GSTના દર ઘટાડો, રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ અને દંડાત્મક કાર્યવાહી હળવી કરો

આ બેઠકમાં મુંબઈ BJPના પ્રમુખ આશિષ શેલાર, નગરસેવક અતુલ શાહ અને રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર રાજ પુરોહિતે પણ હાજરી આપી

GST1

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના અમલનું એક વર્ષ પૂરું થયા બાદ ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM-ફામ) અને મહારાષ્ટ્ર તેમ જ મુંબઈના વેપારી સંગઠનોએ કેન્દ્રના નાણાપ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ GSTના દરમાં ઘટાડો કરવાની અને એના રિટર્ન ભરવાની પ્રક્રિયાને સરળ કરવાની માગણી કરી હતી એટલું જ નહીં, નાની-મોટી ટેક્નિકલ ક્ષતિઓને કારણે વેપારીઓ સમયસર રિટર્ન ફાઇલ કરી શકતા નથી, એવા વેપારીઓ પાસેથી મોટી રકમના દંડ વસૂલ કરવાને બદલે તેમના પર હળવી દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ એવી પણ નાણાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

મુંબઈના BJPના પ્રમુખ આશિષ શેલાર, નગરસેવક અતુલ શાહ અને રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર રાજ પુરોહિતે રવિવારે સવારે ૯ વાગ્યે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં વેપારી સંગઠનો અને નાણાપ્રધાન વચ્ચે GST બાબતે ખુલ્લા મને ચર્ચા કરવા માટે આ મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં ફામની સાથે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર સહિતનાં વિવિધ વેપારી સંગઠનોના દોઢસોથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

વેપારી સંગઠનો તેમના તરફથી GST ઍક્ટના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓની વિસ્તૃત રજૂઆત કરે એ પહેલાં જ આશિષ શેલારે સંગઠનોના મનની વાત પીયૂષ ગોયલ સમક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે GST ઍક્ટના એક વર્ષ બાદ પણ આજે મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓ GST ઍક્ટના અમલમાં અનેક મુશ્કેલીઓ અને દ્વિધા અનુભવી રહ્યા છે, જેને લીધે આ કાયદો જોઈએ એટલો હજી સફળ થયો નથી.

આશિષ શેલારની રજૂઆત પછી બધાં જ વેપારી સંગઠનો અને ફામ તરફથી ફામના ટૅક્સેશન કમિટીના ચૅરમૅન રસેશ દોશીએ GSTના અમલ પછી ટૅક્સના ઊંચા દરની અને રિટર્ન ભરવાની પ્રક્રિયામાં રહેલી અસુવિધાઓની નાણાપ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ સચોટ રજૂઆત કરી હતી. રસેશ દોશીએ ટેક્નિકલ કારણોસર રિટર્ન ભરવાની મર્યાદાની તારીખમાં રિટર્ન ન ભરી શકતા વેપારીઓ પ્રત્યે સરકારે ઉદારતા દાખવી  દંડાત્મક કાર્યવાહીમાં રાહત આપવાની માગણી કરી હતી.

આજે એવી અનેક જીવનજરૂરિયાતની વસ્તુઓ છે જે લક્ઝુરિયસ ન હોવા છતાં એના પર ૨૮ ટકા GST લાદવામાં આવ્યો છે એમ જણાવતાં રસેશ દોશીએ જીવનજરૂરિયાતની વસ્તુઓમાં GSTના દર ઓછા કરવાની માગણી કરી હતી. તેમણે ઈ-વે બિલની પ્રક્રિયામાં મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, વડોદરા, નાગપુર, પુણે, સુરત જેવાં મોટાં શહેરોના વેપારીઓને પડતી મુશ્કેલી વર્ણવી એમાં પણ રાહત આપવાની નાણાપ્રધાન સમક્ષ માગણી કરી હતી.

ત્યાર બાદ ફામના જનરલ સેક્રેટરી આશિષ મહેતાએ મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ બજારોના વેપારીઓ તરફથી કરવામાં આવેલી GSTના દર ઓછા કરવાની માગણીની પીયૂષ ગોયલ સમક્ષ રજૂઆત કરી હતી. આશિષ મહેતા GST વિશેના તેમના વિચારો અને માગણીઓ રજૂ કરે એ પહેલાં બેઠકમાં હાજર રહેલા સૌએ એક વર્ષમાં GST ઍક્ટને મળેલી સફળતા માટે ઊભા થઈને વધામણાં આપ્યાં હતાં.

વેપારી સંગઠનોની વિવિધ માગણીઓ અને એમને પડતી મુશ્કેલીઓ વિશેની માહિતી મેળવ્યા બાદ પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે ‘અમે કાયદાઓનો અમલ વેપારીઓ પર વિશ્વાસ રાખીને જ કરીએ છીએ. અમને મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓએ GSTનો અમલ કરીને તેમની પ્રામાણિકતાનો પરિચય આપ્યો છે. અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે વેપારીઓને પડતી મુશ્કેલીઓમાં અમે સરળતા અને સુવિધા આપી શકીએ.’

GST

કયા સંગઠનની શું માગણી હતી?

ધ બૉમ્બે ટિમ્બર મર્ચન્ટ્સ અસોસિએશન લિમિટેડ : ટિમ્બરમાં GSTનો દર ૧૮ ટકામાંથી ૧૨ ટકા કરવાની માગણી કરવામાં આવી હતી. લાકડું માનવીને જન્મથી લઈને તેની અંતિમ વિદાય સુધી જરૂર પડે છે. ટિમ્બર રૉ-મટીરિયલ છે અને ઇન્ડસ્ટ્રિયલ ઇનપુટ આઇટમમાં આવે છે. પહેલાં સેલ્સ-ટૅક્સ ફક્ત ૮ ટકા હતો. ત્યાર પછી વૅટ ૧૦ ટકામાંથી સાડાતેર ટકા સુધી પહોંચ્યો હતો. GST આવ્યા પછી એ દર ૧૮ ટકા સુધી પહોંચ્યો છે જે ટિમ્બરના વેપારીઓ સાથે અન્યાયરૂપ છે.

મહારાષ્ટ્ર મોટરપાર્ટ્સ ડીલર્સ અસોસિએશન : આજના યુગમાં દેશની ઇકૉનૉમીમાં સૌથી મહત્વનો રોલ ભજવે છે, જેથી દેશના વિકાસ માટે ઑટો પાર્ટ્સ પર અત્યારના GSTના દર ૨૮ ટકામાંથી ૧૮ ટકાથી ૧૨ ટકા જેટલા કરવાની જરૂર છે.

ધ રેફ્રિજરેટર ઍન્ડ ઍર-કન્ડિશનિંગ ટ્રેડ અસોસિએશન લિમિટેડ : આ પ્રોડક્ટ્સને હૉસ્પિટલોમાં, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, કોલ્ડ-સ્ટોરેજ અને કોલ્ડ-ચેઇન, ડેરી ઇન્ડસ્ટ્રીઝમાં વધુ ઉપયોગ થાય છે જેથી એના પર અત્યારના GSTનો દર ૨૮ ટકામાંથી ૧૮ ટકા કરવો જોઈએ.

ઑલ ઇન્ડિયા હેર-પિન ઍન્ડ હેર-ઍક્સેસરીઝ ડીલર્સ ઍન્ડ મૅન્યુફૅક્ચરર્સ : આ આઇટમ પર એક સમયે ફક્ત અડધો ટકો ટૅકસ જ હતો. અનેક રાજ્યોમાં તો એના પર ટૅક્સ લાગતો જ નહોતો, જેના પર GST ૧૨ ટકા લાગી રહ્યો છે. જ્યારે ઇમિટેશન જ્વેલરી પર ફક્ત ૩ ટકા જ છે. હેર-પિન અને ઍક્સેસરીઝને કોડ હેઠળ લાવી એના પર ૧૨ ટકામાંથી ૩ ટકા કરવામાં આવે.

બૉમ્બે કેટરર્સ અસોસિએશન : અત્યારે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ પર GST પાંચ ટકા લેવામાં આવે છે, જ્યારે જન્મના પ્રસંગથી લઈને મરણના પ્રસંગ સુધી અને દેશમાં ઊજવાતાં ધાર્મિક-સામાજિક પ્રસંગો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેટરિંગ સર્વિસ મહત્વની બની ગઈ છે. એના પર GST ૧૮ ટકા લાદવામાં આવ્યો છે. આવા સંજોગોમાં કેટરિંગ સર્વિસ પર પાંચ ટકા હોવો જોઈએ, જેનાથી રેવન્યુ પણ વધશે.

ધ બૉમ્બે બૅન્ગલ્સ મર્ચન્ટ્સ અસોસિએશન : બધા જ પ્રકારની બંગડીઓ વૅટમાંથી બાકાત રાખવામાં આવી હતી, જ્યારે GST ઍકટમાં બંગડીઓને એની બનાવટ પ્રમાણે અલગ કરી દેવામાં આવી. એમાં કાચની, પ્લાસ્ટિકની, લાખની બંગડીઓને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવી; પરંતુ લાખમાંથી બનતી પણ જેમાં આયર્ન અને ઍલ્યુમિનિયમ મિક્સ કરવામાં આવે છે એના પર ૩ ટકા GST લાદવામાં આવ્યો છે. આ મટીરિયલ મિક્સ કર્યા વગર એ બંગડીઓ બની શકે જ નહીં, એથી આ પ્રકારની બંગડીઓને GSTમાંથી બાકાત કરવામાં આવે.

મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ મર્ચન્ટ્સ અસોસિએશન : ડ્રાયફ્રૂટ્સમાં પાંચ ટકાથી લઈ ૧૨ ટકા GST લાગે છે. જે વેપારીઓ મિક્સ ડ્રાયફ્રૂટ્સ વેચે છે તેમણે ફરજિયાત રીતે ઘરાકોને ૧૨ ટકા GST ચાર્જ કરવા પડે છે, જેનાથી ઘરાકને નુકસાન જાય છે. એથી બધાં જ ડ્રાયફ્રૂટ્સ પર એકસરખો પાંચ ટકા GST હોવો જોઈએ.

વાઈન્ડિંગ વાયર અસોસિએશન : આ પણ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ હોવાથી એના પર ૧૮ ટકાને બદલે ૧૨ ટકા GST લગાવવામાં આવે.

રેઇનવેઅર મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન : બધી જ પ્રોડક્ટ્સ પર એકસરખો ૧૨ ટકા GST લગાવો. અત્યારે પાંચ, બાર અને અઢાર એમ અલગ-અલગ GSTનો દર છે.

ધ મહારાષ્ટ્ર બેલ્ટ્સ ઍન્ડ હોસિસ ટ્રેડર્સ અસોસિએશન : પુલી, કપલિંગ, બુશ અને ફ્લાંજ વગેરે ઇન્ડસ્ટ્રિયલ આઇટમ હોવાથી ૨૮ ટકામાંથી ૧૮ ટકા GST કરો.

શ્રી પુણે વ્યાપારી મંડળ, ધ ગ્રેન, રાઇસ, આૉઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન, ધ નાગપુર ઇતવારી કિરાણા મર્ચન્ટ્સ અસોસિએશન : ખાદ્ય પદાર્થો સામાન્ય માનવીની રોજની જરૂરિયાત છે. જેમ કે આટો, રવો, બેસન. આ પદાર્થો પર અત્યારે પાંચ ટકા GST છે. એને GSTઍક્ટમાંથી બાકાત કરો. આ સિવાય અત્યારે લાદવામાં આવી રહેલો દોઢ ટકા ખ્ભ્પ્ઘ્ ટૅક્સ સેસ પાછો ખેંચી લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK