રતન તાતા સતત દખલગીરી કરતા હતા : સાયરસ મિસ્ત્રી

મને નામપૂરતો ચૅરમૅન રાખવામાં આવ્યો હતો, મિસ્ત્રી, તાતા સન્સના બરતરફ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીએ કરી પેટછૂટી વાત


cyrus


તાતા સન્સના ચૅરમૅનપદેથી દૂર કરવામાં આવ્યા બાદ સાયરસ મિસ્ત્રીએ ભલે કાનૂની કાર્યવાહી ન કરી હોય, પરંતુ પોતાની સાથે અન્યાય થયાનું જરૂર કહ્યું છે. તેમણે કહ્યું છે કે ગ્રુપે તેમને ખોટી રીતે બરતરફ કર્યા છે. ચાથી લઈને સૉફ્ટવેર સુધીનું ઉત્પાદન કરતા આ ગ્રુપને ખોટ કરનારા પાંચ બિઝનેસને કારણે ૧૮ અબજ ડૅલરનું નુકસાન થઈ શકે છે.

બચાવની કે સ્પક્ટતાની જરાપણ તક આપ્યા વગર તાતા સન્સના ચૅરમૅનપદેથી સોમવારે દૂર કરવામાં આવેલા સાયરસ મિસ્ત્રીએ મંગળવારે તાતા સન્સના બોર્ડને લખેલી ઈ-મેઇલમાં કહ્યું છે કે ‘બરખાસ્તગીનો નિર્ણય કૉર્પોરેટ ઇતિહાસમાં અસાધારણ છે. મને લાગેલો આઘાત વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. બોર્ડે કરેલી કાર્યવાહી ગેરમાન્ય અને ગેરકાનૂની છે.’

તાતા સન્સના આર્ટિકલ્સ ઑફ અસોસિએશનમાં કરવામાં આવેલા ફેરફારોને લીધે ગ્રુપના કામકાજ પરના મારા અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. એવો આક્ષેપ સાયરસ મિસ્ત્રીએ કર્યો છે. કોઈ પણ ખુલાસો કર્યા વગર લેવામાં આવેલા બરતરફીના ઓચિંતા પગલાને લીધે ગ્રુપની પ્રતિષ્ઠાને અમાપ નુકસાન થયું છે એમ જણાવતાં સાયરસ મિસ્ત્રીએ કહ્યું હતું કે ‘ગ્રુપના વડા બનવા માટે રતન તાતા અને લૉર્ડ ભટ્ટાચાર્યે કરેલી ઑફરનો પહેલાં તો મેં અસ્વીકાર જ કર્યો હતો, પરંતુ મને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રતન તાતા વિદાય લઈ રહ્યા હોવાથી સ્વતંત્ર રીતે કામ કરવા મળશે. જરૂર પડ્યે તેઓ સલાહ અને માર્ગદર્શન આપવા માટે હાજર હશે. જોકે એવું થયું નહીં. તાતા ટ્રસ્ટોએ આર્ટિકલ્સ ઑફ અસોસિએશનમાં ફેરફાર કર્યા અને તાતા સન્સના બોર્ડ તથા ચૅરમૅનની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો.’

બોર્ડને લખવામાં આવેલી આ ઈ-મેઇલમાં સાયરસ મિસ્ત્રીએ કહ્યું છે કે ‘ઍર એશિયા અને સિંગાપોર ઍરલાઇન્સ સાથેના સહકાર દ્વારા ઉડ્ડયનક્ષેત્રે પ્રવેશ કરવાનું પગલું પણ તાતાના કહેવાથી લેવામાં આવ્યું હતું અને હવે એની સમસ્યાઓ માટે મારા પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે. મને ચૅરમૅન તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારે એની કંપનીઓ મોટી ખોટ કરી રહી હતી તથા મોટા પ્રમાણમાં કરજ ધરાવતી હતી.’

ઇન્ડિયન હોટેલ્સ, તાતા મોટર્સનો પૅસેન્જર વેહિકલ વિભાગ, તાતા સ્ટીલનો યુરોપિયન બિઝનેસ તથા ગ્રુપની વીજળી અને ટેલિકમ્યુનિકેશન્સની પેટાકંપનીનાં નામ આપીને સાયરસ મિસ્ત્રીએ કહ્યું છે કે આ યુનિટમાં ૧.૯૬ લાખ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં એમની સામેના પડકારો ઓછા થયા નથી.

તાતા સન્સ અને સાયરસ મિસ્ત્રીના પ્રતિનિધિઓએ આ ઈ-મેઇલ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મિસ્ત્રીની બરખાસ્તગીના પગલા પાછળનું એક કારણ પત્રની વિગતો પરથી મળી જાય છે. ગ્રુપ વ્યાપ વધારતું જાય એને બદલે કરજ અને બિનજરૂરી ખર્ચ ઘટાડીને તથા ખોટ કરતા બિઝનેસને વેચીને સ્થિતિ સુધારે એવું વલણ મિસ્ત્રીએ અપનાવ્યું હતું, જે ગ્રુપના કર્તાહર્તાઓને માફક આવ્યું ન હોય એવું જણાય છે.

રતન તાતાની સતત દખલગીરી? 


સાયરસ મિસ્ત્રીએ પત્રમાં કહ્યું છે કે ચૅરમૅનપદ ગ્રહણ કર્યું ત્યારથી તેમણે પરિસ્થિતિમાં સુધારણા લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના પુરોગામી રતન તાતા સતત દખલગીરી કરતા રહ્યા. આ હસ્તક્ષેપ એટલી હદ સુધી વધી ગયો કે મને ફક્ત નામપૂરતો જ ચૅરમૅન રાખવામાં આવ્યો હતો એમ પણ સાયરસે કહ્યું છે.

નૅનોને બંધ કરવાની જરૂર છે


તાતા નૅનોનું ઉદાહરણ આપતાં સાયરસ મિસ્ત્રીએ કહ્યું છે કે ‘રતન તાતાએ વરસાદની એક સાંજે ચાર જણના એક પરિવારને સ્કૂટર પર જતો જોઈને બનાવડાવેલી નૅનો કારનો પ્રોજેક્ટ પહેલેથી જ નફાકારક નહોતો અને એક તબક્કે એમાં ૧૦ અબજ રૂપિયાની ખોટ ગઈ હતી. નૅનોમાં નફો મળવાની કોઈ શક્યતા દેખાતી ન હોવાથી એને બંધ કરી દેવાની જરૂર છે. આમ છતાં ફક્ત ભાવનાત્મક કારણોસર આ નિર્ણય નથી લેવાયો.’

ડોકોમો સાથેનો કરાર પણ તાતાનો ટેલિકૉમ બિઝનેસ વિશે સાયરસ મિસ્ત્રીએ કહ્યું છે કે ‘રતન તાતાએ ડોકોમો કંપની સાથે વાંધાજનક કરાર કર્યો. હવે કરારનું પાલન નહીં કરવા બદલ કંપનીએ ડોકોમોને ૧.૧૭ અબજ ડૉલર ચૂકવવા પડશે એટલું જ નહીં, ટેલિકૉમ બિઝનેસમાંથી બહાર નીકળવામાં બીજું પાંચ અબજ ડૉલરનું નુકસાન પણ થશે. મેં આ યુનિટમાંથી આવક વધારવા પર લક્ષ કેન્દ્રિત કર્યું હતું.’

તાતાના કિસ્સાથી તાતા સ્ટીલના બ્રિટનના યુનિટના કામદાર યુનિયનને આશ્ચર્ય


તાતા ગ્રુપમાં અચાનક થયેલા સાયરસ મિસ્ત્રીના ડેવલપમેન્ટથી બ્રિટન અને ડચ (નેધરલૅન્ડ્સ) માં આવેલા તાતા સ્ટીલના એકમોના યુનિયને પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને આ બાબતે સ્પક્ટતાની અપેક્ષા રાખી છે. તાજેતરમાં તાતા ગ્રુપમાં બનેલી આ ઘટનામાં અત્યારે તો રતન તાતાએ ચાર્જ હાથમાં લીધો છે, પણ આગળ આમાં શું થશે એ વિશે જાણવા-સમજવાની આ બે દેશોમાં આવેલી કંપનીનાં કામદાર યુનિયનોને ઉત્સુકતા છે. જોકે તેમને રતન તાતા પર આશા અને વિશ્વાસ છે, જેમણે અત્યારે આ સ્થિતિમાં જવાબદારી સંભાળી લીધી છે. અહીં એ નોંધવું મહત્વનું છે કે તાતા સ્ટીલના બ્રિટન યુનિટને બંધ કરવાની કે વેચવાની પ્રોસેસ ચાલી રહી છે ત્યારે આ સંજોગોએ અનિશ્ચિતતા સર્જી‍ દીધી છે.

તાતા ગ્રુપની કંપનીઓના શૅરોમાં બે દિવસમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ


તાતા ગ્રુપમાં અચાનક સાયરસ મિસ્ત્રીને દૂર કરવાની ઘટનાથી તાતા ગ્રુપની કંપનીઓના માર્કેટ કૅપમાં મંગળવાર અને બુધવાર બે દિવસમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. તાજેતરમાં તાતા ગ્રુપમાં બનેલી આ ઘટનાને પગલે તાતા મોટર્સના શૅરના ભાવમાં ૪.૨૭ ટકા, તાતા સ્ટીલના શૅરના ભાવમાં ૪.૦૧ ટકા, તાતા પાવરના ભાવમાં ૨.૦૬ ટકા અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિસમાં ૦.૦૭ ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત તાતા મેટલિક્સમાં ૩.૮૫ ટકા, તાતા ઍલેક્સીમાં ૩.૧૫ ટકા, તાતા ગ્લોબલમાં ૩.૧૦ ટકા, તાતા કેમિકલ્સમાં ૨.૮૬ ટકા, તાતા કમ્યુનિકેશનમાં ૨.૬૮ ટકા, તાતા સ્પૉન્જ આયર્નમાં ૦.૫૭ ટકા અને તાતા કૉફીમાં ૦.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

તાતા ગ્રુપનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૮.૫૦ લાખ કરોડ રહ્યું હતું, જેમાં એકલી તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો હિસ્સો ૪.૭૨ લાખ કરોડ જેટલો રહ્યો છે. મિસ્ત્રીની ફૅમિલી કંપની શાપુરજી પાલનજી તાતા સન્સમાં ૧૮.૪ ટકાનો હિસ્સો ધરાવે છે, જે કંપની તાતા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે.

તાતા ગ્રુપમાંથી અચાનક દૂર કરવામાં આવેલા સાયરસ મિસ્ત્રીના દાવા મુજબ તેઓ તાતા ગ્રુપના લાંબા ગાળાના હિતમાં કાર્ય કરી રહ્યા હતા.

તાતા ગ્રુપના વિવાદાસ્પદ પ્રકરણ પર સેબીની પણ નજર : નિયમના ઉલ્લંઘનમાં ઍક્શનની સંભાવના


તાતા ગ્રુપમાં તાજેતરમાં થયેલા ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પ્રકરણ પર રેગ્યુલેટર સેબીની સતત નજર છે અને આ વિષયમાં જો કોઈ કૉર્પોરેટ ગવર્નન્સના નિયમનો  સંભવિત ભંગ થયો હશે તો સેબી એની તપાસ કરશે એવું નિવેદન સેબી તરફથી થયું છે. ૧૦૦ અબજ ડૉલરના આ મહાકાય ઔદ્યોગિક ગ્રુપમાં ચૅરમૅનપદેથી સાયરસ મિસ્ત્રીને અચાનક દૂર કરવાની ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે ત્યારે નિયમન સંસ્થા સેબી માટે પણ કૉર્પોરેટ ગવર્નન્સની દૃષ્ટિએ આ વિષય મહત્વનો બની ગયો છે. આ વિષયમાં લિસ્ટિંગ કરારનો પણ ભંગ થયો છે કે કેમ એની પણ સેબી તપાસ કરશે.

સેબીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આ હાઈ-પ્રોફાઇલ કેસમાં સાયરસ મિસ્ત્રીએ બોર્ડને લખેલા પત્ર અને એમાં કરવામાં આવેલા આક્ષેપોનો પણ સેબી અભ્યાસ કરશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તરત ઍક્શન પણ લેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy