શૅરબજારને ઘટાડો આગળ વધારવા ઇટલીનું કારણ મળી ગયું

મનપસંદના હૉરર શોમાં મ્યુચ્યુઅલ ફન્ડોને મોટા પાયે નુકસાન : ચંદા કોચર સામે સ્વતંત્ર તપાસ હાથ ધરતી ICICI બૅન્ક

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર ઘટાડાની ચાલ આગળ ધપાવતા ગઈ કાલે ૪૩ પૉઇન્ટની પીછેહઠમાં ૩૪,૯૦૬ તથા નિફ્ટી ૧૯ પૉઇન્ટ ઘટીને ૧૦,૬૧૪ બંધ રહ્યા છે. યુરોપ ખાતે ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ઇટલી રાજકીય અસ્થિરતામાં સપડાયું છે. તાજેતરમાં થયેલી ચૂંટણીનું પરિણામ હંગ પાર્લામેન્ટમાં આવ્યું છે, સરકાર બનાવવા તાલ બેસે એમ નથી. સંભવત: જુલાઈમાં નવેસરથી ચુનાવ થશે. અમને લાગે છે કે ઇટલીવાળાઓએ ફરીથી ચૂંટણીનો ખર્ચ કરવાના બદલે આપણા અમિતભાઈની સેવા લેવી જોઈએ. ઍની વે, ઇટલીની અસ્થિરતાના કારણે વિશ્વબજારો વત્તે-ઓછે અંશે નરમ રહેતાં અહીં સેન્સેક્સ આગલા બંધથી નરમ ખૂલી નીચામાં ૩૪,૭૩૫ થયો હતો. ત્યાર પછી બાઉન્સબૅક થઈ ૩૫,૦૧૭ની ટોચે ગયો હતો. માર્કેટ દિવસનો મોટા ભાગમાં માઇનસ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સના ૩૧માંથી ૨૦ તો નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર ઘટીને બંધ આવ્યા છે. સારાં પરિણામ સાથે બ્રોકરેજ હાઉસ તરફથી ૨૦ ટકા ઊંચી ટાર્ગેટ-પ્રાઇસ આવતાં મહિન્દ્ર ૨૦ ટકા ઊંચી સપાટી બનાવી ત્રણ ટકાની તેજીમાં ૮૯૫ રૂપિયા બંધ આવી બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. કોલ ઇન્ડિયા નફામાં બાવન ટકાના ધોવાણ છતાં આગામી સમય સારો હોવાની થીમમાં સવાબે ટકા વધી ૨૮૯ રૂપિયા થયો છે. માર્કેટ-બ્રેડ્થમાં આગલા દિવસની રેપ્લિકા હતી. સાધારણ નેગેટિવિટી જળવાઈ હતી.

દરમ્યાન ઇન્ટરનૅશનલ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ૨૦૧૮ના કૅલેન્ડર વર્ષ માટે ભારતનો GDP ગ્રોથ અગાઉના સાડાસાત ટકાની ધારણા સામે હવે ઘટાડીને ૭.૩ ટકા રહેવાનું અનુમાન જારી થયું છે. મૂડીઝ કહે છે કે ભારતનો GDP ઘટશે, પણ અમારા મતે GDP વધવાનો છે. (અહીં GDPનો મતલબ ગૅસ, ડીઝલ અને પેટ્રોલ સમજવો.) વાઇઝમૅન ફૉરેક્સનો માર્ચ ક્વૉર્ટરનો નેટ પ્રૉફિટ ૮૫ ટકા ગગડી દોઢ કરોડ રૂપિયાએ આવી જતાં શૅર ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૬૮૩ રૂપિયા બંધ હતો. ક્રિસિલ ૨૦ ગણા કામકાજમાં ઉપરમાં ૨૦૧૪ રૂપિયા થઈ છેલ્લે ૨૩૦ રૂપિયા કે પોણાચૌદ ટકાના જમ્પમાં ૧૯૦૯ રૂપિયા જોવાયો છે.

મ્યુચ્યુઅલ ફન્ડોને તકલીફ

જરૂરી માહિતી અવારનવાર માગવા છતાં કંપનીએ કોઈ સહકાર નહીં આપતાં મનપસંદ બેવરેજિસના ઑડિટર્સ તરીકે ડેલોઇટે રાજીનામું ધરી દેતાં શૅર ૨૦-૨૦ ટકાની સળંગ બે નીચલી સર્કિટ મારીને ત્રીજા દિવસે પણ ૧૦ ટકાની મંદીની નવી સર્કિટમાં ૨૪૮ રૂપિયા ગઈ કાલે બંધ રહ્યો છે જે ૧૩ એપ્રિલ ૨૦૧૬ પછીની બૉટમ છે. ત્રણ દિવસ પૂર્વે ભાવ ઉપરમાં ૪૫૯ રૂપિયા નજીક ગયો હતો. ત્રણ દિવસની ખુવારીમાં માર્કેટકૅપ ૨૪૧૮ કરોડ રૂપિયા ગગડીને ૨૮૪૨ કરોડ રૂપિયા આવી ગયું છે. સત્તાવાળા બે દિવસથી કંપની પાસે સ્પષ્ટીકરણ માગી રહ્યા છે. હજી જવાબ દીધો નથી. કંપનીમાં પ્રમોટર્સહોલ્ડિંગ ૪૪ ટકાનું છે. FII પાસેના ૨૧.૬ ટકા સહિત ૫૦.૭૫ ટકા માલ સંસ્થાકીય રોકાણકારો પાસે છે. આ ધોરણે ત્રણ દિવસમાં તેમને ૧૨૦૦ કરોડ રૂપિયા પ્લસની હાનિ થઈ ચૂકી છે. મોતીલાલ ઓસ્વાલના મ્યુચ્યુઅલ ફન્ડ પાસે અહીં સાડાપાંચ ટકા, SBI મૅગ્નમ પાસે લગભગ સાડાચાર ટકા તો ICICI પ્રુ મિડ કૅપ ફન્ડ પાસે એક ટકાથી વધુ માલ છે. આ બધા મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજરોએ રોકાણ કરતી વખતે કેવા પ્રકારનું ડ્યુ ડિલિજન્સ કર્યું હતંી એની તપાસ થવી જોઈએ. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ આ શૅરમાં ૫૧૨ રૂપિયા નજીકની વિક્રમી સપાટી બની હતી. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ આમ તો ૧૦૦ રૂપિયા ઉપરની છે. જોકે એ ચોપડા પર જ છે કે પછી રિયલ એનો ખ્યાલ કંપનીના અકાઉન્ટ્સની બારીક તપાસ થાય તો જ આવી શકે. દરમ્યાન વકરાંગી એક વધુ નીચલી સર્કિટમાં પાંચ ટકા તૂટ્યો હતો. FIIનો ૨૯ ટકા સહિત સંસ્થાકીય રોકાણકારો પાસે ૩૫.૬ ટકા માલ છે. ૬.૪૪ ટકા શૅર ન્ત્ઘ્ પાસે છે. ૨૧ માર્ચે ભાવ ૨૮૬ રૂપિયા હતો એ સતત ગગડતો રહી બે મહિનામાં ૩૪ રૂપિયા થઈ ગયો છે. આ ગાળામાં માર્કેટકૅપ ૨૬,૯૨૦ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગઈ છે.

ગ્લેનમાર્ક પાંચ વર્ષની નીચી સપાટીએ ગયો


ગ્લેનમાર્ક ફાર્મા દ્વારા ૧૭ ટકાના ઘટાડામાં ૧૫૨ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સાથે નબળાં પરિણામ આવતાં શૅર ગઈ કાલે ૪૮૩ રૂપિયાની પાંચ વર્ષ કરતાં વધુ સમયગાળાની બૉટમ બનાવી છેલ્લે સવા ટકાની નબળાઈમાં ૫૨૪ રૂપિયા બંધ રહ્યો છે. તો પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ તરફથી શૅરદીઠ ૧૫૦૦ રૂપિયાના ભાવે ઓપન ઑફરનો નિર્ણય લેવાયા બાદ મર્કનો શૅર સવા મહિનામાં ૧૫૧૦ રૂપિયાથી સતત વધતો રહી ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૦૫ રૂપિયાની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં પોણાઆઠ ગણું હતું. છેલ્લે ૧૧,૦૦૦ શૅરના બાયર ઊભા હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે ૬૭માંથી ૪૦ શૅરની નરમાઈમાં પોણો ટકો ડાઉન હતો. આગલા દિવસના ધબડકાને આગળ ધપાવતાં કૅપ્લિન પૉઇન્ટ ૪૯૬ રૂપિયાની વર્ષની નવી બૉટમ બનાવી છેલ્લે ૭ ટકાની ખરાબીમાં ૪૯૯ રૂપિયા હતો. અલ્કેમ, અજન્ટા ફાર્મા, યુનિકેમ, ડૉ. લાલ પૅથલૅબ, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, ઇપ્કા લૅબ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, ઓરોબિંદો ફાર્મા જેવી જાતો બે ટકાથી લઈ સવાત્રણ ટકા ઢીલી હતી. ટૉરન્ટ ફાર્માનાં પરિણામ બંધ બજારે આવવાના હતા. શૅર નીચામાં ૧૩૧૬ રૂપિયા અને ઉપરમાં ૧૩૬૦ રૂપિયા જેવો થઈ અંતે દોઢ ટકો ઘટી ૧૩૨૯ રૂપિયા બંધ હતો. ફોર્ટિસ હેલ્થકૅરમાં શૅરધારકોના હિતને અવગણી બર્મન ઍન્ડ મુંજાલ પાર્ટીને હૉસ્પિટલ બિઝનેસ સસ્તામાં આપી દેવાનો સિંહ-બ્રધર્સનો કારસો નિષ્ફળ ગયો છે. હવે નવેસરથી બિડિંગ મગાવાશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૫૦ રૂપિયા થઈ અંતે એકાદ ટકો વધી ૧૪૫ રૂપિયા આસપાસ બંધ રહ્યો છે.

ક્રૂડના નામે હવે કંપનીઓ સરચાર્જ લેશે

વિશ્વબજારમાં ક્રૂડના વધતા ભાવની ઑપરેશનલ કોસ્ટ પર પડતી માઠી અસરને મજરે લેવા ઇન્ડિગો ફ્રેમ ઇન્ટરગ્લોબ એવિયેશને વિમાનયાત્રીઓ પાસેથી ૨૦૦થી ૪૦૦ રૂપિયાનો સરચાર્જ લેવાનું નક્કી કર્યું છે. અન્ય ઍરલાઇન કંપનીઓ પણ આ માર્ગે જશે. મતલબ કે સેસ યા સરચાર્જ અત્યાર સુધી સરકારો લેતી હતી. મોદીના રાજમાં કંપનીઓ પણ એમાં સામેલ થઈ જશે. મને લાગે છે કે ટ્રાન્સપોર્ટ ઑપરેટરોએ પણ વિમાની કંપનીઓની જેમ સરચાર્જ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. ઇન્ડિગોનો શૅર ગઈ કાલે દોઢેક ટકો વધી ૧૨૩૬ રૂપિયા, જેટ ઍરવેઝ સાધારણ વધીને ૪૨૨ રૂપિયા તથા સ્પાઇસ જેટ બે ટકા વધી ૧૨૫ રૂપિયા નજીક ગઈ કાલે બંધ હતા.

દરમ્યાન કર્ણાટકની ચૂંટણીમાં લોકો સાથે ૧૯ દિવસ હમદર્દી દાખવ્યા બાદ એની વ્યાજ સહિત વસૂલાતના મૂડમાં આવેલી સરકારી તેલ કંપનીઓએ સળંગ ૧૬ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા બાદ ગઈ કાલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરદીઠ ૬૦ પૈસા જેવો ઘટાડો જાહેર કર્યો હતો, પણ પાછળથી આ ઘટાડો ભૂલથી થયો હોવાનું જણાવીને એ માત્ર એક પૈસાએ લાવી દીધો હતો. ઇન્ડિયન ઑઇલનો ભાવ ૧૬૯થી વધીને ૧૭૩ રૂપિયા થઈ નજીવા ઘટાડામાં ૧૭૧ રૂપિયા પ્લસ બંધ હતો. ભારત પેટ્રોલિયમ ૪૦૯ની ટોચે જઈ એકાદ ટકો ઘટી ૪૦૦ રૂપિયા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ અઢી ટકાના ઘટાડે ૩૦૮ રૂપિયા નજીક બંધ હતા. ONGCનાં પરિણામ બજાર બંધ થયાં પછી સાંજે આવવાનાં હતાં. ભાવ પોણા ટકાની નબળાઈમાં ૧૭૪ રૂપિયા હતો. મુકેશ બાબુની રિલાયન્સ પરચૂરણ સુધારમાં ૯૧૭ રૂપિયા પર ફ્લેટ હતી.

ICICI બૅન્કમાં ચંદા કોચર સામે તપાસ

વિડિયોકોન લોન-કાંડમાં વિવાદાસ્પદ બનેલા ચંદા કોચરના સમર્થનમાં ખડેપગે રહેલા બોર્ડ ઑફ ડિરેક્ટર્સે હવે પરિસ્થિતિ પારખીને ચંદા કોચર સામે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. શીખા શર્માની જેમ ચંદા કોચર આબરૂભેર કેવી રીતે અને ક્યારે વિદાય લે છે એ જોવું રહ્યું. શૅર સળંગ બીજા દિવસની નરમાઈમાં પોણાબે ટકાથી વધુ ઘટીને ગઈ કાલે ૨૮૫ રૂપિયા બંધ રહેતાં બજારને સર્વાધિક ૩૫ પૉઇન્ટની હાનિ થઈ છે. બુધવારે બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી સાધારણ સુધાર્યા હતા. PSU બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ અપ હતો, પરંતુ સમગ્ર બૅન્કિંગ સેક્ટરમાં એકંદર વલણ ઢીલું હતું. અત્રે ૪૧માંથી ૧૬ શૅર વધ્યા હતા. કરુર વૈશ્ય બૅન્ક અઢી ટકા જેવો વધી ૧૦૪ રૂપિયા જેવા બંધમાં અહીં મોખરે હતો. સામે IDFC બૅન્ક, બંધન બૅન્ક, IOB, સાઉથ ઇન્ડિયન બૅન્ક, વિજયા બૅન્ક અને પંજાબ-સિંધ બૅન્ક બેથી સાડાત્રણ ટકા કટ થયા હતા. દિલીપ બિલ્ડકૉન નબળા પરિણામમાં ૧૮ ગણા કામકાજમાં ૯૦૧ થઈ છેલ્લે ૧૩ ટકા જેવા ધબડકામાં ૯૧૭ રૂપિયા બંધ હતો. જિન્દલ પૉલિ ૧૪ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ રહ્યો છે. ટૉરન્ટ પાવર પરિણામની અસરમાં સાડાચાર ગણા કામકાજમાં પાંચેક ટકા ઊછYયો હતો. વેદાન્ત માટે સમય વસમો બની રહ્યો છે, પણ શૅરમાં એની ખાસ અસર જોવાતી નથી. ભાવ ગઈ કાલે એકાદ ટકો ઘટી ૨૫૦ રૂપિયા બંધ આવ્યો છે. લાસ્ટ બટ નૉટ લીસ્ટ, આપણા મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સ ઉપલી સર્કિટનો સિલસિલો જાળવી રાખતાં ગઈ કાલે પાંચ ટકા વધીને સાત રૂપિયા પર બંધ રહ્યો છે. ફ્લ્ચ્માં ચાર લાખ શૅરના બાયર લાઇનમાં હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK