ફાઇનૅન્સ મિનિસ્ટરે માત્ર અને માત્ર વાતો કરી

કરરાહતની આશાએ લાંબા ગાળાના રોકાણ માટે લગડી શૅરોની ડિમાન્ડ વધશે

 

 

budget-cartoon(જયેશ ચિતલિયા - વિશ્લેષક)


કોઈ માણસને બહુ જ તરસ લાગી હોય અને એને પીવા માટે પાણી આપવાને બદલે માત્ર તેના પર પાણીનાં ટીપાંનો છંટકાવ કરવામાં આવે તો શું થાય? કોઈ દરદીનું ઑપરેશન કરવાની જરૂર હોય અને તેની સાથે માત્ર દવા અને ઇલાજની વાતો કરીને જવા દેવામાં આવે તો શું થાય? કોઈને ભયંકર ભૂખ લાગી હોય ને તેને કેવળ જમણનું મેનુ બતાવી પેટ ભરાઈ ગયું હોવાનું ફીલ કરવાનું કહેવાય તો શું થાય? નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કંઈક આવું જ કર્યું છે. દેશના અર્થતંત્રને, બજારને, વેપાર-ઉદ્યોગને અને આમઆદમીને જેની જરૂર હતી એવાં કોઈ નક્કર પગલાં ભરવાને બદલે માત્ર ઠાલી-ઠાલી વાતો કરીને બજેટ રજૂ કરી દેવામાં આવ્યું હોવાનો બેઢંગી તાલ લાગે છે. આવું કેમ લાગે છે એનાં સચોટ કારણો જોઈએ.

 

ડીટીસી અને જીએસટી હજી અધ્ધર

 

જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે એ ડાયરેક્ટ ટૅક્સ કોડ (ડીટીસી) અને ગુડ્ઝ ઍન્ડ ટૅક્સ (જીએસટી)ને નાણાપ્રધાને આ વખતે પણ અધ્ધર જ રાખ્યા છે. હા, જીએસટીમાં ઑગસ્ટ ૨૦૧૨થી એને કાર્યરત બનાવવાની વાત કરવામાં આવી છે, જે સાવ જ અધ્ધર લાગે છે, જ્યારે કે ડીટીસી તો જાણે મોકૂફ જ સમજી લો. હવે સીધું આવતા વરસે. આમ કરવેરાવિષયક બે મહત્વના સુધારાને આ વખતે આકાર મળવાની કે મંઝિલ મળવાની જે આશા હતી એના પર ઠંડું પાણી ફરી ગયું છે.

 

મુક્તિમર્યાદાની મશ્કરી

 

આવકવેરાની મુક્તિમર્યાદા તો જાણે સરકારે નાના કરદાતાઓની મશ્કરી કરી હોય એમ વધારી છે. સંસદીય સમિતિ ખુદ જેને ત્રણ લાખ રૂપિયા સુધી લઈ જવાની ભલામણ કરતી રહી હતી એ આઇટી લિમિટ નાણાપ્રધાને માત્ર ૨૦ હજાર રૂપિયા વધારીને કેવળ બે લાખ રૂપિયા કરી છે, જેને લીધે કરદાતાઓને વરસે આશરે બે હજાર રૂપિયાનો લાભ થશે. જોકે એની સામે ફાઇનૅન્સ મિનિસ્ટરે ઇન્કમ-ટૅક્સના સ્લૅબમાં ફેરફાર કર્યા છે જેને હિસાબે થોડી અન્ય રાહતની અપેક્ષા રાખી શકાશે, કિન્તુ મોંઘવારી જે હદે વધી રહી છે એ જોતાં આ રાહત નજીવી જ ગણાશે.

 

સર્વિસ ટૅક્સનો બોજ વધ્યો

 

ઇન્કમ-ટૅક્સમાં આ નજીવી રાહત આપ્યા બાદ નાણાપ્રધાને સર્વિસ ટૅક્સ મારફતે જે બોજ નાખી દીધો છે એમાં આ રાહત બધી વસૂલ થઈ જશે એટલું જ નહીં, ઉપરથી બોજ વધી જાય તો નવાઈ નહીં. અને હા, એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટીના વધારાનો બોજ પરોક્ષપણે માથે આવ્યો છે એ દુકાળમાં અધિક મહિના જેવો લાગશે. સરકારે સર્વિસ ટૅક્સનો દર અત્યારના ૧૦ ટકાથી વધારી ૧૨ ટકા કરી નાખ્યો છે, જ્યારે કે સર્વિસ ટૅક્સની જાળ વિસ્તૃત કરી નાખીને પણ પરોક્ષ બોજ વધારી દીધો છે. હવે સર્વિસ ટૅક્સ માટે એક નવી નેગેટિવ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વર્ણવવામાં આïવેલી સર્વિસો સિવાયની સેવાઓ કરજાળમાં આવી જાય છે. આ મામલો નવા વિવાદ ઊભા કરશે એ વધારામાં હશે.

 

એસટીટીનો ઘટાડો નજીવો

 

શૅરબજારમાં નાણાપ્રધાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે ખરો, પણ એ કેટલો કારગત નીવડશે એ બાબતે શંકા છે. તેમણે એસટીટી (સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ)માં ૨૦ ટકા જેવો નજીવો ઘટાડો કર્યો છે, પણ આ ઘટાડો ડિલિવરીના કામકાજ પર લાગુ થશે, જ્યારે કે શૅરબજારમાં સૌથી વધુ સોદા-કામકાજ સટ્ટાકીય સ્વરૂપનાં થતાં હોય છે.

 

ઇક્વિટીમાં રોકાણને કરરાહત

 

બીજું, નાણાપ્રધાને પહેલી જ વાર નાના રોકાણકારોને ઇક્વિટી શૅરોમાં રોકાણ કરવા માટે ૫૦ હજાર રૂપિયા સુધીના રોકાણની મર્યાદાને આધીન કરરાહત આપી છે. આ માટે રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ નામે એક સ્કીમ રજૂ થશે. શૅરબજારમાં રોકાણનો પાયો વિસ્તૃત બને અને ઇક્વિટી કલ્ટ વધે એ હેતુસર આમ કરવામાં આવ્યું છે. એટલે કે તમે રોકાણકાર તરીકે શૅરોમાં ૫૦ હજાર રૂપિયાનું રોકાણ કરો તો તમને પચાસ ટકા કરમુક્તિ મળશે એટલે કે ૨૫ હજાર રૂપિયા કરમુક્ત ગણાશે. જોકે આ રોકાણને ત્રણ વરસ રાખી મૂકવું જરૂરી બનશે. અર્થાત્ ત્રણ વરસનો લૉક-ઇન પિરિયડ રહેશે. લાંબા ગાળા માટે આ પગલું લોકોને શૅરબજાર તરફ વાળવા માટે ખૂબ જ પ્રોત્સાહિત લાગે છે, કિન્તુ ત્રણ વરસનો લૉક-ઇન સમયગાળો થોડો નડતરરૂપ પણ લાગે છે. અહીં ત્રણ વરસ જેટલો વિશ્વાસ શૅરબજાર પર કેટલા લોકોને હોય છે એમ છતાં આને પગલે સારા લગડી, ફન્ડામેન્ટલી મજબૂત શૅરોની ડિમાન્ડ વધશે, કારણ કે એ જ શૅરોમાં લાંબા ગાળાનું રોકાણ કરવાની સાર્થકતા હોય છે.

 

કૉર્પોરેટ્સ બૉન્ડ્સનું બૉન્ડિંગ

 

નાણાપ્રધાને કૉર્પોરેટ્સ બૉન્ડ્સમાં ક્વૉલિફાઇડ વિદેશી રોકાણકારોનું રોકાણ વધે એ માટે પ્રયાસ કર્યો છે, પણ આ પ્રયાસ કેટલો સફળ રહે છે એ તો સમય કહેશે. અત્યારે તો ભારતીય રોકાણકારો સુધ્ધાં એમાં વધુ રસ લેતા નથી, ત્યાં પરદેશીઓ કેટલો રસ લેશે એ સવાલ છે. ખેર, નાણાપ્રધાને શૅરબજારને કંઈ વિશેષ આપ્યું નથી એનું આશ્વાસન જાણકારો એ લઈ રહ્યા છે કે નાણાપ્રધાને વધુ કોઈ નુકસાન નથી કર્યું. જોકે બજારે તો આ બજેટના દિવસે ઘટીને પોતાની નારાજગી દર્શાવી દીધી છે, પરંતુ બજારને બહુ મોટી આશા પણ નહોતી એ હકીકત છે. કુછ અચ્છા નહીં હુઆ એ કરતાં ઝ્યાદા બુરા નહીં હુઆ એવો ભાવ વધુ રહ્યો છે.

 

આઇપીઓનું ઇલેક્ટ્રૉનિક ફલક

 

મૂડીબજાર માટે, ખાસ કરીને આઇપીઓ માટે નાણાપ્રધાને સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા)ની સલાહ માની હોવાનું જણાય છે. લાંબા સમયથી સેબી આ દિશામાં પ્રયત્નશીલ હતું. આઇપીઓમાં મોટે પાયે લોકો ભાગ લઈ શકે એ માટે સરકારે આઇપીઓમાં (૧૦ કરોડ રૂપિયાથી વધુ રકમના) ૧૦ ટકા ઑફર ઇલેક્ટ્રૉનિક પ્લૅટફૉર્મ મારફત કરવાનું સૂચવ્યું છે, જેથી એનો વ્યાપક ઉપયોગ થઈ શકે. આ ટ્રેન્ડ ભાવિમાં વધશે એ નક્કી જણાય છે. આને કારણે ઑફરનું ફલક વ્યાપક બનશે. દેશના ખૂણે-ખૂણે વસતા લોકો બ્રોકરોનાં ટર્મિનલ્સ મારફત આઇપીઓમાં ભાગ લઈ શકશે.

 

મહત્વના આર્થિક સુધારા અધ્ધર

 

આર્થિક સુધારાને મામલે નાણાપ્રધાને કંઈ જ નક્કર કર્યું નથી. બધી જ મહત્વની બાબતો પેન્ડિંગ રહેવા દીધી છે. વિદેશી રોકાણનો પ્રવાહ વધે કે દેશમાં ઇન્વેસ્ટમેન્ટનું વાતાવરણ ખીલે એવાં કોઈ સચોટ પગલાં બજેટમાં ભરવામાં નથી આવ્યાં. બ્લૅક મનીની સમસ્યા ઉકેલવા હવે શ્વેતપત્ર લાવવાની વાત કરી નાણાપ્રધાને આ સંવેદનશીલ મુદ્દાને સિફતથી પસાર કરાવી દીધો છે. જોકે કાળાં નાણાંને પકડવા કે કરચોરી સામે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (પૅન)નો ઉપયોગ વધારવાની વાત થઈ છે, એ તો શું અને કઈ રીતે થાય છે એના પર આધાર રાખશે. અત્યારે તો નાણાપ્રધાને મોંઘવારી વધે એટલે કે લોકો પર બોજ વધે એ દિશામાં વધુ પગલાં ભર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK