જાણો છે કેવી છે ફિલ્મ 'હેલિકૉપ્ટર ઈલા'

પરિણીતા અને મર્દાની ફેમ પ્રદીપ સરકારની હેલિકૉપ્ટર ઈલા બિલો ઍવરેજ છે. સિંગલ મધર અને સંતાન વચ્ચેના સંબંધ, પરવરિશ અને પ્રેમના અતિરેકનો મેસેજ ઉમદા છે; પણ નરેશન અને ફિલ્માંકન નબળાં છે. સબપ્લૉટ્સની સામગ્રી સારી છે, પણ એને મિક્સ કરીને પિરસાયેલી વાનગી સ્વાદવિહીન ફીકી છે. આ અઠવાડિયે બાકીના ઑપ્શન છે જ, આ હેલિકૉપ્ટરમાં પોતાના જોખમે ને ખર્ચે બેસાય...

eela\\

ફિલ્મ-રિવ્યુ - હેલિકૉપ્ટર ઈલા

બાપા કાગડો!

ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓમાં એક વાર્તા છે, બાપા કાગડો! જેમાં એક વાણિયાનો છ-સાત વરસનો પડપૂછિયો છોકરો છે, જે રોજ બાપાની દુકાને જાય અને કંઈક ને કંઈક પૂછuા કરે. બાપા ક્યારેય ન ખિજાય. એક દિવસ છોકરાએ બાપાનો ખોળો ખૂંદતાં-ખૂંદતાં દુકાનની સામેના ઝાડ પર એક કાગડો જોયો અને બોલ્યો : બાપા કાગડો! એક વાર, બે વાર, વારંવાર. પણ બાપ જરાય ચિડાય નહીં. તે શાંતિથી, પ્રેમપૂર્વક જવાબ આપે. એ દિવસે છોકરો જેમ-જેમ બોલતો ગયો તેમ-તેમ બાપા ચોપડામાં લખતો ગયો. છોકરો થાક્યો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર બાપા કાગડો, હા ભાઈ કાગડો! લખાયેલું હતું. આ વાતને વર્ષો વીતી ગયાં. છોકરો ત્રીસ વર્ષનો, શેઠ બની ગયો. વાણિયો ઘરડો થઈ ગયો. તેને દુકાને જોતાંવેંત જ છોકરો બોલતો કે આ ડોસો અહીં ક્યાં આવ્યો? નકામો ટકટકાટ કરશે અને જીવ ખાશે. બાપાએ એક દિવસ લાગ જોઈને કાગડો જોતાં જ કહ્યું, બેટા કાગડો! છોકરો તો ડોસાના પ્રશ્નથી જ વિચારે ચડ્યો અને ચિડાઈને બોલ્યો, હા બાપા! કાગડો. ડોસાએ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, વારંવાર કહ્યું. છોકરો ભભૂકી ઊઠ્યો. તેણે કાગડો ઉડાડી મૂકવા કહ્યું. બાપાએ શાંતિથી પેલો ચોપડો મંગાવ્યો અને છોકરા સામે ધરી દીધો.  

વેલ, બાપ-દીકરાની આ અત્યંત જાણીતી વાર્તા છે. આ જ તર્જ પર નૅશનલ અવૉર્ડ વિનર ‘શિપ ઑફ થિસિયસ’ ફેમ આનંદ ગાંધીનું એક ગુજરાતી નાટક છે, બેટા કાગડો. એના પરથી ‘પરિણીતા’ અને ‘મર્દાની’ના સર્જક પ્રદીપ સરકારે મુખ્ય ભૂમિકામાં કાજોલને લઈને બનાવી છે ‘હેલિકૉપ્ટર ઈલા’. વાર્તા અત્યારે પણ વાંચવાની જેટલી મજા આવી એટલી મજા ફિલ્મ જોયા પછી નથી આવતી. નાટક થોડું અલગ હશે. ફિલ્મમાં પ્રેમના અતિરેકના કારણે થતી ગૂંગળામણ ઉપરાંત પુત્રની આસપાસની દુનિયામાં જ ખોવાયેલી રહેતી માતા પોતાને ગમતું ક્યારે કરશે એ સેલ્ફ-ડિસ્કવરી અને મુક્તિની વાત પણ વણી લેવામાં આવી છે, પણ સ્ક્રીનપ્લે તાવ આવી ગયો હોય એવો સુસ્ત અને મંદ છે. નરેશન ફ્લૅટ છે અને વાર્તાનું ફિલ્માંકન જરાય અસરકારક નથી. એના લીધે કાજોલ જેવી અભિનેત્રી અને નૅશનલ અવૉર્ડ વિનર ટૅલન્ટેડ બંગાળી કલાકાર રિદ્ધિ સેન વેડફાયા છે. 

વાલીપણું

સુનીતા રાવના પરી હૂં મૈં સૉન્ગથી ફિલ્મ ઊઘડે છે. ઈલા (કાજોલ) તે સાંભળી રહી હોય છે અને આપણને ખ્યાલ આવે છે કે તેનું પણ ક્યાંક સિંગર થવાનું સપનું હતું. તેણે પાછલી ઉંમરે કૉલેજમાં ઍડ્મિશન લીધું છે એટલે લોકો અજુગતી નજરે જુએ છે. ટ્રેલરમાં બતાવે છે એ મુજબ તેનો દીકરો વિવાન (રિદ્ધિ સેન) પણ એ જ કૉલેજમાં છે. તે મમ્મીને જોઈને ચિડાય છે. અહીંથી ફ્લૅશબૅક શરૂ થાય છે, જે જાય છે નાઇન્ટીઝમાં.

કાજોલ કહે છે કે તબ મૈં ફેમસ થી! (સાચી વાત છે) ફ્લૅશબૅકમાં આપણને કાજોલની સિંગર બનવા માટેની સ્ટ્રગલ જોવા મળે છે. એમાં તેને સાથ આપે છે બૉયફ્રેન્ડ અને ત્યાર બાદ પતિ બનતો અરુણ (તોતા રૉય ચૌધરી). નાઇન્ટીઝ છે એટલે ત્યારનો રેટ્રો લુક, સ્ટુડિયોઝ અને હિન્દી-પૉપ મ્યુઝિક આપણને સંભળાય છે. ઈલા ખુદ અલીશા ચિનૉયનું રુક રુક રુકનું ડમી વર્ઝન ગાય છે! (બહુ જ ખરાબ!) ઈલા થોડી ફેમસ પણ થાય છે. લગ્ન કર્યાં એટલે વિવાનનો જન્મ થાય છે અને એક વિચિત્ર કારણસર અરુણ બેઉને મૂકીને જતો રહે છે. ત્યારથી ઈલા વિવાનની મધર અને ફાધર બન્ને છે. તેના માટે પઝેસિવ નથી, પણ પ્રેમ છે. એવો પ્રેમ જે વિવાનને ગૂંગળાવી રહ્યો છે, જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં હેલિકૉપ્ટર પેરન્ટિંગ કહે છે. એટલે કે સંતાનોની આસપાસ સતત હેલિકૉપ્ટરની જેમ મંડરાતું રહે એવું વાલીપણું. દીકરો માથી ચિડાયેલો છે અને તેને માની ચિંતા પણ છે, માને દીકરાની અત્યંત ચિંતા છે. દર્શકોને પોતાની ધીરજની ચિંતા છે. ડિરેક્ટર-રાઇટર્સને એ ચિંતા છે કે આ ફિલ્મનો મેસેજ લોકો સુધી બરાબર પહોંચશે કે કેમ, એટલે તેઓ ગોખાવવા માટે એક ને એક વાત વારંવાર ઠોક્યે રાખે છે. 

કેવી છે ફિલમ?

પ્રમાણમાં સારી એવી ‘મર્દાની’નાં ૪ વર્ષ બાદ પ્રદીપ સરકાર ડિરેક્ટરની સીટ પર આવ્યા છે. એ ફિલ્મમાં રાની મુખરજીના અભિનયનાં વખાણ થયાં હતાં. અહીં કાજોલનું કૅરૅક્ટર ઓવર-રીઍક્ટેડ અને અને લાઉડ લખાયું છે. કહ્યું એમ, બહુધા દૃશ્યો રિપેટિટિવ છે. ટ્રેલરમાં બતાવે છે એ પ્રમાણે (‘અંધાધુન’ જેવી ફિલ્મોને બાદ કરતાં આજકાલ ટ્રેલરમાં મહત્વનું બધું જ બતાવી દેવાય છે!) માએ દીકરા માટે નાસ્તો તૈયાર કરેલા ડબ્બાનો એક સીન છે. એ સીનમાં એક વખત હસવું આવે, બીજી વખત સીન એમ ને એમ પસાર થાય અને ત્રીજી વખત કંટાળો આવે. અહીં આવું થયું છે. ફિલ્મના પહેલા દૃશ્યથી જ કાજોલ ‘કભી ખુશી કભી ગમ’ની અંજલિ શર્મા જેવી લાગે છે, જે હવે મોટી થઈને ચાલીસીમાં આવી ગઈ છે. પણ એમાં કન્વિન્સિંગ હતી, અહીં નથી. અહીં કાજોલ કૂતરાથી ડરે છે એવાં બે દૃશ્યો છે. બેઉમાં તે ડરવાનું નાટક કરતી હોય એવી લાગે છે. તે હૉસ્પિટલના બિછાને હોય

તો પણ તેના લિપસ્ટિક, વાળ, મેકઅપ અપ-ટુ-ડેટ છે!

ઈલાના ફ્લૅશબૅકમાં આપણને અનુ મલિક, મહેશ ભટ્ટ, ઈલા અરુણ, શાન, અલીશા ચિનૉય સહિતનાનો કૅમિયો જોવા મળે છે. નાના દેખાય એ માટે મહેશ ભટ્ટે બ્લૅક ડાઇ કરી છે. ભયંકર વિચિત્ર લાગે છે. આ તો બ્લૅક શર્ટ હતું એટલે બાકી ઓળખવામાં પણ વાર લાગે છે! અહીં લોચો એ થયો છે કે ફિલ્મની મૂળ વાત સાઇડલાઇન થઈ ગઈ છે અને ઈલાની સિંગર તરીકેની જર્ની ફ્રન્ટ ફૂટ પર આવી ગઈ છે. અડધી ફિલ્મ સુધી આપણને ઈલા-અરુણ (યસ!)ની લવ-સ્ટોરી દેખાય છે. બીજો લોચો એ છે કે વાત સિન્ગિંગની થઈ રહી છે અને ફિલ્મનું મ્યુઝિક કચરો છે. કાજોલનો અવાજ પામોલી ઘોષ બની છે અને એ અસંગત લાગે છે. માનવામાં જ નથી આવતું કે ઈલા ગૉડ ગિફ્ટેડ સિંગર છે, ભલે અમિતાભ બચ્ચન કહે! (હા, ધ્ગ્ઘ્ અને બિગ બીનો પણ કૅમિયો છે. બિલેટેડ હૅપી બર્થ-ડે સર!) બીજું જરાય માનવામાં ન આવે એવું અરુણ પત્ની-બાળકને મૂકીને ચાલ્યો જાય છે એની પાછળનું કારણ છે. આમ તો એને સાઇકોલૉજિકલ ડિસઑર્ડર જ કહેવાય! પાત્રાલેખન ઉભડક છે એનું બેસ્ટ ઉદાહરણ અરુણ છે! 

ફિલ્મ જેના માટે બની છે એ મુખ્ય મુદ્દો એક પણ વાર ઇફેક્ટિવ રીતે રજૂ નથી થઈ શક્યો. મા-દીકરાના જે તકરાર કે સંઘર્ષનાં દૃશ્યો છે તે તમે ફિલ નથી કરી શક્તા. ઈવન, આગળ જતાં તો મા-દીકરો સાવ ક્ષુલ્લક લાગે એવી વાત પર ઝઘડી પડે છે. હા, આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર છે એવું યાદ અપાવતી એકાદ-બે મૅચ્યોર મોમેન્ટ્સ છે. કાજોલનો પર્કી યંગ અવતાર, ૯૦નો હિન્દી-પૉપ એરા, છોટી સી બાતને યાદ કરતો એક સીન, મહેશ ભટ્ટને અન્ડર વલ્ર્ડમાંથી આવતા ફોનનો ઉલ્લેખ, MTV ઇન્ડિયા લૉન્ચની રેડ કાર્પેટ ઇવેન્ટ વગેરે મજેદાર માણવી ગમે એવી ક્ષણો છે જે ઝડપથી પસાર થઈ જાય છે. વિવાનને તેની મમ્મી કઝિન બ્રધરને ફોન કરવાનું કહે છે એ સીન સુપર્બ્લી બિલ્ટ-અપ કરાયો છે.

ફિલ્મની પટકથા આનંદ ગાંધીની સાથે મિતેશ શાહે લખી છે, જે કોઈ કારણસર ભયંકર ગૂંચવાઈ છે. એક સીનમાં પિતા દીકરાને પોતાની ડાયરી આપે છે. કહે છે કે વાંચજે નિરાંતે! આપણને મા-દીકરાનું ઇમોશનલ બૉન્ડિંગ જોવા મળે છે. ડાયરીનો એક ક્લોઝ-અપ જોવા મળે છે અને પછી ડાયરીનો કોઈ ઉલ્લેખ જ નથી આવતો! ઈલા આગળ ભણવા માટે દીકરાની કૉલેજમાં જ ઍડ્મિશન લે છે એ સબપ્લૉટ પણ વ્યવસ્થિત એક્સપ્લોર નથી કરાયો. કૉલેજની વિદ્યાર્થીઓ વચ્ચેની ઈલાની મશ્કરી વગેરે ક્લિશે છે. અમુક તો અનઇન્ટેન્શનલી કૉમેડી થઈ ગઈ છે. ‘નીલ બટે સન્નાટા’માં આ જ વેમાં સિંગલ પેરન્ટ અને સંતાન વચ્ચેનો સંબંધ વધુ વાસ્તવિક રીતે રજૂ થયો હતો. ‘હેલિકૉપ્ટર ઈલા’નો ક્લાઇમૅક્સ હદથી વધારે વેવલો છે. એટલે કે મહા મેલોડ્રામા છે એમાં. રિદ્ધિ સેન, તોતા રૉય ચૌધરી, કૉલેજની ડ્રામા ટીચર બનતી નેહા ધુપિયા (સેમ ઍઝ ‘તુમ્હારી સુલુ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’), પ્રિન્સિપાલ બનતો ઝાકિર હુસેન વગેરે પાત્રો ઍવરેજ લખાયાં છે. હા, વિવાનની પંજાબી દાદીનું પાત્ર ભજવતાં કામિની ખન્ના રિલીફ આપે છે.

જોવી કે નહીં?

કાજોલ અહીં અતિ ઉત્સાહી અને ખુશમિજાજ યુવતી અને પછી એવી જ માતાનું પાત્ર ભજવે છે. તેનું પાત્ર થોડું, સાવ થોડું શાંત-કન્ટ્રોલ્ડ રખાયું હોત તો સારું લાગત. અહીં તે બધું વધુપડતું કરતી હોય એવું લાગે છે. એકલી માતાએ દીકરાને પોતાનું બધું જ જતું કરીને ઉછેર્યો હોય અને તે મોટો થઈને તેને સમજી ન શકે, તેના પર ગુસ્સે થાય; દીકરો પણ માતાની લાગણીના અતિરેકમાં ગૂંગળાય, તેને સામેથી સ્પેસ આપે. કહે કે તારી જિંદગી માત્ર હું જ નથી, તું પણ છો; તું પોતાની જાતને ખોજ. આ તમામ આઇડિયા અને વાતો ઇફેક્ટિવ છે, પણ એટલી ઇફેક્ટિવ રીતે પ્રદીપ સરકાર દર્શાવી નથી શક્યા. એમાંય ઈલાની આત્મખોજની સફરે જવાવાળી વાત, એ દૃશ્યો તદ્દન નકલી લાગે છે.

સો સબપ્લૉટરૂપી તમામ સામગ્રી અદ્ભુત હતી, પણ એને મિક્સ કરીને જે વાનગી બની એ ફીકી બની છે. આખી ખાઈ શકાય કે કેમ એ પણ પ્રશ્ન છે. તો કાજોલના ફૅન હો તો તમારા ખર્ચે અને જોખમે જઈ શકો છો. મેસેજ ઉમદા, એક્ઝિક્યુશન નબળું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK