સિંગલ બ્રૅન્ડ રીટેલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ઑટોમૅટિક રૂટથી ૧૦૦ ટકા FDIને મંજૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

modi

દેશમાં હવે સિંગલ બ્રૅન્ડ રીટેલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સ્પર્ધા વધારનારા નિર્ણયમાં કેન્દ્રીય પ્રધાનમંડળે ગઈ કાલે ઑટોમૅટિક રૂટથી ૧૦૦ ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માટે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત વિદેશી ઍરલાઇન્સને ઍર ઇન્ડિયામાં ૪૯ ટકા હિસ્સો ખરીદવા માટેની મંજૂરી પણ આપવામાં આવી છે.

સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશી રોકાણકારો આગોતરી સરકારી મંજૂરી વગર જ સિંગલ બ્રૅન્ડ રીટેલ ટ્રડિંગમાં અને કન્સ્ટ્રક્શનમાં ૧૦૦ ટકા FDI કરી શકશે.

ઍર ઇન્ડિયામાં ૪૯ ટકા રોકાણ


ઍર ઇન્ડિયા માટેના નિર્ણય મુજબ વિદેશી ઍરલાઇન્સ મંજૂરી લીધા બાદ આ ઍરલાઇન્સમાં ૪૯ ટકા રોકાણ કરી શકશે.

અત્યાર સુધીની નીતિ અનુસાર વિદેશી ઍરલાઇન્સ ભારતમાં શેડ્યુલ્ડ અને નૉન-શેડ્યુલ્ડ ઍર ટ્રાન્સપોર્ટ સર્વિસિસ ચલાવી રહેલી ભારતીય કંપનીઓમાં સરકારી મંજૂરી લીધા બાદ પેઇડ-અપ મૂડીમાં ૪૯ ટકા રોકાણ કરી શકતી હતી, પરંતુ એમાંથી ઍર ઇન્ડિયાને બાકાત રાખવામાં આવી હતી. ગઈ કાલના નિર્ણયને પગલે હવે સરકારી મંજૂરી લઈને ઍર ઇન્ડિયામાં પણ ૪૯ ટકા હિસ્સો ખરીદી શકાશે. જોકે એમાં અમુક શરતો રાખવામાં આવી છે.

ઉક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ વિદેશી ઍરલાઇન્સ ઍર ઇન્ડિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધુમાં વધુ ૪૯ ટકા હિસ્સો ખરીદી શકશે અને કંપનીની ધુરા ભારતીયના હાથમાં જ રહેશે.

વીજળીનાં એક્સચેન્જોમાં રોકાણ શક્ય


પ્રધાનમંડળે વીજળીનાં એક્સચેન્જોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો/વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને પ્રાઇમરી માર્કેટ મારફત રોકાણ કરવાની મંજૂરી પણ આપી છે. અત્યાર સુધી સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (પાવર માર્કેટ) રેગ્યુલેશન્સ-૨૦૧૦ હેઠળ રજિસ્ટર્ડ વીજ એક્સચેન્જોમાં ઑટોમૅટિક રૂટથી ૪૯ ટકા FDI માટે મંજૂરી હતી. જોકે એ રોકાણ ફક્ત સેકન્ડરી માર્કેટ મારફત જ કરી શકાતું હતું.

રોકાણ-રોજગાર વધારનારું પગલું


સરકારનું કહેવું છે કે ઉક્ત નિર્ણયથી બિઝનેસ સરળ કરવાની દિશામાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. એનાથી FDI વધશે અને દેશમાં રોકાણ અને રોજગારનું પ્રમાણ વધશે.

સરકારે તબીબી ઉપકરણો અને વિદેશથી ફન્ડ પ્રાપ્ત કરતી કંપનીઓ સાથે સંકળાયેલી ઑડિટ કંપનીઓ માટે પણ FDI નીતિ હળવી બનાવી છે.

સુરેશ પ્રભુએ કર્યાં વખાણ

પ્રધાનમંડળના નિર્ણયો વિશે વાણિજ્ય-ઉદ્યોગ ખાતાના પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું છે કે સરકારે વિદેશી રોકાણ પ્રાપ્ત કરવાના માર્ગમાં આવતા અવરોધો દૂર કરી દેવાનો નિર્ણય લીધો છે. એનાથી દેશનો ઝડપી વિકાસ થઈ શકશે.

નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકારે FDI માટેની નીતિમાં આ બીજી વાર મોટો ફેરફાર કર્યો છે. અગાઉ જૂન-૨૦૧૬માં ઘણાં પરિવર્તન કરવામાં આવ્યાં હતાં.

વેપારીઓના સંગઠને કર્યો વિરોધ

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) નામની વેપારીઓની સંસ્થાએ ઑટોમૅટિક માર્ગે સિંગલ બ્રૅન્ડિીરટેલમાં ૧૦૦ ટકા FDI લાવવા દેવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. એનું કહેવું છે કે આનાથી બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશના રીટેલ વેપારમાં સહેલાઈથી પ્રવેશ મળી જશે. BJPએ એના દ્વારા પોતાના જ ચૂંટણીઢંઢેરામાં અપાયેલા વચનનો ભંગ કર્યો છે.

FDI નીતિને વધુ હળવી બનાવાઈ

સરકારે પ્રમુખ સેક્ટરમાં FDI નીતિને વધુ હળવી બનાવી છે, જેની મિગતો આ મુજબ છે.

પ્રાઇમરી માર્કેટ દ્વારા પાવર એક્સચેન્જિસમાં FII અને ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ને રોકાણની છૂટ આપવામાં આવી છે.

સિવિલ એવિયેશન સેક્ટરમાં વિદેશી ઍરલાઇન્સને મંજૂરી મેળવીને ઍર ઇન્ડિયામાં ૪૯ ટકા સુધીનું રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે.

સિંગલ બ્રૅન્ડ રીટેલ ટ્રેડિંગમાં ઑટોમૅટિક રૂટ હેઠળ ૧૦૦ ટકા રોકાણની છૂટ આપવામાં આવી છે.

બાંધકામ અને વિકાસ સેક્ટરમાં ઑટોમૅટિક રૂટ હેઠળ ૧૦૦ ટકા રોકાણની છૂટ આપવામાં આવી છે.

FDI પૉલિસી હેઠળ મેડિકલ ડિવાઇસિસની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે.

૩૦ ટકા સ્થાનિક માલ લેવાના નિયમમાં છૂટ

નોંધનીય છે કે સિંગલ બ્રૅન્ડ રીટેલ માટે ભારતમાંથી ૩૦ ટકા માલ લેવાનો નિયમ પણ હળવો કરવામાં આવ્યો છે. આ ફેરફારને પગલે કંપનીઓ જો ભારતમાંથી વૈશ્વિક કામકાજ માટે વધારે માલ લેશે તો એને સ્થાનિક ૩૦ ટકા માલ લેવાની સામે ક્રેડિટ આપવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશનના સચિવ રમેશ અભિષેકે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આગામી પહેલી એપ્રિલથી પ્રથમ સ્ટોર ખોલવાથી લઈને પાંચ વર્ષના સમયગાળા માટે ઉક્ત છૂટનો લાભ લઈ શકાશે. ૩૦ ટકા સ્થાનિક માલ લેવાની શરત યથાવત છે. ફક્ત એમાં છૂટ આપવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK