ફિલ્મ પ્રિવ્યુ : રજ્જો

ડિરેક્ટર વિશ્વાસ પાટીલની ફિલ્મ ‘રજ્જો’ પર ફિલ્મની લીડ ઍક્ટ્રેસ કંગના રનોટને જબરદસ્ત વિશ્વાસ છે. કંગના માને છે કે આ ફિલ્મથી તે સ્ટારને બદલે એક ઍક્ટ્રેસ તરીકે ઓળખાશે. ફિલ્મ રજ્જો નામની એક તવાયફની લાઇફની વાત કહે છે. તવાયફ અને કોઠા માટે કુખ્યાત થયેલા નાગપાડા વિસ્તારના બૅકડ્રૉપ પર તૈયાર થયેલી આ ફિલ્મમાં તવાયફ રજ્જોનું કૅરૅક્ટર કંગના રનોટ કરે છે.


રજ્જો (કંગના રનોટ) એક તવાયફ છે, પણ તેની નિર્દોષતા અને અલ્લડપણું હજી પણ અકબંધ છે. રજ્જો માને છે કે નાચવું એ એક કળા છે અને તે આ કળાનો ઉપયોગ કરીને પૈસા કમાઈ રહી છે. રજ્જોની લાઇફમાં એક દિવસ ચંદુ આવે છે. ચંદુ (પારસ અરોરા) ટીનેજ પસાર કરવાની તૈયારી કરતો સત્તર વર્ષનો છોકરડો છે. આ છોકરાની એકલા હાથની મહેનતને કારણે તેની ક્રિકેટટીમ મૅચ જીતી જાય છે એટલે ટીમ આખી ચંદુને પાર્ટી આપવાના હેતુથી નાગપાડાના કોઠા પર મુજરો જોવા લઈ આવે છે. ચંદુ બ્રાહ્મણ છે અને આ બ્રાહ્મણ રજ્જો નામની મુસ્લિમ તવાયફના પ્રેમમાં પડે છે. ચંદુ અને રજ્જો વચ્ચે માત્ર શારીરિક આકર્ષણ જ નહીં, પણ સંગીતે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ચંદુની ફૅમિલી સંગીત સાથે વષોર્થી સંકળાયેલી હતી. ચંદુની મા જાનકીદેવી (જયા પ્રદા) મુંબઈમાં ભજનગાયિકા તરીકે સારી નામના ધરાવતી હતી. ચંદુ પોતે હાર્મોનિયમ પ્લેયર હતો. જોકે સંગીતના આ માધ્યમને કોઈ સમજવા તૈયાર નથી. જ્ઞાતિ વચ્ચે જમીન-આસમાનનો તફાવત, મા ભજનિક તો સામે દીકરાની પ્રેમિકા કોઠાવાળી, માએ ધર્મગુરુ પાસે સંગીતનું જ્ઞાન લીધું છે તો રજ્જોએ બેગમ (મહેશ માંજરેકર) પાસેથી સંગીત અને નૃત્યકળા શીખી છે. સ્વાભાવિક રીતે રજ્જો-ચંદુની લવસ્ટોરીમાં અનેક અડચણ ઉમેરાય છે. ઉમેરાઈ રહેલી આ અડચણમાં એક નવી અડચણ ઉમેરે છે કૉર્પોરેટર (પ્રકાશ રાજ) હાંડેભાઉ.

નાગપાડામાં જ્યાં કોઠા અને તવાયફોનાં ઘર આવેલાં છે એ વિસ્તાર રીડેવલપમેન્ટના નામે હાંડેભાઉ હડપ કરી લેવા માગે છે. જો એવું થાય તો નવા વિસ્તારમાં એક પણ નાચવાવાળી કે ગાવાવાળીને રહેવા ઘર ન મળે. દેકારો બોલી જાય છે. બધી તવાયફ બેગમ પાસે આવે છે અને બેગમ-કૉર્પોરેટર વચ્ચે ટશન ઊભી થાય છે, પણ આ ટશનમાં જબરદસ્ત રાજકીય પીઠબળ ધરાવતા ગોવિંદ હાંડેભાઉનો હાથ ઉપર રહે છે. હવે આ જંગ એક સર્વાઇવલ વૉર બની જાય છે અને આ સર્વાઇવલ વૉરમાં હાંડેની નજર રજ્જો પર આવે છે. એક તરફ તવાયફનાં ઘર બચાવવાનાં છે તો બીજી તરફ પોતાની લવસ્ટોરીને સુખદ અંત તરફ લઈ જવાની છે. રજ્જો માટે ત્રિવિધ સ્તરે મુશ્કેલીઓ ઊભી થાય છે જેમાં તેને ચંદુના પરિવારનો પણ સામનો કરવો પડે છે.

ફિલ્મનું મ્યુઝિક ઉત્તમ સિંહનું છે. ફિલ્મનાં સૉન્ગ્સ ઍવરેજ છે. ફિલ્મમાં તવાયફ બનેલી કંગના રનોટ કૅરૅક્ટરની તૈયારી માટે નાગપાડામાં રહેતી તવાયફોને ત્રણથી ચાર વાર મળવા માટે ગઈ હતી તો રજ્જોના કૅરૅક્ટર માટે તેણે તવાયફનું સેન્ટ્રલ કૅરૅક્ટર હોય એવી ‘પ્યાસા’, ‘દેવદાસ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘પાકીઝા’ જેવી વીસથી વધુ ફિલ્મ જોઈ હતી.

સેવન નૅશનલ સ્ટાર્સ

ફિલ્મ ‘રજ્જો’ આમ તો એક નાના બજેટની ફિલ્મ છે, પણ આ ફિલ્મ સાથે સાત-સાત વ્યક્તિઓ એવી સંકળાયેલી છે કે જે ઑલરેડી આ અગાઉ રાષ્ટ્રીય અવૉર્ડ મેળવી ચૂકી છે. આ સાત વ્યક્તિઓમાંથી સૌથી પહેલા આવે ફિલ્મની રજ્જો એટલે કંગના રનોટ. કંગનાને ફિલ્મ ‘ફૅશન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે તો ફિલ્મના મુખ્ય વિલન પ્રકાશ રાજને ચાર વખત નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યા છે તો ફિલ્મમાં ઇન્સ્પેક્ટર સાળુંખેનું કૅરૅક્ટર કરતા મરાઠી એક્ટર ઉપેન્દ્ર લિમયે અને બેગમ બનતાં મહેશ માંજરેકર પણ મરાઠી ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ જીતી ચૂક્યા છે. મજાની વાત એ છે કે ઍક્ટર્સની જેમ ‘રજ્જો’ના ક્રૂ-મેમ્બર પણ નૅશનલ અવૉર્ડ વિનર છે. ફિલ્મના ડિરેક્ટર વિશ્વાસ પાટીલ, કૉસ્ચ્યુમ ડિઝાઇનર રેઝા અને સ્ક્રિપ્ટ-રાઇટર જયંત પવારને પણ મરાઠી ફિલ્મોને કારણે નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યા છે.

ઉચ્ચ દરજ્જાનું કામ આપી ચૂકેલા આ સૌને કારણે ફિલ્મ ‘રજ્જો’ની ક્રિટિક્સ વૅલ્યુ વધી જાય છે.

આપો એ ફી

આજે કંગનાનો સિતારો ફરી ચમકવા માંડ્યો છે, પણ એક તબક્કો હતો કે કંગના પાસે કોઈ કામ નહોતું રહ્યું. બેકારીના એ દિવસોમાં કંગના રનોટને ‘રજ્જો’ની ઑફર વિશ્વાસ પાટીલે કરી હતી અને કંગનાએ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળીને ફી નક્કી કર્યા વિના જ હા પાડી દીધી હતી. ફિલ્મ માટે જ્યારે ફીનું પૂછવામાં આવ્યું ત્યારે કંગનાએ સ્પષ્ટતાપૂર્વક કહી દીધું હતું કે પ્રોડ્યુસર જે ફી આપશે એ ફી તેને મંજૂર છે, પણ ફિલ્મ તેને કરવી છે. ફાઇનલી જ્યારે કોઈ એક આંકડા પર પહોંચવાનું હતું ત્યારે કંગનાએ ‘રજ્જો’ એટલી મામૂલી ફીમાં સાઇન કરી લીધી કે જેની આજે કોઈ કલ્પના પણ ન કરી શકે. જોકે હવે સિનારિયો બદલાયો છે.

‘ક્રિશ ૩’ હિટ થઈ ગઈ છે અને કંગનાના હાથમાં ‘રજ્જો’ પછી ‘રિવૉલ્વર રાની’ અને ‘ક્વીન’ એમ બે હજી સોલો રોલની ફિલ્મ છે. જો ‘રજ્જો’ હિટ થઈ તો કંગના ચોક્કસપણે પોતાની પ્રાઇસ અણધારી વધારી દેશે એ નક્કી છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK