જાણો કેવી છે ફિલ્મ 'A Gentleman'

એકસરખા ચહેરા ધરાવતી બે વ્યક્તિઓની સ્ટોરી કહેતી અ જેન્ટલમૅનમાં થોડું કન્ફ્યુઝન છે, થોડી કૉમેડી છે અને બાકી ઍક્શન છે

a gentleman

ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે

અ જેન્ટલમૅન

બે સપ્તાહ પહેલાં જુડવા ભાઈઓની વાર્તાવાળી અનીસ બઝમીની ‘મુબારકાં’ ફિલ્મ આવી હતી. ૧૮ ઑક્ટોબરે ઍક્ટર વિજયની તામિલ પિરિયડ ફિલ્મ ‘મર્સલ’ આવવાની છે અને ‘અ જેન્ટલમૅન’ પહેલાં જ ‘જુડવા ૨’નું ટ્રેલર બતાવાય છે. આ બધામાં કૉમન શું છે? ટ્વિન્સ ભાઈઓ કે એક જેવી દેખાતી બે વ્યક્તિઓની વાર્તા. બે ભાઈઓ અદ્દલ એવા જ દેખાતા હોય ને નાનપણમાં છૂટા પડી ગયા હોય અને વર્ષોનાં વહાણાં બાદ સંયોગ એવા સરજાય કે બન્ને સામસામા આવીને ઊભા રહે. આવી કંઈક એકસરખી આ ફિલ્મોની સ્ટોરીલાઇન હોય. અથવા તો બન્ને એક જેવા લાગતા ચહેરાઓના કારણે સિચુએશનલ કૉમેડી સરજાય એના પર પણ આપણે ત્યાં ઘણી ફિલ્મો બની ચૂકી છે. પ્લીઝ, મહેરબાની કરીને ‘હમશકલ્સ’નું કોઈ નામ ન લો યાર! તો... ‘અ જેન્ટલમૅન’ પણ ટ્રેલર પરથી તો એવી જ બે સેમ ચહેરાધારી વ્યક્તિઓની વાર્તા લાગતી હતી. શું છે અંદર? દેખતે હૈં...

કોણ સુશીલ? કોણ રિસ્કી?


ફિલ્મના નામ ‘અ જેન્ટલમૅન’ની સાથે ડિરેક્ટર ભાઈઓએ ‘સુશીલ સુંદર રિસ્કી’ એવું પેટાહેડિંગ મૂક્યું છે. એ મુજબ સુશીલ ગૌરવ એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રા (સિદ્ધાર્થ તમને સુંદર ક્યારે લાગ્યો છે?) માયામીની એક કૉર્પોરેટ કંપનીમાં શાદીડૉટકૉમની ઍડ્વર્ટાઇઝમેન્ટ જેવો ડાહ્યોડમરો થઈને ચૂપચાપ પોતાની નોકરી કરે છે. તેણે પોતાનું ભવિષ્ય સિક્યૉર કરવા ઘર ખરીદી લીધું છે. ભવિષ્યમાં આવનારાં બાળકો માટે મોટી ગાડી લઈ લીધી છે. બસ, હવે એક પત્ની બને એવી ગર્લફ્રેન્ડની કમી છે. એ માટે ઑફિસ-કલીગ કાવ્યા (ઉત્તમોત્તમ સુંદર જૅકલિન ફર્નાન્ડિસ) તૈયાર છે! જોકે કાવ્યાને થોડો સુંદર અને સુશીલ નહીં પણ થોડો રિસ્કી, કંઈક ઍડ્વેન્ચર કરે એવો છોકરો જોઈએ છે. ગૌરવમાં કોઈ તકલીફ નથી એ કાવ્યાને મન મોટી તકલીફ છે. ગૌરવ એટલો સીધો છે કે ક્લિયર રસ્તા પર પણ ગાડી એટલી સ્લો ચલાવે કે સાઇકલ પર જતો છોકરો તેને ઓવરટેક કરી જાય. ગૌરવ કાવ્યાને પટાવવા માટે, પ્રપોઝ કરવા માટે પેંતરા અજમાવ્યે રાખે છે.

બીજી બાજુ મુંબઈમાં બધાનાં હાડકાં તોડતો ફાઇટર અને એજન્ટના કૉમ્બિનેશન જેવો રિસ્કી રિશી (સિદ્ધાર્થ મલ્હોત્રા) છે, જે એક યુનિટ એક્સ નામની ખુફિયા એજન્સી માટે યાકૂબ (‘ફ્ણ્ ૧૦’ અને ‘મૅરી કૉમ’માં ચમકેલો અદ્ભુત કલાકાર દર્શન કુમાર) ઉપરાંત અન્ય સાથીઓ સાથે મળીને કામ કરે છે. યુનિટ એક્સનો બૉસ કર્નલ (સુનીલ શેટ્ટી) છે. બાળપણથી જ આમાં ભેરવાઈ ગયેલા રિશીને નિર્દોષ લોકોને મારવા જરાય ગમતા નથી. તે આ બધું છોડીને નવી જિંદગી જીવવા માગે છે. ઘરપરિવાર વસાવવા માગે છે. એક દિવસ તે કર્નલને વાત કરે છે. કર્નલ તેને લાસ્ટ ટાસ્ક આપે છે, જેમાં તેને એક સીક્રેટ ઇન્ફર્મેશનવાળી ડ્રાઇવ ચોરવાની હોય છે. બીજી બાજુ કર્નલે કામ પૂરું થતાં રિશીને પતાવી નાખવાનો યાકૂબને ઑર્ડર આપી રાખ્યો છે. પ્લાન મુજબ એ ડ્રાઇવ મળી જાય છે, યાકૂબ સાથે હાથાપાઈ થાય છે અને રિશી ભાગી છૂટે છે. આ દરમ્યાન માયામીથી ગૌરવને ઑફિસના કામે મુંબઈ આવવાનું થાય છે. અને શરૂ થાય છે બે સરખી આઇડેન્ટિટીઝના કારણે થોડું કન્ફ્યુઝન, થોડી કૉમેડી અને બાકી ઍક્શન!

હૂ ઇઝ રિયલ જેન્ટલમૅન?

‘શોર ઇન ધ સિટી’ અને ‘ગો ગોઆ ગૉન’ જેવી લિટલ બિટ હટકે ફિલ્મો બનાવી ચૂકેલા રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકે, જેઓ રાજ ઍન્ડ ડીકે તરીકે જાણીતા છે તેમણે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ઍક્શન-કૉમેડીના પ્રકારમાં આવતી ‘અ જેન્ટલમૅન’ની બાઇક-ચેઝ સીક્વન્સિસ કમ્પ્યુટર પર ગેમ જોતા હોઈએ એવી લાગે છે. પણ ‘ગો ગોઆ ગૉન’ જેવી અમુક પન્ચ-લાઇન્સ, અમુક દેશી ગાળો, ફની સીન્સ, સ્માર્ટ વન-લાઇનર્સ અને નરેશન ગુડથી થોડું સારું છે! સ્ટોરી ક્લિશે છે, પરંતુ નરેશન અને સ્ક્રીનપ્લેના કારણે જોવાની મજા પડે છે. ઍટ લીસ્ટ, ઇન્ટરવલ સુધી તો દમદાર છે જ! ખાસ તો બે સિદ્ધાર્થ એટલે કે ગૌરવ અને રિશીનું જક્સ્ટાપોઝિશન અર્થાત અદલાબદલી થાય છે ત્યારના સીન સરસ ફિલ્માવાયેલા છે. રાજ ઍન્ડ ડીકેએ સ્માર્ટ્લી એક ટ્વિસ્ટ ફિલ્મમાં મૂકી દીધો છે જેથી તમે બે સિદ્ધાર્થ વચ્ચેનું કનેક્શન વિચારવા મજબૂર થાઓ, સ્ટોરી મિસપ્લેસ્ડ થતી લાગે ત્યારે જ એ તમારી સમક્ષ ખૂલે છે!

પર્ફોર્મન્સ જેન્ટલ કે પછી...

ફિલ્મમાં એવા બહુ ઓછા સીન્સ છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ક્રીન પર ન હોય! તેણે ડેન્જરસ રિશી અને ગુડ બૉય ગૌરવ એમ બેઉ પાત્રો બખૂબી નિભાવ્યાં છે. સામાન્ય રીતે ડબલ રોલ હોય એટલે બેઉના હાવભાવ, લુક અને કૉસ્ચ્યુમ્સ બધુ જ જુદું હોય. અહીં એવું નથી. છતાંય બેઉ જુદા છે! સિદ્ધાર્થે પ્રમાણમાં સારી ઍક્ટિંગ કરી છે. આમેય સિદ્ધાર્થ એવો કલાકાર રહ્યો છે જે સ્ટાર તો ક્યારેય લાગતો જ નથી પણ ફિલ્મમાં તેને જોવો ગમે. જૅકલિન પોતાના સુંદર શરીર ઉપરાંત એક સૉન્ગમાં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે એવો પોલ-ડાન્સ પણ બતાવે છે. અમુક સીન્સમાં ઍક્શન કરવાની પણ ટ્રાય કરી છે. ‘યે જવાની હૈ દીવાની’, ‘૨ સ્ટેટ્સ’ તથા ‘હૅપી એન્ડિંગ’ના ડાયલૉગ-રાઇટર રહી ચૂકેલા અને અહીં ગૌરવના ફ્રેન્ડ બનતા દીક્ષિતના રોલમાં હુસેન દલાલની ઍક્ટિંગ લા-જવાબ છે. તેના મોઢે ફની ડાયલૉગ્સ મુકાયા છે. તેનું નામ દીક્ષિત જ ઇંગ્લિશ ઍક્સન્ટમાં ડબલ મીનિંગ ગૅગ્સ ઊભા કરવા માટે પૂરતું છે! રિશીના ભાગી છૂટ્યા બાદ કર્નલ (સુનીલ શેટ્ટી)નો રાઇટ હૅન્ડ બનતો યાકૂબ એટલે કે દર્શન કુમાર પ્યૉર વિલન લાગે છે. હા, કેમ કે આજકાલ વિલન જ વિલન જેવા નથી લાગતા. દર્શન તેના બૉસ અર્થાત મોટા વિલન સુનીલ શેટ્ટી કરતાં વધુ ભયાવહ લાગે છે. તે જલદીથી આ પ્રકારના રોલમાં બીજી બે-ચાર ફિલ્મમાં દેખા દેવાનો. સુનીલભાઈ તો ‘મૈં હૂં ના’માંથી સીધા ઊતરીને અહીં પડ્યા હોય એવું લાગે છે. એન્ટ્રીના કડક સીન બાદ તેમના ભાગે ફુટેજ પણ ઓછું આવ્યું છે. કર્નલની મદદ માટે માયામી-બેઝડ ગુજરાતી માફિયા ઑપરેટર છે જિજ્ઞેસ. ના, ઍક્ચ્યુઅલી છે જિજ્ઞેશ! જે રોલ તાજેતરમાં ‘ચોર બની થનગાટ કરે’માં ઍઝ અ લીડ ઍક્ટર ચમેકલા અમિત મિસ્ત્રીએ ભજવ્યો છે. તે વૉટ્સઍપ પર દેશી સ્ટોર માફિયા ગ્રુપ ચલાવે છે. પાત્ર ટિપિકલ ગુજરાતી કૅરિકૅચરિશ છે, જેમાં ગુજરાતીઓ અને એના સિવાયનાને પણ ખૂબ હસવું આવે છે. જૅકલિનનાં મમ્મી-પપ્પાના રોલમાં રજિત કપૂર અને સુપ્રિયા પિલગાંવકર છે, જે થોડા સમય માટે આવીને પોતાની હાજરી નોંધાવી જાય છે. 

મ્યુઝિક કેવું છે?


ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગરે આપ્યું છે. ચંદ્રલેખા, લાગી ના છૂટે, ડિસ્કો ડિસ્કો અને બાત બન જાએ ગીતો જે ક્રમમાં લખ્યાં એ જ ક્રમમાં ટૂંક સમયમાં ભુલાઈ જવાનાં છે. હવે ગીતો વાર્તાને આગળ ધપાવે એવું રહ્યું નથી, માત્ર નડવાં ન જોઈએ તો બસ છે! બંદૂક મેરી લૈલા ગીતની ટ્યુન સાંભળવી ગમે છે, પણ કમબખ્ત એ ગીત ફિલ્મમાં બૅકગ્રાઉન્ડમાં સાવ ઓછી વખત આવે છે.

નામથી શું ફરક પડવાનો?

૨૦૧૬ના મધ્યમાં ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘રીલોડેડ’ નક્કી થયું હતું. ફિલ્મ બનતી હતી ત્યારે રુમર્સ હતી કે આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી સિદ્ધાર્થ આનંદની મહાફ્લૉપ ‘બૅન્ગ બૅન્ગ’ની રીમેક છે! એક સમયે હૃતિક-કૅટરિનાની જગ્યાએ સિદ્ધાર્થ-જૅકલિનને લેવાનાં છે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. અંતે અનાઉન્સ કરવામાં આવ્યું કે આ સ્વતંત્ર ફિલ્મ છે, માત્ર એનું પ્રોડક્શન-હાઉસ સેમ છે એટલે એમ લાગતું હશે. જે હોય તે! આનું નામ ‘બૅન્ગ બૅન્ગ ૨’ રખાયું હોત, ‘રીલોડેડ’ લખાયું હોત કે ‘અ જેન્ટલમૅન’ રખાયું છે એનાથી કંઈ ફરક પડતો નથી!

જોવી કે નહીં?


ઇન્ટરવલ સુધી પાત્રો એસ્ટૅબ્લિશ થઈને સ્ટોરી આગળ વધે છે, પણ રાબેતા મુજબ ઇન્ટરવલ બાદ ડચકાં ખાવા માંડે છે. સિદ્ધાર્થ પ્રમાણમાં વધુ વખત શર્ટ કાઢે છે એટલે છોકરીઓ માટે, માયામી બીચ પર હરતીફરતી જૅકલિન છે એટલે છોકરાઓ માટે અને આજે રવિવાર છે એટલે ફિલ્મરસિકો માટે માત્ર એન્ટરટેઇનમેન્ટના ઇરાદાથી ફિલ્મ જોવી હોય તો એક્સો તેંત્રીસ મિનિટની આ ફિલ્મ બેસ્ટ છે, અન્યથા બાકીનાઓ માટે ઍવરેજ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK