ફિલ્મ પ્રિવ્યુ : ચેન્નઈ એક્સપ્રેસ

એક પછી એક હિટ ફિલ્મો આપીને નવી ઊંચાઈઓ સર કરતો ડિરેક્ટર રોહિત શેટ્ટી અને ધીમે-ધીમે અસ્ત તરફ આગળ વધતો, બૉલીવુડનો કિંગ શાહરુખ ખાન મળીને લાવ્યા છે ‘ચેન્નઈ એક્સપ્રેસ’. રોહિત શેટ્ટી પાંચ હજાર વખત કહી ચૂક્યો છે એમ ફિલ્મ પૂરેપૂરી બટર મસાલા ઢોસા જેવી છે. એમાં ઍક્શન છે, રોમૅન્સ છે, ડાયલૉગબાજી છે, એકમેક સામેની ઠસન છે, આઇટમ-સૉન્ગ છે અને રોહિતની જેમાં હથોટી છે એવી કૉમેડી પણ છે.


ફિલ્મની વાર્તા રાહુલ (શાહરુખ ખાન) નામના એક દિલ્હીવાસીની છે જે મુંબઈમાં રહે છે, નોકરી કરે છે અને શાંતિથી જિંદગી જીવે છે. રાહુલની ઉંમર ચાલીસ વર્ષની થઈ ગઈ છે, પણ તે બિચારો મૅરેજ નથી કરી શક્યો. આ માટેનું કારણ તેના ઓવર-પઝેસિવ દાદા છે. દાદાને એવું લાગે છે કે જો રાહુલનાં મૅરેજ થઈ જશે તો તે પોતાની ઘરવાળી સાથે જુદો રહેવા ચાલ્યો જશે. રાહુલ બિચારો દાદાને નારાજ કરવા નથી માગતો એટલે તે પણ મૅરેજની કોઈ ઉતાવળ નથી કરતો. એવામાં એક દિવસ રાહુલના દાદાને વૈકુંઠધામનું તેડું આવી જાય છે. દાદાની અંતિમ ઇચ્છા હતી કે તેમનાં અસ્થિનું વિસર્જન રામેશ્વરમમાં થાય. દાદાની ઇચ્છા પૂરી કરવા માટે રાહુલ પહેલી વાર જૉબમાંથી રજા લઈને રામેશ્વરમ જવા માટે કલ્યાણ સ્ટેશન પરથી ચેન્નઈ એક્સપ્રેસમાં ચડે છે અને તેની જિંદગીમાં સાઇક્લોન આવી જાય છે.

સાત દિવસની રજા લઈને નીકળેલા રાહુલના મનમાં હતું કે અસ્થિવિસર્જનના આ પવિત્ર કામની સાથોસાથ તેને રજા મળશે એટલે તે થોડો આરામ પણ કરી લેશે, પણ ટ્રેનમાં તેને સતત બકબક કરતી સાઉથ ઇન્ડિયન છોકરી મીનાઅમ્મા લોચની (દીપિકા પાદુકોણ) ભટકાય છે. મીનાઅમ્મા એટલે કે મીના કોંબણ નામના એક ગામમાં રહે છે. તેની ફૅમિલીમાં બે, પાંચ, પંદર નહીં પણ બેતાલીસ લોકો છે! આ બધાને મીના માટે અપાર પ્રેમ છે તો સાથોસાથ મીનાના પપ્પા દુર્ગેશ્વર (સત્યરાજ)થી સૌ ડરે પણ છે. હકીકત એ છે કે દુર્ગેશ્વર કોંબણ નામના દક્ષિણ ભારતના એ ગામનો ડૉન છે. દુર્ગેશ્વરનો આદેશ એ ગામના લોકો માટે બ્રહ્મવાક્ય સમાન છે. ચેન્નઈ એક્સપ્રેસમાં અચાનક ભટકાઈ ગયેલી મીનાઅમ્મા સાથે તેના

આઠ-દસ બૉડીગાર્ડ જેવા ભાઈ અને પિતરાઈ પણ એ જ ટ્રેનમાં છે. ટ્રેનમાં મીનાઅમ્મા અને તેના ભાઈઓને ટિકિટ-ચેકર સાથે લપ થાય છે અને આ લપ વચ્ચે મીનાના આંટા વિનાના ભાઈઓને મારામારી થાય છે,

જે મારામારીમાં પેલા ડોબાઓ ટિકિટ-ચેકરને ટ્રેનમાંથી ફેંકી દે છે. આ આખી ઘટના રાહુલ જોઈ જાય છે. પત્યું. હવે પેલા બધા રાહુલને પોતાની સાથે કોંબણ ગામે લઈ જવાની જીદ કરે છે. રાહુલ નાછૂટકે જવા માટે તૈયાર થાય છે અને આ તૈયારીની સાથે જ રાહુલની જિંદગીમાં અઢળક એવી ઘટનાઓ ઘટે છે કે જે રાહુલની આ યાત્રાનું તહસનહસ કાઢી નાખે છે. દાદાનાં અસ્થિનું વિસર્જન, પપ્પાની અસલિયત જાણ્યા પછી મીનાઅમ્માનું ઘર છોડી દેવું, મીના અને રાહુલની પાછળ તીડના ટોળાની જેમ કાળિયા હબસી જેવા સાઉથ ઇન્ડિયનોનું તૂટી પડવું. આ બધા વચ્ચેથી બચતાં રહેવાનું, રામેશ્વરમ તરફ આગળ વધવાનું અને જરૂર પડ્યે જીવ બચાવવા માટે લડવાનું પણ. ક્યારેય ટમેટાંને પણ ક્રૂરતાથી નહીં કાપનારા રાહુલ માટે આ સફર જીવનના અનેક નવા પડાવ જેવી છે.

ફિલ્મનું મ્યુઝિક વિશાલ દાદલાણી અને શેખર રવજિયાણીએ આપ્યું છે, જે ઑલરેડી હિટ છે. ફિલ્મના એક આઇટમ-સૉન્ગમાં સાઉથની સુપરસ્ટાર પ્રિયામણિને લેવામાં આવી છે તો ફિલ્મ પૂરી થાય પછી ઉમેરવામાં આવેલું ‘લુંગી ડાન્સ’ સૉન્ગ સિંગર-કમ્પોઝર યો યો હની સિંહે તૈયાર કર્યું છે.  હની સિંહે તૈયાર કરેલું આ સૉન્ગ શાહરુખ-રોહિત શેટ્ટી દ્વારા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ટ્રિબ્યુટ કરવામાં આવ્યું છે.

અગાઉ પોતાની તમામ ફિલ્મનું શૂટિંગ ગોવામાં કરનારો રોહિત શેટ્ટી એવું માને છે કે ગોવા તેના માટે લકી છે. ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું શૂટિંગ પણ ગોવાથી જ કરવામાં આવ્યું હતું અને ગોવાના વાસ્કો ડ ગામા રેલવે-સ્ટેશનને કલ્યાણ રેલવે-સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. ગોવાનો દૂધસાગર ફૉલ પણ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મનું શૂટિંગ મુંબઈ પાસે આવેલાં વાઈ, પંચગની, હૈદરાબાદ અને કેરળ તથા ઇન્ડોનેશિયાના જકાર્તામાં પણ કરવામાં આવ્યું છે.

દીપિકા ફસ્ર્ટ ચૉઇસ નહોતી, અસિન અને કરીનાનો પણ વિચાર થયેલો

મીનાઅમ્મા બનેલી દીપિકા પાદુકોણની સાઉથ ઇન્ડિયન બોલવાની સ્ટાઇલ ટ્રેલર પરથી જ હિટ થઈ ગઈ છે. જોકે દીપિકા રોહિતની પહેલી પસંદગી નહોતી. દીપિકાને ફાઇનલ કરતાં પહેલાં રોહિત ‘ગજની’થી બૉલીવુડમાં આવેલી સાઉથની ઍક્ટ્રેસ અસિન અને કરીના કપૂરને લેવા માગતો હતો, પણ અસિન પાસે ટાઇમ નહોતો અને કરીના કપૂર આ કૅરૅક્ટરમાં ફિટ નહોતી બેસતી એટલે ફાઇનલી દીપિકાની ડાયલૉગ-ડિલિવરી ચેક કરીને તેને લેવામાં આવી. એક ડાયલૉગની વાત ઠીક છે, પણ અહીં તો દીપિકા પાદુકોણે આખી ફિલ્મમાં સાઉથની જબાન વાપરવાની હતી. દીપિકાને સરળતા રહે અને સાઉથના લોકો હિન્દી કઈ રીતે બોલે એ તે જાણી શકે એ માટે ફિલ્મના શૂટિંગ દરમ્યાન દીપિકાને બે એવી છોકરીઓ આપવામાં આવી હતી જે સાઉથ ઇન્ડિયન હતી અને કામચલાઉ હિન્દી પણ બોલી લેતી હતી. દીપિકા પોતાના ડાયલૉગ તે છોકરીઓ પાસે પહેલાં બોલાવતી અને એ પછી તેની બોલવાની સ્ટાઇલની નકલ કૅમેરા સામે કરતી.

દીપિકાના પપ્પાની પહેલી હિન્દી ફિલ્મ

ફિલ્મમાં વિલન અને મીનાઅમ્માના પપ્પા બનેલા ઍક્ટર સત્યરાજની આ પહેલી હિન્દી ફિલ્મ છે. તામિલ ઍક્ટર સત્યરાજે સાઉથમાં ૨૧૦ ફિલ્મ કરી છે. એક સમયે સત્યરાજ જર્નલિસ્ટ હતો અને એ પછી તેણે ફુલટાઇમ ઍક્ટિંગ કરી હતી. સત્યરાજ અને રોહિત શેટ્ટી બન્ને છેલ્લાં સાતેક વર્ષથી ફ્રેન્ડ છે. રોહિતે અગાઉ પણ તેને બે વખત ફિલ્મની ઑફર આપી હતી, પણ સત્યરાજ પાસે પુષ્કળ કામ હોવાથી તેણે એ ફિલ્મ કરી નહોતી. આ વખતે સત્યરાજને મળવા માટે રોહિતની સાથે શાહરુખ ખાન પણ ગયો હતો. સત્યરાજ શાહરુખનો ફૅન હોવાથી તેણે હા પાડી અને આ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી.

ચેન્નઇ એક્સપ્રેસ થશે ૧૦ ભાષાઓમાં રિલીઝ

શાહરુખ ખાનના વિશ્વભરના વિવિધભાષી ચાહકોને તેની આગામી ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જોવાનો ચાન્સ મળશે; કારણ કે આ ફિલ્મ હિન્દી, ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ, અરેબિક, જર્મન, હિબ્રૂ, ડચ, ટર્કિશ અને મલય એમ દસ જુદી-જુદી ભાષાઓમાં રિલીઝ થવાની છે. જે-તે દેશમાં આ ફિલ્મનાં પોસ્ટરો પણ ત્યાંની લોકલ લૅન્ગ્વેજમાં બનાવવામાં આવ્યાં છે. શાહરુખની માસ અપીલ ખૂબ વધુ છે અને આ ફિલ્મનું પ્રમોશન તેણે લંડન તેમ જ દુબઈમાં જાતે જઈને કર્યું હોવાથી આ ફિલ્મને મહત્વ મળશે એવી આશા છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK