ફિલ્મ રિવ્યુ : ઢિશૂમ

ધવન કરેંગે ધવન કરેંગે,  દોસ્તાર હોય એવા બે પોલીસની ટિપિકલ ફોર્મ્યુલા પર ચાલતી ધવનપુત્રોની આ ફિલ્મ ફાસ્ટફૂડિયું મનોરંજન માત્ર છે


dishoomજયેશ અધ્યારુ

એક જગ્યાએ ક્રાઇમ બને. એને સૉલ્વ કરવા માટે બે હીરો આયાત કરવામાં આવે; એમાં એક હાથથી નાળિયેર વધેરી નાખે એવો કડક હોય, જ્યારે બીજો થોડો પાવલી કમ અથવા તો ડેઢ શાણો હોય. તેમની લૉરેલ ઍન્ડ હાર્ડી જેવી નોકઝોંક આપણને હસાવે પણ ખરી અને વિલનની પાછળ જિંજર-પુડિંગ ખાઈને પડી જાય એમાં આપણા પેટમાં બેઘડી પતંગિયાં પણ ઊડવા માંડે. છેવટે ખાધું પીધું ને ફ્રેન્ડશિપ-બૅન્ડ બાંધીને રાજ કીધું જેવો એન્ડ આવે. દોસ્તાર પોલીસવાળા પ્રકારની ફિલ્મોની આ સ્ટાન્ડર્ડ રેસિપી જૅપનીઝ ડિરેક્ટર અકીરા કુરોસાવાએ છેક ૧૯૪૯માં ‘સ્ટ્રે ડૉગ’ નામની ફિલ્મમાં તૈયાર કરેલી. એનો ઉપયોગ કરીને હૉલીવુડમાં ‘લીથલ વેપન’, ‘રશ અવર’ કે આપણે ત્યાં ‘મૈં ખિલાડી તૂ અનાડી’થી લઈને ‘ધૂમ’ જેવી અનેક વાનગીઓ બની ચૂકી છે. હવે દાદીઅમ્માના વખતની આ રેસિપી પર બડે પાપા ડેવિડ ધવનના દીકરા ફિલ્મ બનાવે એ કેવી હોય? વેલ, એ ડિશ ઢિશૂમ જેવી હોય. બસ, એમાં સ્વાદાનુસાર પણ લૉજિક નામનું તkવ નહીં નાખવાનું.

હિટવિકેટ ક્રિકેટર, રનર પોલીસ

અબુ ધાબીમાં ભારત-પાકિસ્તાનની ફાઇનલ મૅચ પહેલાં ક્રિકેટર વિરાટ, સૉરી, વિરાજ શર્મા (સાકિબ સલીમ) કિડનૅપ થઈ ગયો છે. જો કિડનૅપરની ડિમાન્ડ પૂરી ન થાય તો વિરાજનું બોટી-કબાબ બનવાનું નક્કી. સુષમા સ્વરાજ જેવું સ્વેટર પહેરીને ફરતાં ભારતનાં વિદેશ મંત્રિણી (મોના આંબેગાવકર) સિગારેટથી ચાલતા એક કડક પોલીસવાળાને પાર્સલ કરી આપે છે. એ પોલીસવાળો એટલે કબીર શેરગિલ (જૉન એબ્રાહમ). કબીરનો પનારો પડે છે ખોવાયેલો ડૉગી શોધવામાં પણ ફેલ થતા જુનિયર ઇન્સ્પેક્ટર જુનૈદ અન્સારી (વરુણ ધવન) સાથે. એક પછી એક અંકોડા મેળવતાં આ બન્ને જણ ઇશિકા (જૅકલિન ફર્નાન્ડિસ) નામની પૉકેટમારની મદદથી વિલન વાઘા (અક્ષય ખન્ના) સુધી પહોંચે છે. પણ એક મિનિટ, એ વાઘો પેલા ક્રિકેટર વિરાજને ક્લીન બોલ્ડ કરી નાખશે તો? આ ‘તો’નો જવાબ મેળવવા તમારે શું કરવાનું છે એ તમે જાણો છો.

ફિલ્મ કા ચાર્જર

ટીવી પર વરુણ ધવન ભલે ફેસ કા ચાર્જર જેવી ફેરનેસ ક્રીમ વેચતો હોય પણ અહીં તે આખી ફિલ્મનું ચાર્જર છે. તેની એન્ટ્રી સાથે જ પાર્ટીમાં રોનક આવી જાય છે. જૉન એબ્રાહમે તો જાણે હવે ઍક્ટિંગ ન કરવાની અને ચહેરા પર કોઈ એક્સપ્રેશન ન આપવાની બાધા લીધી છે. એનો પૂરેપૂરો ફાયદો વરુણ ધવનને મYયો છે. તેનો ચૉકલેટી ચાર્મ, ચેપ લાગી જાય એવું સ્માઇલ, પ્લીઝિંગ પર્સનાલિટી, વિટ્ટી વનલાઇનર્સ અને પર્ફેક્ટ કૉમિક ટાઇમિંગ ફિલ્મને સતત હળવીફૂલ રાખે છે. ઍક્ચ્યુઅલી, જૉનના પાત્રને થોડું હજી આકર્ષક બનાવવાની જરૂર હતી. અહીં તો બિચારો વરુણ કાળમીંઢના પથ્થર સાથે માથું પછાડતો હોય એવું જ લાગે છે.

‘ધૂમ’-સ્ટાઇલમાં લખાયેલું ફિલ્મનું નામ અને એ નામ સાથેના પાર્ટી-સૉન્ગ સાથે ફિલ્મ સ્ટાર્ટ થાય. એ સાથે જ મેન્ટોસ ખાધા વગર પણ આપણા દિમાગમાં બત્તી થઈ જાય કે અહીં દિમાગ ચલાવવાનું નથી; બસ, બે કલાક આનંદ કરવાનો છે. છતાંય તમારું દિમાગ ક્યારેક સળવળી ઊઠે તો આવા સવાલો વરસાદી દેડકાની જેમ કૂદાકૂદ કરવા માંડે કે વાત-વાતમાં લોકોને ભડાકે દેતા પોલીસ-અધિકારીને કેસ સૉલ્વ કરવા વિદેશ મોકલાય? વિદેશ ગયા પછી તે એવી તે કઈ મોટી કારીગરી કરે છે જે ત્યાંની પોલીસ ન કરી શકે? વિલન કહે અને બીજી જ સેકન્ડે સરકાર ૫૦૦ કરોડ રૂપિયા આપી પણ દે? એ પણ સલામતીની ખાતરી કર્યા વગર? ક્રિકેટરનો ખભો ફોલ્ડિંગ છે? જો સેવમમરા ખાતા હોય એવી આસાનીથી બૉમ્બ ડિફ્યુઝ થઈ શકતો હોય તો વિલનને પૈસા આપવાની જરૂર ખરી? આવું બધું વિચારવા માંડો એટલે તરત તમારે દિમાગની બત્તી બંધ કરવી પડે.

પાપા ધવન પાસેથી ટuુશન લીધા પ્રમાણે ડિરેક્ટર રોહિત ધવનનો ફન્ડા ક્લિયર છે, પબ્લિક ખુશ હોની ચાહિએ, બસ. એક તો ફિલ્મની વાર્તા રેસ અગેઇન્સ્ટ ટાઇમ પ્રકારની છે એટલે કે સતત માથા પર ઘડિયાળ ચાલતી રહે છે. એને કારણે જ ઇન્ટરવલ પહેલાં ફિલ્મ ફુટબૉલની મૅચની જેમ ફટાફટ ભાગતી રહે છે. ધડાધડ પાત્રો ઇન્ટ્રોડ્યુસ થાય અને સ્ટોરી આગળ વધતી રહે. લેકિન ઇન્ટરવલ પછી સ્ટોરી કોઈ અજાણ્યા મુલકમાં પહોંચે અને ફિલ્મની બૅટરી ડાઉન થવાનું શરૂ થાય. ફિલ્મનું સૌથી બેસ્ટ ગીત ‘સૌ તરહ કે...’ એટલા ભંગાર પૉઇન્ટ પર મુકાયું છે કે ગીતની ફીલ અને ફિલ્મની થિþલ બન્નેનું ઢિશૂમ થઈ જાય છે.

અક્ષય ખન્ના લાંબા સમયે પડદા પર દેખાયો છે. અત્યારે હૉલીવુડના ઍક્ટર જેસન સ્ટેધામ જેવા લુકમાં આવેલા અક્ષયનું પાત્ર સખત ભેદી લાગે છે, પરંતુ જેમ-જેમ તેની આડેનાં આવરણ હટતાં જાય એમ આપણને તેનો ખોફ લાગવાનું બંધ થઈ જાય. ક્લાઇમૅક્સ આવતા સુધીમાં તો એના ઉદ્દેશમાં પણ ખાસ કશી ભલીવાર નથી એ પરખાઈ આવે. એમાંય રાઇટર-ડિરેક્ટર રોહિતે સ્ટોરીમાં એવાં સગવડિયાં લાકડે માંકડાં વળગાડ્યાં છે કે ફિલ્મ બાળ-થિþલર લાગવા માંડે. આમેય ફિલ્મનું ઑડિયન્સ ટીનેજર્સ-યંગસ્ટર્સ જ છે. એટલેસ્તો ફિલ્મમાં વનલાઇનર્સ પણ એવાં જ રખાયાં છે અને ચકાચક ગાડીઓ, બાઇક, હેલિકૉપ્ટર, લક્ઝરી બોટ, ફૉમ્યુર્લા વન રેસિંગ સર્કિટ વગેરેનો ઉદારતાથી છંટકાવ થયો છે.

ક્યુટ જૅકલિનના ભાગે ટૂંકાં કે ફાટેલાં કપડાં પહેરીને ફરવા સિવાય ખાસ કશું આવ્યું નથી. એ જ રીતે અઝહર જેવી ક્રિકેટિંગ ફિલ્મનો અનુભવ ધરાવતી હોવાના નાતે નર્ગિસ ફખરીને પણ બિકિનીની મૉડલની જેમ લીધી છે. જાણે ધવન ટ્રાવેલ્સની ચોક્કસ ઊપડે છે પ્રકારની બસ કરી હોય એમ અહીં જથ્થાબંધ લોકોનાં ગેસ્ટ અપીરન્સ છે; અંબોડાવાળો અક્ષયકુમાર, બુરખાવાળી પરિણીતી ચોપડા, મોટાં જુલફાંવાળા વિજય રાઝ, માત્ર સાઉન્ડવાળા સતીશ કૌશિક, ક્રિકેટવાળા મોહિન્દર અમરનાથ, આકાશ ચોપડા, રમીઝ રાજા વગેરે. સંગીતકાર પ્રીતમે માત્ર એક જ ગીતમાં મહેનત કરી છે, જ્યારે બાકીનાં ગીતો માત્ર સ્ટાઇલ મારવા અને કૂલ દેખાવા સિવાય ખાસ કશા ખપનાં નથી.

સોચો મત, બસ દેખતે જાઓ


આ મૂવીમાં નવું કહી શકાય એવું એક ગ્રામ મટીરિયલ પણ નથી છતાં આ ફિલ્મ લગભગ ક્યાંય બોર નથી કરતી. ઇન ફૅક્ટ, ‘ધૂમ’ જેવી સિરીઝ બનાવી શકાય એવો મસાલો પણ આમાં છે. બસ, માત્ર રાઇટિંગમાં મહેનત કરવાની જરૂર છે. આ ‘ઢિશૂમ’ને કોઈ પણ જાતની અપેક્ષા વિના માત્ર ફાસ્ટફૂડિયા મનોરંજનાર્થે એકાદ વખત જોઈ શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK