ફિલ્મ-રિવ્યુ : ફગલી - જેવું નામ એવી ફિલ્મ

Rating : *1/2 (1.5 Star) બે સારી હિન્દી ફિલ્મોની સાવ દાઢે ચોંટે એવી હરિયાણવી ખીચડી એટલે આ ફગલી
‘અન્કલ અન્કલ, મેરે કો ભી ફિલિમ ડિરેક્ટ કરની હૈ!’

‘અબે બાવળી પૂછ, ફિલિમ બનાણે કે લિએ ઇસ્ટોરી ચાહિએ. હૈ તેરે પાસ?’

‘જી અન્કલ, યે દેખિએ ‘રંગ દે બસંતી’ કી સીડી. ઔર યે દુજ્જે પૉકેટ મેં સે ‘શૈતાન’ ફિલ્મ કી સીડી. યે દોણો કો મિલા કે એક લલ્લન ટૉપ ઇસ્ટોરી બનાઉંગા મૈં.’

‘ઠીક હૈ ઠીક હૈ, બના લિજિયો ફિલિમ. લેકિણ ઇસ્ટોરી અપણી હરિયાણવી હોણી ચાહિએ. ઔર સુણ, યે અપણા બૉક્સર બચ્ચા વિજેન્દર ભી અભી ઘર પે બૈઠા હૈ. ઉસે ભી એક અચ્છા સા રોલ દે દિજિયો.’

‘એકદમ પક્કા અન્કલ. થૅન્ક યુ અન્કલ!’

કંઈક આવા જ ડાયલૉગની આપ-લે ઍક્ટર-ટન્ડર્‍ ડિરેક્ટર એવા કબીર સદાનંદ અને તેના પ્રોડ્યુસર વચ્ચે થઈ હોવી જોઈએ. નહીંતર આવી ભંગાર ફિલ્મ અને ઉપરથી આવી બૉલીવુડિયન ઉઠાંતરી કઈ રીતે સંભવે?

એક યુગ જેવડી અઢી કલાક

રાષ્ટ્રપતિ ભવનની અંદરની પરેડ સાથે શરૂ થતી ફિલ્મમાં તરત જ હીરો બાઇક પર આવે છે અને ઇન્ડિયા ગેટની સામે આત્મવિલોપન કરી લે છે. એ પછી એવી અસહ્ય અવસ્થામાં પણ તે વિશ્વનું સૌથી લાંબું ડાઇંગ-ડિક્લેરેશન આપે છે અને એ પણ મીડિયાને, જે આ ફિલ્મની સ્ટોરી છે. ચાર લંગોટિયા મિત્રો દેવ (મોહિત મારવાહ), દેવી (કિયારા અડવાણી), ગૌરવ (વિજેન્દર સિંહ) અને આદિત્ય ઉર્ફે હગ્ગુ (અર્ફી લાંબા). એ ચારેયમાં ગૌરવ એટલે કે વિજયેન્દર દિલ્હીના કોઈ મંત્રીનો દીકરો છે એટલે ફાટીને ધુમાડે ગયેલા એ ચારેય દોસ્તારો મોંઘીદાટ ગાડીમાં રખડે છે, દારૂ પીએ છે અને આપણા કાને બહેરાશ આવી જાય એવાં ગીતો ગાય છે.

એવામાં દેવી એટલે કે કિયારાની એક કરિયાણાવાળો છેડતી કરે છે અને બદલો લેવા માટે તેના ત્રણેય દોસ્તારો તેને કિડનૅપ કરી લાવે છે. એ દોડાદોડીમાં આ દોસ્તારોને માથાફરેલ પોલીસમૅન રાજવિન્દર સિંહ ચૌટાલા (જિમી શેરગિલ)નો ભેટો થઈ જાય છે. તે પેલા કરિયાણાવાળાને પાંઉભાજીની જેમ પીસી નાખે છે અને ચારેય દોસ્તારોને કહે છે કે હું ચપટી વગાડતાંમાં સાબિત કરી દઈશ કે આ ખૂન તમે કર્યું છે. બચવું હોય તો મને ૨૪ કલાકની અંદર ૬૫ લાખ રૂપિયા આપી દો. એ ૬૫ લાખ રૂપિયાનો મેળ કરવામાં ચારેય જણ રેવ પાર્ટી કરે છે અને એક નેતાનું ખૂન કરવા તૈયાર થઈ જાય છે. આ આખી ખીચડીને દેશભક્તિનો કલર આપવા માટે પાત્રો ભગત સિંહનું ટીશર્ટ પહેરીને દેશભક્તિના ડાયલૉગ્સ પણ ફટકારે છે. એ દરમ્યાન તમને સતત એવું લાગશે કે કાં તો ઘડિયાળ અટકી ગઈ છે અથવા તો તમે કોમામાં ચાલ્યા ગયા છો.

હરિયાણવી બોલીનો ક્રૅશ ર્કોસ

એક તો ફિલ્મનું અfલીલ કહી શકાય એવું નામ અને ઉપરથી જિમી શેરગિલને બાદ કરતાં અજાણ્યા ઍક્ટર્સ. આ જોઈને એટલું તો નક્કી હતું કે ફિલ્મમાં ખાસ કશી ભલીવાર નહીં હોય, પરંતુ બૉલીવુડની જ બે સારી ફિલ્મોના પ્લૉટની બિનધાસ્ત ઉઠાંતરી કર્યા પછીયે આટલી કંગાળ ફિલ્મ બને એ અજબ વાત છે. ફિલ્મ શરૂ થયાના પહેલા પોણા કલાક સુધી ફિલ્મની ગાડી પાટા પર જ ન આવે. ખાલી હિમાલયદર્શન કરાવવું હોય એમ બધા દોસ્તારો લેહ-લદ્દાખ ફરવા ઊપડી જાય છે (દર્શકોનું અને સરવાળે ફિલ્મનું જે થવાનું હોય એ થાય).

સ્ટોરીની માંડણી થયા પછી પણ પડદા પર જેકંઈ બને છે એ આપણે પૉપકૉર્નને બદલે હાજમોલાની બાટલી લઈને ફિલ્મ જોવા બેસીએ તો પણ અપચો કરાવી દે. મિનિસ્ટર કક્ષાના નેતાના દીકરાને એક સતત દારૂ પીધે રાખતો પોલીસવાળો સતત બ્લૅકમેઇલ કર્યે રાખે અને આમ તો આખું દિલ્હી માથે લઈને ફરતાં વછેરાંઓ બ્લૅકમેઇલ થાય પણ ખરાં. જો ફિલ્મનું લૉજિક એની સ્ટોરીમાં અપ્લાય કર્યું હોત તો ઇન્ટરવલ પહેલાં જ સ્ટોરી પૂરી થઈ જાત. ફિલ્મમાં જે ટ્વિસ્ટ્સ આવે એ પણ જાણે થાગડથીગડ કરીને નાખ્યા હોય એવા છે. ઈવન શરૂઆતમાં આવતું આત્મવિલોપન અને ફિલ્મની ક્લાઇમૅક્સ પણ જરાય જસ્ટિફાય થતી નથી.

આટલું ઓછું હોય એમ આપણાં ફેવરિટ એવાં સૉન્ગ ઍન્ડ ડાન્સ તો હોય જ. સિચુએશન ગમે તેવી ટેન્શનવાળી હોય, પણ હીરોલોગને નાચવું તો પડે જ. આપણને જકડી રાખે એવા ડાયલૉગ્સ પણ નથી કે ઍક્શન-સીક્વન્સ પણ સદંતર ગેરહાજર છે. અરે, સલમાન ખાન અને અક્ષયકુમારને લઈને શૂટ કરેલું ‘યે ફગલી ફગલી ક્યા હૈ’ ગીત ફિલ્મમાં છેલ્લે પણ નથી આવતું.

તો પછી છે શું?

એક તો જિમી શેરગિલ છે. ફેવિક્વિકથી ચોંટાડી હોય એવી ઘેઘૂર મૂછો સાથે હરિયાણવી બોલીનું ટ્રૅક્ટર ઠાલવતો જિમી મસ્ત વિલનગીરી કરે છે. તેના દરેક સીનમાં બૅકગ્રાઉન્ડમાં શિવતાંડવ વાગે છે, પરંતુ આખી ફિલ્મમાં એ એવાં-એવાં કામ કરે છે જે જોઈને શિવજી તેને ત્રીજું નેત્ર ખોલીને તાત્કાલિક અસરથી ભસ્મીભૂત કરી દે.

ભળતાંસળતાં દ્રવ્યો લેવાના આરોપમાં બૉક્સર વિજયેન્દર સિંહની બૉક્સિંગની દુકાન લગભગ બંધ થઈ ગઈ છે એટલે ભાઈ હવે (અજય જાડેજા અને કાંબલીની જેમ) ઍક્ટિંગના રવાડે ચડ્યા છે, પરંતુ એ આર્ય વચ્ચે તેણે સારો પફોર્ર્મન્સ આપ્યો છે. તેના રાજાપુરી કેરી જેવા ચહેરા પર છૂટાંછવાયાં બે-ચાર એક્સપ્રેશન્સ પણ આવી જાય છે, તમે માનશો.

અને નવી હિરોઇન કિયારા અડવાણી. આમ તો આપણી દર બીજી ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ તેનું કામ હિપ્પી જેવાં ટૂંકાં કપડાં પહેરીને ગ્લૅમર ઉમેરવા અને ફસાદ કી જડ બનવા સિવાય ખાસ કશું નથી, પરંતુ તે એટલીબધી ક્યુટ દેખાય છે કે તેના બન્ને કાન પર લીંબુ-મરચાં લટકાવવાની ઇચ્છા થઈ આવે.

તો ફગલીની ગલી કે પતલી ગલી?

આમ પણ કાંઈ આ ફિલ્મ સાવ નાખી દીધા જેવી નથી. આ ફિલ્મ જોઈને તમે હરિયાણવી બોલીની ગાળો શીખી શકશો. તમારા દિમાગની નસો ખેંચાવા છતાં તમારે અઢી કલાક બેસી રહેવું પડશે એટલે ‘એન્ગર મૅનેજમેન્ટ’ની નાનકડી એક્સરસાઇઝ થઈ જશે. એ ઉપરાંત આ સંસારમાં દેહવિક્રયની કેવી ગંદી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, રાજકારણીઓ અને પોલીસ કેવાં નઠારાં કામ કરે છે, સ્ત્રીઓ સાથે કેવું-કેવું થતું હોય છે એવી વરવી વાસ્તવિકતાનું જ્ઞાન પણ એક જ ફિલ્મની ટિકિટમાં મેળવી શકશો. ઇન શૉર્ટ, જિમી શેરગિલના નામનું ટૅટૂ કરાવવા તૈયાર થઈ જાય એવા તેના ડાઇહાર્ડ ફૅન્સ સિવાય કોઈને મજા આવે એવી આ ફિલ્મ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK