નૅશનલ અવૉર્ડ્સમાં રાજકુમાર રાવની ન્યુટન બની બેસ્ટ હિન્દી ફિલ્મ અને બાહુબલી : ધ કન્ક્લુઝન બની પૉપ્યુલર ફિલ્મ
શ્રીદેવીને ગઈ કાલે જાહેર કરવામાં આવેલા પાંસઠમા નૅશનલ અવૉર્ડ્સમાં ‘મૉમ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. શ્રીદેવીનું મૃત્યુ ૨૪ ફેબ્રુઆરીએ દુબઈમાં થયું હતું. ૨૦૧૭માં આવેલી ‘મૉમ’માં તેની ઍક્ટિંગને કારણે મરણોપરાંત બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ સાથે જ વિનોદ ખન્નાને પણ મરણોપરાંત દાદાસાહેબ ફાïળકે અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય પાંસઠમા નૅશનલ અવૉડ્ર્સમાં રાજકુમાર રાવની ‘ન્યુટન’, ‘બાહુબલી : ધ કન્ક્લુઝન’ અને આસામીઝ ફિલ્મ ‘વિલેજ રૉકસ્ટાર’ને મહત્વના અવૉર્ડ્સ મYયા હતા. રાજકુમાર રાવની ‘ન્યુટન’ને બેસ્ટ હિન્દી ફિલ્મનો નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો હતો તો ‘બાહુબલી : કન્ક્લુઝન’ને પૉપ્યુલર ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આસામીઝ ફિલ્મ ‘વિલેજ રૉકસ્ટાર’ને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. ‘ન્યુટન’માં રાજકુમાર રાવ સાથે કામ કરનાર પંકજ ત્રિપાઠીને પણ સ્પેશ્યલ મૅન્સનનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ ફિલ્મને આ વર્ષે ઑસ્કરની બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મની કૅટેગરીમાં મોકલવામાં આવી હતી, પરંતુ એ ફાઇનલ સુધી નહોતી પહોંચી શકી. શેખર કપૂર દ્વારા નૅશનલ અવૉર્ડ્સની જ્યુરીને હૅન્ડલ કરવામાં આવી હતી, જેમાં દસ મેમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મેમ્બર્સ દ્વારા ગઈ કાલે પાંસઠમા નૅશનલ અવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ અવૉર્ડ્સના વિજેતાઓને ત્રીજી મેએ ઑફિશ્યલ સેરેમનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અવૉર્ડ્સ આપવામાં આવશે.
શ્રીદેવીને કેમ નૅશનલ અવૉર્ડ નહોતા આપવા માગતા શેખર કપૂર?
શ્રીદેવીને ‘મૉમ’ માટે બેસ્ટ ઍક્ટર ફીમેલનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે, પરંતુ શેખર કપૂર નહોતા ઇચ્છતા કે આ અવૉર્ડ શ્રીદેવીને મળે. શ્રીદેવી અને બોની કપૂર સાથે શેખર કપૂરને ખૂબ જ સારા સંબંધ છે અને એથી જ તેઓ નહોતા ઇચ્છતા કે શ્રીદેવીને આ અવૉર્ડ મળે. નૅશનલ અવૉર્ડની જ્યુરીના હેડ હોવાથી એ વિશે વધુ જણાવતાં શેખર કપૂર કહ્યું હતું કે ‘શ્રીદેવીને ‘મૉમ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી એ માટે મારી તેની સાથેની રિલેશનશિપને લઈને કોઈ લેવાદેવા નથી. હું રોજ સવારે જ્યારે આ મીટિંગમાં આવતો ત્યારે દરેકને કહેતો કે બેસ્ટ ઍક્ટ્રેસ માટે ફરી વોટ કરવામાં આવે. મેં બધા ઍક્ટર્સને અને તેમના કામને જોયા બાદ કહ્યું હતું કે શ્રીદેવીને એ આપવામાં ન આવે. અમે દરેક વખતે વોટિંગ કર્યં્ ત્યારે અંતમાં શ્રીદેવી જ આવતી હતી. હું એક જ એવો હતો જે શ્રીદેવીને અવૉર્ડ ન આપવા માટે લડ્યો હતો. અમે બધા શ્રીદેવી સાથે ઇમોશનલી કનેક્ટ છીએ એથી હું અન્ય મેમ્બર્સને કહેતો હતો કે તે મૃત્યુ પામી છે એટલે તેને અવૉર્ડ ન આપો, કારણ કે એ અન્ય ઍક્ટર્સ સાથે ખોટું કહેવાશે. અન્ય ઍક્ટ્રેસ પણ છેલ્લાં દસ-બાર વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે. જોકે તેમના પર્ફોર્મન્સને કારણે છેલ્લી પસંદ હંમેશાં તે જ આવી હતી.’
શ્રીદેવી આજે અમારી સાથે નથી, પરંતુ તેની લેગસી હંમેશાં જીવિત રહેશે
મૉમ માટે નૅશનલ અવૉર્ડ મળતાં જાહ્નવી, ખુશી અને બોની કૂપરે કહ્યું...
શ્રીદેવીને બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળતાં જાહ્નવી, ખુશી અને બોની કપૂરે એને સ્પેશ્યલ મોમેન્ટ જણાવી છે. શ્રીદેવીને ‘મૉમ’ માટે અવૉર્ડ મળતાં તેમણે ફૅમિલી-સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘અમને ખુશી છે કે નૅશનલ અવૉર્ડ્સની જ્યુરી દ્વારા શ્રીદેવીને ‘મૉમ’ માટે બેસ્ટ ઍક્ટર ફીમેલનો અવૉર્ડ આપવામાં આવ્યો. તે હંમેશાં એક પર્ફેક્શનિસ્ટ રહી છે અને એ તેની ૩૦૦થી વધુ ફિલ્મોમાં જોઈ શકાય છે. તે એક સુપરઍક્ટર હોવાની સાથે સુપરવાઇફ અને સુપરમૉમ પણ હતી. આ સમય અમારા માટે તેની સિદ્ધિ અને તેની લાઇફને સેલિબ્રેટ કરવાનો છે. તે આજે અમારી સાથે નથી, પરંતુ તેની લેગસી હંમેશાં જીવિત રહેશે.
