ફિલ્મ પ્રિવ્યુ : મદ્રાસ કૅફે

ફિલ્મ ‘વિકી ડોનર’થી પોતાનું પ્રોડક્શન-હાઉસ શરૂ કરનારા ઍક્ટર જૉન એબ્રાહમના પ્રોડક્શન-હાઉસની બીજી ફિલ્મ એટલે ‘મદ્રાસ કૅફે’. આપણે ત્યાં પૉલિટિકલ-થ્રિલર ખાસ બનતી નથી એવું કહેવાતું રહ્યું છે, પણ હવે એ દિશામાં કામ થવા માંડ્યું છે અને ૨૦૧૦માં ‘રાજનીતિ’ અને ગયા વર્ષે પૉલિટિકલ-થ્રિલર ‘શાંઘાઈ’ આવી જેને લોકોએ વખાણી હતી. ડિરેક્ટર શૂજિત સિરકાર અગાઉ ‘...યહાં’ જેવી એક ફ્લૉપ અને ‘વિકી ડોનર’ જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે. ‘મદ્રાસ કૅફે’ની વાર્તા કહેતાં પહેલાં ભારતમાં ઘટેલી કેટલીક ઘટનાઓ વિશે જાણવું જરૂરી છે.૧૯૯૧ની ૨૧ મેએ ચેન્નઈથી ૩૦ કિલોમીટર દૂર આવેલા શ્રીપેરુમ્બુદુર નામના ગામમાં રાતના સમયે ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીની જાહેર સભા હતી. જાહેર સભાના સ્ટેજ સુધી રાજીવ ગાંધી પહોંચે એ પહેલાં તેમની સુસાઇડ-બૉમ્બરની મદદથી હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવશે એ પ્રકારની ઇન્ફર્મેશન અગાઉ અનેક વખત રિસર્ચ ઍન્ડ ઇન્ટેલિજન્સ વિન્ગ (RAW-રૉ) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને મળી હતી અને એ બન્ને ગુપ્તચર જૂથો આવો અઘટિત બનાવ ન બને એ માટેના પ્રયાસ પણ કરતાં હતાં, પણ તેમના કરતાં આતંકવાદીઓ વધુ પાવરધા નીકળ્યાં અને તેમણે રાજીવ ગાંધીની હત્યા કરી નાખી. હત્યાની ગણતરીના કલાકોમાં જ તામિલ ઉગ્રવાદી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઇલમે હત્યાની જવાબદારી ઉપાડી અને હત્યાનું કારણ પણ ઑફિશ્યલ દુનિયાને આપતાં કહ્યું કે શ્રીલંકામાં પોતાના હક માટે લડતા તામિલોના મુદ્દામાં ભારતે પોતાની ટાંગ અડાડવાની જરૂર નહોતી અને શ્રીલંકાને મદદ કરવા માટે ઇન્ડિયન આર્મી મોકલવાની પણ જરૂર નહોતી. બસ, જૉન એબ્રાહમની ફિલ્મ ‘મદ્રાસ કૅફે’ પણ આ મુદ્દાની આસપાસ ફરે છે.

ફિલ્મની કથા ૧૯૮૦થી ૧૯૯૦ના સમયગાળા વચ્ચે પથરાયેલી છે. આ સમયગાળા દરમ્યાન શ્રીલંકામાં સિવિલ વૉર શરૂ થઈ હતી અને આ સિવિલ વૉરમાં શ્રીલંકાએ ભારતની મદદ માગતાં ભારત સરકારે ઇન્ડિયન આર્મીના કેટલાક ચુનંદા ઑફિસરો અને જવાનોને લઈને ઇન્ડિયન પીસ કીપિંગ ર્ફોસ બનાવીને એ ર્ફોસને શ્રીલંકામાં શાંતિ સ્થાપવા માટે મોકલી, પણ કેટલાંક કારણોસર એ ર્ફોસને થોડા સમયમાં જ પાછી બોલાવી લેવામાં આવી. પાછી આવેલી આ ર્ફોસ સાથે રૉ અને CBIના કેટલાક સિનિયર ઑફિસરોની મીટિંગ થઈ જેમાં એવી ચોંકાવનારી વિગત મળી કે ભારત સરકારે નાછૂટકે શ્રીલંકા અને શ્રીલંકન સિવિલ વૉર પર નજર રાખવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ ઇન્ડિયન આર્મીના સ્પેશ્યલ ઑફિસર અને જાસૂસ વિક્રમ સિંહ (જૉન એબ્રાહમ)ને શ્રીલંકા મોકલવાનું નક્કી કરવું પડ્યું. વિક્રમ શ્રીલંકામાં જઈને માત્ર હવાફેર નથી કરવાનો, પણ ભારત સરકાર વતી માહિતી એકઠી કરવા ઉપરાંત શ્રીલંકામાં ચાલી રહેલી સિવિલ વૉર કોના ઇશારાથી ચાલી રહી છે એ શોધવાનું અને એ વ્યક્તિને પકડવાનું કામ પણ તેણે કરવાનું છે. વિક્રમને આ કામમાં મદદ મળે છે જયા (નર્ગિસ ફખરી) નામની બ્રિટનની એક વૉર-જર્નલિસ્ટની. વિક્રમને લાગે છે કે તે સિવિલ વૉરના મુખ્ય કર્તાહર્તા સુધી પહોંચી જશે પણ ત્યાં જ તેના પર હુમલો થાય છે અને કેટલાક ઉગ્રવાદીઓ તેની પાછળ પડી જાય છે. તપાસ કરતાં ખબર પડે છે કે ઇન્ડિયન પીસ કીપિંગ ર્ફોસમાંથી કોઈ એક વ્યક્તિ એવી છે જે શ્રીલંકન ઉગ્રવાદીઓ સાથે જોડાયેલી છે. ઘરમાં ફૂટેલી આ વ્યક્તિને શોધવાની દિશામાં વિક્રમ આગળ વધે છે ત્યારે જયાને ખબર પડે છે કે કેટલાક ઉગ્રવાદીઓ મદ્રાસ કૅફે નામની મદ્રાસની એક રેસ્ટોરાંમાં મળવાના છે અને ભારત કે શ્રીલંકાની સૌથી મોટી વગદાર વ્યક્તિની હત્યાના પ્લાનને અંતિમ રૂપ આપવાના છે.

ફિલ્મનું મ્યુઝિક શાંતનુ મોઇત્રાએ આપ્યું છે. જોકે બધાં ગીત બૅકગ્રાઉન્ડમાં આવે છે. ઇન્ડિયન જાસૂસની અગાઉ આવી ગયેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’ કે ‘એજન્ટ વિનોદ’ની જેમ આ ફિલ્મનો જાસૂસ હીરો ગીતો ગાઈને હિરોઇનને પટાવતો નથી.

પહેલાં ‘જાફના’ ટાઇટલ

‘મદ્રાસ કૅફે’નું ટાઇટલ પહેલાં ‘જાફના’ રાખવામાં આવ્યું હતું. જાફના ઉત્તર શ્રીલંકાનું એક શહેર છે જે ભારત સાથે સૌથી નજીકના અંતરથી જોડાયેલું છે. સિવિલ વૉરની શરૂઆત જાફનાથી થઈ હતી. દરિયો, ગાઢ જંગલ અને ભારતની સરહદ એકદમ નજીક હોવાથી ઉગ્રવાદીઓ માટે જાફના સ્વર્ગસમું હતું જેને કારણે તેઓ આ વિસ્તારને પોતાનું આશ્રયસ્થાન બનાવીને બેઠા હતા. જોકે ‘જાફના’ ટાઇટલ ભારત સાથે ખાસ કનેક્ટ નહીં થાય એવા હેતુથી ફિલ્મનું બીજું ટાઇટલ શોધવાનું કામ ચાલુ હતું જે છેવટે ફિલ્મમાં આવતી ‘મદ્રાસ કૅફે’ નામની રેસ્ટોરાંના નામે રાખવામાં આવ્યું.

‘બજાજ’ પહેલાં ‘કૅફે’

જૉન એબ્રાહમની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ પછી તરત જ શૂજિત સિરકારના ડિરેક્શનમાં વિકી ડોનર બનેલા આયુષમાન સાથે ફિલ્મ ‘હમારા બજાજ’ શરૂ થવાની હતી પણ એ ફિલ્મના બાકીના ઍક્ટરની પસંદગીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે શૂજિત સિરકાર પાસે જૉને ‘જાફના’ની વનલાઇન સ્ટોરી સાંભળી. જૉનને શ્રીલંકાના તામિલ ઉગ્રવાદીઓ કે રાજીવ ગાંધીની હત્યાના કારણની વિગત કે એ સમયની બીજી કોઈ રાજકીય પરિસ્થિતિ વિશે કાંઈ ખબર નહોતી એટલે તેને આ સ્ટોરીમાં બહુ રસ પડ્યો. બે દિવસ સુધી સતત શૂજિત અને જૉન સાથે રહ્યા અને તેણે એ બધી ઘટનાઓ જાણી અને એ પછી ‘જાફના’ની કથા સાંભળી. ઓરિજિનલ ‘જાફના’ થોડી ફિલ્મી હતી, પણ જૉનને સિરિયસ વૉર-ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી એટલે તેણે ફિલ્મમાંથી તજ, લવિંગ, ઇલાયચી જેવા તેજાના કઢાવીને રિયલ વૉર-ફિલ્મ બનાવવાનું કામ કર્યું અને ‘હમારા બજાજ’ને પાછળ ધકેલીને ‘જાફના’ એટલે કે ‘મદ્રાસ કૅફે’ને પહેલાં બનાવી.

ફિલ્મનું શૂટિંગ શ્રીલંકા, મલેશિયા, થાઇલૅન્ડ અને ઇન્ડિયામાં થયું છે. ફિલ્મમાં દેખાડવામાં આવેલી રાઇફલો, પિસ્તોલ અને હૅન્ડ-ગ્રેનેડ બનાવટી નથી; બિલકુલ સાચાં છે અને એ થાઇલૅન્ડ આર્મીની પરમિશન સાથે વાપરવામાં આવ્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK