ફિલ્મ પ્રિવ્યુ : રામ-લીલા

‘ખામોશી-ધ મ્યુઝિકલ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘દેવદાસ’, ‘સાંવરિયા’, ‘બ્લૅક’ અને ‘ગુઝારિશ’ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી ચૂકેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ-લીલા’ વિશ્વવિખ્યાત નાટuકાર અને વાર્તાકાર શેક્સપિયરની જગપ્રસિદ્ધ કૃતિ ‘રોમિયો-જુલિયટ’ પર આધારિત છે. ગુજરાતી ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ રોમિયો અને જુલિયટની આખી વાર્તાને ગુજરાતી ઢાંચામાં ઢાળીને ગુજરાતી કલ્ચર વચ્ચે ‘રામ-લીલા’ બનાવી છે.


ફિલ્મનું બૅકડ્રૉપ કચ્છનું નખત્રાણા ગામ છે. ગામ પર બે કોમનું વર્ચસ્વ છે, પણ સૌથી મોટી તકલીફ એ વાતની છે કે ગામ પર વર્ચસ્વ ધરાવતી આ બન્ને કોમ વચ્ચે જ પાંચસો વર્ષથી દુશ્મની છે. હવે તો એવો સમય આવી ગયો છે કે દુશ્મનીનું સાચું કારણ પણ સૌ ભૂલી ગયા છે અને દુશ્મનીનાં કારણોમાં દંતકથા ઉમેરાઈ ગઈ છે. દુશ્મની વચ્ચે સિંચાયેલા આ ગામમાં ગુનાખોરીનો માહોલ છે અને બંદૂક જેવાં ઘાતકી હથિયારો એવી રીતે મળે છે જાણે કે ગામમાં શેરડી અને તરબૂચ વેચાતાં હોય. નખત્રાણામાં જ રહેતો રામ (રણવીર સિંહ) રોમિયો મિજાજનો છે અને સ્વભાવે રંગીન છે. છોકરીઓ તેની પાછળ પ્રેમથી લટ્ટé થઈ જાય છે. રામ પણ છોકરીઓ સાથે મોજમસ્તી કરવામાં સહેજ પણ ખચકાતો નથી. નખત્રાણામાં જ રહેતી અને દુશ્મન કોમની દીકરી લીલા (દીપિકા પાદુકોણ) પણ યુવાન છે અને ગામ આખાના છોકરાઓ લીલા પાછળ પાગલ છે, પણ આ છોકરાઓને એ પણ ખબર છે કે લીલા જીવતા અને સળગતા બૉમ્બ જેવી છે. રામ અને લીલા અનાયાસ એકબીજાને મળે છે અને એકબીજાના પ્રેમમાં પડે છે. રામ-લીલાના આ પ્રેમની સાથે જ નખત્રાણાની તકદીર લોહિયાળ બની જાય છે. રામ કે લીલા કોઈના પરિવારને આ પોતાનાં સંતાનોનો પ્રેમ મંજૂર નથી તો સામા છેડે રામ અને લીલા પણ આ દુશ્મનીને કારણે પોતાની લાગણી છોડવા તૈયાર નથી. રામ અને લીલાને છૂટા પાડવાના તમામ પ્રયાસો થાય છે, પણ એ પ્રયાસ પછી પણ જ્યારે રામ-લીલા અલગ નથી થતાં ત્યારે જાની દુશ્મન એવી બન્ને કોમના વડીલો એક વિચાર પર સહમત થાય છે: બન્નેને મારી નાખવા.

ફિલ્મ ‘રામ-લીલા’માં જે બે કોમ વચ્ચે દુશ્મની દેખાડવામાં આવી હતી એ રબારી અને ક્ષત્રિય કોમ હતી. રામ રબારીનો દીકરો દર્શાવવામાં આવ્યો હતો તો લીલાને જાડેજાપરિવારની દીકરી દેખાડવામાં આવી હતી. જોકે રબારી અને ક્ષત્રિય જ્ઞાતિએ ફિલ્મનો વિરોધ કરતાં હવે ફિલ્મમાંથી કોમ અને એ કોમ સાથે જોડાયેલી અટક કાઢી નાખવામાં આવી છે. ફિલ્મના અન્ય કૅરૅક્ટરમાં સુપ્રિયા પાઠક, ગુલશન ગ્રોવર, રિચા ચઢ્ઢા, શરદ કેળકર અને હોમી વાડિયા જેવા ઍક્ટર છે તો એક આઇટમ-સૉન્ગમાં પ્રિયંકા ચોપડા પણ દેખાય છે. ફિલ્મનું મ્યુઝિક સંજય લીલા ભણસાલીએ આપ્યું છે જેમાં ઇસ્માઈલ દરબારના ‘હમ દિલ દે ચુકે સનમ’ની છાંટ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ફિલ્મનાં મોટા ભાગનાં સૉન્ગ્સ હિટ થયાં છે.

પરણેલી જુલિયટ થોડી હોય

ફિલ્મ ‘રામ-લીલા’માં લીલાનું કૅરૅક્ટર પહેલાં કરીના કપૂર કરવાની હતી અને કરીનાની સામે હીરો શોધવાનું કામ ચાલી રહ્યું હતું, પણ એ દરમ્યાન કરીના કપૂરનાં મૅરેજ ફાઇનલ થઈ જતાં સંજય ભણસાલીએ કરીનાને પડતી મૂકી હતી. કરીનાને પડતી મૂકવાનું કારણ લાંબા સમય પછી બહાર આવ્યું જ્યારે સંજય ભણસાલીએ સ્પષ્ટતા કરી કે એક પરણેલી યુવતીને કોઈ કાળે ઑડિયન્સ ઉત્કટ પ્રેમમાં સ્વીકારી ન શકે અને કરીનાનાં મૅરેજ થઈ રહ્યાં છે એટલે તેને ફિલ્મમાંથી હટાવવામાં આવી છે.

કરીના જ્યારે ફિલ્મમાં હતી ત્યારે રામના કૅરૅક્ટર માટે સંજય ભણસાલીએ ફ્રેશ ઍક્ટરને શોધવાનું શરૂ કર્યું હતું, પણ કરીના નીકળી જતાં ઍક્ટરની શોધ અટકાવવામાં આવી અને એ પછી દીપિકા ફિલ્મ માટે સાઇન થઈ અને સંજય ભણસાલી દીપિકાની સાથે રણવીર સિંહને રામના રોલમાં લાવ્યા. મજાની વાત એ છે કે દીપિકા અને રણવીર સિંહને ‘રામ-લીલા’ ખરા અર્થમાં ફળી ગઈ અને બન્ને વચ્ચેની રિલેશનશિપ સ્ટ્રૉન્ગ થઈ જે બૉલીવુડમાં ચર્ચાનો વિષય બની ગઈ.

ગુજરાત નામમાત્ર નહીં

ગુજરાતી બૅકડ્રૉપ સાથે બનાવવામાં આવેલી ફિલ્મ ‘રામ-લીલા’માં ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી સભ્યતા દર્શાવવામાં આવી છે, પણ ફિલ્મનું એક પણ દૃશ્ય ગુજરાતમાં શૂટ નથી થયું. ફિલ્મ માટે સંજય ભણસાલી પોતે ગુજરાત આવ્યા હતા અને લોકેશનનો અભ્યાસ કરીને ગયા હતા, પણ એ લોકેશન્સ જેવાં જ લોકેશન તેણે મુંબઈમાં સેટ બનાવીને ઊભાં કર્યા અને એંસી ટકા ફિલ્મ મુંબઈમાં જ શૂટ કરી જ્યારે બાકીની વીસ ટકા ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરમાં કર્યું હતું. ફિલ્મમાં રહેલું પ્રિયંકા ચોપડાવાળું આઇટમ-સૉન્ગ પહેલાં ગોંડલમાં શૂટ કરવાનું હતું, પણ આવવા-જવામાં વધુ સમય બગડતો હોવાથી એ સૉન્ગ પણ ફિલ્મસિટીમાં જ શૂટ કરી લેવામાં આવ્યું હતું.

નવું કરે તે ભણસાલી નહીં

સંજય ભણસાલીની આ ફિલ્મ શેક્સપિયરની જગપ્રસિદ્ધ કૃતિ ‘રોમિયો-જુલિયટ’ પર આધારિત છે. એવું નથી કે ભણસાલીએ પહેલી વખત કોઈ વિષય માટે પ્રેરણા લીધી હોય. સંજય ભણસાલીએ લબ્ધપ્રતિષ્ઠિત બંગાળી લેખક શરદબાબુની નવલકથા ‘દેવદાસ’ પરથી આ જ નામની ફિલ્મ બનાવી હતી તો ગુજરાતી નાટક ‘આતમ વીંઝે પાંખ’ પરથી ‘બ્લૅક’ ફિલ્મ બનાવી હતી. ભણસાલીની ટીવી-સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’ પણ ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની આ જ નામની નવલકથા પર આધારિત છે. ભણસાલીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ પણ તેલુગુ ફિલ્મની રીમેક હતી તો ભણસાલીએ બનાવેલી ફિલ્મ ‘ગુઝારિશ’ એક ઇંગ્લિશ ફિલ્મની અનઑફિશ્યલ રીમેક હતી તો ‘હમ દિલ દે ચુકે સનમ’ અનિલ કપૂર અને પદ્મિની કોલ્હાપુરેની ફિલ્મ ‘વો સાત દિન’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી.

વિવાદનું મોટું ઘર

ફિલ્મ ‘રામ-લીલા’ વિવાદનું કેન્દ્રબિંદુ રહ્યું છે એવું કહેવામાં સહેજ પણ અતિશિયોક્તિ નહીં ગણાય. સૌથી પહેલો વિવાદ ફિલ્મના નામને કારણે થયો અને કેટલીક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના પીઠબળ સાથે ફિલ્મના નામ ‘રામલીલા’ સામે વિરોધ કરવામાં આવ્યો, જેની માટે કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો. આ વિરોધને શાંત કરવા માટે સંજય ભણસાલીએ પહેલાં ‘રામલીલા’નું નામ ‘રામ-લીલા’ કર્યું, પણ એ પછી પણ વિવાદ શાંત નહીં પડતાં સંજય ભણસાલીએ ફિલ્મનું નામ લાંબુંલચક કરીને ‘ગોલિયોં કી રાસલીલા... રામ-લીલા’ રજિસ્ટર કરાવી લીધું અને ફિલ્મની કૅચલાઇન ‘ગોલિયોં કી રાસલીલા’ને નામની સાથે જ

જોડી દીધી.

બીજો વિવાદ ફિલ્મમાં જે બે કોમને દેખાડવામાં આવી હતી એ રબારી અને ક્ષત્રિય સમાજને કારણે ઊભો થયો અને ફિલ્મમાંથી કૉમ્યુનિટીનાં નામ કાઢવાની ડિમાન્ડ કરી. જ્ઞાતિનું નામ કઢાવવા માટે ક્ષત્રિય સમાજે સૌરાષ્ટ્રમાં તોડફોડ શરૂ કરતાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ દરમ્યાનગીરી કરી અને એ દરમ્યાનગીરીને કારણે સંજય ભણસાલીએ ફિલ્મમાંથી બન્ને કોમનાં નામ કાઢી નાખવાનો નિર્ણય લીધો. ત્રીજો વિવાદ ફિલ્મમાં ઝવેરચંદ મેઘાણીના લોકપ્રિય ગીત ‘મન મોર બની થનગાટ કરે’ ગીતથી થયો. આ ગીતને સંજય ભણસાલીએ લોકગીતમાં ખપાવી દેતાં મેઘાણીપરિવાર નારાજ થયો અને ગુજરાતભરમાં નવેસરથી વિવાદ થયો. જોકે ફાઇનલી સંજય ભણસાલીએ ફિલ્મની ક્રેડિટમાં સુધારો કરી ગીતના રચયિતા તરીકે ઝવેરચંદ મેઘાણીના ફોટોગ્રાફ સાથે ઉલ્લેખ કરવાનું વચન આપતાં એ વિવાદનો પણ અંત આવ્યો. ચોથો વિવાદ કચ્છના લોકોએ કર્યો. નખત્રાણાને બંદૂકનગરી ગણાવતાં કચ્છીઓ નારાજ થયા, પણ આ નારાજગીનો સંજય ભણસાલીએ કોઈ ઇલાજ શોધ્યો નથી અને ફિલ્મના લીડ ઍક્ટર રામ-લીલાને નખત્રાણાનાં જ વતની દર્શાવ્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK