ફિલ્મ-રિવ્યુ - કરીબ કરીબ સિંગલ

રોડ-ટ્રિપ વિથ રોમૅન્સ પ્રકારની લાઇટવેઇટ ફિલ્મ જોવી ગમતી હોય અને બહુ સ્ટોરીકલ ફિલ્મની અપેક્ષા ન હોય તો આ વેલ-ક્રાફ્ટેડ કરીબ કરીબ સિંગલ તમારા માટે છે

qareeb qareeb single


પાર્થ દવે


અમુક ફિલ્મો એવી હોય જેની સ્ટોરી સારી હોય, પણ એટલી રેઢિયાળ રીતે દર્શાવાઈ હોય કે બગાસાંઓની બહાડ આવી જાય. એનું લેટેસ્ટ એક્ઝામ્પલ : ‘શાદી મેં ઝરૂર આના’ અને અમુક ફિલ્મ એવી હોય જેમાં દેખીતી રીતે સ્ટોરી જેવું કશું જ ન હોય છતાંય મજા આવે, તમે એન્જૉય કરી શકો. મોર લેટેસ્ટ એક્ઝામ્પલ : ‘કરીબ કરીબ સિંગલ’!

બૉલીવુડમાં ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘દિલ ધડકને દો’માં બહેન ઝોયાએ અનુક્રમે રોડ અને સમંદર-ટ્રિપ દર્શાવી હતી. જર્ની કે રોડ-ટ્રિપ વિથ રોમૅન્સ પ્રકારની એકાધિક ફિલ્મો ઇમ્તિયાઝ અલીએ બનાવી છે. એમાં બે પાત્રો મળે, થોડા પરિચય બાદ પ્રવાસે નીકળે, દેશ-દુનિયા ઘૂમે, બહારી જર્નીની સાથે અંદરની જર્ની પણ શરૂ થાય, પોતાને ઓળખે, સારી-ખરાબ બાબતો બહાર આવે અને એક ડિલાઇટફુલ નોટ સાથે ફિલ્મનો એન્ડ આવે. ‘કરીબ કરીબ સિંગલ’ પણ કરીબ કરીબ એવા જ પ્રકારની ફિલ્મમાં આવે છે જેમાં જયા શશિધરન અને યોગેન્દ્રકુમાર દેવેન્દ્રનાથ પ્રજાપતિ (એક જ વ્યક્તિનું નામ છે!) એકબીજાને મળે છે અને નીકળે છે એક એવી બાહરી અને અંદરૂની સફરમાં જેમાં બેઉનો થોડો-થોડો ભૂતકાળ સંકળાયેલો છે.

યસ, આવો થોડી ડીટેલમાં વાત કરીએ!

જયા-પાર્વતી ઔર યોગી-ઇરફાન!

જયા શશિધરન (સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ પાર્વતી) ૩૫ વર્ષની વર્કોહૉલિક વિડો વુમન છે. તેનો આર્મીમૅન હસબન્ડ દસ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો છે. ત્યારથી તેની યાદો સાથે જયા ઑલમોસ્ટ સિંગલ જિંદગી જીવી રહી છે. ઑફિસમાં હાઈ પોસ્ટ પર છે, પોતાના હુકમ ચલાવે છે; પરંતુ પર્સનલ લાઇફમાં તેનો આત્મવિશ્વાસ માઇનસમાં જતો રહે છે! દરેક રવિવારે બેબી-સિટિંગ કરે છે, અજાણ્યાને મળતાં ગભરાય છે. છે તેના કરતાં ઓછા સારા દેખાવા પેસ્ટલ ડ્રેસિસ પહેરે છે! ઇન શૉર્ટ, અદૃશ્ય પૂર્વગ્રહો અને લઘુતાગ્રંથિની શિકાર છે. એક દિવસ તે તેની બહેનપણીનાં મહેણાંટોણાં સાંભળીને, ખુદથી કંટાળીને અબ તક સિંગલ નામની વેબસાઇટમાં મિંગલ થવા પોતાનું અકાઉન્ટ ઓપન કરે છે ને એમાં મળે છે તેનાથી તદ્દન વિરુદ્ધ ધ્રુવમાં બેઠેલો વિયોગી ઉર્ફે યોગી ઉર્ફે યોગેન્દ્રકુમાર દેવેન્દ્રનાથ...

જયાથી તદ્દન વિપરીત યોગી બેપરવા છે, આઉટસ્પોકન છે, રમૂજી છે, જિંદગીની દરેક ક્ષણ માણનાર છે. સમજોને ‘જબ વી મેટ’ની કરીનાનું મેલ વર્ઝન છે! ભપકાદાર કપડાં પહેરે છે. તે કેમિકલ એન્જિનિયર છે, પણ નોકરી નથી કરતો. કવિ છે અને તેનાં પાંચ પુસ્તક છે (કેમ કે સેલ્ફ-પબ્લિશર છે!). આ બેઉ ચોક અને ચીઝસમા ઑપોઝિટ નેચર વેબસાઇટ દ્વારા ભેગા થાય છે, વાતો થાય છે અને યોગીની ત્રણ એક્સ-ગર્લફ્રેન્ડ્સ જે તેના દાવા પ્રમાણે તેને યાદ કરી-કરીને આજે પણ આંસુ સારે છે તે ખરેખર સારે છે કે નહીં એ જોવા આ બેઉ નીકળી પડે છે સફરે...

કરીબ કરીબ અચ્છી!

યશ ચોપડા સાથે ‘દિલ તો પાગલ હૈ’ના સ્ક્રીનપ્લે-રાઇટર તરીકે જેનું નામ લખેલું છે એવી ‘સંઘર્ષ’ ફેમ તનુજા ચંદ્રા ‘કરીબ કરીબ સિંગલ’ થકી નવ વર્ષે દિગ્દર્શનક્ષેત્રે રિટર્ન થઈ છે. આ ફિલ્મમાં તેણે રોડ-જર્નીની સાથે કમિંગ ઑફ એજ રોમૅન્સ દર્શાવ્યો છે. બૉલીવુડિયન ભાષામાં કહીએ તો એક મૅચ્યૉર લવસ્ટોરી છે, જેમાં પાંત્રીસ-ચાલીસ વર્ષની બે વ્યક્તિ ડેટિંગ-સાઇટ દ્વારા ઑનલાઇન મળે અને ઑફલાઇન જિંદગીમાં કશુંક આવશ્યક હતું પણ અધૂરું હતું એવું સર્જા‍ય - આ વાત અદ્ભુત રીતે દર્શાવી છે. ખરેખર તો તમારે ડાયલૉગ્સ અને પ્રસંગો વચ્ચેથી શોધવાની છે.

શરૂઆતની પંદરેક મિનિટ બાદ જ તમને હૃષીકેશ, જયપુર અને ગંગટોકની સફરે ઇશિત નરૈન (સિનેમૅટોગ્રાફર) દ્વારા લઈ જવામાં આવે છે. જોકે અહીં સ્થળથી વધારે વ્યક્તિઓને મહત્વ અપાયું છે. ફિલ્મના મોટા ભાગના સીનમાં બે પાત્રો વચ્ચેનો સંવાદ જ છે અને મોટા ભાગના સંવાદ હિલેરિયસ છે! તનુજા ચંદ્રા બાદ ફિલ્મનો કોઇ સાઇલન્ટ હીરો હોય તો એ છે કામના ચંદ્રા. ‘૧૯૪૨ - અ લવ સ્ટોરી’ અને ‘ચાંદની’નાં સ્ટોરી-રાઇટર કામનાએ ‘કરીબ કરીબ સિંગલ’ લખી છે અને લાજવાબ લખી છે, કારણ કે એક લીટીના સેન્ટ્રલ આઇડિયાને એક્સપ્લોર કરીને તમે કેટલી સારી ટ્રીટમેન્ટ આપી શકો છો એ અહીં દેખાય છે. વાર્તામાં કશું જ નથી છતાંય બધું જ છે! એનું કારણ સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ છે. સ્ક્રીનપ્લે ગઝલ ધાલીવાલ અને તનુજાએ સાથે મળીને લખ્યા છે તથા ફિલ્મના ધાંસુ ને ક્રૅકલિંગ્સ ડાયલૉગ્સ ગઝલે લખ્યા છે જે મોટા ભાગે ઇરફાનના ખાતે આવ્યા છે.

અહીં બૉલીવુડિયન ફિલ્મોની પરંપરા પ્રમાણેનાં નાયક અને નાયિકા નથી. બેઉ વચ્ચેની વાતચીત પણ બિલકુલ રિયલિસ્ટિક વેમાં થઈ છે. બન્ને થોડાઘણા પોતાના ભૂતકાળથી દુભાયેલા છે. તનુજાએ સિફતપૂર્વક ઘણા મેટાફોર સાથે ફિલોસૉફિકલ પાઠ શીખવ્યા છે. ભૂતકાળનો બૅગેજ લઈને ફરતી જયા સ્લીપિંગ પિલ્સ લઈને જ સૂઈ શકતી હતી, જ્યારે બેફિકરો યોગી ફોન પર વાત કરતાં-કરતાં પણ ઝટ સૂઈ જાય છે. તે ટ્રેન છૂટે કે પ્લેન છૂટે ત્યારે ટેન્સ નથી થતો. જયા હાંફળી-ફાંફળી જ રહે છે. ઘણી જગ્યાએ કૌન સી બડી બાત હો ગયીવાળા ‘ચલો દિલ્લી’ના વિનય પાઠક પણ તમને ઇરફાન ખાનના પાત્રમાં દેખાય. આ ઉપરાંત ‘જબ વી મેટ’ અને ‘અંજાના અંજાની’નાં પણ ગ્લિમ્પ્સ તમે જોઈ શકો છો.

જયાનું પાત્ર ભજવતી પાર્વતી આ વર્ષે આવેલી અફલાતૂન મલયાલમ ફિલ્મ ‘ટેક ઑફ’ની લીડ ઍક્ટ્રેસ છે. તેણે અહીં અન્ડર-કૉન્ફિડન્ટની સાથે સેલ્ફ-ડિપેન્ડન્ટ વુમનનું પાત્ર બખૂબી ભજવ્યું છે. તેને જિંદગી માણવી પણ છે, પરંતુ પોતાના પાસ્ટને છોડવા નથી માગતી. ઍક્ચ્યુઅલી આપણા માટે નવો ચહેરો હોવાથી અને તેની નૅચરલ ઍક્ટિંગથી ફિલ્મમાં મોટા ભાગની જગ્યાએ લાગતું જ નથી કે તે કોઈ (પાર્વતી નામની પ્રસિદ્ધ) હિરોઇન છે. તે મલયાલમ ઍક્સન્ટની મીઠી છાંટ સાથે ફ્લુઅન્ટ હિન્દી બોલે છે. એકાદ-બે જગ્યાએ ગઝલ ધાલીવાલે તેના ડાયલૉગ્સમાં સ્માર્ટ્લી મલયાલમ શબ્દો પણ મૂકી દીધા છે. ઍનીવે, ભૂમિ પેડણેકર બાદ બૉલીવુડને એક નવી, લીકથી હટીને ઍક્ટ્રેસ મળી ખરી! અને તેનો કો-સ્ટાર રહેલો ખાનોં મેં ખાન ઇરફાન ખાન! આહાહા, ક્યા કહને! તે કહ્યું એમ એક બાજુ બેફિકરો અને બિન્દાસ્ત છે અને અમુક સીનમાં કન્સિડરેબલ ડેપ્થવાળું વ્યક્તિત્વ પણ ઊભું કરે છે. શરૂઆતથી અંત સુધી તેની હાજરીમાં તમારા મોઢા પર હાસ્ય જ રહે છે. ઇરફાનની એક્સ-ગર્લફ્રેન્ડ્સમાં નેહા ધુપિયા, ઈશા શરવની અને લ્યુક કેની છે તથા બ્રિજેન્દ્ર કાલાએ કૅમિયો રોલમાં પોતાની નોંધ લેવડાવી છે. તનુજા ચંદ્રાએ અમુક મોમેન્ટ્સને કૅમેરા પાત્રના ચહેરા પર ઝૂમ કરીને અન્ડરલાઇન કરી છે. ખાસ તો એવી મોમેન્ટ્સ જેમાં બેમાંથી કોઈ એક કશુંક ખુદબખુદ જર્નીમાંથી શીખ્યું હોય, કંઈક ગ્રોથ થયો હોય. 

આતિફ અસલમે ગાયેલા ‘જાને દે...’ સિવાયનાં ગીતો ફિલ્મના નરેશન સાથે ફિટ બેસે છે. એ ફ્લોને આગળ ધપાવવામાં મદદ કરે છે. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ગેલમાં આવીને તમારા પગ નાચવા-કૂદવા માંડે એવું ફ્રેશ એન્ડ ફ્રૉલિક છે. 

આધા-અધૂરા યોગી!

ચાર્મિંગની સાથે શાંત, ઉદાસ રહેતા યોગીને જોઈને તમને સતત એવું થયા કરે કે તેના વિશે કંઈક વધુ આવે તો સારું, પણ ડિરેક્ટરસાહિબાએ જયાના કૅરૅક્ટર પર વધારે ફોકસ કર્યું છે. યોગી શા માટે એકલો છે, તે ખરેખર શું કરે છે એ તમને છેલ્લે સુધી ખબર નથી પડતી જેના કારણે ફિલ્મના અંતે તમને કંઈક અધૂરું રહી ગયું હોવાની લાગણી થાય છે. બીજું, બે પાત્રો છેવટ સુધી બસ, ટ્રેન, ફ્લાઇટ, હોટેલ, ધર્મશાળા કે ઈવન રોપ-વેમાં વાતો જ કર્યા કરે અને એમાંથી જ મનોરંજન અને શીખ મેળવવાની હોય એ વાત દરેક દર્શકને હજમ નથી થવાની. અને અપ ટુ અ પૉઇન્ટ સ્ક્રીનપ્લે કંટાળાજનક લાગવા માંડે છે. ખાસ તો એન્ડમાં આવતો પાર્વતીનો લૉન્ગ સીન ઇરિટેશન પેદા કરે છે. તે ડ્રન્કન હિરોઇન મોમેન્ટ્સ તથા આફ્ટર ઇન્ટરવલ ત્રણેક સીન્સ સિવાયની ૧૨૫ની કરીબ કરીબ ડબલ એલવાળી સિંગલ ફુલ ટુ એન્જૉયેબલ છે.

વેલ-ક્રાફ્ટ, નો કર્વ્સ!

એક તો મૅચ્યૉર કલાકારો (હિન્દી ફિલ્મોમાં ટેક-ઑફ કરનારી પાર્વતી અને ઑબ્વિયસ્લી ઇરફાન)ને લઈને મૅચ્યૉર લવ-સ્ટોરી પ્રકારની ફિલ્મો બૉલીવુડમાં બહુ ઓછી બને છે. બીજું એ કે ઇમોશન્સના ઓવરબૅગેજ વગરની લાઇટ-હાર્ટેડ સફરનુમા ફિલ્મ પણ કદાચ ઘણા સમયે આવી છે એટલે રોડ-ટ્રિપ વિથ રોમૅન્સ પ્રકારની હળવી ફિલ્મ જોવી ગમતી હોય અને બહુ સ્ટોરિકલ ફિલ્મની અપેક્ષા ન હોય તો આ વેલ-ક્રાફ્ટેડ ફિલ્મ તમારા માટે જ છે. બાકી જેમને કર્વ્સવાળી, એ ચાહે સની લીઓનીના હોય કે સની દેઓલના હોય, મૂવી ગમતી હોય તેઓ આનાથી સ્ટ્રિક્ટ્લી દૂર રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy