બજેટ : ક્યોં, કહાં, કિસ તરહ ઔર કિસ કે લિએ?

 

ફેબ્રુઆરી મહિનો આવે કે બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય, જો કે આ વખતે રાજ્યોની ચૂંટણીને કારણે બજેટ ૧૬મી માર્ચે રજુ થઈ રહ્યું છે. વેપાર-ઉદ્યોગ સહિત તમામ વર્ગમાં બજેટમાં કયા અને કેવા નવા વેરા આવશે, ક્યાં અને કેટલી રાહત મળશે? વગેરે સવાલો અને ચિંતાની ચર્ચા થાય એ સ્વાભાવિક છે, આ બજેટ તૈયાર કઈ રીતે થાય છે? એની પ્રોસેસ શું હોય છે? એ વિશે આ પ્રી-બજેટ દિવસોમાં એક ઝલક જોઈએ...

 

budget-kyon-kahan(જયેશ ચિતલિયા - વિશ્લેષક)

 

દસમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ તેના પિતાને પરિણામ આવ્યા પછી પૂછ્યું કે ‘પપ્પા, હવે હું કઈ લાઇન લઉં? કયા વિષય લઉં?’ પિતાએ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું, ‘બેટા, તું કોઈ પણ લાઇન લે, પરંતુ ઇકૉનૉમિક્સનો વિષય જરૂર લેજે.’ દીકરાએ પૂછ્યું, ‘કેમ?’ પપ્પાએ કહ્યું, ‘બેટા ઇકૉનૉમિક્સ ભણવાથી આપણે પૈસાદાર બનીએ કે ન બનીએ, પણ આપણે ગરીબ કેમ છીએ એની ખબર ચોક્કસ પડી જાય.’ ચાલો, આપણે અહીં બજેટ તૈયાર કરવાના ઇકૉનૉમિક્સને સમજીએ. દેશનું બજેટ જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. આમ તો બજેટ હંમેશાં ફેબ્રુઆરીની અંતિમ તારીખે જાહેર થતું હોય છે, પણ આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટની તારીખમાં ફેરફાર થયો છે. જેમ દરેક વ્યક્તિ, પરિવાર, કંપની કે સંસ્થાનું બજેટ હોય એમ દરેક દેશનું તેમ જ તેના રાજ્યનું, પાલિકાનું પણ બજેટ હોય છે. એણે પણ આવક કરવાની હોય છે, ખર્ચ કરવાનો હોય છે. દેશની સરકારે સમગ્ર દેશના લોકો માટે દેશની બૅલેન્સ-શીટ તૈયાર કરવાની હોય છે, કારણ કે આખો દેશ પણ આખરે તો એક પરિવાર છે, જેના ભરણપોષણની જવાબદારી સરકારની ગણાય. બજેટ દરેક વ્યક્તિ પાસેથી વિવિધ લેવી કે વેરાસ્વરૂપે નાણાંની વસૂલી કરે છે અને વિવિધ સેવા-સુવિધાસ્વરૂપે દરેક માટે નાણાં વાપરે પણ છે. એક પગારદાર માણસ પોતાના પગારમાંથી જેમ ઘરના વિવિધ ખર્ચાઓ કરે છે, જેમાં વિવિધ રકમ અનાજ, દૂધ, શિક્ષણ, હાઉસિંગ મેઇન્ટેનન્સ, વીજળીખર્ચ, ટ્રાવેલિંગખર્ચ, કપડાં, ઘરની ચીજવસ્તુઓ વગેરે માટે ફાળવવામાં આવે છે, એમ દેશના વિકાસ માટે, પ્રજાની સુવિધા અને રાષ્ટ્રના આર્થિક મૅનેજમેન્ટ માટે બજેટમાં જોગવાઈ કરાય છે. આમ બજેટ એક યા બીજી રીતે તમામને સ્પર્શે છે, એટલે જ બજેટ જાહેર થવાનું હોય છે ત્યારે સૌ લોકોમાં એની ઉત્તેજના પણ હોય છે.

 

આ બજેટ કઈ રીતે તૈયાર કરાય છે, એની પ્રોસેસ શું હોય છે, એમાં કઈ રીતે કરવેરા અને રાહતોને વહેંચવામાં આવે છે, બજેટ કોણ તૈયાર કરે છે, એની માહિતી પહેલેથી લીક ન થઈ જાય એ માટે કેવી કાળજી લેવામાં આવે છે વગેરે સહિત બજેટની અથથી ઇતિ એવી તમામ રસપ્રદ માહિતી જાણીએ, એના શબ્દોને અને અર્થઘટનોને સમજવાનો પ્રયાસ કરીએ.

 

બજેટ શા માટે જરૂરી?

 

દરેક સરકારને પોતાની ફરજો-જવાબદારીઓ નિભાવવા માટે નાણાંની જરૂર પડે છે, જે માટે સરકારે પણ બજેટ બનાવી એને સંસદમાં પસાર કરાવવું પડે છે. એ પછી જ સરકાર એ નાણાંનો ઉપયોગ કરી શકે છે. આ નાણાં ટૅક્સ, ડ્યુટીઝ, સેસ, ધિરાણ વગેરે મારફત ઊભા કરવાની સત્તા સંસદ આપે છે.

 

બજેટની તૈયારીમાં કોની ભૂમિકા

 

પ્લાનિંગ કમિશન, કૅગ (કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ - સીએજી) અને ઍડ્મિનિસ્ટ્રેટિવ મિનિસ્ટ્રીઝ - આ ત્રણેયની ભૂમિકા બજેટની તૈયારીમાં મહત્વની હોય છે. પ્લાનિંગ કમિશન વિવિધ મિનિસ્ટ્રી માટે ટાર્ગેટ બનાવે છે, કૅગ અકાઉન્ટ્સ પર નજર રાખે છે, નાણાં મંત્રાલય એમની જરૂરિયાત માટે અન્ય વહીવટી મંત્રાલયને કન્સલ્ટ કરે છે.

 

બજેટ તૈયાર કરવાની પ્રોસેસ

 

બજેટની તૈયારી આમ તો સપ્ટેમ્બરમાં દરેક યુનિયન મિનિસ્ટ્રીને, રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને, વિવિધ વિભાગોને તેમ જ ડિફેન્સની ત્રણેય વિંગને સક્યુર્લર મોકલીને શરૂ થઈ જાય છે, જેમાં એ દરેક પાસે એમની પછીના નાણાકીય વર્ષ માટે નાણાંની જરૂરિયાતની વિગત માગવામાં આવે છે. સરકારમાં જે સત્તા પર હોય એને દેશનું સંચાલન કરવાનું હોય છે, જેથી દેશ માટે આવક અને ખર્ચના મૅનેજમેન્ટ પણ એણે કરવાનાં હોય છે. જે પહેલાં આયોજન પંચ જુદાં-જુદાં મંત્રાલયો માટે લક્ષ્યો નક્કી કરે છે. કૅગ દરેક ખાતા પર નજર કે નિરીક્ષણ રાખે છે. વહીવટી મંત્રાલયો પોતાની જરૂરિયાત અને અગ્રતા જણાવે છે. ત્યાર પછી વિવિધ મંત્રાલયો, રાજકીય પક્ષો, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, લેબર યુનિયન, અર્થશાસ્ત્રીઓ તથા સામાજિક સંગઠનો સાથે ચર્ચા-બેઠકો યોજાય છે, જેને પ્રી-બજેટમીટિંગ કહેવામાં આવે છે. આ તમામને આધારે તૈયાર કરાતા અભ્યાસ મુજબ ક્યાં કેટલો ખર્ચ થશે, ક્યાં કેટલી જરૂર છે, ક્યાં કેટલી આવક સંભવ છે, ક્યાં બોજ વધારવો પડશે, ક્યાં રાહત, વગેરે જેવાં તારણો પર આવવાનું થાય છે. આમ સરકાર ખર્ચથી લઈ આવક અને ખાધ સુધીનો તાળો મેળવી લે છે, જેમાં સમય-સંજોગ અનુસાર ફેરફાર પણ કરાય છે.

 

આ જ દિવસોમાં આર્થિક સર્વે અને રેલવેબજેટ

 

સંસદમાં બજેટ પ્રેઝન્ટેશનની દસ મિનિટ પહેલાં જ કૅબિનેટને બજેટ-સમરી મળે છે. નાણાં ખાતું બજેટ દસ્તાવેજોની સી.ડી. ફેબ્રુઆરીના રોજ પ્રિન્ટિંગ માટે આપે છે. બજેટના એક કે બે દિવસ પૂર્વે જ રેલવેબજેટ જાહેર થાય છે અને એના એકાદ દિવસમાં આર્થિક સર્વેક્ષણ પણ જાહેર થાય છે.

 

લોકસભામાં રજૂઆત-ચર્ચા

 

લોકસભામાં બજેટ રજૂ કરવાની કામગીરી નાણાપ્રધાન કરે છે, જે દર વરસે ફેબ્રુઆરી મહિનાની અંતિમ તારીખે સવારે ૧૧ કલાકે રજૂ કરાય છે. અગાઉ આ કામ સાંજે પાંચ કલાકે થતું હતું, સંસદનું બજેટસત્ર પ્રેસિડન્ટના સંબોધન સાથે શરૂ થાય છે. બજેટ-સ્પીચના બે ભાગ હોય છે. પાર્ટ-એમાં આર્થિક નીતિવિષયક - પૉલિસી સ્ટેટમેન્ટ હોય છે, જ્યારે પાર્ટ-બીમાં કરવેરાની દરખાસ્તો રહે છે. આમાં સીધા અને આડકતરા વેરાની દરખાસ્તો આવી જાય છે. દા. ત. ઇન્કમ-ટૅક્સ એ સીધો વેરો છે, જ્યારે સર્વિસ ટૅક્સ, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી વગેરે એ આડકતરો એટલે કે પરોક્ષ વેરો કહેવાય છે. ફાઇનૅન્સ મિનિસ્ટરની બજેટ-સ્પીચ પછી વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ રાજ્યસભામાં મુકાય છે.

 

નાણાં વાપરવાની સત્તા ક્યારે મળે?

 

લોકસભામાં બજેટની તમામ દરખાસ્તોની ચર્ચા બજેટની રજૂઆતના બે-ત્રણ દિવસ પછી શરૂ થાય છે, જેમાં નાણાપ્રધાન ચર્ચાનાં અંતે તેમના પ્રતિભાવ આપે છે. સંસદમાંથી દરેક ખર્ચ કે જોગવાઈ માટે વોટ ઑન અકાઉન્ટ મંજૂર કરાવવામાં આવે છે. આમાં કંઈ પણ અજુગતું લાગે તો એમાં ફેરફારને અવકાશ હોય છે. દા.ત. કોઈ ચીજનો ભાવ બજેટને પગલે ખૂબ જ વધી જવાને લીધે પ્રજા પર વધુપડતો બોજ આવી જવાની સંભાવના હોય અને એનો વ્યાપક વિરોધ થાય તો એ દરખાસ્ત નાણાપ્રધાનને પાછી ખેંચી લેવાની ફરજ પડી શકે છે. બજેટસત્ર ઘણા દિવસ ચાલે છે, બજેટની ચર્ચાના અંતે તેમ જ ગ્રાન્ટ્સની ડિમાન્ડ માટે વોટિંગ પૂર્ણ થયા પછી સરકાર અપ્રોપ્રિએશન બિલ રજૂ કરે છે, જે બિલમાં સરકારને ખર્ચ કરવાની ઑથોરિટી આપવા માટે જરૂરી હોય છે.

 

૭૫ દિવસમાં બજેટ પસાર કરવું પડે

 

કરવેરાની દરખાસ્તો ફાઇનૅન્સ બિલમાં હોય છે, જે રજૂ થયાના ૭૫ દિવસની અંદર એને સંસદમાં પસાર કરવું પડે છે.

 

બજેટ માટે ધ્યાનમાં લેવાતી બાબતો

બજેટ તૈયાર કરતી વખતે સરકાર રાષ્ટ્રીય વિકાસ, કૃષિ, વેપાર-ઉદ્યોગ, નિકાસ, પગારદાર વર્ગ, જીવનજરૂરી ચીજવસ્તુઓ, સંરક્ષણખર્ચ, સમાજનું જીવનધોરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહનવ્યવહાર, સંદેશવ્યવહાર, રોજગારી સર્જન, માળખાકીય વિકાસ, સબ્સિડી, કરવેરાની આંટીઘૂંટી, એની અસરો વગેરે સહિત દેશના તમામ વર્ગને ધ્યાનમાં રાખે છે. બજેટની જોગવાઈઓને કારણે શૅરબજાર પર સારી-નરસી અસરરૂપે બજાર ઉપર-નીચે થાય છે એ ખરું, પરંતુ શૅરબજારની તેજી-મંદી માટે બજેટ બનતું નથી.

 

બજેટની પ્રિન્ટિંગ પ્રોસેસ અને કૉન્ફિડેન્શિયલિટી

 

બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિગ સામાન્ય રીતે એને સંસદમાં રજૂ કરવાના છ દિવસ પહેલાં શરૂ થાય છે. આ છ દિવસો દરમ્યાન બજેટની આ પ્રોસેસમાં સામેલ તમામ અધિકારીઓ છ દિવસ માટે એક ચેમ્બરમાં લૉક થઈ જાય છે, તેમણે ઘરે પણ જવાનું હોતું નથી, બલ્કે ત્યાં જ રહી કામ કરવાનું હોય છે. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકતા નથી. અલબત્ત, વરિષ્ઠ અધિકારીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં જવાના સ્પેશ્યલ પાસ અપાય છે, જેથી છેલ્લી મિનિટોના સુધારા-વધારા જો કંઈ હોય તો કરાવી શકાય. આમ દિવસરાત કામ કરી બજેટની ૧૫ હજાર કૉપીઓ તૈયાર કરાય છે.

 

પ્રિન્ટિંગ ફાઇનૅન્સ મિનિસ્ટ્રીના પ્રેસમાં

 

૧૯૫૦ સુધી તો બજેટના દસ્તાવેજો પ્રેસિડન્ટ એસ્ટેટમાં સ્પેશ્યલ પ્રિન્ટિંગ હાઉસમાં જ છપાતા હતા, એ સમયે પહેલી વાર માહિતી લીક થયા પછી સરકારે ગવર્નમેન્ટ સિક્યૉરિટી પ્રેસ ખાતે છાપવાનો નિર્ણય લીધો હતો, માત્ર ફાઇનૅન્સ મિનિસ્ટરની સ્પીચ ફાઇનાન્સ મિનિસ્ટ્રી પ્રેસમાં છપાતી હતી, પરંતુ છેવટે બજેટ દસ્તાવેજોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી ફાઇનૅન્સ મિનિસ્ટ્રીએ સમગ્ર પ્રિન્ટિંગ કામકાજ પોતાના પ્રેસ હેઠળ જ લઈ લેવાનું નક્કી કર્યું હતું.

 

ગુપ્તતા જાળવવા કડક સુરક્ષા-અંકુશો

 

બજેટ તૈયાર કરવાની પ્રોસેસમાં અમુક મર્યાદિત સંખ્યામાં જ અધિકારીઓનો સમાવેશ કરાય છે, જેથી એની ગુપ્તતા જળવાઈ રહે અને આ અધિકારીઓને અમુક સમય માટે બીજાં કામોથી તેમ જ સંપર્કોથી દૂર કરી દેવાય છે. છેલ્લા અમુક દિવસોમાં તો આ અધિકારીઓને ઘરે જવાની પણ પરવાનગી મળતી નથી. બજેટની આ પ્રોસેસ સાથે સંકળાયેલા તમામ લોકો પર ઇન્ટેલિજન્સની સતત દેખરેખ રહે છે, તેમના કૉલ્સ, મૂવમેન્ટ બધા પર બારીક નજર ફરતી રહે છે. બજેટ લોકસભામાં રજૂ થઈ જાય એ પછી જ આ અધિકારીઓ પરના અંકુશો દૂર થાય છે. ઇનશૉર્ટ, બજેટની કૉન્ફિડેન્શિયલ બાબતો ક્યાંય પણ કોઈ પણ રીતે લીક ન થાય એની સખત કાળજી લેવામાં આવે છે.

 

બજેટ શબ્દ ક્યાંથી આવ્યો?

 

વાસ્તવમાં બજેટ શબ્દ આપણા બંધારણમાં નથી, આપણે આ માટે ઍન્યુઅલ ફાઇનૅન્શિયલ સ્ટેટમેન્ટ શબ્દ ધરાવીએ છીએ. બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ બોજેટ (બીઓયુજીઈટીટીઈ) પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે લેધર બૅગ કે વૉલેટ.

 

પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું?

 

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ આર. કે. સન્મુખમ ચેટ્ટીએ ૧૯૪૭ની ૨૬ નવેમ્બરે રજૂ કર્યું હતું. એ દરમ્યાન ભારતના ભાગલાને લીધે સર્જાયેલા સંજોગમાં ફેબ્રુઆરીની અંતિમ તારીખને બદલે આમ અન્ય સમયમાં બજેટ રજૂ કરવું પડ્યું હતું. એ બજેટમાં કોઈ નવા વેરાની દરખાસ્ત થઈ નહોતી.

 

દેશની બૅલેન્સ-શીટ

બજેટની સાદી કાનૂની વ્યાખ્યા જોઈએ તો આ એક એવો સરકારી દસ્તાવેજ છે જેમાં દેશના વાર્ષિક આવક અને ખર્ચના અંદાજ મુકાયા હોય છે, આ એક વાર્ષિક સ્ટેટમેન્ટ પણ કહેવાય અને સરળ ભાષામાં એને દેશનું પ્રૉફિટ અને લૉસ અકાઉન્ટ તથા બૅલેન્સ-શીટ પણ કહેવાય. આ દસ્તાવેજમાં દેશના આર્થિક-સામાજિક વિકાસનો ઉદ્દેશ સમાયેલો હોય છે, જેમ ઘરની કમાતી વ્યક્તિ ઘરના સભ્યો માટે તેમ જ તેના ખર્ચ માટે નાણાકીય આયોજન કરે છે એ કામ દેશ માટે નાણાપ્રધાને કરવાનું હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK