્ટ્રૉન્ગ છાપ હેઠળ બની હતી. આ ફિલ્મમાં પણ રામ ગોપાલ વર્મા વેતાળની જેમ અદૃશ્ય રીતે ઊડતા દેખાય છે. અત્યારે વર્માભાઉ હિન્દીને બદલે ભળતીસળતી તેલુગુ ફિલ્મો બનાવે છે અને એમાં પણ પોતાના ટ્રેડમાર્ક

કૅમેરા-ઍન્ગલ્સને તિલાંજલિ આપી ચૂક્યા છે. જ્યારે અહીં રામુના એ જ ભેદી કૅમેરા-ઍન્ગલ્સ ઠેર-ઠેર જોવા મળે છે. ટેબલની નીચે, કોઈ પાત્રના બે પગની વચ્ચે, અભેરાઈ પર, ડ્રૉઅરમાં, કારના ડૅશર્બોડ પર અને ઈવન પેંડાના બૉક્સમાં પણ કૅમેરા ઘુસાડીને શૉટ્સ લીધા છે. એવું જ ડાયલૉગ્સનું છે. ‘તુમ સિસ્ટમ કા એક મામૂલી હિસ્સા હો, ઔર મૈં સિસ્ટમ હૂં’ ટાઇપના સંવાદો રામુની અઢળક ફિલ્મોમાં વપરાઈ ગયા છે, જે અહીં ફરીથી રિપીટ થાય છે.

આ ફિલ્મનું બેરહમીથી એન્કાઉન્ટર કરવાનું બાકીનું કામ સેન્સર ર્બોડે ઉપાડી લીધું છે. આખી ફિલ્મમાં એટલીબધી જગ્યાએ અપશબ્દો મ્યુટ કરવામાં આવ્યા છે કે મોટા ભાગના સંવાદો મરી ગયા છે.

આ સીક્વલનું એકમાત્ર સ્ટ્રૉન્ગ પાસું હોય તો એ છે સિનિયર અદાકારોની જાની પહચાની દમદાર ઍક્ટિંગ. નાના પાટેકર જેવા સશક્ત અભિનેતા જ્વલ્લે જ ફિલ્મોમાં આવે અને એ પણ આવી નબળી ફિલ્મોમાં વેડફાતા હોય એ જોઈને આપણું પા શેર લોહી બળી જાય. હા, ઍક્શન-દૃશ્યોમાં હવે તેમની ઉંમર વર્તાય છે. એ ઉપરાંત વિક્રમ ગોખલે, આશુતોષ રાણાની ઍક્ટિંગની એ કમાલ છે કે તેઓ માત્ર સામે જોઈને પણ ભયનો માહોલ સર્જી‍ શક્યા છે. આ સિવાય ફિલ્મમાં દિલીપ પ્રભાવળકર અને મોહન આગાશે જેવા કલાકારો ઘણા સમયે પડદા પર દેખાયા છે, પણ અફસોસ કે તેમના ભાગે ખાસ કશું નોંધપાત્ર કામ આવ્યું જ નથી. ગુલ પનાગને આ ફિલ્મ માટે પૉલિટિક્સમાંથી સમય મળી ગયો છે, પરંતુ તેની ઍક્ટિંગ કરતાં તેના ચહેરા પર લાગેલાં ગંદી ફ્રેમવાળાં ચશ્માં પર જ આપણું ધ્યાન ચોંટેલું રહે છે. હજી આ ફિલ્મમાં કલાકારોની ભીડમાં વધારો કરવા માટે ગોવિંદ નામદેવ અને રાજ ઝુત્શી પણ છે.

નો લપ્પન-છપ્પન

જો તમે નાના પાટેકરના કાળમીંઢ પ્રશંસક હો અને આ ફિલ્મ જોવા જાઓ તો તમને કોઈ રોકી શકવાનું નથી. નહીંતર ‘અબ તક છપ્પન’નું નામ વાંચીને આ ફિલ્મ જોવા ગયા તો પછી ઈશ્વર તમારી રક્ષા કરે. અગાઉ ડઝનબંધ ફિલ્મોમાં ફાઇટ માસ્ટર રહી ચૂકેલા એજાઝ ગુલાબે ડિરેક્ટ કરેલી આ મુરઝાયેલી ફિલ્મનું સૌથી મોટું શાતાદાયક પાસું એ જ છે કે એ માત્ર ૧૦૫ જ મિનિટની છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK