ત્રણ વાગ્યા બાદ શૅરબજારમાં બેસ્ટ રિટર્ન સાથે ૨૦૧૭ના વર્ષની વિદાય

બજારની માર્કેટકૅપ વધીને ૧૫૧.૭૩ લાખ કરોડ રૂપિયા, વર્ષ દરમ્યાન રોકાણકારોની સંપત્તિમાં ૪૫.૫ લાખ કરોડનો વધારો થયો : ચાલુ વર્ષે મ્યુચ્યુઅલ ફન્ડોએ ઇક્વિટી માર્કેટમાં ૧.૧૭ લાખ કરોડ રૂપિયા ઠાલવ્યા : આઠ દિવસમાં રિલાયન્સ કમ્યુનિકેશન ૪૦ ટકા ઊછળ્યો : ઇન્ફિબીમ માત્ર અડધા કલાકમાં અગમ્ય કારણસર ૪૦ ટકા તૂટ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

કૅલેન્ડર વર્ષ ૨૦૧૭ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે ભારતીય શૅરબજાર પ્રત્યાઘાતી સુધારે પૉઝિટિવ ઝોનમાં બંધ થયાં હતાં જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૦૯ પૉઇન્ટ વધીને ૩૪,૦૫૭ અને નિફ્ટી ૫૩ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦,૫૩૦ના મથાળે બંધ થયા હતા. ક્લોઝિંગની રીતે બજાર નવી ઊંચાઈએ બંધ રહ્યું છે. આ સાથે ૨૦૧૭માં સેન્સેક્સમાં ૨૮ ટકા અને નિફ્ટીમાં ૨૮.૫ ટકાનું વાર્ષિક રિટર્ન મળ્યું છે જે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટનું ત્રણ વર્ષનું બેસ્ટ રિટર્ન છે. છેલ્લે ૨૦૧૪માં સેન્સેક્સમાં ૩૦ ટકાનો વાર્ષિક ઉછાળો નોંધાયો છે. તો ૨૦૧૫માં બજારમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ૨૦૧૬માં શૅરબજાર માત્ર બે ટકા જ વધ્યું હતું.

બ્લુચિપ સ્ટૉક ઉપરાંત ચલણી જાતોમાં પણ ખાસ્સી તેજી જોવા મળી હતી જેમાં મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અનુક્રમે ૪૮.૩ ટકા અને ૬૦ ટકા વધ્યા હતા. સામાન્ય રીતે ભારતીય બજારના ચાલકબળ તરીકે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને વધારે મહત્વ આપવામાં આવે છે, પરંતુ આ વખતે બાજી સ્થાનિક રોકાણકારોના હાથમાં રહી છે. મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસોએ ઇક્વિટી માર્કેટમાં ચાલુ વર્ષે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું નેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનો અંદાજ છે. તો બીજી બાજુ વિદેશી રોકાણકારોએ બજારમાં ૫૧,૫૦૦ લાખ કરોડ રૂપિયા જેટલી મૂડી ઠાલવી હોવાનું પ્રાથમિક તારણ છે.

સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો ૨૦૧૭માં રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૦૭ ટકા અને ૧૦૧ ટકા વધ્યા છે; તો મેટલ, બૅન્કિંગ, ઑટો, કૅપિટલ ગુડ્સ, ઑઇલ-ગૅસ અને ટેલિકૉમ ઇન્ડેક્સમાં ૩૫થી ૫૦ ટકાની રેન્જમાં ઉછાળો નોંધાયો છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પડકારજનક પરિબળોના પરિણામે IT અને પાવર સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડેક્સ અનુક્રમે ૧૦ ટકા અને ૧૮ ટકા જ વધ્યા છે.

ઇક્વિટી માર્કેટમાં ૨૮ ટકાની તેજી સાથે BSE ખાતે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકૅપ સમગ્ર વર્ષમાં સતત વધીને ૧૫૧.૭૩ લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે જે વર્ષ દરમ્યાન રોકાણકારોની સંપત્તિમાં ૪૫.૫૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હોવાનું દર્શાવે છે.

R. કૉમ આઠ દિવસમાં ૨૫૦ ટકા અપ


૪૫,૦૦૦ કરોડ રૂપિયા પ્લસના ઋણબોજ સામે નાદારીના જોખમ સામે ઝઝૂમી રહેલી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સની કેટલીક રિયલ્ટી તેમ જ તમામ ટેલિકૉમ ઍસેટ્સ રિલાયન્સ જીઓ તરફથી ખરીદવાની જાહેરાતના વળતા દિવસે R.કૉમનો શૅર ૪૨ રૂપિયા નજીક વર્ષની ટોચ બનાવી છેલ્લે ૧૭ ટકાની તેજીમાં ૩૬.૨ રૂપિયા બંધ રહ્યો છે. આઠેક દિવસ પૂર્વે ૧૮ ડિસેમ્બરે ભાવ પોણાબાર રૂપિયાની આસપાસ બંધ હતો. તો ૧૫ નવેમ્બરે ગયા મહિને એમાં ૯.૬૦ રૂપિયાનું ઑલટાઇમ બૉટમ દેખાયું હતું. આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની વૅલ્યુ ધરાવતી આ ઍસેટ્સ રિલાયન્સ જીઓએ કેટલામાં ખરીદી એનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. R.કૉમના દેવા અને બિઝનેસની કાયાપલટ માટે નવી સ્કીમ જાહેર કરતી વખતે અનિલ અંબાણીએ કહ્યું હતું કે માર્ચ સુધીમાં કંપનીનું દેવું ઘટાડીને ૬૦૦૦ કરોડ રૂપિયા સુધી લઈ જવામાં આવશે અને નવરચના પછી બિઝનેસની એન્ટરપ્રાઇઝ વૅલ્યુ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની હશે. ગઈ કાલની તેજી પછી R.કૉમની માર્કેટકૅપ ૧૦,૦૧૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એ જોતાં જાણકારો શૅરમાં ૫૦ રૂપિયા આસપાસના ભાવ કરતાં ઊંચા રેટને વાજબી ગણાવતા નથી. દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે પ્રારંભિક સુધારામાં ૯૩૨ રૂપિયા વટાવ્યા બાદ નીચામાં ૯૧૮ રૂપિયા થઈ અંતે નજીવો ઘટીને ૯૨૧ રૂપિયા બંધ રહ્યો છે.

JP ગ્રુપના શૅરમાં વણથંભી તેજી


દેવાના જંગી બોજ હેઠળ નાદારીના જોખમમાં સપડાયેલું એક અન્ય જયપી ગ્રુપ પણ કેટલાક દિવસથી લાઇમલાઇટમાં છે. શૅરના ભાવ અતિ ટૂંકા ગાળામાં નીચા મથાળેથી જબરા વધી ગયા છે. જયપ્રકાશ અસોસિએટ્સ ગઈ કાલે ઉપરમાં ૨૭ રૂપિયા વટાવી છેલ્લે ચાર ગણા કામકાજમાં ૧૨ ટકાના ઉછાળે ૨૬ રૂપિયા બંધ રહ્યો છે. જયપ્રકાશ પાવર વેન્ચર્સ બાર ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં સાડાનવ રૂપિયા પ્લસ તો જયપી ઇન્ફ્રાટેક સાડાપાંચ ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૪ રૂપિયા નજીક બંધ હતા. દેવાની ભીંસ વચ્ચે ડિફૉલ્ટરના કલંકનો ભોગ બનેલા એમટેક ગ્રુપમાં ફ્લૅગશિપ કંપની એમટેક ઑટો સળંગ ત્રીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગઈ કાલે ૩૦ રૂપિયા આસપાસ જોવા મળ્યો છે. ગ્રુપ-કંપની કાસ્ટેક્સ ટેક્નૉલૉજી ઉપરમાં સવાસાત રૂપિયા નજીક જઈ ૧૮.૪ ટકાની મજબૂતીમાં ૭.૩ રૂપિયા તથા મેટલિસ્ટ ફોર્જિંગ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા વધીને ૩૭ રૂપિયા પ્લસ બંધ હતા. એમટેક ઑટો કો-પ્રમોટર્સની હેસિયતથી જેમાં ૬૬.૮ ટકા હિસ્સો ધરાવે છે એ JMT ઑટો પણ સળંગ ત્રીજા દિવસે ઉપલી સર્કિટમાં પાંચ ટકાના ઉછાળે પોણાછ રૂપિયા ઉપર બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયો છે.

ઇન્ફિબીમ ૨૮ મિનિટમાં ૪૦ ટકા તૂટી ગયો

ઈ-કૉમર્સ સેગમેન્ટની અમસાવાસી કંપની ઇન્ફિબીમ ઇન્કૉર્પોરેશન ૧૬૫ રૂપિયા નજીકના આગલા બંધ સામે ૧૬૩ પ્લસ ખૂલી ૨૮ મિનિટમાં જ ૪૦ ટકાથી વધુના કડાકામાં ૯૯ રૂપિયાની અંદર ઊતરી ગયો હતો. બજાર સત્તાવાળા તરફથી તરત કંપની પાસે આ સંબંધે સ્પક્ટીકરણ માગવામાં આવતાં કંપનીતરફી પણ કડાકા વિશે આર્ય વ્યક્ત કરતાં સબ-સલામતી હોવાની જાણ કરવામાં આવી છે. ભાવ નીચા મથાળેથી ધીમા સુધારા પછી ગઈ કાલે ૧૪ ટકાની ખરાબીમાં ૧૪૧ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને સવાબાર કરોડથી વધુ શૅરનાં કામકાજ થયાં હતાં. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળું આ કાઉન્ટર ૨૫ સપ્ટેમ્બરે ૮૭ રૂપિયાના વર્ષના તળિયેથી ઊંચકાઈને ૬ નવેમ્બરે ગયા મહિને ૧૯૬ રૂપિયા નજીકની વિક્રમી સપાટીએ ગયું હતું. એક વખત અમિતાભ બચ્ચનનું જેમાં આઠેક ટકાનું હોલ્ડિંગ હતું એ ફાઇનોટેક્સ કેમિકલ્સનો ભાવ ચારેક મહિના પૂર્વે ૨૩ રૂપિયાના ઐતિહાસિક તળિયે ગયો હતો. ત્યાંથી એકધારી તેજીમાં વધતો રહીને ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૬ રૂપિયા પ્લસની મલ્ટિયર ટોચે પહોંચ્યો છે. મહિના પૂર્વે શૅર ૩૬ રૂપિયામાં મળતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK