ફિલ્મ રિવ્યુ : બાગી

પ્રોજેક્ટ ટાઇગર : ટાઇગર શ્રોફની માર્શલ આટ્ર્સ સિવાય કોઈ નવીનતા વિનાની આ ફિલ્મના ખરા બાગીઓ તો એના મેકર છે જેમણે ઉઠાંતરી કરવામાં કશું જ બાકી નથી રાખ્યું


baaghi


જયેશ અધ્યારુ

ચવાણા વિશે એવી દંતકથા છે કે ફરસાણની દુકાનમાં તમામ સામગ્રીઓના વધેલા માલને મિક્સ કરીને વેચવાની સિસ્ટમથી ચવાણાની શોધ થઈ. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘બાગી’ પણ એક પ્રકારનું ફિલ્મી ચવાણું જ છે જેમાં જાતભાતની વાનગીઓ ઇમ્ર્પોટ કરીને મિક્સ કરવામાં આવી છે. પહેલાં એ ચવાણાનો ટેસ્ટ કરી લઈએ પછી એના કંદોઈ વિશે વાત કરીશું.

જમ્પિંગ ટાઇગર સેવિંગ કિટન

રૉની (ટાઇગર શ્રોફ) નામનો એક જુવાનિયો કેરળ જતી ટ્રેનના સેકન્ડ ક્લાસમાં ચડી બેઠો છે. તેને સીટ મળે એ પહેલાં જ એક સુંદર છોકરી સિયા (શ્રદ્ધા કપૂર) મળી જાય છે. ટ્રેન કેરળ પહોંચે એ પહેલાં આ બન્ને પ્રેમનગર પહોંચી જાય છે. કેરળમાં રૉની કલરિપયટ્ટ નામની પરંપરાગત માર્શલ આર્ટ શીખવા આવ્યો છે. તેના ગુરુજીનો એક માથાભારે દીકરો છે રાઘવ (સુધીર બાબુ). તે બૅન્ગકૉકમાં ગેરકાયદે ફાઇટક્લબ ચલાવે છે. અહીં ઇન્ડિયામાં તે પણ આ સિયાનો રંગરસિયા થઈ જાય છે. બસ, પ્રેમનો એવો ખૂનખાર ત્રિકોણ રચાય છે કે રાઘવ રાવણમાં કન્વર્ટ થઈ જાય છે. તે સિયાને સીધો બૅન્ગકોક ઢસડી જાય છે અને ત્યાં પોતાની બહુમાળી ઍક્શનવાટિકામાં પૂરી દે છે. તેની પાછળ વાનરસેનાને લીધા વગર રૉની પણ કૂદકા મારતો-મારતો બૅન્ગકૉક પહોંચે છે. ભીષણ રક્તપાત થાય છે અને અંતે સત્યનો વિજય થાય છે.

ટાઇગર આવ્યો રે ટાઇગર

આ ફિલ્મને ચર્ચાસ્પદ બનાવતાં બે પાસાં પૈકીનું પહેલું છે ટાઇગર શ્રોફ. આ જૅકીપુત્રે યુગો-યુગો સુધી જિમ્નેશ્યમમાં પરસેવો વહાવીને જે પરિશ્રમ કર્યો છે એ અહીં ચોખ્ખો દેખાય છે. આખા મુંબઈમાં જેટલાં સ્પીડબ્રેકરો નહીં હોય એના કરતાં પણ વધારે સ્નાયુઓના ગઠ્ઠા તેના શરીર પર છે. સતત ઝીરો ગ્રેવિટીમાં રહેતો હોય એ રીતે તે ઊછળી-ઊછળીને લાતો મારે છે. આખી ફિલ્મમાં તે જેટલી કૂદાકૂદ કરે છે એ જોતાં તેનું નામ ટાઇગર નહીં, કાંગારૂ શ્રોફ હોવું જોઈએ. વળી આ બધી ઍક્શનમાં તે એટલોબધો સ્વાભાવિક લાગે છે કે જાણે ઘોડિયામાંથી જ કૂદકો મારીને માર્શલ આટ્ર્સ કરવા માંડ્યો હશે એવું લાગે. તે પોતાના પગને જ હેલિકૉપ્ટરની જેમ ઘુમાવીને બૅન્ગકૉકથી સીધો ઊડીને ઇન્ડિયા લૅન્ડ થઈ શકે. પરંતુ બિચારાનો બધો જ સમય જિમમાં ગયો હશે એટલે ઍક્ટિંગમાં નિલ બટે સન્નાટા છે. મતલબ કે ડબ્બા ગુલ છે. નીચે ઊભાં-ઊભાં લાત મારીને સોડિયમ લાઇટ ફોડવાની હોય તો એ કરી દે, પણ ચહેરા પર બે જેન્યુઇન એક્સપ્રેશન લાવવાં હોય તો ટાઇગરમાંથી ટર્ટલ થઈને કોચલામાં પુરાઈ જાય. ટાઇગર ઍક્શનનો અરબી ઘોડો છે, તેના માટે ટેલરમેડ રોલ લખાશે તો આ ટાઇગર ક્યારેય લુપ્ત નહીં થાય.

ચોરી નહીં હેરાફેરી


જેવી રીતે દોસ્તીનો હોય છે એમ ઉઠાંતરીનો પણ એક ઉસૂલ હોય છે: આખા ગામને ખબર હોય એવી જગ્યાએ ક્યારેય હાથ ન મરાય, તરત જ પકડાઈ જઈએ. પાંચ વર્ષ પહેલાં એક ઇન્ડોનેશિયન ફિલ્મ આવેલી ‘રેઇડ : રિડેમ્પ્શન’. મારકાપથી ફાટ-ફાટ થતી એ ફિલ્મને આખા દેશના જુવાનિયાંવ મૅગી નૂડલ્સની જેમ ઘપાઘપ ગળચી ગયેલા. એ ફિલ્મની રીમેકના રાઇટ ભારતના અન્ય એક પ્રોડ્યુસર પાસે હતા, પણ ‘બાગી’ના મેકરે વચ્ચેથી હાથ મારીને એ આઇડિયા તફડાવી લીધો અને ‘બાગી’ ફિલ્મના સેકન્ડ હાફમાં ઠૂંસી દીધો. ક્રીએટિવિટીની ગરીબીની હદ જુઓ કે એક વિદેશી ફિલ્મ પરથી આપણે ત્યાં હિન્દી વર્ઝન બનાવવા માટે પણ મેકરો કોર્ટની માલીપા ઝૂંટાઝૂંટ કરી રહ્યા છે. પરંતુ એકલી ધબાધબીથી શું થાય? લોકોને કંઈક પોચી-પોચી લવ-સ્ટોરી તો જોઈએને? એટલે ઈ.સ. ૨૦૦૪માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વર્ષમ’ (યાને કે વરસાદ) પર તરાપ મારવામાં આવી. યુટ્યુબ પર પડેલી એ તેલુગુ ફિલ્મ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ‘બાગી’ના ફર્સ્ટ હાફમાં સીન બાય સીન હિન્દીમાં છાપી મારવામાં આવી છે. એ ઉપરાંત આ ફિલ્મના ફાઇટ અને ટ્રેઇનિંગના કેટલાય સીનમાં જૅકી ચૅનની ફિલ્મોનાં દૃશ્યો ઠૂંસવામાં આવ્યાં છે. કોઈ કહેશે, હશે હવે; આપણને તો ચવાણાથી મતલબ, એને કયા તેલમાં તળ્યું છે એ જાણીને આપણને શું કરવું છે? પરંતુ તાજાના નામે આપણને વાસી ચવાણું પધરાવવામાં આવે ત્યારે જાંચ-પડતાલ કરીને પડીકું બંધાવ્યું હોય તો જરા સમું પડે.

‘બાગી’ના ગોબા

યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનેલી આ ફિલ્મમાં પહેલો સવાલ એ થાય કે આ ફિલ્મનું નામ ‘બાગી’ યાને કે બળવાખોર શા માટે રખાયું છે? ટાઇગરથી લઈને હિરોઇન શ્રદ્ધા કે ઈવન વિલન સુધ્ધાં અહીં બળવાખોર નથી. એ લોકો માત્ર પોતાને બાગી ગણાવે છે, બાકી બાગીવેડામાં ખપે એવું કશું એ લોકો કરતા નથી. એકથી વધુ ફિલ્મોની ખીચડી કરવામાં એવું કાચું કપાયું છે કે ક્યાંય કશું જ કન્વિન્સિંગ લાગતું નથી. સડેલા જરીપુરાણા જોક્સ અને એવી જ તદ્દન ચપ્પટ જતી સુનીલ ગ્રોવર અને સંજય મિશ્રાની કૉમેડી. બન્ને કૉમેડી શોમાંથી ભૂલા પડી ગયેલા કલાકારોની જેમ ગાંડા કાઢ્યા કરે છે. ક્યાંક આખા સીન જ બિનજરૂરી લાગે છે તો ઠેકઠેકાણે બે દૃશ્યોની વચ્ચે થીગડાં મારેલાં દેખાઈ આવે છે. ઓરિજિનલ ફિલ્મ ‘રેઇડ : રિડેમ્પ્શન’માં જે ખોફનો માહોલ હતો એવું અહીં ક્યાંય અનુભવાતું નથી. ખામી ઍક્ટિંગની ગણો કે રાઇટિંગની, પરંતુ શ્રદ્ધા અને ટાઇગરની લવ-સ્ટોરીમાં એકેય ઇમોશન આપણા સુધી પહોંચતું નથી. ફિલ્મમાં એ બન્ને જ્યારે મળે છે ત્યારે વરસાદ આવે છે એ લૉજિકથી તો બન્નેને તાકીદે મહારાષ્ટ્રની કન્ડક્ટેડ ટૂર કરાવવી જોઈએ. લૉજિકનાં ચશ્માંમાંથી જોઈએ તો મંગળ કરતાંય વધુ ખાડા આ ફિલ્મમાં દેખાય. જેમ કે જોઈ ન શકતી વ્યક્તિ ટૅક્સી કઈ રીતે ચલાવી શકે? હાથ-પગ, હથોડા, ચાકુ-છરા, લાકડી બધાથી ઝઘડો; પણ પિસ્તોલ કેમ ન વાપરો ભઈ? લિસ્ટ લાંબું છે, જગ્યા ઓછી છે.

ટાઇગર સિવાયના રણકાર

આ ફિલ્મમાં ટાઇગરની મારફાડ ઍક્શન ઉપરાંત પણ જોવા જેવું તો છે જ. જેમ કે કેરળના બૅકવૉટર્સનાં આંખને ઠંડક આપે એવાં લોકેશન. દર વર્ષે કેરળમાં યોજાતી દિલધડક સ્નેક બોટ રેસ વલ્લમકલી હિન્દી ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળી છે. એવું જ આપણી સ્વદેશી માર્શલ આર્ટ કલરિપયટ્ટનું છે. રૂવાંડાં ઊભાં કરી દે એવા આ યુદ્ધકૌશલ્યને આપણા હિન્દી ફિલ્મમેકર્સે હજી હાથ કેમ નથી લગાડ્યો એ જ આશ્ચર્ય છે. અહીં એ કલરિપયટ્ટને પણ જોવા જેવું છે. જોકે કેરળ ફરી આવેલા વાચકોને ખ્યાલ હશે જ કે આ કળા શીખવતી સ્કૂલનું ભોંયતળિયું વુડન નહીં બલકે માટીનું હોય.

શ્રદ્ધા કપૂરના ચહેરા પર ક્યુટનેસનો સ્થાયી ભાવ છે. અહીં તે થોડી કૃત્રિમ લાગે છે, પણ તોય જોવી તો ગમે જ છે. આ ફિલ્મથી સુધીરબાબુ નામના ડૅશિંગ તેલુગુ ઍક્ટરની હિન્દીમાં એન્ટ્રી થઈ છે. ઓળખાણ કાઢીએ તો તે બીજા એક તેલુગુ સુપરસ્ટાર મહેશબાબુના બનેવીસાબ થાય. હવે ફિલ્મમાં હીરો કરતાં વિલન વધુ ડૅશિંગ હોય ત્યારે એ ફિલ્મના ભગવાન જ માલિક હોય.

આ ટાઇગર-સફારી કરાય?

અરીસા સામે જોઈને તમારી જાતને સવાલ પૂછો કે તમને જૅકી ચૅન, બ્રુસ લી ટાઇપની ફાઇટિંગ ગમે? કેરળની ક્વિક કન્ડક્ટેડ ટૂર કરવી ગમે? અઢી કલાક ટાઇગર શ્રોફને જોઈ શકો? તેની મહેનતને માન આપી શકો? શ્રદ્ધા કપૂરના ફોટો મોબાઇલમાં સેવ કરેલા છે? જો જવાબ હામાં હોય તો પૈસા ખર્ચીને ટાઢાબોળ થઈ આવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK