માંદલી સરકારનું માંદલું બજેટ

છાતીને બદલે પીઠ દેખાડવાની પરંપરા જારી : ખિસ્સામાં અધેલો ને તાજમાં ડિનરનાં ખ્વાબ

 

 

mandali-sarkar(અનિલ પટેલ - વિશ્લેષક)


વર્ષ ૨૦૧૨-’૧૩નું કેન્દ્રીય બજેટ સરકારની નિર્ણયશક્તિને લકવો મારી ગયો હોવાનો એક વધુ વરવો નમૂનો છે. કૌભાંડોની હારમાળા તથા પૉલિટિકલ કમ્પલ્ઝનથી પીડાતી મનમોહન સરકારે છાતી બતાવવાની જગ્યાએ પીઠ બતાવવાની પરંપરા જાળવી રાખી છે. બજેટ-પ્રવચનમાં આરંભે પ્રણવબાબુએ બહુ ડાહી-ડાહી વાતો કરી. તેમણે કહ્યું કે ‘આ કપરા નિર્ણય લેવાનો સમય છે. આર્થિક સુધારા કે રિફૉર્મની ગતિ હવે વધારવી પડશે. અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા એટલે કે રિકવરી માટે સ્થાનિક માગને પ્રોત્સાહિત કરવી પડશે. હવે કેવળ શબ્દોથી નથી ચાલવાનું, નક્કર રોડ-મૅપ ઘડી કાઢવો પડશે. કાળાં નાણાંની સમસ્યા હલ કરવી જ પડશે. કેટલી ઉમદા વાતો છે નહીં? નાણાપ્રધાને આમાંનું કાંઈ કર્યું નથી. એવિયેશન તથા રીટેલ ક્ષેત્રે એફડીઆઇ કે સીધા વિદેશી રોકાણનો મામલો સર્વસંમતિ પર છોડી દેવામાં આવ્યો છે. ડાયરેક્ટ ટૅક્સ કોડ (ડીટીસી) એટલે કે પ્રત્યક્ષ કરવેરાને લગતો નવો કાનૂન ક્યારે અમલમાં આવશે એની આજેય કશી ખબર નથી તો ગુડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ના અમલ માટે હવે ઑગસ્ટ ૨૦૧૨નું નવું મુરત આપવામાં આવ્યું છે. કાળાં નાણાંને મામલે વાઇટ પેપર લાવવાની વાત થઈ છે, નક્કર કંઈ નહીં. હા, આવકવેરા ખાતાને કરચોરી કે ટૅક્સ-ઇવેઝનને મુદ્દે શંકાસ્પદ કિસ્સામાં ૧૬ વર્ષ સુધીનાં જૂનાં રિટર્ન (અસેસમેન્ટ) રી-ઓપન કરવાની છૂટ જરૂર આપવામાં આવી છે. અત્યારે આ લિમિટ છ વર્ષની છે, પરંતુ એનો વ્યાપ કેવળ વિદેશી ઍસેટ્સ પૂરતો સીમિત રાખવામાં આવ્યો છે. મતલબ કે બાબા રામદેવનું આવી બનશે.

 

ડીટીસીનો અમલ ભલે અધ્ધરતાલ રહ્યો પણ એની કેટલીક ભલામણ સરકારે જરૂર લાગુ પાડી દીધી છે. એક્સાઇઝ ડ્યુટીમાં વધારો, સર્વિસ ટૅક્સમાં વધારો, સર્વિસ ટૅક્સમાં નેગેટિવ લિસ્ટ આનાં ઉદાહરણ છે. સર્વિસ ટૅક્સનો આરંભ ૮ કે ૧૦ સર્વિસોને કરપાત્ર બનાવવાથી થયો હતો. હવે સરકારે નિયત કરેલી ૧૭ સર્વિસો સિવાયની તમામ પ્રકારની સર્વિસો ૧૨.૩૬ ટકાના દરે કરપાત્ર બનશે. સરકારના આ એકમાત્ર પગલાથી તમારા-મારા-આપણા પર વર્ષે ૨૯,૦૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે. ચાલુ વર્ષે ૯૫,૦૦૦ કરોડ રૂપિયાની સામે સરકાર આગામી વર્ષે સર્વિસ ટૅક્સ મારફત ૧.૨૪ લાખ કરોડ રૂપિયા ઊભા કરવા ધારે છે. એક્સાઇઝનો બે ટકાનો સાર્વત્રિક વધારો પણ સૌકોઈનાં ખિસ્સાંને ખાલી કરવાનો છે. પોતાની તિજોરી ભરવા ડીટીસીનો સિલેક્ટિવ યુઝ કરનારી સરકાર આમઆદમીને રાહત આપવાને મામલે બધું ભૂલી ગઈ છે. વ્યક્તિગત વેરાની મુક્તિમર્યાદા વર્ષે ૧.૮૦ લાખ રૂપિયા હતી એ વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી એનાથી બે લાખ રૂપિયા સુધીની આવકવાળાને મહિને માંડ પોણાબસો રૂપિયાનો ફાયદો થશે. ફુગાવો બે આંકડાનો છે અને એક્સાઇઝ અને સર્વિસ ટૅક્સનું ભારણ જે રીતે વધ્યું છે એ જોતાં આ પોણાબસો રૂપિયાની રાહત સામે ચારસો સેરવી લેવાનો તખ્તો પ્રણવબાબુએ ગોઠવ્યો છે.

 

એસટીટી (સિક્યૉરિટી ટ્રાન્ઝૅક્શન ટૅક્સ)માં ૨૦ ટકાનો ઘટાડો, રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ હેઠળ રીટેલ ઇન્વેસ્ટર્સ માટે શરતી કરરાહત, એવિયેશન-પાવર-લો કૉસ્ટ હાઉસિંગ માટે ઈસીબી (વિદેશી વેપારી કરજ)ની છૂટ, વિથ હોલ્ડ ટૅક્સ ૨૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા જેવાં જૂજ પગલાં શૅરબજાર-મૂડીબજારને ટૉનિક આપવા પૂરતાં નથી. અર્થતંત્રને વેગ આપવા જરૂરી હિંમતભર્યા પગલાંની સદંતર અવગણના કરનારા સાવ દિશાહીન બજેટથી કંઈ જ નથી થવાનું. હા, ફુગાવો જરૂર વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK