બજેટ બજારને ક્યાં લઈ જશે?

બજારની તેજીની ચાલ અને ટ્રેન્ડ રોકાણકારોને સતત આશ્ચર્ય અને ચિંતા આપી રહ્યાં છે. શું ખરેખર આ તેજી પાકી છે? વાસ્તવમાં ઇન્ડેક્સ વધે છે, વ્યાપક બજાર નહીં! આમાં સમજવું શું અને કરવું શું એવી મીઠી મૂંઝવણ વચ્ચે રોકાણકારો હવે બજેટ પર મીટ માંડીને બેઠા છે જેનો આશાવાદ ઊંચો છે : બજેટ બજારને ક્યાં લઈ જાય છે?

budget

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ત્રણ દિવસ પછીના ગુરુવારે બજેટ છે. વર્તમાન સરકારનું સંપૂર્ણ કહી શકાય એવું છેલ્લું બજેટ. બીજી બાજુ આગામી વર્ષે જનરલ ઇલેક્શન અને ચાલુ વર્ષે રાજ્યોની ચૂંટણી હોવાથી બજેટ પર રાજકીય અસર થવાની શક્યતા ઊંચી છે. બજેટ પહેલાં જ બજારે સતત નવી-નવી ઊંચાઈ બનાવીને રેકૉર્ડના રેકૉર્ડ બ્રેક કર્યા છે. રોકાણકારો મીઠી યા મુશ્કેલીભરી મૂંઝવણમાં છે કે હવે કરવું શું? બજેટ કેવું આવશે એના વિશે અત્યાર સુધીમાં ધારણા બહાર આવતી રહી, અંદાજ આવતા રહ્યા અને સંકેત પણ બહાર પડતા રહ્યા છતાં વાસ્તવમાં બજેટમાં શું આવશે એની તો ગુરુવારે જ ખબર પડશે, પરંતુ ધારણા અને અંદાજના આધારે બજારે અને રોકાણકારોએ પોતાની વ્યૂહરચના બનાવી હશે છતાં બજાર અત્યારે એવા સ્તરે છે જ્યાં ભય અને શંકા પણ ઉચ્ચ સ્તરે જઈ રહ્યાં છે. આ ઊંચા ભાવે ખરીદી કરવાની હિંમત સામાન્ય રોકાણકારો માટે તો કઠિન છે, જ્યારે વેચી દેવાનો નિર્ણય પણ મુશ્કેલ છે; કારણ કે બજાર વધુ ઊંચે જવાનો આશાવાદ સતત વધતો રહ્યો છે અને બજારની ચાલ કે તાલ કંઈક એવા જ નિર્દેશ આપતાં રહ્યાં છે.

રોકાણપ્રવાહ ક્યાંથી?

વિદેશી રોકાણકારો છેલ્લા અમુક દિવસોથી રોજ ૧૦ અબજ રૂપિયાના શૅરોની ખરીદી કરી રહ્યા છે. ક્યારેક તો આ ખરીદી ૧૦ અબજ રૂપિયાથી પણ વધી જાય છે. આમ તેમનું  મહિનામાં ૯૦ અબજ રૂપિયાનું રોકાણ બજારમાં આવી ગયું છે. બીજી બાજુ સ્થાનિક નાણાસંસ્થાઓની પણ બજારમાં એકધારી ખરીદી ચાલુ છે. માર્કેટ બ્રૉડ બેઝ સાથે વધી રહ્યું છે એ નોંધવું મહત્વનું છે. મ્યુચ્યુઅલ ફન્ડ પાસે સતત નાણાપ્રવાહ વધી રહ્યો છે. આમ હાલમાં તો બજારને પુરજોશમાં પ્રવાહિતા મળી રહી છે. ફન્ડામેન્ટલ્સ નબળાં નથી, પરંતુ મજબૂત કહી શકાય એવાં પણ નથી. હા, આશા વધુ છે, સેન્ટિમેન્ટ ઊંચું છે. આ પ્રવાહ બજેટ બાદ કેવો રહેશે એ કળવું કઠિન ખરું, પરંતુ બજેટ માર્કેટની ફેવરમાં આવ્યું તો માર્કેટ રોક્યું નહીં રોકાય એવું પણ માનવામાં આવે છે. આ સંજોગો નિર્માણ થશે તો રોકાણકારોની ચિંતા અને મૂંઝવણ હજી પણ વધી શકે.

બૅન્કોને રાહત


બુધવારે સરકારે એક મહત્વની જાહેરાત કરીને બૅન્કોને મોટી રાહત આપી હતી. આ રાહત બૅન્કોને મૂડીસહાય મારફત આપી જે અગાઉ નક્કી થયું હતું, પરંતુ એને પગલે બજારને અને બૅન્કોના બચતકારો તેમ જ રોકાણકારોને મોટી રાહત થઈ હતી. અત્યાર સુધી બૅન્કો વિશે સતત એક ભય ફેલાતો રહ્યો છે કે અમુક સરકારી બૅન્કો બંધ પડી જશે, પણ હાલમાં આ ભય ઘટે એવું બની શકે. જોકે ગુરુવારે આ જાહેરાતની બૅન્ક-શૅરો પર અસર તો અવળી થઈ હતી. ખેર, બજાર પોતે હવે કન્ફ્યુઝ છે અને રોકાણકારો એનાથી પણ વધુ કન્ફ્યુઝ છે. 

કરેક્શનની રાહ, પરંતુ... 


કરેક્શનની રાહ અને ધારણા વચ્ચે ફરી એક વાર ગયા સોમવારે બજારે પૉઝિટિવ અને ઉછાળાથી શરૂઆત કરી હતી. સેન્સેક્સ ૩૫,૮૦૦ અને નિફ્ટી ૧૧,૦૦૦ની સાવ નજીક પહોંચી ગયો હતો. બજારનો મૂડ જાણે ઘટવા માટે તૈયાર નથી એવા સંકેત આવતા હતા જેને મંગળવારે સમર્થન મળ્યું હતું અને મંગળવારે સેન્સેક્સ ૩૬,૦૦૦નું અને નિફ્ટી  ૧૧,૦૦૦નું લેવલ વટાવી ગયા હતા. બુધવારે પણ બજારે સતત વધ-ઘટ બતાવીને આખરે બન્ને ઇન્ડેક્સ પૉઝિટિવ બંધ રાખ્યા હતા. જોકે વૃદ્ધિ સાધારણ જ થઈ હતી. ગુરુવારે બજારે ૧૨૫ પૉઇન્ટ જેવું કરેક્શન આપ્યું હતું, પરંતુ ટ્રેન્ડ તેજીનો ચાલુ રહ્યો હતો. હજી વધશેની આશાએ મોટા ભાગના લોકો પ્રૉફિટ-બુકિંગ ટાળી રહ્યા છે અને વેચે છે તો સામે ખરીદી પણ કરી લે છે. બજેટ પાસે હવે અપેક્ષા કરતાં એવો વિશ્વાસ વધી રહ્યો છે કે બજેટ બજાર અને અર્થતંત્ર માટે સારું જ આવશે એ આશા લોકોને હજી વેચાણ કરતાં રોકે છે.

ઊંચા વિકાસદરનો આશાવાદ

ભારતના આર્થિક વિકાસદરની ભારતમાં ભલે ચિંતા અને ટીકા થતી રહી, ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF) ભારતના ઊંચા વિકાસદર માટે બહુ આશાવાદી છે જેણે ૨૦૧૯ના વર્ષમાં આ વિકાસદર ૭.૪ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે એટલું જ નહીં, ભારતને સૌથી ઝડપી ગતિએ વધતા અર્થતંત્ર તરીકે ગણાવ્યું છે. IMFના અભ્યાસ મુજબ ગ્લોબલ વિકાસ પણ આ વર્ષે વેગ પકડશે અને ભારત એમાં એક વિશાળ ઇકૉનૉમી સ્વરૂપે અગ્રેસર રહેશે. એણે ૨૦૧૭ના વર્ષને પણ ભારત માટે સારું ગણાવ્યું છે અને સરકારની રિફૉર્મ્સની પૉલિસીઓને આ માટે કારણ ગણાવી છે. આ પરિબળ શૅરબજારને પણ વેગ આપવામાં સહાયક બન્યું છે.

દરેકના ખિસ્સાનું બજેટ : નાણાપ્રધાન શું કરશે?

જેમ આપણા દરેકના ખિસ્સાનું એક બજેટ હોય છે એમ દેશના ખિસ્સાનું પણ બજેટ હોય છે જે દર વર્ષે એક વાર જાહેર થતું હોવાથી એના પ્રત્યેની ઉત્સુકતા કાયમ વધી જતી હોય છે, કારણ કે દેશની આર્થિક દશા શું છે એ બજેટ કહી દે છે (ઘણી વાર છુપાવે પણ છે અને ઘણી વાર ગેરમાર્ગે પણ દોરી દે છે) એથી એની અસર અર્થતંત્રના વર્તમાન અને ભાવિ પર થાય છે જેમાં દરેક વેપાર-ઉદ્યોગ અને મૂડીબજારનું અને ફાઇનૅન્શિયલ માર્કેટનું ભાવિ પણ આવી જાય છે. મોદી સરકાર માટે આ વખતનું બજેટ વિશેષ પડકાર સમાન છે, કેમ કે એ GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના અમલ બાદનું પહેલું બજેટ છે અને આગામી સામાન્ય ચૂંટણી પહેલાંનું છેલ્લું બજેટ છે, જ્યારે સરકાર સામે આર્થિક અને રાજકીય પડકારો હોલસેલમાં ઊભા છે. ચૂંટણી ભલભલાને સીધા કરી દે છે અને રાજકારણ ભલભલાને ચાલાકી શીખવી દે છે. નાણાપ્રધાન આ મામલે શું કરે છે એ જોવાનું રસપ્રદ રહેશે.

એક ખાસ વાત નોંધી રાખો


અત્યારે વધી રહેલા બજારમાં ગંભીર અને ધ્યાન આપવા જેવી બાબત એ છે કે મુખ્યત્વે ઇન્ડેક્સ વધી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને ઇન્ડેક્સમાં વેઇટેજ ધરાવતા શૅરો વધી રહ્યા હોવાથી આમ થઈ રહ્યું છે. બાકી નાની અને મધ્યમ કક્ષાની કહો યા ‘બી’ ગ્રુપના શૅરો કહો, આમાં કોઈ નક્કર વધારો (અમુક અપવાદ સિવાય) થયો નથી. આ બાબત ચેતવણી અને સંકેત પણ ગણી શકાય. વિચારી રાખજો દોસ્ત.

બજેટમાં કઈ બાબતો પર ફોકસ કરવાની જરૂર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મહત્તમ રોકાણની જરૂર છે જેથી સરકાર એના પર વધુ ધ્યાન આપશે. સરકાર દ્વારા કોઈ પણ હિસાબે રોજગારસર્જનની નક્કર યોજના અને એનો અમલ થવો જોઈએ. મૂડીબજારને તંદુરસ્ત વેગ મળે અને એમાં રોકાણકારોની સલામતી વધે એવાં પગલાં આવવાં જોઈએ. સિનિયર સિટિઝન્સને રાહત થાય એવી યોજના લાવવી જોઈએ. આ વર્ગે જોખમ લેવાં ન પડે એવું આયોજન થવું જોઈએ. મધ્યમવર્ગ પોતાની બચત અને રોકાણનું યોગ્ય આયોજન કરી શકે એવી જોગવાઈઓ કરવી જોઈએ. તેમને માત્ર શૅરબજારના ભરોસે છોડી દેવા જોઈએ નહીં. સીધા વેરાની ગૂંચવણો અને અનિશ્ચિતતા દૂર કરવી જોઈએ. GST સામેની દરેક સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ. સરકારે પોતાના તરફથી પણ ખર્ચ અને રોકાણ વધારવાં જોઈએ. ખાનગી ક્ષેત્રને રોકાણ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. વિદેશી રોકાણ આકર્ષવાનું પણ જરૂરી છે. નિકાસ ક્ષેત્રને વેગ આપવાની બહુ જરૂર છે. રિયલ એસ્ટેટ સેક્ટરના મંદ પડેલા વિકાસને વેગ આપવા વ્યવહારુ નીતિ આવશ્યક છે.

નો નેગેટિવ ન્યુઝ

બજાર માટે મહત્વનું પરિબળ છે નો નેગેટિવ ન્યુઝ. અત્યારે બજારમાં કોઈ નેગેટિવ ન્યુઝ નથી એ પણ એક કારણ છે કે બજાર ઘટતું કે તૂટતું નથી. બાકી બજારને વધવા માટે કોઈ મોટાં કારણ પણ નથી. હવે બધો આધાર બજેટ પર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK