જાણો કેવી છે ફિલ્મ 'શાદી મેં ઝરૂર આના'

ટ્રેલરમાં જોયું છે એવા સમથિંગ ઇન્ટરેસ્ટિંગની અપેક્ષા ફિલ્મ પાસે રાખી હોય તો પાછી ખેંચીને થિયેટરનાં પગથિયાં ચડજો. અઢળક ક્લિશે સાથેની સંપૂર્ણ પ્રિડિક્ટેબલ ફિલ્મમાં રાજકુમાર રાવ અને અમુક છૂટાછવાયા સીન્સ સિવાય કશું જ માણવાલાયક નથી

shadi

ફિલ્મ-રિવ્યુ - શાદી મેં ઝરૂર આના

પાર્થ દવે

‘બહન હોગી તેરી’ અને ‘બરેલી કી બર્ફી’ની પૃષ્ઠભૂમિ અને એના દાદુ કલાકાર રાજકુમાર રાવને લઈને ‘RA.One’ તથા ‘ગુલાબ ગૅન્ગ’ના ડિરેક્ટર અનુભવ સિંહાની વાઇફ રત્ના સિંહાએ ‘શાદી મેં ઝરૂર આના’થી ડિરેક્ટોરિયલ ડેબ્યુ કર્યું છે. કહે છે કે રત્નાબેનને ઇન્વેસ્ટર્સ નહોતા મળતા. ફિલ્મ ખરીદવા કોઈ તૈયાર નહોતું. આ તો ‘બરેલી કી બર્ફી’માં રાજકુમાર રાવની ઍક્ટિંગે ધમાલ કરી અને ‘ન્યુટન’ તરફ ઑસ્કરે જોયું પછી આ ફિલ્મનો કોઈએ હાથ ઝાલ્યો. શું લાગે છે; હાથ ઝાલીને, ફિલ્મ આપણા સુધી પહોંચાડીને ઇન્વેસ્ટરોએ પુણ્યનું કામ કર્યું છે કે? લેટ્સ સી...

કાનપુર કી ગલિયોં મેં...

ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના શુક્લા પરિવારથી શરૂ થાય છે જે પોતાના ઘરની દીકરી આરતી (ક્રિતી ખરબંદા) માટે એક છોકરો શોધી રહ્યો હોય છે. બીજી બાજુ મિશ્રા ફૅમિલી છે જે પોતાના એકના એક દીકરા સત્યેન્દ્ર (રાજકુમાર રાવ) માટે છોકરી શોધતું હોય છે. આરતીના પિતાની તો સીધી હા જ હોય છે, પરંતુ તેની મમ્મીનું કહેવું છે કે એક વખત છોકરો અને છોકરી જોઈ તો લે! આરતી અને સત્યેન્દ્રની મુલાકાત ગોઠવાય છે. એકાદ-બે મહિનામાં ગવર્નમેન્ટ ઑફિસમાં ક્લર્ક તરીકેની નોકરીની શરૂઆત કરનારો સત્તુ ઉર્ફે સત્યેન્દ્ર આદર્શવાદી અને આજ્ઞાંકિત છોકરો છે. તેને બહુ ખ્વાહિશો નથી, સામાન્ય જિંદગી જીવવી છે. આરતીએ MA કર્યું છે. તેના પિતાની ઇચ્છા નથી કે તે નોકરી કરે, પણ તેને કરવી છે. તેને IAS અધિકારી બનવું છે. સત્તુને આરતીના અને આરતીને સત્તુના વિચારો ગમી જાય છે. કાનપુરની ગલીઓમાં એકાદ ગીત ગુંજે છે ને ઓલ્ડ હિન્દી લવ-સ્ટોરીઝની જેમ બેઉને ઝટ પ્રેમ થાય છે અને ફટ લગ્નની તારીખ ફિક્સ થઈ જાય છે. હવે શાદી કે અહમ દિન ટ્રેલરમાં તમે જોયું છે એમ આરતી ઘરેથી ભાગી જાય છે. કારણ? કારણ કે તેણે આપેલી PCSની એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે અને તે પાસ છે અને તેને ખબર પડે છે કે સાસુ અર્થાત સત્તુની મમ્મી તેને નોકરી કરવા નહીં આપે! લગ્ન તો થશે, નોકરી બીજી વાર નહીં મળે પ્રકારની મોટી બહેનની સૂચનાને માન આપીને આરતી ઘેરથી હૅપ્પી થઈને ભાગી જાય છે. સત્યેન્દ્રને થાય છે કે આરતી શા માટે ઘર છોડીને ભાગી ગઈ? સત્તુનું હૃદય તૂટી જાય છે. ઇન્ટરવલ પડે છે અને પછીનો મહાબોરિંગ મેલોડ્રામા જોઈને આપણું હૃદય તૂટી જાય છે!

ઇન્ટરવલ કે પહલે : સોશ્યલ મેસેજ

પહેલી જ ફિલ્મમાં રત્ના સિંહાએ દહેજ, જેન્ડર ઇક્વાલિટી અને કરપ્શન જેવા મુદ્દાઓ ઉપદેશક થયા વિના વણી લીધા છે. ઇલ્લીગલ છે અને પિતાની ઇચ્છા નથી એ છતાંય તે દહેજની માગણી કરી રહ્યા છે, કારણ કે બે વર્ષ પછી તેમની પુત્રીનાં લગ્ન કરાવવાનાં છે અને ત્યારે દહેજ આપવું જ પડશે! છોકરાના મામા અમારો એકનો એક પુત્ર છે અને આ બધી જ માલમિલકત તેની જ છે કહીને વધારે દહેજ માગે છે. સામે છોકરીના પિતા જણાવે છે કે અમારું એટલું બજેટ નથી! પછી બેઉ પક્ષ નેગોશિએશન કરે છે. આ સીન સારો ફિલ્માવાયો છે. છોકરાની માતાનું માનવું છે કે છોકરી ભણીને, ગવર્નમેન્ટ નોકરી કરીને શું કરશે? તેના મોઢે બોલાયેલો એક ડાયલૉગ છે : ઇસ ઘર મેં તો હમ હી સરકાર હૈં, બહૂ આએ ઔર ઘર સંભાલે, ઇસી કો સરકારી નૌકરી સમજ લે, હમારે ઘર મેં બહૂએં નૌકરી નહીં કરતીં. આઉટડેટેડ અને અસંગત હોવા છતાં (અને હિન્દી સિરિયલમાં વપરાતો હોવા છતાં!) આ વાક્યનો આજે પણ દેશની ઘણી યુવતીઓને મુકાબલો કરવો પડે છે એ વાસ્તવિકતા છે.    

સત્યેન્દ્રના પાત્રમાં રાજકુમાર રાવ અફકોર્સ, એકદમ પર્ફેક્ટ છે. તે ઉત્તર પ્રદેશ કે કહો કે કોઈ પણ વિસ્તારની પર્ટિક્યુલર ઍક્સેન્ટ પકડી લેવામાં માસ્ટર છે. ઍક્ચ્યુઅલી હવે તો તેને આ પ્રકારના ગામઠી રોલ કરવામાં માસ્ટરી આવી ગઈ છે! ‘બરેલી કી બર્ફી’ની જેમ અહીં પણ તેનું એક આજ્ઞાંકિત યુવાનમાંથી હૃદયભગ્ન ઑફિસરમાં ટ્રાન્સફૉર્મેશન થાય છે. મોટા ભાગે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં દેખાયેલી અને છેલ્લે ‘ગેસ્ટ ઇન લંડન’માં ચમકેલી ક્રિતીએ પ્રમાણમાં સારું કામ કર્યું છે. તે ક્યુટ ટાઉન-ગર્લ બની છે અને લાગે પણ છે. તેની પણ કાનપુરની પર્ટિક્યુલર લૅન્ગ્વેજ બોલવાની લઢણ વખાણવાલાયક છે. રાજકુમાર રાવ અને ક્રિતી બેઉ વાતો કરે ત્યારે તમને ગમે, પણ અમુક જ સીનમાં. બાકી અણઘડ રીતે લખાયેલી સ્ક્રિપ્ટે બેઉને વેડફી માર્યાં છે. એવું લાગે જાણે બેઉ જણ લિમિટેડ રિસોર્સિસમાંથી બની શકે એટલું સારું આપવાની ટ્રાય કરતાં હોય. જોકે રાજકુમાર રાવ તો આમેય લાસ્ટ ફિલ્મોથી રિપેટિટિવ લાગે છે હવે.

ઇન્ટરવલ કે બાદ : સોશ્યલ હેડેક!

કોઈ પૂછે કે ફિલ્મમાં લૂ-બ્રેક ક્યાં છે? તો તેમને કહેવું કે ઇન્ટરવલ પછીની આખી ફિલ્મમાં તમને ગમે ત્યાં અને ગમે ત્યાંથી મળશે! આરતીનો ઇન્ટ્રો આપણને પર્ફેક્ટ હેર અને વિશુદ્ધ મેકઅપમાં થાય છે જે મોટા ભાગે પિન્ક કલરનો કુરતો પહેરે છે. હવે ઇન્ટરવલ પછી તે ક્લાસ-વન ઑફિસર બની છે. તેને સત્યેન્દ્ર હેરાન કરી રહ્યો છે; પણ તે હજીયે પર્ફેક્ટ હેર, વિશુદ્ધ મેકઅપ અને પિન્ક રંગના ટાઇટ કુરતા અને એ જ ઝીરો પર્સનાલિટી વિથ એક્સપ્રેશનમાં દેખાય છે! બાકીનાં પાત્રો પણ ઓવર મેલોડ્રામાના શિકાર થયાં છે જેમાં અનુક્રમે કે. કે. રૈના, મનોજ પાહવા અને ગોવિંદ નામદેવનાં નામ મૂકી શકાય. ગોવિંદ નામદેવ આરતીના રૂઢિચુસ્ત નૅરો-માઇન્ડેડ પિતાનો રોલ પ્લે કરે છે. અમુક સીનમાં તો તેમનું લિપ-સિન્ક પણ બરાબર નથી થયું. રત્ના સિંહાએ જાણે રાજકુમાર રાવ સિવાય કોઈ કૅરૅક્ટર પર ધ્યાન જ નથી આપ્યું. અમુક સીન કૅમેરા-વર્ક અને લાઇટિંગના કારણે એકદમ વૉશઆઉટ શૂટ થયા છે, જેના કારણે ઘણી જગ્યાએ ટીવી-સિરિયલ જોતા હોઈએ એવી ફીલિંગ આવે છે. અગાઉ કહ્યું એમ જૂના હોવા છતાં અમુક સોશ્યલ ઇશ્યુ સદાબહારની કક્ષામાં મૂકી શકાય એવા છે અને એ અહીં રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ સ્ટોરીનું નરેશન દમ વગરનું હોવાથી ફિલ્મ અતિ મંદ અને ફીકી લાગે છે. હાર્ડલી તમને કોઈ જગ્યાએ ફિલ્મમાં ટેન્શન થાય છે. પહેલા ભાગમાં લવ-સ્ટોરી બિલ્ડ-અપ કર્યા બાદ બીજો ભાગ તો ચ્યુઇંગ ગમની જેમ ખેંચાયો જ છે. ફિલ્મમાં દર્શાવાયેલો રિવેન્જ-ઍન્ગલ પણ હાસ્યાસ્પદ લાગે છે. એમાં પણ છેલ્લી પચીસ મિનિટ તો અસહ્ય છે. નેવર-એન્ડિંગમાં તબદીલ થયેલા પ્રિડિક્ટેબલ એન્ડિંગની રાહ જોતાં-જોતાં તમને થાય કે હવે લગ્ન થઈ જાય તો સારું, અમે છૂટા થઈએ!

લીડ ઍક્ટર તરીકે રાજકુમાર રાવ અને ટ્રેલરમાં ટ્વિસ્ટ જોઈને ઘણાને ફિલ્મ જોવાની ઉત્કંઠા થાય એ સમજાય એવું છે, પણ અહીં ટ્વિસ્ટ વાયરનાં ગૂંચળાં જેવા છે; તમને જ મૂંઝવી મારે! ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘બરેલી કી બર્ફી’ના મિક્સમાં વઘાર કરીને ફિલ્મ બનાવી તો નાખી, પણ સ્ટોરી-નરેશન અને મહદ અંશે ડાયલૉગ્સ નબળા લખાયા. ઇન્ટરવલ પછી એક જ વિચાર આવે કે પ્રૉપર સ્ટોરી ન હોય તો કોઈ પણ દેશનો રાજકુમાર પણ ફિલ્મને ન બચાવી શકે! આનંદ રાજ આનંદ, અર્કો, રશીદ ખાન સહિતના બધાએ ભેગા થઈને મ્યુઝિક આપ્યું છે અને બકવાસ આપ્યું છે. મેરા ઇન્તકામ દેખેગી અને તૂ બન જા ગલી બનારસ કી ફિલ્મમાં પહેલી વાર અને કદાચ એ છેલ્લી વાર સાંભળવા ગમે એવાં ગીતો છે. બાકીનાં ગીતો આપણા માટે આડખીલીરૂપ બનેલી સ્ટોરીમાં વધુ ખીલીઓ ભોંકે છે. અમુક ગીતમાં તો રાજકુમાર રાવભાઈ લિપ-સિન્ક કરે છે અને ગજબનો વિચિત્ર લાગે છે! બલુ સલૂજાનું એડિટિંગ વધારે ચુસ્ત થઈ શકત એવું તેમનો વાંક નથી તો પણ લાગે છે, કેમ કે વાર્તા અને નરેશનમાં જ મસમોટાં ગાબડાં છે. (કેટલી વાર કહું હવે!)

તો... જોવી કે નહીં?

ટ્રેલરમાં જોયું છે એવા સમથિંગ ઇન્ટરેસ્ટિંગની અપેક્ષા ફિલ્મ પાસે રાખી હોય તો પાછી ખેંચીને થિયેટરનાં પગથિયાં ચડજો. અઢળક ક્લિશે સાથેની સંપૂર્ણ પ્રિડિક્ટેબલ ફિલ્મમાં રાજકુમાર રાવ અને અમુક છૂટાછવાયા સીન્સ સિવાય કશું જ માણવાલાયક નથી. એટલે ફૅન્સ ઑફ રાજકુમાર માટે આ ફિલ્મ છે. અને બાકીનાઓ, આમેય લગ્નની સીઝન આવે જ છે એટલે જવું જ હોય તો રિયલ લગ્નમાં જઈ આવજો. ઇસ શાદી મેં તો મત હી જાના!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK