જુઓ સલ્લુની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'નું રિવ્યુ

નો લૉજિક, ઓન્લી સલમાન મૅજિક!

salman

ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે

ટાઇગર ઝિંદા હૈ


સલમાનભાઈ કી સ્ટાઇલ દેખો

સલમાનભાઈ કી સ્માઇલ દેખો

ઉનકા અંદાજ દેખો,

બાતેં ઉનકી ખાસ દેખો...

હાથ મેં બઝુકા લિએ સલમાનભાઈ કા સ્વૅગ દેખો...

દેખો દેખો દેખો!

વેલ, ફૅન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ટાઇગર પાંચ વર્ષે પાછો આવી ગયો છે. છેલ્લે હટકે કરવાની લાયમાં સલમાનભાઈની ‘ટ્યુબલાઇટ’ ફાટી પડી હતી, પણ હવે તેઓ પોતાના હોમગ્રાઉન્ડ ફુલ-ટુ એન્ટરટેઇનમેન્ટ એરિયામાં પાછા આવી ગયા છે! ઇસી લિએ ઇસ ફિલ્મ કો સુપરહિટ હોને સે કોઈ નહીં રોક સકતા! ખુદ ટાઇગર ભી નહીં! હી..હી.. હાહાહા...

કહાં હૈ ટાઇગર?

ડાબી બાજુ બૉટમમાં સમવેર ઇન નૉર્થ ઈસ્ટ સિરિયાના લખાણથી ફિલ્મ ઊઘડે છે. સિરિયાનો કોઈ એક તંગ દિવસ છે. ટેરરિસ્ટ ગ્રુપ ISC (વાંચો ISIS)એ ૪૦ નર્સોનું અપહરણ કર્યું છે, જેમાં ૨૫ ભારતીય અને ૧૫ પાકિસ્તાની છે. ભારતીય જાસૂસી સંસ્થા RAWને એની જાણકારી મળતાં જ સિનિયર ઑફિસર શિનોય (ગિરિશ કર્નાડ) કહે છે, આ ઇમ્પૉસિબલ મિશન માત્ર એક જ વ્યક્તિ કરી શકે એમ છે (જેના માટે આ સમગ્ર ફિલ્મ બની છે!), જેનું નામ છે ટાઇગર ઉર્ફે અવિનાશ સિંહ રાઠોડ.

એટલે નેતા બનેલા સિદ્ધાર્થ બાસુ સરપ્રાઇઝ્ડ થઈને પ્રશ્નાર્થ વાક્ય ઉચ્ચારે છે : ટાઇગર ઝિંદા હૈ? ને બૅકગ્રાઉન્ડમાં ટાઇગરની સિગ્નેચર ટ્યુન વાગવા મંડે! (આડવાત : આ સમયે તમે જો સલમાનના ફૅન હો તો તમારા શરીરમાંથી ઉત્તેજનાનું લખલખું પસાર થઈ જાય બૉસ! આડવાત પૂરી.) પણ ટાઇગર ક્યાં છે એ કોઈ નથી જાણતું, કેમ કે ‘એક થા ટાઇગર’માં આપણને ભણાવવામાં આવ્યું હતું એ મુજબ તેને પાકિસ્તાની ISIની એજન્ટ ઝોયા (કૅટરિના કૈફ) સાથે પ્રેમ થઈ ગયો હતો અને એટલે તેમને બેઉને દેશવટો આપવામાં આવ્યો હતો.

મિશન ઇમ્પૉસિબલ!


આ ફિલ્મની શરૂઆત ‘એક થા ટાઇગર’ના એન્ડથી જ થાય છે. માત્ર વચ્ચે ૮ વર્ષના વહાણાં વહી ગયાં છે. ટાઇગર તો ઑસ્ટ્રિયામાં બર્ફીલા પહાડોની વચ્ચે હવે (ફિલ્મમાં) તેની પત્ની બની ચૂકેલી ઝોયા અને પુત્ર જુનિયર (સાઉન્ડ્સ લાઇક, જુનિયર ટાઇગર!) સાથે રહે છે. તે ૪૫ વર્ષનો છે છતાંય ટાઇગર છે. હજીયે એટલો જ ઍક્ટિવ છે એ દર્શાવવા તે પાંચેક વરુ સાથે એકલપંડે ફાઇટ પણ કરે છે અને સ્કિઇંગ પણ કરે છે. વરુઓથી પોતાને અને જુનિયર ટાઇગરને બચાવવા પોતે મિની બાહુબલી બનીને નીચે પાર્ક કરેલા ફોર-વ્હીલર સુધી પહોંચે છે. ગાડીમાં પાછો વરુને પૂરે છે (હા, સાચ્ચે!) અને તે એન્ટ્રી સીન પતાવીને ઘરે જાય છે ત્યાં તેના એક્સ-બૉસ શિનોય અને કરણ (અનંત શર્મા) પહોંચી ગયા છે. (અનંત શર્માને ‘સુલતાન’ બાદ સલમાનભાઈએ આ ફિલ્મમાં તક આપી છે. રણવીર શૌરી કપાયો છે.) શિનોયસાહેબ ટાઇગરના હાથની કિલર કાલી દાલ ખાઈને કહે છે કે ભાઈ, તારા વિના કોઈ ભારત દેશનો ઉદ્ધાર નહીં કરી શકે. તું જા અને છોડાવી આવ ૨૫ નર્સને! યસ, પાછળથી પાકિસ્તાની ૧૫ નર્સને છોડાવવા કૅટરિના પણ મિશનમાં જોડાય છે. ટાઇગરે પોતાની ટીમ પણ તૈયાર કરી રાખી છે, જેમાં એક ટેક્નિશ્યન (કુમુદ મિશ્રા), બૉમ્બ-ડિફ્યુઝર (અંગદ બેદી) અને સ્નાઇપર (પરેશ આહુજા) છે. આ ઉપરાંત કૅટરિનાની સાથે પાકિસ્તાનના ત્રણેક એજન્ટ આવે છે. બધા ભેગા થઈને ૨૦૧૪માં ખરેખર ભારત સરકારે જે રેસ્ક્યુ ઑપરેશન દ્વારા ISIL (Islamic state of Iraq and the Levant) દ્વારા બંદી બનાવાયેલી કેરળની નર્સોને બચાવી હતી એ મિશન બહાર પાડે છે. ફરક એટલો છે, અહીં મોટા ભાગનાં જોખમ એકલો ટાઇગર જ લઈ લે છે! (આને બૅકડ્રૉપમાં લઈને આ જ વર્ષે માર્ચમાં અફલાતૂન મલયાલમ થ્રિલર ‘ટેક ઑફ’ આવી ચૂકી છે.) જોકે ‘ટેક ઑફ’ સંપૂર્ણ લૉજિકલ છે અને એમાં નર્સના પર્સેપ્શનથી આખી વાત કહેવાઈ છે. ‘ટાઇગર ઝિંદા હૈ’ મૅજિકલ ફિલ્મ છે અને સંપૂર્ણ ફિલ્મ સલમાનભાઈની આજુબાજુ કૅમેરા ફરાવીને કહેવાઈ છે.

ડિરેક્શન, પફોર્મન્સ, મ્યુઝિક

‘એક થા ટાઇગર’ વિવિધ દેશ ફરાવવા માટે જાણીતા કબીર ખાને બનાવી હતી, પરંતુ આ ફિલ્મનું સુકાન અલી અબ્બાસ ઝફરે સંભાળ્યું છે જેણે સલમાનની છેલ્લી બ્લૉકબસ્ટર ‘સુલતાન’ બનાવી હતી અને અખાડાના સમ, સલમાનની ઍક્ટિંગ એમાં સારી હતી! આ ફિલ્મને સીક્વલ પણ કહી શકો અને ટાઇગર ફ્રેન્ચાઇઝી સિરીઝનો એક મણકો પણ કહી શકો, કેમ કે ફિલ્મના આખરી નોટ બાદ એવું લાગે જ છે કે ફરી ટાઇગર આવશે ને એકાદ મિશન એકલા હાથે-પગે અને શરીરે પાર પાડશે. અલી અબ્બાસ ઝફરે એક તૈયાર પ્લૉટ લઈને એની આસપાસ નીલેશ મિશ્રા સાથે બેસીને સ્ટોરી લખી છે. (‘એક થા ટાઇગર’ પણ નીલેશજીએ કબીર ખાન સાથે લખી હતી.) એને એસ્પિઅનાઝ થ્રિલર અર્થાત જાસૂસી પ્રકારની સ્ટોરી કહી શકાય. સ્પાય થ્રિલર તો કયા મોઢે કહું? પેલી પાનબહાર ખાતો બૉન્ડ નારાજ થઈ જશે! ઍક્ચ્યુઅલી, અલીભાઈ ઘણી જગ્યાએ સરળ (ફ્લૅટ) સ્ક્રીનપ્લે અને ફુલ-ટુ મસાલા એન્ટરટેઇનમેન્ટ આપવા માટે મજબૂર હતા એવું લાગે છે; કારણ કે મિડલ ઈસ્ટના દેશો આ રીતના અપહરણ, દેશો વચ્ચેના સંઘર્ષ, તેલના કૂવાઓ, હથિયારો, સ્ત્રી-બાળકોનું શોષણ વગેરે માટે કુખ્યાત છે. પરંતુ અહીં એની ડીટેલમાં ઊતરવા જાત તો સલમાનભાઈ માટે ડેન્જર સાબિત થાત, કેમ કે અહીં કોઈને માહિતી કે પ્રોસેસની અપેક્ષા નથી; અહીં માત્ર ને માત્ર મનોરંજન જોઈએ છે. અલી ઝફરે સલમાનની ગુડ ગાય વિથ કિડની ઇમેજ પણ જાળવી રાખી છે. ‘બજરંગી ભાઈજાન’, ‘ટ્યુબલાઇટ’ બાદ ફરી એક વાર સલમાન બાળક જોડે મસ્તી કરતો દેખાય છે. ફિલ્મના મોટા ભાગના સીન વેલ કોરિયોગ્રાફ્ડ છે.

માચોમૅન સલમાનની સ્વૅગપૂર્ણ એન્ટ્રી, કૅટરિનાનો એન્ટ્રી સીન, તમામ કૅરૅક્ટર અને પ્લૉટનું એસ્ટૅબ્લિશમેન્ટ - આ બધામાં ખાસો એવો સમય પસાર થઈ જાય છે. વચ્ચે ખાસ સલમાનભાઈ માટે ઊભી કરાયેલી ફાઇટ-સીક્વન્સિસ, અમુક કૉમિક ને તમુક દેશભક્તિના ડાયલૉગ્સ, આ બધાના કારણે મૂળ મિશન ઇન્ટરવલ બાદ સ્ટાર્ટ થાય છે. આને લૂપહોલ કહી શકાય, કેમ કે ફિલ્મ પૂરી ૧૬૧ મિનિટની છે ને ઘણી જગ્યાએ ધીમી લાગે છે.  જોકે ભાઈના ફૅન્સ એને સીટી મારતા-મારતા એન્જૉય કરી શકે છે. ભારત-પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના એજન્ટ સાથે રહીને એક મિશન પૂરું પાડે છે (જે દુનિયામાં પહેલી વાર થયું છે અને એ પણ કોના કારણે? ટાઇગરના કારણે!) એટલે વચ્ચે-વચ્ચે ઇન્સાનિયત હી એક મજહબ હૈ કે અમન અને આશા પ્રકારના ઇન્ડિયન સ્પાય ફિલ્મમાં અનિવાર્યપણે આવતા ડાયલૉગ્સ હાજરી પુરાવે છે. જોકે એકાદ-બે પૅટ્રિઓટિક સીન્સ ઇફેક્ટિવ પણ રહ્યા છે. અરે, પરેશ રાવલનો શૉર્ટ પણ કૉમિક રોલ મજાનો છે. એમાં પણ તે એક સીનમાં બોલે છે કે PMસાહબ કો પૂછા હૈના? ત્યારે બધા અર્થમાં તમને મજા આવે છે! ફિલ્મનો ઍન્ટેગોનિસ્ટ, ટેરરિસ્ટ ગ્રુપના વડા નામે અબુ ઉસ્માનનું પાત્ર ઇરાનિયન ઍક્ટર સજ્જાદ ડેલફ્રુઝે ભજવ્યું છે. તેના મોઢે પ્રેડિક્ટેબલ ડાયલૉગ્સ મુકાયા છે. કહે છે કે કોઈ કલાકાર સલમાનની સામે ખુંખાર વિલનના રોલમાં સૂટ નહોતો થતો પછી આ કલાકાર પર પસંદગી ઉતારી છે. જોકે એટલો ઘાતક કે વિનાશક આ પણ નથી લાગતો, કારણ કે તેનું કામ માત્ર ટિપિકલ હિન્દી ઍક્સન્ટમાં બોલવાનું અને આદેશ છોડવાનું છે. કૅટરિના કૈફે ઍક્ટિંગ કરી છે. આઇ મીન, પ્રમાણમાં સારી કરી છે. તેના મોઢે બહુ ઓછા ડાયલૉગ્સ છે. ના, ઓછા ડાયલૉગ્સ છે એટલે સારી ઍક્ટિંગ કરી છે એમ નહીં, પણ તેણે ભજવેલા અમુક ઍક્શન સીન્સ સારા છે. ખાસ કરીને સિટી કાઉન્સિલ બિલ્ડિંગની અંદરની ફાઇટમાં તેની બૉડીડબલે નોંધપાત્ર કામ કર્યું છે!

નો ડાઉટ, આ ફિલ્મ ટેક્નિકલી અદ્ભુત છે. ફિલ્મના કૅમેરા ઍન્ગલ (ખાસ તો સ્લો મોશનમાં સલમાનને દર્શાવતા), સિનેમૅટોગ્રાફી, કટ્સ અને મ્યુઝિક સુપર્બ છે. સિનેમૅટોગ્રાફર માર્કિન લેસ્કવિસે (ઉચ્ચારમાં બહુ ન પડતા!) ઑસ્ટ્રિયાના બર્ફીલા પહાડોથી અબુ ધાબીના રણ, ઇરાક બધું જ અદ્ભુત રીતે ઝીલ્યું છે. જુલિયસ પેકીઅમનો બૅકગ્રાઉન્ડ સ્કોર અને વિશાલ-શેખરનું મ્યુઝિક ફિલ્મને વધુ ધારદાર બનાવે છે. જ્યોતિ નરુને ગાયેલું તેરા નૂર તથા આતિફ અસલમનું દિલ દિયાં ગલા ફિલ્મ વચ્ચે જોવાં-સાંભળવાં ગમે છે. બાકીનાં ગીતો ફિલ્મમાં સમાવવામાં નથી આવ્યાં.   

લૉજિક નહીં, સર્ફિ મૅજિક!


આમ તો આ રોહિત શેટ્ટીની અને તેને જ લાગુ પડે એવી ટૅગલાઇન છે, પણ ટાઇગરભાઈ માટે તેની પાસેથી ઉધાર લેવી પડશે. અહીં શેટ્ટીની ફિલ્મોની જેમ ગાડીઓ તો ઘણી ઊલળે છે, પરંતુ મોટા ભાગની સીક્વન્સિસ કે વાર્તા કે પ્લૉટમાં લૉજિકની કરિશ્મા-કરીના એક થઈ છે. પણ.. કી ફરક પેન્ધા હૈ? હુ કૅર્સ? તમારી પાસે સલમાન ખાન છે, તમને લૉજિકની શું જરૂર છે? પાછા સલમાનના ફૅન્સ માટે પરાકાષ્ઠાસમી મોમેન્ટ્સ પણ આ ફિલ્મમાં સમાવવામાં આવી છે. સલમાન શર્ટ કાઢે છે અને પોતાની કથિત સિક્સ-પૅક ઍબ્સ દર્શાવે છે!

તો... જોવી કે નહીં?


ડઝનો ટ્રેઇન્ડ આતંકવાદીઓને માર્યા બાદ સલમાન પાછો આવે અને પછી પણ થોડા વધુ સાથે ફાઇટ કરે, પણ તેની હેરસ્ટાઇલ તમને એવી જ પર્ફેક્ટ લાગે. તે કોઈ પણ મસમોટા પ્રૉબ્લેમ્સમાંથી બહાર નીકળી જ જવાનો છે એ તે તો જાણતો જ હોય, તમે પણ જાણતા હો! એટલે જે હોવી જોઈએ એ ક્લાઇમૅક્સના કે કોઈ પણ સીનમાં ઉત્કંઠા ન રહે. એટલે તમને લૉજિકની બહુ પરવા ન હોય ને ઍક્શનપૅક્ડ મસાલા એન્ટરટેઇનમેન્ટ ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ જોઈ શકો છો. સલમાન ખાનના આશિક હશો તો ઓર મજા આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK