જાણો કેવી છે અર્જુન રામપાલની ફિલ્મ 'Daddy'

પ્રિયંકા ચોપડા કહે છે કે મારે એવી ફિલ્મો બનાવવી છે જેને જોઈને લોકો વાહ-વાહ કરે, યે ડૅડી લોરી સુનાતે હૈં, અરુણ ગવળીની જીવન-જર્ની દર્શાવતી ફિલ્મ ફ્લૅટ સ્ટોરી તથા સુસ્ત સ્ક્રીનપ્લેના કારણે એક રેગ્યુલર ગૅન્ગસ્ટર ફિલ્મ જેવી પણ નથી બની શકી


daddy


ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે


મુંબઈના દગડી ચાલમાં રહેતા અને મિલમાં મજૂરી કરતા ગુલાબરાવ ગવળીનો પુત્ર અરુણ ગવળી, જે મુંબઈના દરેક ડૉનની જેમ નાનપણમાં ગરીબીને કારણે ખોટા રસ્તે ફંટાઈ જાય છે. ક્યાંય કામ ન મળતાં ગલીના ગુંડા રમા નાઈકની ગૅન્ગમાં જોડાય છે જે ગૅન્ગમાં રમા અને બાબુ રેશિમ સાથે મળીને સ્મગ્લિંગ, હપ્તાવસૂલી જેવાં કામ કરતા. બાબુ રેશિમ પર ભાઈ દાઉદનો હાથ હતો. બાબુ, રમા અને અરુણ મળીને પોતાના નામના પહેલા અક્ષર પરથી બીઆરએ નામની ગૅન્ગ બનાવે છે. આમ દાઉદ અને અરુણની ગૅન્ગ પોતપોતાનું કાર્યક્ષેત્ર વધારતી જાય છે.

૧૯૮૧માં મુંબઈમાં મિલકામદારોની હડતાળ પડી, જેને લીધે અનેક કામદારો બેકાર થયા. એમાંના ઘણા અરુણ અને દાઉદની ગૅન્ગમાં જોડાતા ગયા. અરુણ ગવળીનું કદ વધતું ગયું એમ તે દાઉદની નજરમાં આવતો ગયો. વચ્ચે બાબુ રેશિમનું પોલીસ-લૉકઅપમાં મોત થયું, જેમાં દાઉદનો હાથ હોવાનું કહેવાય છે (અન્ડરવર્લ્ડમાં આ રીતે કહેવાતું ઘણું હોય છે). રમા નાઈકનું પોલીસ-ઇન્સ્પેક્ટર રાજન કટધરેના હાથે એન્કાઉન્ટર થયું. વધ્યો અરુણ ગવળી, જે બચતો ગયો અને પોતાની ગૅન્ગ વિસ્તારતો ગયો અને ખૂનામરકી કરતો ગયો. દાઉદ સાથેની ગૅન્ગ-વૉરમાં તેણે પોતાનો ભાઈ ગુમાવ્યો. સામે તેણે દાઉદના બનેવીને મારી નાખ્યો (જે આ ફિલ્મમાં દર્શાવવામાં નથી આવ્યું). બિલ્ડરની હત્યાના ને ખંડણીના કેસમાં જેલ ગયો. લગ્ન કયાંર્‍. રાજકીય પક્ષ ઊભો કર્યો અને ૨૦૦૪માં વિધાનસભાની ચૂંટણીમાં જીત્યો. હવે તે ડૉન અરુણ ગવળીમાંથી ડૅડી તરીકે ઓળખાવા લાગ્યો હતો. છેલ્લે ૨૦૦૭માં કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં તેને આજીવન કારાવાસની સજા થઈ અને હાલ તે જેલમાં છે.

આ છે ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બનેલા અરુણ ગવળીની ટૂંકી રિયલ સ્ટોરી. તો પછી ફિલ્મમાં શું છે? આ જ! પણ અલગ રીતે સ્ટોરી કહેવાની લાયમાં એટલુંબધું ખીચડો કરી નાખ્યું છે કે ઘરે આવીને બધું છૂટું પાડીને સમજવા આપણે અરુણ ગવળીની સ્ટોરી બીજી વાર વાંચવી પડે (એટલે પહેલાં જ એ માંડી દીધી). અને બીજું એ કે જો તમને ગવળી વિશે થોડીઘણી પણ ખબર હોય (જે મુંબઈકરને મોટા ભાગે હોવાની જ!) તો આ ફિલ્મમાં અરુણ ગવળીના એક વીકિપીડિયાના પેજથી વિશેષ કંઈ જ નવું જાણવા નથી મળવાનું.

કન્ફ્યુઝિંગ સ્ક્રીનપ્લે

‘ડૅડી’ ફિલ્મ અરુણ ગવળીની જીવન-જર્ની રજૂ કરે છે, પણ અલગ રીતે. ગવળીના મિત્રો, તેની સાથે કામ કરનારા, તેના વકીલ તથા તેના પરિવારના સભ્યોના પૉઇન્ટ ઑફ વ્યુથી ગવળી વિશે વાત કરાઈ છે. ઇન્સ્પેક્ટર વિજયકર નીતિન (‘મુંબઈ મેરી જાન’, ‘ર્ફોસ’ અને ‘મદારી’ના ડિરેક્ટર તથા અફલાતૂન ઍક્ટર) જે ગવળી સાથે પકડદાવ રમી ચૂક્યો છે તેને રિટાયરમેન્ટ પહેલાં છેલ્લી વખત ગવળીને જેલમાં ધકેલવા માટે કેસ સોંપવામાં આવે છે. એ માટે તે સૌથી પહેલાં અરુણની માને મળે છે. તે ગૅન્ગસ્ટર બનેલા દરેક જણ માટેની કમ્પલ્સરી લાઇન ‘ગરીબી ઉસકા સબસે બડા મિસ્ટેક થા’ બોલીને વાતની શરૂઆત કરે છે. બાદમાં ઇન્સ્પેક્ટર અરુણની પત્ની, દગડી ચાલમાં રહેતા લોકો વગેરેને મળે છે. દરેક ગવળી વિશે પોતે જે જાણે છે એ કહે છે. થોડું તે ઇન્સ્પેક્ટર પોતે પણ કહે છે! એટલે ફ્લૅશબૅકમાં અરુણની બીઆરએ ગૅન્ગના સભ્યો બાબુ (આનંદ ઇંગળે), રમા (રાજેશ શ્રીંગારપુરે) સાથેની ભાઈ મકસૂદ અર્થાત્ દાઉદની મુઠભેડ અહીં દર્શાવાય છે. અહીં દાઉદનું નામ મકસૂદ રખાયું છે અને એ પાત્ર કોણે ભજવ્યું છે એ તમને છેલ્લે કહીશ! ચિંતા ન કરો, સ્પૉઇલર-બૉઇલર જેવું કંઈ છે નહીં, સાવ વાહિયાત ભજવ્યું છે. આ બધા વચ્ચે અરુણને ઝુબેદા (ઐશ્વર્યા રાજેશ) સાથે પ્રેમ થાય છે અને લગ્ન કરે છે. ટૂંકમાં વાર્તા ૨૦૧૧થી ૧૯૭૬, ત્યાંથી ૨૦૧૨ અને ત્યાંથી પાછી ૧૯૮૭ એમ આગળ-પાછળ ફર્યા કરે છે. આ રીતે સ્ટોરી કહેવામાં લોચો એ થયો કે કંઈ નવું તો આવતું જ નથી બલકે જે આવે છે એ પણ કન્ફ્યુઝિંગ રીતે આવે છે.

ઑનસ્ક્રીન ડૅડી

૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘મિસ લવલી’ ફેમ આશિમ અહલુવાલિયાએ ‘ડૅડી’ ફિલ્મ રિયલ ડૅડી અરુણ ગવળીની સંપૂર્ણ મંજૂરી લઈને રાઇટ્સ ખરીદીને બનાવી છે. અગાઉ અરુણ ગવળી પર જ મરાઠીમાં ‘દગડી ચાલ’ નામથી ફિલ્મ બની ચૂકી છે અને એમાં મંજાયેલા મરાઠી અભિનેતા મકરંદ દેશપાન્ડેએ ડૅડીનો રોલ ભજવ્યો છે. આશિમ અને ફિલ્મના પ્રોડ્યુસર અર્જુન રામપાલ બેઉ ભેગા મળીને કહેતા હતા કે આ ફિલ્મ ગૅન્ગસ્ટરજોનરની અન્ય ફિલ્મો જેવી નહીં હોય. ને ખાસ તો ગૅન્ગસ્ટરને ગ્લૉરિફાય નહીં કરે અને સચ્ચાઈ રજૂ કરશે. આશિમે બધા સીન રિયલ લોકેશન્સ પર શૂટ કર્યા છે. સાંકડી અંધારી ગલીઓ, દગડી ચાલ, અરુણ ગવળીનું શંકર ભગવાનની છબીઓવાળું ઘર, ખખડી ગયેલાં અને પડુ-પડુ થતાં બિલ્ડિંગો વગેરે. ૧૯૭૦ના જમાનાનું મુંબઈ આશિમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એક સીનમાં અરુણના ટેબલ પર કફન નામની બુક પણ દેખાય છે. ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ! સાથે-સાથે બચ્ચન જેવા લાંબા વાળ, પહોળા કૉલરવાળા શર્ટ અને બેલબૉટમ પૅન્ટ્સ પહેરેલા પુરુષો તમને હાલતાચાલતા, સૉરી મારતાકૂટતા દેખાય છે.

આ પ્રકારની પૉલિટિકલ ક્રાઇમ-ડ્રામા ફિલ્મ મોટા ભાગે ટર્ન ઍન્ડ ટ્વિસ્ટથી ભરપૂર હોવાની. આપણે જે-તે ડૉનની આખી સફર જાણતા હોઈએ છતાં પણ અમુક દૃશ્યો જોઈને કંપારી છૂટી જાય, ચોંકી જવાય એવું કંઈક તો આવે જ. પરંતુ અહીં ડિરેક્ટરે નરેટિવ સ્ટાઇલ આગળ કહ્યું એમ અલગ, બિલકુલ ફ્લૅટ અને મિનિમમ નાટ્યાત્મક રાખી છે; જેના કારણે ધ્રુજાવી નાખે એવા વિસ્ફોટો કે દહેશત ફેલાઈ જાય ને કંપારી છૂટી જાય એવા સીન્સ બહુ ઓછા આવે છે. ઓલ્ડ મુંબઈ દર્શાવતા સેપિયા-ટોન કલરના આવરણમાં અરુણ ગવળીની ગૅન્ગ અને પોલીસ વચ્ચે ચોર-પોલીસની રમત અને બે ગૅન્ગ વચ્ચેની લડાઈ, મારફાડ, બધું દગડી ચાલમાં રમાયા કરે છે; પણ તમારા શ્વાસ અધ્ધર નથી કરતું. ફ્લૅટ નરેશન અને મંદ સ્ક્રીનપ્લેના કારણે ઘાતકી હત્યાના કે દદર્‍નાક લોહિયાળ સીનમાં પણ તમને ટેન્શન નથી થતું. ઈવન અરુણ ગવળી જેલના એક સીનમાં ધ્રુસકે-ધ્રુસકે રડે છે, પણ તમે એને રિલેટ જ નથી કરી શકતા. આખી ફિલ્મમાં એ એક જ સીનમાં તે રડે છે અને આપણને કશોય ફરક જ નથી પડતો.


ઍક્ટિંગમાં ડૅડી કે ડેડ?

અર્જુન રામપાલે ફિલ્મમાં પૈસાની સાથે મગજ પણ રોક્યું છે. આઇ મીન, તેણે ડિરેક્ટર આશિમ સાથે મળીને ફિલ્મ લખી છે. ખ્યાલ આવે છે કે તેનું રાઇટિંગ કેટલું નબળું છે! અરુણ ગવળીના પાત્ર માટે તેણે અગિયાર કિલો વજન ઘટાડ્યું હતું ને કપાળ તથા નાકમાં કૉસ્મેટિક ફેરફાર કર્યા છે. નાક અસલ અરુણભાઈ જેવું ચડાવ્યું છે! અરુણ યુવાનીમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકે છે ત્યારના તેનાં ક્ષોભ, ડર, ગભરાટ ને હેઝિટેશન અર્જુને બખૂબી દર્શાવ્યાં છે. એક દૂબળોપાતળો, ઉદાસ રહેતો ફીકા ચહેરાવાળો ગૅન્ગસ્ટર પોલીસ-લૉકઅપમાંથી છૂટીને સફળ નેતા બને છે ત્યાર સુધીનું અર્જુનનું ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કાબિલેદાદ છે. તેની રિયલ ગવળીની જેમ ધીમેથી વાત કરવાની ને ગીત ગણગણવાની સ્ટાઇલ ધ્યાનાકર્ષક છે; પણ અર્જુન અમુક ડાયલૉગ એટલા ધીમા, ઘેરા અને અસ્પક્ટ અવાજમાં બોલે છે કે આપણને સંભળાતા જ નથી! ડૅડી બન્યા બાદ સફેદ શર્ટ-પૅન્ટ-ટોપીમાં સજ્જ અર્જુનનો ચહેરો આખી ફિલ્મ દરમ્યાન સ્ટોરીની જેમ જ ફ્લૅટ રહે છે, જેને કારણે અમુક સીન સિવાય આપણે પણ તેની જેમ જ મૂંઝાયેલા રહીએ છીએ. તેની સામે ઇન્સ્પેક્ટર બનેલો અને મિની નાના પાટેકર જેવો દેખાતો નિશિકાન્ત કામત વધારે અસરકારક લાગે છે. અગાઉ તેણે ‘રૉકી હૅન્ડસમ’માં પણ જબરદસ્ત રોલ પ્લે કર્યો હતો. બીઆરએ ગૅન્ગના બાબુ બનેલા આનંદ ઇંગળે અને રમા નાઈક બનતા રાજેશ શ્રીંગારપુરેએ રોલ ઠીકઠાક ભજવ્યા છે. અરુણ ગવળીની પ્રેમિકા ઝુબેદામાંથી પત્ની આશા બનતી સાઉથની અભિનેત્રી ઐશ્વર્યા રાજેશે નોટેબલ કામ કર્યું છે. અરુણ જેલમાં હોય છે ત્યારે જેનો ગઈ કાલે આખરી ચુકાદો આવ્યો એ ૧૯૯૩ના બૉમ્બ-બ્લાસ્ટ વખતે આશા લોકોની આશ્રયદાતા બનીને ધર્મનો ભેદભાવ રાખ્યા વિના સેવા કરે છે (ધંધે મેં ધર્મ નહીં જેવું ‘રઈસ’વાળું!). હવે જ્યાં મુંબઈ અન્ડરવર્લ્ડની વાત હોય ત્યાં અડધી ફિલ્મ બાદ દુબઈ ભાગી જનારું એક પાત્ર ફરજિયાત હોય જ. ભાઈ દાઉદનું, જે અહીં ફરહાન અખ્તરે વિગ કે સહારે ભજવ્યું છે. આ કાસ્ટિંગ બિલકુલ મિસમૅચ છે. ફરહાન આ લુકમાં જરાસરખોય સેટ થતો નથી. એનું એક કારણ તેનો અવાજ પણ છે. ગાવામાં સારો લાગે, દાઉદ બનીને બોલવામાં નહીં! ગાવા પરથી યાદ આવ્યું : ફિલ્મમાં એક બિનજરૂરી આઇટમ-સૉન્ગ છે, એક ગણપતિબાપ્પાનું ગીત છે અને એક કવ્વાલી છે. આ ત્રણેયમાંથી એકેય તમને યાદ રહેવાનાં નથી. સાજિદ-વાજિદનું મ્યુઝિક બિલો ઍવરેજ છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ ભલીવાર-સોમવાર નથી અને ખાસ તો મોટા ભાગનાં પાત્રો એ રીતે ડાયલૉગ બોલે છે કે તમને સાંભળવામાં રીતસરની તાણ પડે!

તો... જોવી કે નહીં?

સામાન્ય રીતે અન્ડરવર્લ્ડની દુનિયાનાં પાત્રો પર ફિલ્મ બને એટલે એમાં ફિલ્મ કાલ્પનિક છે ને વાસ્તવિકતા સાથે સંયોગ માત્ર છે એ પ્રકારનું ડિસક્લેમર મૂકી દેવામાં આવે અને પછી વાર્તા સાથે પેટ ભરીને છેડછાડ કરવામાં આવે. આ ફિલ્મ બેઝ્ડ ઑન ટ્રુ સ્ટોરી છે એટલે ઓરિજિનલ વ્યક્તિને ખ્યાલ છે કે શું બની રહ્યું છે. એટલે અહીં ડિરેક્ટર આખી ફિલ્મ દરમ્યાન મુખ્ય પાત્ર ગ્લૉરિફાય ન થાય અને સાથે વધારે નેગેટિવ પણ ન ચીતરાઈ જાય એનું ધ્યાન રાખવામાં જ લાગ્યા હોય એવું લાગે છે. છાપાની હેડલાઇન્સ, જૂના રિપોર્ટ્સ અને થોડીઘણી માહિતી ભેગી કરીને સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખાયાં હોય એવી ફિલ્મ બની છે. એકનું એક જોવાનું હોય છતાંય ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ પ્રકારની ફિલ્મો જે-તે દર્શકોને જોવી ગમતી હોય છે, પણ અહીં તો સ્ટોરી-ટેલિંગ નૉન-લિનિયર અને સ્ક્રીનપ્લે સાવ સુસ્ત છે. એટલે જો તમે અર્જુન રામપાલના ડાઇહાર્ડ ફૅન હો (કોણ છે?) અને અન્ડરવર્લ્ડ-બેઝ્ડ ક્રાઇમ-ડ્રામા પ્રકારની ફિલ્મો જોવી તમને ગમતી હોય, રાધર, ધીરજપૂર્વક જોઈ શકતા હો તો તમે અરુણ ગવળી વિશે કંઈ જાણતા હો કે ન જાણતા હો, આ ફિલ્મ તમારા માટે છે. બાકીનાઓ માટે આ ફિલ્મનું ટ્રેલર બહુ સારું હતું. હજી બે-ત્રણ વખત જોઈ લેવું. ફિલ્મ જોશો તો તમને જેલમાં પૂરીને ૧૩૫ મિનિટની સજા ફરમાવી દીધી હોય એવું લાગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK