તો શાહરુખ તમને મળવા માટે તમારી સિટીમાં આવવા રાજી છે, પણ એના માટે તમારે જબ હૅરી મેટ સેજલની કૉન્ટેસ્ટમાં ભાગ લેવો પડશે
ઇમ્તિયાઝ અલીની ‘જબ હૅરી મેટ સેજલ’ના પ્રમોશનના ભાગરૂપે શાહરુખ ખાને નક્કી કયુંર્ છે કે તે દેશમાં રહેલી સેજલ નામની છોકરીઓને મળવા માટે જુદાં-જુદાં શહેરોમાં જશે. ફિલ્મના પ્રમોશન માટે રાખવામાં આવેલી આ કૉન્ટેસ્ટમાં નક્કી કરવામાં આવેલા મોબાઇલ-નંબર (૦૮૦૩૦૬ ૪૭૨૨૨) પર મિસ્ડ કૉલ આપવાનો રહેશે. આ મિસ્ડ કૉલ એ જ આપી શકશે, જેનું નામ સેજલ હોય. જે સિટીમાંથી મૅક્સિમમ મિસ્ડ કૉલ આવશે એ શહેરમાં જઈને શાહરુખ ખાન જેટલી પણ સેજલે ફોન કર્યા હશે તેને મળશે અને તેની સાથે લંચ, બ્રન્ચ કે પછી ડિનર લેશે. તેમ જ સેજલ નામની છોકરી રેડચિલીઝની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. શાહરુખ ખાને આ સમાચાર ટ્વિટર પર એક વિડિયો દ્વારા આપ્યા છે. ૧૯૯૦ના દાયકામાં દરેક લગ્નમાં સંભળાતું સિંગર જસબીર જસ્સીનું ગીત ‘દિલ લે ગઈ કુડી ગુજરાત કી’ આ વિડિયોની શરૂઆતમાં સાંભળવા મળે છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ગુજરાતી છોકરી સેજલનું પાત્ર ભજવી રહી હોવાથી આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુષ્કા ગુજરાતી પાત્ર ભજવી રહી હોવાથી ગુજરાતી ભાષાનો ભરપેટ ઉપયોગ કરવામાં આવ્યો છે તો સાથોસાથ એ પણ છે કે ગુજરાતી બનેલી આ છોકરીનું શહેર વડોદરા દેખાડવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ અલીનું માનવું છે કે આ ફોનકૉલ્સ તેને મૅક્સિમમ મુંબઈ અને ગુજરાતમાંથી આવી શકે છે અને એમાં પણ ગુજરાતીઓના વધુમાં વધુ હોઈ શકે છે. સેજલ નામ મોટા ભાગે ગુજરાતીઓમાં વધારેમાં વધારે જોવા મળતું હોવાથી ઇમ્તિયાઝ અલી આવું માને છે.
