ફિલ્મ રિવ્યુ : અ ફ્લાઇંગ જટ્ટ

ઉડતા પંજાબી : પંજાબી બૅકડ્રૉપના અતિરેકવાળી આ અત્યંત નબળી ફિલ્મમાં લોકોને બોર થતાં ખુદ સુપરહીરો પણ બચાવી શકે એમ નથીજયેશ અધ્યારુ

સુપરમૅનના મોસાળ ક્રિપ્ટન ગ્રહ પરથી મળી આવેલી હસ્તપ્રતોમાંથી જાણવા મળ્યું છે કે સુપરહીરો મૂવીઝ બનાવવી અઘરી છે. એમાંય બાળકોની ફિલ્મો બનાવવી તો એનાથીય અઘરી છે, કેમ કે બાળકો નબળી ફિલ્મ કદાચ ચલાવી લે; પરંતુ બાલિશ ફિલ્મો ક્યારેય નહીં. ડાન્સ કરતાં-કરાવતાં ફિલ્મો બનાવવા પર ચડી ગયેલા રેમો ડિસોઝાની ટાઇગર શ્રોફ સ્ટારર ‘અ ફ્લાઇંગ જટ્ટ’ આવી જ એક બાલિશ સુપરહીરો ફિલ્મ છે. જો એમાં થોડીક મેચ્યૉર સ્ટોરી નાખવાની મહેનત કરી હોત તો એમાં હૉલીવુડની ‘ડેડપૂલ’ જેવી સુપરહીરો ફિલ્મોની ખિલ્લી ઉડાવતી સ્પૂફ ફિલ્મ બનવાની શક્યતા હતી. અફસોસ કે એવું થયું નથી અને આ પ્રચંડ લાંબી ફિલ્મ જોઈને બાળકો પણ કહી ઊઠશે કે ચલ ચલ, બચ્ચા સમઝ રખ્ખા હૈ ક્યા?

માં દા લાડલા સુપરહીરો બન ગયા

પંજાબમાં કોઈ ઠેકાણે નદીકિનારે એક જાયન્ટ સાઇઝના બોન્સાઇ જેવું એક વૃક્ષ છે. એ વૃક્ષને અડીને એક સોસાયટી છે. એ સોસાયટીની માથાભારે અર્નબ ગોસ્વામી કરતાં પણ ઊંચો અવાજ ધરાવતી માલિકણ છે મિસિસ ઢિલ્લન (અમૃતા સિંહ). તેમના સ્વર્ગસ્થ પતિદેવ છેક ચીન જઈને શાઓલિન કુંગ ફુ શીખી આવેલા. એના પ્રતાપે આજે તેમનો દીકરો અમન (ટાઇગર શ્રોફ) પણ માર્શલ આર્ટ શીખેલો છે અને દીપા કર્મકાર કરતાં પણ વધુ ઊંચા જમ્પ મારે છે. પરંતુ આ જગ્યા પર ચમકતી ટાઇ પહેરેલા નામ વિનાના એક ઉદ્યોગપતિ મલ્હોત્રા (કે. કે. મેનન)ની નજર પડે છે. હવે આ લાતોં કે ભૂતને ભગાવવા માટે મલ્હોત્રા એક વિદેશી રાક્ષસ રાકા (નૅથન જોન્સ)ને ત્યાં મોકલે છે. બરાબર એ જ સમયે ક્લાઉડમાંથી અમનના શરીરમાં સુપરપાવર્સ ઇન્સ્ટૉલ થઈ જાય છે. આ સુપરપાવર સાથે આપણો હીરો ચાઇનીઝ ભેળ જેવો સુપરહીરો બની જાય છે. બીજી બાજુ પેલા વિલનમાં પણ કોઈ વાઇરસવાળો સુપરહીરો પ્રોગ્રામ ઇન્સ્ટૉલ થઈ જાય છે અને તે સુપરવિલન બની જાય છે. પ્રદૂષિત હવા-પાણીની આ વિલન પર બૉર્નવિટા-કૉમ્પ્લાન જેવી અસર થાય છે. સાંઢની જેમ ભાંભરતો-ભાંભરતો એ સુપરવિલન આપણા બ્લુ ચાદરવાળા સુપરહીરો સાથે બાખડે છે. જથ્થાબંધ ગાડીઓ અને પબ્લિક પ્રૉપર્ટીનો કચ્ચરઘાણ વળે છે અને આખરે એ વિલનને લિટરલી આ પૃથ્વી પરથી તડીપાર કરવામાં આવે છે. આપણો હીરો એકલો ડિપ્રેસ ન થઈ જાય એટલા માટે એના માટે કીર્તિ (જૅકલિન ફર્નાન્ડિસ) નામની એક શાશ્વત બબલી ગર્લને પણ ફિલ્મમાં ઇન્સ્ટૉલ કરવામાં આવી છે.

પંજાબ દા ટાઇગર પુત્તર

હૉલીવુડમાં દરેક સુપરહીરોને પ્રધાનોનાં ખાતાંની જેમ અલાયદા સુપરપાવર ફાળવવામાં આવે છે, જ્યારે આપણે ત્યાં બધા જ ર્પોટફોલિયો એક જ સુપરહીરો સંભાળે છે. એટલે જ ઉડતા પંજાબનો આ દેશી સુપરહીરો સુપરમૅનની જેમ ઊડે છે, ધ ઇન્ક્રેડિબલ્સના પાત્ર ડૅશની જેમ પુરપાટ દોડી શકે છે અને એના જેવી જ પટ્ટી આંખ પર પહેરે છે, એક્સ મેનના ક્વિકસિલ્વરની જેમ સમયને રોકી શકે છે, બ્રુસ ઑલમાઇટીની જેમ દુનિયાના તમામ દુ:ખિયારાના આર્તનાદ સાંભળી શકે છે એટલું જ નહીં; સની લીઓનીથી લઈને માઇકલ જેક્સન સુધીની રેન્જમાં ડાન્સ પણ કરી શકે છે (બસ, એક ઍક્ટિંગ જ કરી શકતો નથી). ફિલ્મમાં સીધોસાદો અમન સ્પાઇડરમૅનની સ્ટાઇલમાં ફ્લાઇંગ જટ્ટ નામના સુપરહીરોમાં કન્વર્ટ થઈ જાય છે. તે એટલોબધો સંસ્કારી ભારતીય છે કે તેની મમ્મીના હાથના આલૂ કે પરાઠે, ગાજર કા હલવા કે ખીર ખાઈને આર્શીવાદ લઈ લીધા હોત તોય તેનામાં અતીન્દ્રિય શક્તિઓ આવી જાત. અલબત્ત, હૉલીવુડના અને આપણા સુપરહીરોમાં એક તફાવત એ છે કે ત્યાં પ્રેમિકા છૂટી જાય તોય તે પોતાની ઓળખ છતી ન કરે, જ્યારે અહીં તો સુપરહીરો પોતાની હિરોઇન માટે બીજી જ સેકન્ડે કૉસ્ચ્યુમ ફગાવીને શાહરુખનો પોઝ આપી દે છે.

આમ જોવા જાઓ તો આ ફિલ્મ પાછળ રેમો ડિસોઝાનો ઇરાદો નેક છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન કે ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયાની થીમ પર ફિલ્મ બનાવી હોય એટલા બધા મેસેજ એમાં ભભરાવ્યા છે. એટલે જ તો તેમનો સુપરહીરો વૃક્ષમાંથી શક્તિ મેળવે છે અને સુપરવિલન પ્રદૂષણમાંથી. પરંતુ બાકીના લોકો પણ આ સુપરહીરોને એવી સહજતાથી સ્વીકારી લે છે જાણે તેને પ્રધાનમંત્રી દુનિયા બચાઓ યોજનાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યો હોય. મેસેજ આપવાનો ડિરેક્ટરનો ઉત્સાહ એટલોબધો છે કે ફિલ્મના અંતે ખુદ ડિરેક્ટરનો ક્વોટ પણ અવતરિત થાય છે : હે પૃથ્વીવાસીઓ, આ જગતમાં સર્વે ચીજોનો વિકલ્પ છે, પરંતુ પૃથ્વીનો કોઈ વિકલ્પ નથી - રેમો. આ ઉત્સાહના અતિરેકમાં વૃક્ષની માનતા માનવાથી સૌ સારાં વાનાં થઈ જાય એ અંધશ્રદ્ધા પાછલા બારણેથી ઘૂસી ગઈ છે એ તેમને ખ્યાલ નથી રહ્યો.

ટાઇગરમાં સુપરપાવર્સ આવ્યા પછીના અમુક સીન ખરેખર સરસ બન્યા છે. જેમ કે ઊંચાઈના ડરને લીધે તે નીચે રહીને ઊડે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, ઘરનાં બાવાજાળાં સાફ કરે, બહારથી દૂધી લેતો આવે એવી મોમેન્ટ્સ મસ્ત છે. પરંતુ બાકીની આખી ફિલ્મ ‘શક્તિમાન’, ‘બાલવીર’ કે ‘છોટા ભીમ’ જોતા હોઈએ એવી જ ફીલ આપે છે. સ્ટોરી અને એનું એક્ઝિક્યુશન એટલું બાલિશ છે કે અઢી કલાકની આ ફિલ્મ અઢી દાયકા જેટલી લાંબી લાગે છે. ઉપરથી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ એ હદે નબળી છે કે એની સામે ‘બાલવીર’ પણ હૉલીવુડ ફિલ્મ જેવું લાગે. ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસની હાજરીને જસ્ટિફાય કરવા માટે નખાયેલાં વણજોઈતાં ગીતો એની લંબાઈમાં ઓર વધારો કરે છે. બાળકો માટેની ફિલ્મમાં સજેસ્ટિવ ચેનચાળાવાળું બીટ પે બૂટી જેવું ગીત શું કામ છે એવું નહીં પૂછવાનું. આજકાલનાં બાળકો બધું સમજે છે, સમજ્યા?

આ ફિલ્મમાં સમ ખાવા પૂરતા એક પાત્રમાં પણ આંગળીનું ટેરવું ડૂબે એટલુંય ઊંડાણ નથી. અમૃતા સિંહ તો કંઇકેય જીવંત લાગે છે; પરંતુ કે. કે. મેનન, જૅકલિન, ટાઇગર અને સાત ફુટિયો પરદેશી નૅથન જોન્સ બધા જ તદ્દન કાર્ડબોર્ડિયાં અને કૅરિકેચરિશ છે. જો બાળકોનાં મનોરંજનાર્થે માત્ર પર્યાવરણને બચાવવા પૂરતા જ સીમિત રહ્યા હોત તો હજી ચાલી જાત, પરંતુ અહીં તો ફિલ્મને માત્ર પંજાબી ઑડિયન્સ માટે જ બનાવી હોય એમ ઓવર પંજાબીફિકેશન કરી નાખ્યું છે. આ સુપરહીરો એટલોબધો પંજાબી છે કે અત્યારે પંજાબમાં ચૂંટણી લડે તોય જીતી જાય.

બોરિંગ જટ્ટ

ગણ્યા ગાંઠ્યા સીનને બાદ કરતાં આ ફ્લાઇંગ જટ્ટમાં મજા પડે એવું કશું જ નથી. આશા રાખીએ કે આ ફિલ્મની સીક્વલ ન આવે. હા, ઘરનાં બચ્ચાંલોગ જીદ કરતાં હોય તો તેમને આ ફિલ્મ જોવા લઈ જવાં એ પણ પેરેન્ટિંગનો જ એક ભાગ છે. ઘરે આવીને ફિલ્મના મેસેજના ભાગરૂપે આ ચોમાસે એક છોડ વાવી દો તો ધક્કો લેખે લાગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK