રોકડામાં રમઝટ સાથે બજારમાં નવાં સર્વોચ્ચ શિખર જારી

મારુતિ સુઝુકીમાં ૧૦,૦૦૦ના ટાર્ગેટ સાથે મૅક્વાયર બુલિશ : તાતા સ્ટીલ સવાનવ વર્ષની ટોચે જઈ પ્રૉફિટ-બુકિંગમાં નરમ : મર્જર પડી ભાંગવાની હવામાં IDFC ગ્રુપના શૅર નરમ, શ્રીરામ ગ્રુપમાં તેજી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડોમેસ્ટિક કે દેશી ફન્ડો અને માતબર ખેલાડીઓના જોરમાં ઘરઆંગણે શૅરબજારમાં ગજબની તેજી કામે લાગી છે જેને નક્કર આર્થિક ફન્ડામેન્ટલ્સ સાથે કોઈ નિસબત રહ્યો નથી. દરેક મજા પછી સહન કરવાની સજા બદલામાં મળતી જ હોય છે એટલું યાદ રાખજો. આ ગજબની તેજી પછીની મંદી પણ ગજબની હશે. ઍની વે, ત્યારની વાત ત્યારે, દેખા જાએં આગે, હમણા તો મૌજ કરી લો યાર.

શૅરબજારમાં નવા વિક્રમી શિખરનો સિલસિલો આગળ વધી રહ્યો છે. સેન્સેક્સ ૧૦૯ પૉઇન્ટ વધીને ૩૩,૨૬૬ તો નિફ્ટી ૪૧ પૉઇન્ટ નજીકના સુધારામાં ૧૦,૩૬૪ આસપાસ બંધ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૩,૩૪૦ અને નિફ્ટી ૧૦,૩૮૪ના બેસ્ટ લેવલે ગયા હતા. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારની માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી હકારાત્મક રહી છે જેનું મુખ્ય કારણ રોકડામાં જામેલી રમઝટ છે. સેન્સેક્સના ૦.૩ ટકાની સામે મિડ કૅપ અને સ્મૉલ કૅપ બેન્ચમાર્ક સવા ટકાની આસપાસની મજબૂતીમાં ઑલટાઇમ હાઈ થયા છે. બ્રૉડર-માર્કેટનો માપદંડ ગણાતો BSE-૫૦૦ પણ સેન્સેક્સ કરતાં ટકાવારીની રીતે બમણો વધ્યો હતો. બૅન્ક નિફ્ટીમાં અડધા ટકાના સુધારા સામે PSU બૅન્ક નિફ્ટી સવા ટકો ગઈ કાલે વધ્યો છે. સિન્ટિકેટ બૅન્ક, OBC, ઇન્ડિયન બૅન્ક, યુનિયન બૅન્ક, વિજયા બૅન્ક, IDBI બૅન્ક, PNB જેવી જાતો ચારથી આઠ ટકા પ્લસ હતી.

મારુતિ ૧૦,૦૦૦ થવાનો વરતારો


મારુતિ સુઝુકી સુધારાની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે સવાયા કામકાજમાં ૮૨૮૨ રૂપિયાની નવી વિક્રમી સપાટી બતાવી છેલ્લે એક ટકાની મજબૂતીમાં ૮૧૯૩ રૂપિયા બંધ રહ્યો છે. લગભગ ૧૧ મહિના પૂર્વે ૨૧ નવેમ્બરે શૅરમાં ૪૭૬૯ રૂપિયાની વર્ષની બૉટમ બની હતી. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૧૨૨૭ રૂપિયા છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. સપ્ટેમ્બર ૧૯૯૩માં એક શૅરદીઠ બેના પ્રમાણમાં ભાવોભાવ રાઇટ કર્યો હતો. જૅપનીઝ સુઝુકી મોટર કંપનીમાં પ્રમોટર્સ તરીકે ૫૬.૨ ટકા હોલ્ડિંગ ધરાવે છે. FII પાસે ૨૫.૩ ટકા માલ છે. LICનો હિસ્સો પાંચેક ટકા છે. ૧.૯૮ લાખ જેટલા નાના રોકાણકારોનું હોલ્ડિંગ માંડ ત્રણ ટકાનું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં શૅર ૫૦ ટકા જેવો વધી ગયો છે. વિદેશી બ્રોકરેજ હાઉસ મૅક્વાયર દ્વારા આગામી ૧૨ મહિનામાં ભાવ વધુ ૨૦ ટકા ઊંચકાઈને ૧૦,૦૦૦ રૂપિયા થવાનો અંદાજ અપાયો છે. નોમુરા દ્વારા ૮૯૯૩ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ અપગ્રેડ કરીને ૯૮૪૩ રૂપિયા કરાઈ છે. એ માને છે કે માર્ચ ૨૦૨૦ સુધીમાં કંપનીની આવક ૧૭ ટકા અને શૅરદીઠ કમાણી ૨૧ ટકાના કમ્પાઉન્ડ રેટથી વધશે.

દરમ્યાન ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૨૫,૬૦૮ નજીક નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે પોણો ટકો વધીને ૨૫,૫૧૯ બંધ રહ્યો છે. એના ૧૪માંથી ૧૧ શૅર પ્લસ હતા. MRF ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૬૭,૩૪૦ રૂપિયા થઈ છેલ્લે ૨૧૬૮ રૂપિયા કે ૩.૪ ટકાના વધારામાં ૬૬,૯૦૦ રૂપિયા હતો. તાતા મોટર્સ ૧.૩ ટકા અપ હતો. TVS મોટર્સ ૭૨૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બાદ સવા ટકો વધીને ૭૨૭ રૂપિયા રહ્યો હતો.

IDFC અને શ્રીરામ વચ્ચેનું મર્જર ઘોંચમાં


IDFC ગ્રુપ TVS અને શ્રીરામ ગ્રુપ વચ્ચે મર્જરની વાટાઘાટ વૅલ્યુએશનને લઈ પડી ભાંગવાના આરે છે. મર્જરની યોજના પડતી મૂકવાની સત્તાવાર જાહેરાત ટૂંકમાં અપેક્ષિત હોવાના અહેવાલના પગલે IDFCનો શૅર સળંગ બીજા દિવસે ઘટી નીચામાં ૬૦ રૂપિયા થઈ છેલ્લે ૨.૭ ટકાની નરમાઈમાં ૬૨ રૂપિયા નજીક તથા IDFC બૅન્ક નરમાઈની હૅટ-ટ્રિકમાં પોણાબે ટકા ઘટીને ૫૬ રૂપિયા બંધ હતા. શ્રીરામ ગ્રુપની શ્રીરામ ટ્રાન્સર્પોટેશન ૧૧૯૯ રૂપિયાની વર્ષની ટૉપ બનાવી ૧.૮ ટકાની આગેકૂચમાં ૧૧૮૦ રૂપિયા હતો. ચાર દિવસમાં ભાવ ૧૪૮ રૂપિયા વધ્યો છે. અન્ય કંપની શ્રીરામ સિટી યુનિયન ફાઇનૅન્સ પણ ૨૩૦૦ રૂપિયાની ટૉપ બતાવી છેલ્લે બે ટકા વધીને ૨૧૮૬ રૂપિયા હતો. બે દિવસ પૂર્વે ભાવ નીચામાં ૨૦૪૦ રૂપિયા દેખાયો હતો. શ્રીરામ ઍસેટ્સ મૅનેજમેન્ટ ૪૮ રૂપિયા પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટીને ૪૬ રૂપિયા હતો.

એક અન્ય અહેવાલ પ્રમાણે ટૉરન્ટ ફાર્મા દ્વારા યુનિકેમનો ડોમેસ્ટિક બિઝનેસ હસ્તગત થવાની શક્યતા છે. યુનિકેમનો ડોમેસ્ટિક ફાર્મા બિઝનેસ ૯૦૦ કરોડ રૂપિયાનો છે. ટૉરન્ટ તરફથી ૩૨૫૦ કરોડ રૂપિયાની ઑફર થઈ હોવાની હવા છે. યુનિકેમ લૅબોરેટરીઝનો શૅર ગઈ કાલે ૩૨૩ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સવાબે ટકા વધીને ૩૧૨ રૂપિયા હતો. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૧૭ રૂપિયા જેવી છે. છેલ્લે ૩૦ જાન્યુઆરી ૨૦૦૪માં શૅરદીઠ એક બોનસ અપાયું હતું અને ૧૦ રૂપિયાના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન પણ ત્યારે જાહેર થયું હતું. ત્યાર બાદ જુલાઈ ૨૦૧૦માં પાંચ રૂપિયાના શૅરને બે રૂપિયામાં વિભાજિત કરાયો હતો. કંપનીમાં ગુજ્જુ મોદી પરિવાર ૫૦ ટકા હોલ્ડિંગ ધરાવે છે. રિઝલ્ટ માટે કંપનીની બોર્ડ-મીટિંગ આજે મળવાની હતી એ હવે ૩ નવેમ્બરે મળશે. ટૉરન્ટ ફાર્માનો ભાવ નહીંવત વધીને ૧૨૬૮ રૂપિયા બંધ રહ્યો છે.

એન્જિનિયર્સ ઇન્ડિયા સાડાસાત વર્ષની ટોચે

કેન્દ્ર સરકારની ૫૪.૨ ટકા માલિકીની એન્જિનિયર્સ ઇન્ડિયા સારાં પરિણામ પાછળ તેજી આગળ વધતાં ગઈ કાલે ઉપરમાં ૧૯૦ રૂપિયાની મે ૨૦૧૦ પછીની ઊંચી સપાટી બનાવી છેલ્લે ૩.૬ ટકા વધીને ૧૮૭ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ સાડાત્રણ ગણું હતું.

વધ-ઘટે નજીકના ગાળામાં ૨૪૬ રૂપિયા થવાની ધારણા ચર્ચાય છે. ઑલટાઇમ હાઈ ૨૩૦ રૂપિયા છે જે ૫ મે ૨૦૧૦માં બની હતી. પાંચ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૪૫ રૂપિયા નજીકની છે. એક અન્ય PSU ઑઇલ જાયન્ટ ONGC પણ સારા રિઝલ્ટ્સને લઈ ૧૯૧ રૂપિયા પ્લસની છ મહિનાની નવી ટૉપ બનાવી ત્રણેક ગણા કામકાજમાં ૧.૭ ટકા વધીને ૧૮૭ રૂપિયા નજીક બંધ હતો. કંપનીએ ૬૦ ટકા કે પાંચ રૂપિયાના શૅરદીઠ ત્રણ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે જેની રેકૉર્ડ-ડેટ ૬ નવેમ્બર છે. અન્ય સરકારી ઑઇલ કંપની ઑઇલ ઇન્ડિયાનો શૅર છ ગણા કામકાજમાં સળંગ ત્રીજા દિવસે વધી ૩૭૮ રૂપિયાની ફેબ્રુઆરી ૨૦૧૫ પછીની ટોચે જઈ છેલ્લે સવાસાત ટકાના જમ્પમાં ૩૭૬ રૂપિયા હતો. ચારેક મહિના પૂર્વે ત્રણ જુલાઈએ ભાવમાં ૨૫૮ રૂપિયાનું વર્ષનું બૉટમ બન્યું હતું. બાય ધ વે, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સોમવારે ૧૬,૭૧૯ની વિક્રમી સપાટી દેખાડી અંતે એક ટકો વધીને ૧૬,૬૪૫ બંધ હતો. એના ૧૦માંથી ૯ શૅર પ્લસ હતા. ભારત પેટ્રોલિયમ અને ગેઇલમાં નવી ઐતિહાસિક ટોચ બની હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨ ટકા વધીને ૯૪૦ રૂપિયા બંધ હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામ કે વાસ્તે ઘટીને ૪૫૫ રૂપિયા બંધ હતો.

બિટકૉઇનમાં તેજીની રમઝટ, ૬૩૦૦ ડૉલરનો ભાવ


ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટમાં માર્કેટ લીડર બિટકૉઇને ૨૧ ઑક્ટોબરે બનેલી ૬૧૮૩ ડૉલરની વિક્રમી સપાટીને ભેદી રવિવારે ૬૩૦૬ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ બનાવી છે. ભાવ ગઈ કાલે રનિંગ ક્વોટમાં ૬૧૬૫ ડૉલર આસપાસ ચાલતો હતો. વર્ષ ૨૦૧૬ના અંતે બિટકૉઇન ૯૬૮ ડૉલર બંધ હતો. આ ધોરણે ચાલુ કૅલેન્ડર વર્ષમાં બિટકૉઇન ૫૫૧ ટકા ઊંચકાઈ ચૂક્યો છે! ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટનું કુલ માર્કેટકૅપ હાલમાં ૧૮૦ અબજ ડૉલર જેવું છે જેમાં બિટકૉઇનનો હિસ્સો ૧૦૨ અબજ ડૉલર કરતાય વધુનો છે.

ભારતીય કરન્સી રૂપિયામાં બિટકૉઇનનો ભાવ ચાર લાખ રૂપિયાને વટાવી ગયો છે. રનિંગ ક્વોટમાં બાયનો રેટ ૪.૧૫ લાખ રૂપિયા તો સેલનો રેટ ૪.૦૯ લાખ રૂપિયા બોલાતો હતો. ચાઇના દ્વારા ઇનિશ્યલ કૉઇન ઑફરિંગ ïપર પ્રતિબંધ સહિતના બિટકૉઇન પર કડક નિયંત્રણ લાગુ કરવામાં આવતાં બિટકૉઇનનો ભાવ દસેક દિવસમાં ૫૦૧૪ ડૉલરની ટોચથી ગગડી મિડ સપ્ટેમ્બરમાં ૨૯૫૧ ડૉલર થઈ ગયો હતો. ભારતીય ચલણમાં બિટકૉઇન ૩.૪૫ લાખ રૂપિયાથી ગગડીને ૧.૬૮ લાખ રૂપિયા જોવાયો હતો.

તાતા સ્ટીલમાં પરિણામ પહેલાં પ્રૉફિટ-બુકિંગ

તાતા સ્ટીલ ગઈ કાલે પરિણામની જાહેરાત પહેલાં એક ટકો ઘટીને ૭૧૯ રૂપિયાની અંદર બંધ રહ્યો છે. ભાવ ઇન્ટ્રા-ડેમાં ૭૩૫ રૂપિયા થયો હતો જે જૂન ૨૦૦૮ પછીની ઊંચી સપાટી છે. ઑલટાઇમ હાઈ જાન્યુઆરી ૨૦૦૮ના આરંભે ૯૨૬ રૂપિયાની બની હતી. ભાવ એકાદ વર્ષ પૂર્વે ૨૧ નવેમ્બરે નીચામાં ૩૬૬ રૂપિયા દેખાયો હતો. કંપની ગયા વર્ષની સપ્ટેમ્બર ક્વૉર્ટરની ૪૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ સામે આ વખતે ૧૨૦૦ કરોડ રૂપિયા આજુબાજુ નેટ પ્રૉફિટ દર્શાવે એવી ધારણા રખાતી હતી. જોકે એમાં ૫૫ કરોડ પાઉન્ડની બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમ પેટેની જોગવાઈ સામેલ નથી. આ જોગવાઈ બાદ કંપની ચોખ્ખી ખોટમાં રહેવાની ગણતરી છે. HDFC દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૫ ટકાના વધારામાં ૨૧૦૧ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. બજારની એકંદર ધારણા ૧૯૭૦ કરોડ રૂપિયા જેવા ચોખ્ખા નફાની હતી. ગ્રોસ NPA નહીંવત વધીને ૨.૧૮ ટકા થઈ છે. પરિણામ પૂર્વે શૅરમાં ૧૬૮૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. ભાવ પછીથી ઊછળી ૧૭૨૨ રૂપિયા થયા બાદ છેલ્લે અડધા ટકાની નજીક વધીને ૧૭૦૫ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ સવાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK