સળંગ સાતમા દિવસે સેન્સેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ બંધ

ભારતી ઍરટેલ તગડા ઉછાળે બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર : સાધારણ પરિણામ છતાં રિલાયન્સ સુધારો જાળવી નવા શિખરે : TCNS ક્લોધિંગ્સનું નિરાશાજનક લિસ્ટિંગ : સ્નેઇડર ઇલેક્ટ્રિક ટર્નઅરાઉન્ડ થતાં ૨૦ ટકાની તેજીની સર્કિટ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ધીમી પણ મક્કમ ગતિએ શૅરબજામાં બુલ-રન આગળ ધપી રહ્યો છે. સેન્સેક્સ ગઈ કાલે ઉપરમાં ૩૭,૫૩૩ થઈ ૧૫૭ પૉઇન્ટ વધી ૩૭,૪૯૪ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. ૧૯ જુલાઈ પછીથી સળંગ સાતમા દિવસે લાઇફટાઇમ બેસ્ટ ક્લોઝિંગની આ હારમાળામાં માર્કેટ કુલ મળીને ૧૧૩ પૉઇન્ટ વધી ચૂક્યું છે. માર્કેટકૅપની રીતે રોકાણકારોની સંપત્તિ આ સાત દિવસમાં ૬.૫૪ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં ગઈ કાલે ૧૫૨.૫૦ લાખ કરોડને વટાવી ગઈ છે. નિફ્ટી પણ સોમવારે ૧૧,૩૨૮ની નવી વિક્રમી સપાટી બાદ ૪૧ પૉઇન્ટ વધીને ૧૧,૩૧૯ના બેસ્ટ લેવલે જોવાયો છે. સેન્સેક્સ ખાતે ગઈ કાલે ૩૧માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર પ્લસ હતા. ઇતિહાસમાં પ્રથમ વાર નેટ લૉસ રળનારી ICICI બૅન્ક બન્ને બજારમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે, જ્યારે દોઢ ટકાના ઘટાડામાં ઇન્ફોસિસ ટૉપ લૂઝર તરીકે દેખાયો છે. IT ઇન્ડેક્સની ૦.૭ ટકા પીછેહઠ બાદ કરતાં NSEના તમામ બેન્ચમાર્ક વધ્યા હતા. BSE ખાતે IT ઉપરાંત કૅપિટલ ગુડ્સ અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સાધારણ ઢીલા હતા. ભારતી ઍરટેલ, આઇડિયા, GTL, તાતા કમ્યુનિકેશન્સ બેથી પાંચ ટકા વધતાં ટેલિકૉમ ઇન્ડેક્સ સર્વોધિક ૨.૮ ટકા ઊંચકાયો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફન્ડની જોગવાઈ કરવા સ્ટૅમ્પ-ડ્યુટીમાં સરચાર્જ તરીકે એક ટકાનો વધારાનો બોજ નાખવાની મહારાષ્ટ્ર સરકારની હિલચાલમાં રિયલ્ટી શૅરમાં પસંદગીયુક્ત ઘટાડો જોવાયો છે. એક અંદાજ પ્રમાણે એના કારણે મુંબઈકર પર સ્ટૅમ્પ- ડ્યુટીનો બોજ ૪૫,૦૦૦થી લઈ દોઢ લાખ રૂપિયા જેવો વધી શકે છે. સારા દેખાવના કારણે ચેન્નઈ પેટ્રો છ ટકા, ભારત અર્થમૂવર સાડાનવ ટકા, બૅન્ક ઑફ બરોડા દસ ટકા, ટેક મહિન્દ્ર બે ટકા જેવા વધ્યા હતા. નાણાં નીતિની સમીક્ષા માટે રિઝર્વ બૅન્કની બે દિવસની બેઠક પહેલી ઑગસ્ટથી શરૂ થવાની છે. આઉટકમ બીજા દિવસે બપોરના અઢી વાગ્યાની આસપાસ આવશે. સ્નૅઇડર ઇલેક્ટ્રિક ૨૩ કરોડની ખોટમાંથી આઠ કરોડ રૂપિયાના નફામાં આવતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૭ રૂપિયા બંધ હતો. કૅનેરા બૅન્ક સળંગ આઠમા દિવસે પણ વધીને બંધ આવ્યો છે. પિરામલ એન્ટરપ્રાઇઝે જૂન ક્વૉર્ટરમાં ૩૦૨ કરોડ રૂપિયાના નફા સામે આ વખતે ૬૯ કરોડ રૂપિયાની ખોટ કરી છે. શૅર જોકે નહીંવત વધી ૨૬૬૪ રૂપિયા બંધ હતો.

સેરેબ્રા ઇન્ટિગ્રેટેડમાં બાયબૅકની શક્યતા


સેરેબ્રા ઇન્ટિગ્રેટેડ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે બન્ને બજાર ખાતે ૧૩ લાખ શૅરથી વધુના કામકાજમાં ઉપરમાં ૭૦ વટાવી છેલ્લે સાડાત્રણ ટકા વધીને ૬૯ રૂપિયા બંધ આવ્યો છે. ઈ-વેસ્ટ રીસાઇક્લિંગ બિઝનેસમાં દેશની ટોચની આ કંપની દ્વારા વાઇટ ગુડ્સના ઈ-વેસ્ટના રીસાઇક્લિંગ માટે નવી ફેસિલિટી કાર્યરત કરવામાં આવી છે. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૧૯ રૂપિયાની બુકવૅલ્યુ છે. કન્સોલિડેટેડ ધોરણે ગયા વર્ષે ૩૧૪ કરોડ રૂપિયાની આવક પર ૪૨ કરોડનો ગ્રોસ પ્રૉફિટ અને ૩૪.૬ કરોડનો નેટ પ્રૉફિટ કંપનીએ કર્યો છે. પ્રમોટર્સ ક્રીપિંગ એક્વિઝિશન રૂટ મારફત હોલ્ડિંગ વધારવા સતત સક્રિય રહ્યા છે. ૫૦ લાખ શૅર બાયબૅક રૂટ મારફત શૅરદીઠ ૮૫-૯૦ રૂપિયાના ભાવે બાયબૅક કરવાની વિચારણાના પણ અહેવાલ છે. ઇલેક્ટ્રૉનિક કે ઈ-વેસ્ટના મામલે જાગૃતિ છેલ્લા કેટલાક વખતથી સવર્ત્ર  વધી રહી છે. સરકાર આ મામલે સજાગ થઈ નવા ધારા-ધોરણ લાવી રહી છે. ૨૮ સપ્ટેમ્બરે શૅરમાં ૩૬ રૂપિયાની વર્ષની બૉટમ તથા ૨૬ એપ્રિલે ૭૩ રૂપિયાની ટૉપ બનેલી છે. કુલ વૉલ્યુમમાં ૫૯ ટકા જેટલો માલ ડિલિવરીમાં જઈ રહ્યો છે. બાય ધ વે, ગઈ કાલે ભારતી ઍરટેલ પાંચ ટકાના જબ્બર ઉછાળે સેન્સેક્સ અને નિફ્ટી ખાતે ૩૮૩ રૂપિયાના બંધમાં ટૉપ ગેઇનર બન્યો હતો.

રિલાયન્સનો સાધારણ દેખાવ, બ્રોકરો બુલિશ

જીઓને બાદ કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જૂન ક્વૉર્ટરનાં પરિણામોમાં વાઉ-ફૅક્ટર જેવું કાંઈ નથી. નેટ પ્રૉફિટ એકંદર અપેક્ષા કરતાં થોડોક ઓછો આવ્યો છે. ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ઘટીને બૅરલદીઠ સાડાદસ ડૉલર નોંધાયું છે, પરંતુ વર્તમાન તેજીનો ટેમ્પો જાળવી રાખવાના ભાગરૂપ ઇન્ડેક્સ મૅનેજમેન્ટના ખેલ શરૂ થયા છે એનાથી સાધારણ પરિણામ છતાં શૅરના ભાવને કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. ભાવ ગઈ કાલે દોઢા કામકાજમાં ૧૧૫૭ પ્લસની નવી વિક્રમી સપાટી બનાવી નીચામાં ૧૧૨૬ થયા બાદ અંતે ૧.૮ ટકા વધી ૧૧૫૦ રૂપિયા નજીક બંધ રહ્યો છે. દરમ્યાન મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસ તરફથી બાર મહિનામાં શૅરનો ટાર્ગેટ-પ્રાઇસ અપવર્ડ કરવામાં આવ્યો છે. સૌથી વધુ બુલિશ એડલવાઇસ છે. એણે બાર મહિનામાં રિલાયન્સમાં ૧૪૫૭ રૂપિયાનો ભાવ દેખાય છે. મતલબ કે શૅરમાં ૨૭ ટકાના વધારાની જગ્યા છે. એડલવાઇસનું આ અગાઉનું જૂનું ટાર્ગેટ ૧૨૦૧ રૂપિયા હતું. મોતીલાલ ઓસ્વાલ દ્વારા ૧૨૧૧ના ટાર્ગેટને અપવર્ડ કરીને ૧૩૦૧ રૂપિયા કરાયું છે. નોમુરાએ ૧૨૨૦ના ટાર્ગેટ સાથે લેવાની ભલામણ કરી છે. દરમ્યાન શુક્રવારે અકારણ સારા એવા વધેલા અનિલ અંબાણી ગ્રુપના મોટા ભાગના શૅર ગઈ કાલે સાધારણથી લઈ બે ટકાની આસપાસ નરમ હતા. રિલાયન્સ નેવલ અપવાદ તરીકે ત્રણ ટકા વધીને ૧૩ રૂપિયા બંધ હતો.

ICICI બૅન્કમાં અવળી ચાલ, ખોટ છતાં તેજી

ICICI બૅન્ક દ્વારા અગાઉના ૨૦૪૯ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સામે આ વખતે જૂન ક્વૉર્ટરમાં ૧૪૦૭ કરોડ રૂપિયાના અપેક્ષિત નેટ પ્રૉફિટની સામે ૧૨૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ બતાવાઈ છે. કંપનીના ઇતિહાસમાંની આ પ્રથમ ખોટ છે. શૅર જોકે ગઈ કાલે અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૩૦૮ થઈ છેલ્લે ૪.૮ ટકા ઊંચકાઈ ૩૦૭ રૂપિયા બંધ રહ્યો છે. એના કારણે સેન્સેક્સને ૯૦ પૉઇન્ટનો લાભ થયો હતો. સ્ટેટ બૅન્ક ઉપરમાં ૨૯૯ થઈ અંતે ૩.૭ ટકા વધીને ૨૯૭ રૂપિયા, ઍક્સિસ બૅન્ક ૫૭૦ થઈ છેલ્લે ૨.૭ ટકા વધી ૫૬૮ રૂપિયા બંધ આવતાં એમાં બીજા ૬૯ પૉઇન્ટ ઉમેરાયા હતા. સામે HDFC બૅન્ક દોઢ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક અડધો ટકો ડાઉન હતા. બૅન્કેક્સ ૧૦માંથી પાંચ શૅરના સુધારામાં સવા ટકો અને બૅન્ક નિફ્ટી બારમાંથી છ શૅર સુધારામાં પોણો ટકો અપ હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરની મજબૂતીમાં સવાચાર ટકા ઊછળ્યો હતો. સમગ્ર બૅન્ક સેક્ટરના ૪૧માંથી ગઈ કાલે ૯ શૅર ડાઉન હતા. બૅન્ક ઑફ બરોડાની ગ્રોસ NPA એક ટકો વધી છે, પરંતુ નેટ પ્રૉફિટ ૨૦૩ કરોડ રૂપિયાની સામે ૫૨૮ કરોડ રૂપિયા આવતાં શૅર ગઈ કાલે પોણાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૫૩ થઈ અંતે દસ ટકાના ઉછાળે ૧૫૨ રૂપિયા બંધ આવી બેસ્ટ ગેઇનર બન્યો હતો. દેના બૅન્કના પરિણામ ૬ ઑગસ્ટે છે. ભાવ સુધારાની હૅટ-ટ્રિકમાં ૧૬.૧૫ થઈ છેલ્લે ૬.૩ ટકા વધીને ૧૬ રૂપિયા રહ્યો હતો. બૅન્ક ઑફ ઇન્ડિયા, યુકો બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, વિજયા બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક જેવી વીસેક જાતો ત્રણથી સાત ટકા અપ હતી.

થાઇરોકૅરમાં બાયબૅક માટે મીટિંગનો કરન્ટ

મે ૨૦૧૬માં શૅરદીઠ ૪૪૬ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી અને ૩૯ ટકા પ્રીમિયમે ૬૧૮ રૂપિયામાં લિસ્ટેડ થયેલી થાઇરોકૅર ટેક્નૉલૉજીઝમાં ૪ ઑગસ્ટે બાયબૅક માટે બોર્ડમીટિંગની નોટિસ વાગતાં ભાવ ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૬૩૩ થઈ અંતે છ ટકા વધીને ૬૨૯ રૂપિયા બંધ રહ્યો છે. ૧૭ જુલાઈએ તાજેતરમાં ૫૪૮ની વર્ષની બૉટમ બતાવનાર આ કાઉન્ટર વર્ષ પહેલાં ૭૩૬ રૂપિયાના શિખરે હતું. તો ૭૧૬ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે IPO કરનારી TCNS ક્લોધિંગ્સનું લિસ્ટિંગ નિરાશાજનક નીવડ્યું છે. ભાવ BSEમાં ૭૧૫ ખૂલી ઉપરમાં ૭૨૪ વટાવી નીચામાં ૬૨૬ થયા બાદ અંતે ૬૫૭ રૂપિયા તથા NSE ખાતે ૬૫૯ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૨૮ લાખ શૅરના કામકાજ હતા. સરકારની ૮૭.૪ ટકા માલિકીની રાઇટ્સનો શૅર ચારેક ગણા કામકાજમાં ઉપરમાં ૨૮૪ રૂપિયાના નવા શિખરે જઈ છેલ્લે ત્રણ ટકા ઘટી ૨૫૬ રૂપિયા બંધ હતો. ગયા મહિને ૧૮૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસે આવેલ આ કંપનીનો IPO જોરદાર ભરાયો હતો. ચાલુ કૅલેન્ડર વર્ષમાં લિસ્ટેડ થયેલા ૧૫ મેઇન લાઇનના IPOમાં ૮૪ ટકા પ્લસના રિટર્ન સાથે મોખરે રહેલી બંધન બૅન્ક પછી સૌથી વધુ એવું ૪૦ ટકા જેવું રિટર્ન રાઇટ્સના IPOમાં રોકાણકારોને મળ્યું છે. જ્યારે ICICI સિક્યૉરિટીઝ, હિન્દુસ્તાન એરૉનોટિક્સ, અપોલો માઇક્રોસિસ્ટમ્સ, ગૅલૅક્સી સર્ફકટન્ટ્સમાં ૨૦ ટકાથી લઈ ૪૨ ટકા જેટલી મૂડી ધોવાઈ ગઈ છે.

ગતિમાં ટેકઓવરના અહેવાલ પાછળ તેજી


લોજિસ્ટિક્સ સેગમેન્ટની ગતિ લિમિટેડમાં TVS લૉજિસ્ટિક્સ આશરે ૧૫૦૦ કરોડમાં બહુમતી હોલ્ડિંગ હસ્તગત કરવા ઉત્સુક હોવાના અહેવાલ પાછળ શૅર સાતેક ગણા કામકાજમાં ઉપરમાં ૧૧૫ થઈ અંતે ૧૦ ટકા વધીને ૧૦૭ રૂપિયા બંધ હતો. અહેવાલ બાબતે કંપની પાસે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. જૂન ક્વૉર્ટરના રિઝલ્ટ માટે બોર્ડમીટિંગ ૧૩ ઑગસ્ટે મળવાની છે. બે રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૬૭ રૂપિયા નજીકની બુકવૅલ્યુ ધરાવતી આ કંપનીનું માર્કેટકૅપ હાલમાં ૧૧૬૫ કરોડ રૂપિયાની આસપાસ છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૪.૪ ટકા જેવું છે. એમાંથી ૭૭.૮ ટકા માલ ગિરવી છે. ગોલ્ડનમૅન સાક્સ પાસે ૬.૯ ટકા, બે કૅપિટલ ફન્ડ પાસે ૭.૩ ટકા તથા કિન્તેસુ વર્લ્ડ એક્સપ્રેસ પાસે ચાર ટકા હિસ્સો છે. નવેમ્બર ૨૦૧૪માં ભાવ ૩૩૨ રૂપિયાની આસપાસ બેસ્ટ લેવલે ગયો હતો. ૨૦૧૮ની ૧૭ જાન્યુઆરીએ ૧૫૪ રૂપિયાની વર્ષની ટૉપ તથા ૨૮ જૂને ૭૩ રૂપિયાની વર્ષની બૉટમ બનેલી છે. TVS લૉજિસ્ટિક્સ એ સાત અબજ ડૉલરનું ટર્નઓવર ધરાવતા સાઉથના TVS ગ્રુપની અન-લિસ્ટેડ કંપની છે. ગઈ કાલે લૉજિસ્ટિક સેગમેન્ટના ૧૮માંથી ૧૬ શૅર વધ્યા હતા. ગતિ એમાં મોખરે હતો. અન્ય કાઉન્ટરમાં કૉર્પોરેટ કુરિયર્સ ત્રણ ટકા વધીને ૨૩ રૂપિયા, કેસર ટર્મિનલ પાંચ ટકા વધીને ૯૨ રૂપિયા, સ્નોમૅન લૉજિસ્ટિક્સ ૪.૨ ટકા વધી ૪૫ રૂપિયા બંધ હતા. મહિન્દ્ર લૉજિસ્ટિક્સ સવા ટકા નરમ હતો. બ્લુડાર્ટમાં પ્રારંભિક નરમાઈ બાદ પોણાબે ટકા જેવા સુધારામાં ૩૮૦૯ રૂપિયાનો બંધ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK