તાતા સન્સના ચૅરમૅનપદેથી થયેલી સાયરસ મિસ્ત્રીની હકાલપટ્ટીને NCLTએ માન્ય રાખી

ચુકાદાના વિરોધમાં સાયરસ મિસ્ત્રી નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરશે

cyrus

તાતા સન્સના ચૅરમૅનપદેથી ઑક્ટોબર-૨૦૧૬માં હાંકી કાઢવામાં આવેલા સાયરસ મિસ્ત્રીએ કંપની વિરુદ્ધ કરેલી અરજીને નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે (NCLT) ફગાવી દીધી છે. તાતા સન્સે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે, જ્યારે મિસ્ત્રીએ આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે. NCLTના આદેશને નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં પડકારી શકાય છે.

લગભગ બે વર્ષની કાનૂની લડતને અંતે NCLTએ ગઈ કાલે મિસ્ત્રીની અરજીને ફગાવી દીધી હતી. આ બાબતે તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને કહ્યું હતું કે તાતા સન્સ અને એની કંપનીઓએ હંમેશાં ઉચિત વ્યવહાર કર્યો છે એવું આ ચુકાદા પરથી પુરવાર થાય છે.

સાયરસ મિસ્ત્રીના કાર્યાલયે ચુકાદાને હેરાન કરનારો નહીં પણ નિરાશાજનક ગણાવ્યો છે. તેમને ઑક્ટોબર-૨૦૧૬માં તાતા સન્સના ચૅરમૅનપદેથી રવાના કરી દેવાયાના બે મહિના બાદ તેમણે તથા તેમના પરિવારની રોકાણસંબંધી કંપની - સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સે NCLTમાં અરજી કરી હતી.

બી. એસ. વી. પ્રકાશ કુમાર અને વી. નલ્લસેનપતિની બનેલી NCLTની મુંબઈ બેન્ચે ચુકાદામાં કહ્યું છે કે તાતા સન્સના બોર્ડ તથા મોટા ભાગના એના સભ્યોએ મિસ્ત્રીમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હોવાથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

બેન્ચે એમ પણ કહ્યું હતું કે મિસ્ત્રીએ કંપનીને લગતી કેટલીક અગત્યની માહિતી આવકવેરા ખાતાને મોકલી હતી. પ્રસારમાધ્યમોને માહિતી લીક કરી હતી તથા કંપનીના શૅરધારકો અને બોર્ડની વિરુદ્ધ જાહેરમાં નિવેદનો કર્યાં હતાં.

તાતા સન્સ-સાયરસ મિસ્ત્રી પ્રકરણનો ઘટનાક્રમ

૨૪ ઑક્ટોબર ૨૦૧૬ - તાતા સન્સે સાયરસ મિસ્ત્રીને ચૅરમૅનપદેથી હાંકી કાઢ્યા બાદ વચગાળાના ચૅરમૅન તરીકે રતન તાતાની નિમણૂક કરી.

૨૫ ઑક્ટોબર ૨૦૧૬ - સાયરસ મિસ્ત્રીએ તાતા ટ્રસ્ટીઓ પાછળથી દોરીસંચાર કરતા હોવાનો આક્ષેપ કરતો પત્ર તાતા સન્સને લખ્યો.

૧૯ ડિસેમ્બર ૨૦૧૬ - મિસ્ત્રીએ તાતા ગ્રુપની તમામ કંપનીઓમાંથી ડિરેક્ટર તરીકે રાજીનામાં આપ્યાં.

૨૦ ડિસેમ્બર ૨૦૧૬ - સાયરસ મિસ્ત્રીએ પોતાની હકાલપટ્ટી વિરુદ્ધ NCLTમાં અરજી કરી.

૧૨ જાન્યુઆરી ૨૦૧૭ - તાતા સન્સે એન. ચંદ્રશેખરનને ચૅરમૅન બનાવ્યા.

૬ ફેબ્રુઆરી ૨૦૧૭ - મિસ્ત્રીને તાતા સન્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી કાઢી નખાયા.

૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ - તાતા સન્સના બોર્ડે પ્રાઇવેટ કંપની બનાવવાના પ્લાનને મંજૂરી આપી.

૧૨ જૂન ૨૦૧૮ - NCLTએ આદેશ આપવા માટે ચોથી જુલાઈનો દિવસ નક્કી કર્યો.

૪ જુલાઈ ૨૦૧૮ - NCLTએ ચુકાદાની તારીખ લંબાવીને ૯ જુલાઈ કરી.

૯ જુલાઈ ૨૦૧૮ - સાયરસ મિસ્ત્રીએ તાતા સન્સના ચૅરમૅનપદેથી થયેલી હકાલપટ્ટી વિરુદ્ધ કરેલી અરજીને NCLTએ ફગાવી દીધી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy