ટૅક્સ-કટને લઈ ઉચાટ જાગતાં શૅરબજારમાં તેજીને બ્રેક લાગી

IOCમાં ઉદાર બોનસ, ઇન્ટરિમથી સરકારને ૫૨૬૦ કરોડની કમાણી : પ્રાઇવેટ બૅન્કોની નરમાઈ ભળતાં બૅન્ક નિફ્ટી પોણો ટકો ખરાબ : ત્રિમાસિક ખોટમાં તગડા ઘટાડાથી R.કૉમમાં આકર્ષણ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વધારાના પગલે વૈશ્વિક શૅરબજારોની ઢીલાશ વચ્ચે અત્યાર સુધી ઇલેક્શન મોડમાંથી બહાર નહીં આવેલી મોદી સરકાર એના સંસદીય ચૂંટણી પૂર્વેના છેલ્લા બજેટમાં ક૨બોજમાં રાહત નહીં આપે અને ચૂંટણીલક્ષી અવનવી સ્કીમ જાહેર કરી ખર્ચ વધારશે આવી આશંકા શરૂ થતાં શૅરબજારની વિક્રમી આખલા-દોડ ગઈ કાલે અટકી છે. સેન્સેક્સ ૨૪૯ પૉઇન્ટની પીછેહઠમાં ૩૬,૦૩૪ નજીક તો નિફ્ટી ૮૦ પૉઇન્ટના ઘટાડે ૧૧,૦૫૦ની અંદર બંધ રહ્યા છે. આરંભથી અંત સુધી બહુધા નેગેટિવ ઝોનમાં રહેલા માર્કેટમાં ગઈ કાલે એકમાત્ર ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સામા પ્રવાહે એક ટકાથી વધુ પ્લસ હતો. અન્ય તમામ બેન્ચમાર્ક રેડ ઝોનમાં હતા. સેન્સેક્સના ૩૧માંથી આઠ તો નિફ્ટીના ૫૦માંથી ૧૩ શૅર વધ્યા હતા. માર્કેટ-બ્રેડ્થ વધુ બગડી છે. વધેલા પ્રત્યેક બે શૅર સામે BSEમાં ત્રણ શૅર નરમ હતા. ‘બી’ ગ્રુપ ખાતેના ૯૭૬ કાઉન્ટરમાં એક શૅર વધ્યો તો ચાર શૅર ઘટ્યાનો ઘાટ હતો. ૧૮૨ શૅર ઉપલી સર્કિટે, સામે પક્ષે ૨૬૪ જાતો મંદીની સર્કિટમાં બંધ હતી. NSE ખાતે કુલ ૧૫૬૫ શૅરમાં ટ્રેડિંગ થયું હતું. એમાં વધેલા શૅરની સંખ્યા માત્ર ૩૩૪ હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૮૪૬માંથી ફક્ત ૧૫૬ શૅરના સુધારામાં ૧.૪ ટકા ડુલ થયો હતો. BSE ખાતે ભાવની રીતે ગઈ કાલે ૮૬ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં હતાં. તો ૭૮ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં.

અમેરિકન બૉન્ડ માર્કેટ વિશ્વબજારોને નડ્યું

અમેરિકામાં ૧૦ વર્ષની મુદતવાળાં સરકારી બૉન્ડ કે ટ્રેઝરીના ભાવ ગગડતાં યીલ્ડ વધીને ૨.૭૧ ટકા થઈ ગયું છે જે ૨૦૧૪ પછીની ઊંચી સપાટીએ છે. વિશ્લેષકો માને છે કે યીલ્ડ ત્રણ ટકાએ જાય તો શૅરબજારોમાં કડાકાનો માહોલ જોવાશે. ગોલ્ડમૅન સાક્સ તરફથી પણ વૈશ્વિક શૅરબજારોમાં કરેક્શન પાકી ગયું હોવાનો વરતારો કરાયો છે. બૉન્ડના ભાવમાં ખરાબીના પગલે સોમવારની રાતે અમેરિકન સ્ટૉક માર્કેટનો ડાઉ ઇન્ડેક્સ ૨૬,૬૦૯ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૬,૪૩૫ થઈ છેલ્લે ૧૭૭ પૉઇન્ટના ઘટાડે ૨૬,૪૩૯ બંધ આવ્યો છે. અમેરિકા પાછળ ગઈ કાલે લગભગ તમામ એશિયન બજારો ડાઉન હતાં. મૉર્ગન સ્ટૅન્લી કમ્પોઝિટ ઇન્ડેક્સની રીતે ગઈ કાલે એશિયા ખાતે દોઢેક ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાઇના, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, તાઇવાન, હૉન્ગકૉન્ગ, જપાન, ફિલિપીન્સ ઇત્યાદિ ખાતે એક ટકાથી લઈ પોણાબે ટકા સુધીની નરમાઈ હતી. યુરોપ પણ રનિંગ ક્વોટમાં નેગેટિવ બાયસમાં જણાતું હતું. બિટકૉઇનના રેટ છેલ્લા કેટલાક દિવસથી ૧૦,૫૦૦થી ૧૧,૫૦૦ ડૉલરની આસપાસ અથડાયા કરે છે. ઘરઆંગણે ભાવ સાત લાખથી દસ લાખ રૂપિયામાં ઉપર-નીચે થતો રહ્યો છે. ગઈ કાલે રનિંગ ક્વોટમાં બિટકૉઇન, ઇથર, રિપ્પલ, બિટકૉઇન કૅશ, લાઇટ કૉઇન, મોનેરો, ડેશ જેવી ક્રિપ્ટો કરન્સી એકથી ચાર ટકા તો સ્ટેલર, નેમ અને ઇઓસ સાતેક ટકા ડાઉન હતા.

KPIT ટેક્નૉમાં રીસ્ટ્રક્ચરિંગની તેજી

રીસ્ટ્રક્ચરિંગ સ્કીમના ભાગરૂપ KPIT ટેક્નૉલૉજીઝ તથા બિરલા સૉફ્ટનું મર્જર કરવાની જાહેરાત કરાઈ છે. એના પગલે ૭૦ કરોડ ડૉલરની KPIT-બિરલા સૉફ્ટ નામની નવી કંપની અસ્તિત્વમાં આવશે. બિરલા સૉફ્ટના શૅરધારકોને પ્રત્યેક નવ શૅર સામે આ નવી કંપનીના બાવીસ શૅર બદલામાં મળશે. મર્જરને શક્ય બનાવવા KPIT ટેક્નૉલૉજીઝના માઇનૉરિટી શૅરહોલ્ડર્સ માટે શૅરદીઠ ૧૮૨ રૂપિયાના ભાવે મહત્તમ ૨૬ ટકા હોલ્ડિંગ ખરીદવા પ્રમોટર્સ ઓપન ઑફર લાવશે. રીસ્ટ્રક્ચરિંગ સ્કીમના બીજા તબક્કે KPIT- બિરલા સૉફ્ટમાંથી ઇજનેરી બિઝનેસ KPIT એન્જિનિયરિંગમાં ડીમર્જ કરાવાશે અને યોગ્ય સમયે આ બન્ને કંપનીઓનું શૅરબજારમાં લિસ્ટિંગ કરાવાશે.

રીસ્ટ્રક્ચરિંગની યોજના જટિલ છે અને ઓપન ઑફર ૧૮૨ રૂપિયામાં જાહેર થઈ છે જે સોમવારના ૨૦૯ રૂપિયાના બંધ ભાવ કરતાં સારી એવી નીચી કહી શકાય. સરવાળે શૅર ગઈ કાલે નીચો ૨૦૦ રૂપિયા ખૂલ્યો હતો. બાદમાં ૨૨૩ રૂપિયા પ્લસના નવા શિખરે જઈ છેલ્લે પોણાપાંચ ટકાના ઉછાળે ૨૧૯ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૭૯ લાખ શૅરના કામકાજ થયા હતા. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૮૦ રૂપિયાથી વધુ છે. KPIT ટેક્નૉલૉજીઝમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૧૯ ટકા કરતાં સહેજ ઓછું છે જેમાંથી બાવન ટકા માલ ગિરવે છે. FII પાસે ૪૪ ટકા માલ છે. બિરલા સૉફ્ટ CK બિરલા ગ્રુપની અન-લિસ્ટેડ કંપની છે.

IOCમાં ઉદાર બોનસનો ચમકારો

PSU ઑઇલ જાયન્ટ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૩૯૯૫ કરોડ રૂપિયા સામે ૭૮૮૩ કરોડ રૂપિયાનો તગડો ચોખ્ખો નફો બતાવી શૅરદીઠ ૧૯ રૂપિયા કે ૧૯૦ ટકાનું ઇન્ટરિમ ડિવિડન્ડ તેમ જ શૅરદીઠ એકના ધોરણે ઉદાર બોનસ જાહેર કરતાં ભાવ સાડાચાર ગણા કામકાજમાં ૪૨૧ રૂપિયા વટાવી છેલ્લે ૪.૫ ટકાની મજબૂતીમાં ૪૧૬ રૂપિયા બંધ આવ્યો છે. કંપનીએ દોઢ વર્ષથી પણ ઓછા ગાળામાં ફરી એક વાર શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે. બોનસ બાદ ઇક્વિટી વધીને ૯૬૯૨ કરોડ રૂપિયા જેવી થશે. કંપનીમાં કેન્દ્ર સરકારનું હોલ્ડિંગ ૫૭ ટકા નજીક છે. આ ધોરણે ૧૯૦ ટકાના ઇન્ટરિમમાંથી એને આશરે ૫૨૬૦ કરોડ રૂપિયા જેવી ડિવિડન્ડ પેટે કમાણી થશે. IOC પાછળ ભારત પેટ્રોલિયમ પણ ગઈ કાલે ૪૯૨ રૂપિયા પ્લસની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી છેલ્લે અઢી ટકાની આગેકૂચમાં ૪૮૨ રૂપિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કે જેના ત્રિમાસિક પરિણામ ૯ ફેબ્રુઆરીએ છે એ ઉપરમાં ૩૯૮ રૂપિયા થઈ અંતે ૪.૫ ટકાના ઉછાળે ૩૯૨ રૂપિયા અને પેટ્રોનેટ LNG અઢી ટકા વધી ૨૫૬ રૂપિયા બંધ હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ આના કારણે ગઈ કાલે એકંદર નબળા બજારમાં ૧.૨ ટકા વધીને બંધ રહ્યા છે. ઑઇલ ઇન્ડિયાના પરિણામ ૯ ફેબ્રુઆરીએ આવવાની જાહેરાત થઈ છે. શૅર ગઈ કાલે દોઢ ટકાના ઘટાડે ૩૬૧ રૂપિયા હતો. ONGC અડધો ટકો, કૅસ્ટ્રોલ સવા ટકો અને ઇન્દ્રપ્રસ્થ ગૅસ એક ટકો ઢીલા હતા.

R.કૉમમાં મલ્ટિપલ બ્લૉક ડીલથી ઉછાળો

અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ ડિસેમ્બર ૨૦૧૭ના ક્વૉર્ટરના ૫૩૧ કરોડ રૂપિયા તથા સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૨૭૧૨ કરોડ રૂપિયાના મુકાબલે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં માત્ર ૧૩૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. જંગી ખોટ કરતા ટેલિકૉમ વાયરલેસ બિઝનેસમાંથી એક્ઝિટ લેવાયાનું આ પરિણામ છે. ત્રિમાસિક પરિણામના પગલે ગઈ કાલે મલ્ટિપલ બ્લૉક ડીલ થતાં શૅર ઉપરમાં ૩૨.૪૦ રૂપિયા થઈ છેલ્લે ૧૦.૬ ટકાના જમ્પમાં ૩૦ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૩૦૧૮ લાખ શૅરનું વૉલ્યુમ નોંધાયું હતું. અનિલ ગ્રુપની અન્ય જાતોમાં રિલાયન્સ હૉમ સવા ટકો વધીને ૮૨ રૂપિયા, રિલાયન્સ પાવર પોણો ટકો વધીને ૪૭ રૂપિયા અને રિલાયન્સ નેવલ સવા ટકાના સુધારામાં ૪૯ રૂપિયા બંધ હતા. વડીલ બંધુ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે નીચામાં ૯૪૫ રૂપિયા બતાવી અંતે દોઢ ટકાના ઘટાડે ૯૪૯ રૂપિયા બંધ રહેતાં એનું માર્કેટકૅપ વધુ ઘટીને ૬.૦૧ લાખ કરોડ રૂપિયા આવી ગયું છે. બીજી તરફ વ્ઘ્લ્ જે સોમવારે માર્કેટકૅપની રીતે રિલાયન્સને હડસેલી નંબર વન બની હતી એનો શૅર ઇન્ટ્રા-ડેમાં ૩૧૧૯ રૂપિયા થયા બાદ ગઈ કાલે સવા ટકાની પીછેહઠમાં ૩૧૫૪ રૂપિયા થતાં માર્કેટકૅપ ૬.૧૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૬.૦૩ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રામાં ગઈ કાલે બે ટકાની નરમાઈ હતી.

પ્રૉફિટ-બુકિંગથી બૅન્ક નિફ્ટી નરમ

છેલ્લા કેટલાક દિવસથી PSU બૅન્કોમાં નબળાઈ વચ્ચે બૅન્ક નિફ્ટીને સારો એવો સપોર્ટ પ્રાઇવેટ બૅન્કો તરફથી મળતો રહ્યો હતો, પરંતુ ગઈ કાલે એમાં પ્રૉફિટ-બુકિંગ જામતાં બૅન્ક નિફ્ટી ૨૨૯ પૉઇન્ટ કે પોણો ટકા ઘટીને બંધ આવ્યો છે. કોટક મહિન્દ્ર બૅન્ક સવાબે ટકા, ઍક્સિસ બૅન્ક પોણાબે ટકા, યસ બૅન્ક દોઢ ટકા, ICICI બૅન્ક ૧.૨ ટકા તથા HDFC બૅન્ક નહીંવત ઘટીને બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૯૭ પૉઇન્ટની હાનિ થઈ હતી. બૅન્ક નિફ્ટી ખાતે ૧૨માંથી ફક્ત બે શૅર પ્લસ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી એક શૅરના સુધારામાં એક ટકાથી વધુ ખરડાયો હતો. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરની નરમાઈ છતાં બે પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડામાં હતો. બૅન્કેક્સ ૦.૯ ટકાની નજીક ડાઉન હતો. અહીં સ્ટેટ બૅન્ક સર્વાધિક એવા અડધા ટકાના સુધારામાં ૩૧૩ રૂપિયા નજીક બંધ હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની ૪૦માંથી ૩૪ ãસ્ક્રપ્સ માઇનસમાં હતી. બે ડઝન જેટલા બૅન્ક શૅર એમાં એક ટકાથી લઈને સાડાચાર ટકા સુધી ગગડ્યા હતા. વધેલા છ શૅરમાં એકમાત્ર કૅનેરા બૅન્ક એક ટકાથી વધુ એવો સવા ટકો ઊંચકાયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK