ફિલ્મ-રિવ્યુ : હેટ સ્ટોરી ૩

ધિક્કાર કથા, બેક્કાર કથા : ઉપરથી ભડકાઉ પૅકિંગ અને અંદરથી ડઝનબંધ ટ્વિસ્ટ ધરાવતી ધડ-માથા વિનાની સ્ટોરી એટલે હેટ સ્ટોરી ૩

hate story 3જયેશ અધ્યારુ

રાઇટર-ડિરેક્ટર વિક્રમ ભટ્ટનું નામ હવે ક્રેડિટ તરીકે નહીં પણ ચેતવણી તરીકે વપરાય છે. તેમની થ્રિલર કે સુપરનૅચરલ ફિલ્મોમાં ત્રણ તત્વો લ.સા.અ. (લઘુતમ સામાન્ય અવયવ)ની જેમ કૉમન હોય છે. ગલગલિયાં કરાવે એવું ભડકાઉ બેડરૂમ-દૃશ્યોવાળું પૅકેજિંગ, કોઈ વિદેશી સુપરહિટ ફિલ્મની વાર્તાનું બીજ અને એકાદું સાંભળવું ગમે એવું કર્ણપ્રિય ગીત. તેમની ધિક્કાર કથાઓની ત્રીજી ફિલ્મ ‘હેટ સ્ટોરી ૩’માં પણ એવું જ છે. બસ, એક દિમાગ જ નથી. ઉપરથી ટેનિસની રમતની જેમ વાર્તા આમથી તેમ ઊછળતી રહે. બહાર નીકળીને તમારે માથાનો દુખાવો દૂર કરવા ગોળી જ શોધવાની રહે.

નજર બગાડો સાવધાન


તમે ક્યારેય સાપસીડીની ગેમ રમ્યા છો? (ના, આ તો એની મોબાઇલ-ઍપ ડાઉનલોડ ન કરી હોય તો ન રમ્યા હો એવુંય બની શકે) હા, તો એ સાપસીડીની ગેમ કરતાંય વધારે ઊથલપાથલ આ ફિલ્મમાં થાય છે. ફરક માત્ર એટલો જ છે કે અહીં બધા સાપ જ છે, સીડી ક્યાંય છે જ નહીં. બધા સાપ એકબીજા સામે ફૂંફાડા જ મારતા રહે છે. ઠંડાં પીણાં બનાવતો મુંબઈનો મોટો ઉદ્યોગપતિ આદિત્ય દીવાન (શર્મન જોષી) તેની નાગણ જેવી કમનીય પત્ની સિયા (ઝરીન ખાન) સાથે સુખી છે. બન્ને ખાનગીમાં જૂનાં ફિલ્મી ગીતો પર ઇરૉટિક નાગિન-ડાન્સ પણ કરતાં રહે છે.

પરંતુ અચાનક મુંબઈ નગરિયામાં એક નવો કોબ્રા જેવો ઉદ્યોગપતિ આવે છે સૌરવ સિંઘાનિયા (કરણ સિંહ ગ્રોવર). એ ગ્રોવર વળી શર્મન સામે ગુલશન ગ્રોવર જેવી વલ્ગર પ્રપોઝલ મૂકે છે કે તું માગે એટલા પૈસા આપું, પણ તારી નાગણ સાથે મારેય એક વાર નાગિન-ડાન્સ કરવો છે. બસ, આ સાંભળીને શર્મનની ફેણ ચડી ગઈ અને બન્ને મંડ્યા સામસામા એકબીજાને ડંખ મારવા (આ ડંખથી પિક્ચરમાં એક જણને રીતસર ઝેર પણ ચડે છે, બોલો). હવે સવાલ એ થયો કે એ ગુલશન જેવો કરણ સિંહ ગ્રોવરિયો વળી છે કોણ? અને એ આ શર્મન અને તેની કમનીય નાગણ ઝરીનની પાછળ શું કામ પડી ગયો છે?

ધિક્કાર હૈ અપાર

જેવી રીતે સોના-ચાંદી ચ્યવનપ્રાશમાં સોના-ચાંદી કે કેસરવાળા પાનમસાલામાં કેસર માત્ર માલ વેચવા માટે જ હોય એ રીતે આ ‘હેટ સ્ટોરી ૩’માં ઇરૉટિક કન્ટેન્ટ ઓન્લી ફિલ્મ વેચવા માટે જ છે. ફિલ્મને એની સાથે કોઈ લેવાદેવા નથી. વળી આમાંથી મોટા ભાગનાં ગલગલિયાં તમે ફિલ્મનાં ગીતોમાં અને ટ્રેલરમાં જોઈ ચૂક્યા છો એટલે એવી સસ્તી ગલીપચી માટે તો થિયેટર સુધી લાંબા થવા જેવું છે જ નહીં. તો એ ત્વચા-પ્રદર્શન સિવાય ફિલ્મમાં બીજું શું છે અને શું નથી એની વાત કરીએ.

એક તો ટ્રેલર પરથી જ ક્લિયર છે કે આ ફિલ્મનું બેઝિક પ્રિમાઇસ હૉલીવુડની બે દાયકા જૂની ફિલ્મ ‘ઇનડીસન્ટ પ્રપોઝલ’થી પ્રેરિત છે. અહીં માત્ર એમાં વેરનાં વળામણાંની વાતો નાખી છે એટલું જ, પરંતુ એની સાથે થોડું લૉજિક નાખ્યું હોત તો ફિલ્મ સાવ હાસ્યાસ્પદ ન બની હોત. અહીં તો ૫૦ કરોડ રૂપિયા એકઝાટકે વેરી દેતા ઉદ્યોગપતિની કંપની એક નાનકડા કામદારને ફોડવામાત્રથી બંધ થઈ જાય છે. એનું કોઈ બૅકઅપ સિક્યૉરિટી મેકૅનિઝમ પણ ન હોય, વાહિયાત માગણી બદલ મોંમાગી કિંમત આપવા માગતા મોટા ઇન્ડસ્ટિÿયલિસ્ટના બૅકગ્રાઉન્ડની મુંબઈના ઉદ્યોગપતિને ખબર સુધ્ધાં ન હોય, લાશ સાથેની ગાડી દેખાય એ રીતે મૂકેલી હોવા છતાં પોલીસને અનેક દિવસો પછી મળે કે ઈવન મૃત્યુશૈયા પરથી ઊઠેલો હીરો ફિલ્મી સ્ટાઇલમાં ધબાધબી કરી મૂકે જેવી એકેય વાત ગળે ઊતરે એમ નથી. ઈવન એક તબક્કે પોલીસની અત્યંત બાલિશ થિયરી કે અત્યંત સિલી સસ્પેન્સ સાંભળીને થિયેટરમાં બેઠેલી પબ્લિક પણ હસી પડે છે. આપણે તો ઠીક મગજને સાઇલન્ટ મોડ પર મૂકી દઈએ, પણ ફિલ્મનાં પાત્રોનાં દિમાગ ક્યાં વેકેશન મનાવવા ઊપડી ગયાં હશે?

ટી-સિરીઝે પોતાનાં જૂનાં સુપરહિટ ગીતોને રીમિક્સ કરીને ફરીથી વેચવાનો ગુલશનકુમારના વખતનો જૂનો ધંધો સ્ટાર્ટ કર્યો છે. આ વખતે મહેશ ભટ્ટની ‘સડક’ ફિલ્મના મસ્ત ગીત ‘તુમ્હેં અપના બનાને કી કસમ ખાઈ હૈ’નો વારો કાઢ્યો છે (જોકે ‘સડક’નું એ સૉન્ગ પણ મૂળ પાકિસ્તાની ગીત ‘ચલે તો કટ હી જાએગા સફર આહિસ્તા આહિસ્તા’ની કૉપી હતું એ જસ્ટ જાણ ખાતર), પરંતુ અગાઉના વખતની માસૂમિયતને ઠેકાણે અહીં હળાહળ વલ્ગૅરિટી જ ઠપકારી દેવામાં આવી છે. એ સિવાય આ ફિલ્મમાં ચચ્ચાર સંગીતકારો હોવા છતાં અરમાન મલિકે ગાયેલું ‘વજહ તુમ હો’ ગીત જ સાંભળવા જેવું બન્યું છે (એનુંય પિક્ચરાઇઝેશન તો ઇરૉટિક જ છે). બાકીનાં અત્યંત કંગાળ ગીતો ફિલ્મના કૉફિનમાં ખીલા ખોડવાથી વિશેષ કશું જ કામ નથી કરતાં. એમાંય ‘લવ ટુ હેટ યુ’ ગીતમાં તો એક ઠેકાણે એવા શબ્દો છે કે સ્ક્રીનમાં જઈને ઊંધા હાથની અડબોથ મારવાની ઇચ્છા થઈ આવે.

આખી ફિલ્મમાં દિમાગ વગરની હરકતો કર્યા કરતા કલાકારોમાંથી કોઈ જ કન્વિન્સિંગ નથી લાગતું, સૌથી વધુ શર્મન જોષી. બેડરૂમ-સીન વખતે એ બિચારાના ચહેરા પર સતત એવા જ હાવભાવ દેખાય છે જાણે કહેતો હોય કે ‘મુજ સીધાસાદા ગુજરાતી બ્રાહ્મણ પાસે તમે આ કેવું-કેવું કરાવો છો?’ હા, જોકે ઇન્ટેન્સ દૃશ્યોમાં શર્મનને જોવો ગમે છે એટલું સ્વીકારવું પડે. બીજી એક ગુજ્જુ ગર્લ ડેઇઝી શાહ પણ એવા બેડરૂમચીંધ્યા માર્ગે જ છે. સલમાન ખાનની જૂની ડુપ્લિકેટ કૅટરિના એવી ઝરીન ખાનની ફ્લૅટ ઍક્ટિંગ કરતાં એના છજા જેવા હોઠ વધુ ઇરિટેટ કરે છે. જ્યારે ટૅટૂની દુકાન ધરાવતો કરણ સિંહ ગ્રોવર આ ફિલ્મમાં જેટલો દારૂ પીએ છે એટલું તો અત્યારે ચેન્નઈમાં પાણી પણ નહીં ભરાયું હોય (વળી ફિલ્મમાં તેની બીમારી વિશે જાણશો તો કપાળ કૂટશો).

ડિરેક્ટર વિશાલ પંડ્યાની આ ફિલ્મ માત્ર ૧૩૧ મિનિટની છે, પણ ‘પ્રેમ રતન ધન પાયો’ કરતાંય લાંબી લાગે છે. એનું કારણ છે સ્ટોરી, ઍક્ટિંગ, ડાયલૉગ, શૉટ-ટેકિંગ, ક્રીએટિવિટી, પ્રોડક્શન-વૅલ્યુ એકેય ડિપાર્ટમેન્ટમાં કશી ભલીવાર નથી. ઈવન સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ કોઈ લો બજેટ ભોજપુરિયા ફિલ્મ જેવી બોગસ છે.

ફિલ્મને ન્યાય કરવા માટે માત્ર એટલું કહી શકાય કે ગ્રે શેડ ધરાવતાં ફિલ્મનાં પાત્રો એકબીજા સામે જે રીતે કાવાદાવા ખેલતાં રહે છે એ થોડી થ્રિલ જન્માવે છે. વચ્ચે-વચ્ચે તમારું દિમાગ સફાળું સક્રિય થઈને પાત્રોની હરકતો પાછળનાં કારણો શોધવા બેસી જાય એટલા પૂરતી જ ફિલ્મ મજા કરાવે છે.

જવા દોને, યાર

દિમાગ વિના ચમડી બતાવીને દમડી ઊસેટી લેવાના ખેલ જેવી આ ફિલ્મ કોઈ કાળે પૈસા ખર્ચીને થિયેટરમાં જોવાનું સજેસ્ટ કરાય એમ નથી. એટલા પૈસા બચાવીને શિયાળાનાં વસાણાંમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. એની DVD બહાર પડે ત્યારે એક કંટાળાજનક સાંજે આ ફિલ્મ જોઈ કાઢજો. ભગવાન ભલું કરે તમારું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK