હવે કરેક્શનની સાથે-સાથે લૉન્ગ ટર્મ તેજી માટે તૈયાર રહો

નજરની સામે સાત જ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અત્યાર સુધીનું ટૉપ લેવલ બનાવી દીધું છે. હવે કરેક્શન ગમે ત્યારે નક્કી છે. પ્રૉફિટ-બુકિંગ નિમિત્તે પણ આવી શકે, પરંતુ લૉન્ગ ટર્મ તેજી રહેવાની આશાએ પણ ઊંચું લેવલ બનાવી લીધું છે

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

સંસદમાં અવિશ્વાસનો મત રજૂ કરવામાં આવ્યો અને એ પછી જે પરિણામ આવ્યું ત્યારથી બજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સની વૃદ્ધિને ગતિ મળી હતી, પરંતુ વાસ્તવમાં ઓવરઑલ માર્કેટ વધ્યું નહોતું બલકે માત્ર ચોક્કસ શૅરો વધ્યા હોવાનું જોવામાં આવ્યું હતું. આમ સિલેક્ટિવ શૅરોનો દોર ચાલુ રહ્યો અને હજી પણ ચાલુ રહેશે એમ માની શકાય. જોકે વીતેલા સપ્તાહમાં બજારમાં તેજીનો નવો રંગ જોવા મળ્યો અને બજારે કલ્પના બહારની છલાંગ લગાવી નવા રેકૉર્ડ બનાવ્યા. જોકે આમાં ચોક્કસ પરિબળો કામ કરી ગયાં છે.  GSTના ફેરફાર વિશે લેવામાં આવેલા નિર્ણય એકંદરે આવકાર્ય હતા જેની અસરરૂપે ચોક્કસ પ્રોડક્ટ્સની માગ વધે એવી શક્યતા ભરપૂર છે. જોકે ઉત્પાદકો-વેપારીઓ ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને કઈ રીતે પહોંચાડે છે એ મહત્વનું છે, પરંતુ અત્યારે તો GSTના પગલાથી વેપાર-ઉદ્યોગ તેમ જ માર્કેટને એક સેન્ટિમેન્ટલ બૂસ્ટ મળી ગયું હોવાનું કહી શકાય.

માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ


ગયા સોમવારે બજારે ધીમી શરૂઆત કરીને અંતમાં સેન્સેક્સે ૨૨૨ પૉઇન્ટ અને નિફ્ટીએ ૭૪ પૉઇન્ટનો વધારો નોંધાવ્યો હતો. નોંધનીય બાબત એ હતી કે લાંબા સમય બાદ માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી અર્થાત વધનાર શૅરોની સંખ્યા ઘટનાર શૅરો કરતાં વધુ રહી હતી. IT અને એનર્જી‍ સિવાયના સેક્ટરલ ઇન્ડેક્સ તેમ જ સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સ પણ વધ્યા હતા. મંગળવારે પણ બજારે પૉઝિટિવ ટ્રેન્ડ ચાલુ રાખીને સેન્સેક્સમાં ૧૦૬ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૫૦ પૉઇન્ટનો વધારો દર્શાવ્યો હતો. આ દિવસે પણ સ્મૉલ અને મિડ કૅપ શૅરોમાં રિકવરી ચાલુ રહી હતી. આ વખતે બન્ને ઇન્ડેક્સે અત્યાર સુધીની નવી સર્વોચ્ચ સપાટી બનાવી છે એ નોંધવું રહ્યું. બુધવારે બજારે જાણે મહારાષ્ટ્ર-મુંબઈ બંધને સાથ આપતું હોય એમ ઠંડું કામકાજ નોંધાવ્યું હતું. જોકે સેન્સેક્સ સાધારણ પ્લસ, પણ નિફ્ટી બે પૉઇન્ટ જેવો માઇનસ બંધ રહ્યો હતો. ગુરુવારે બજારે સતત વધ-ઘટ બતાવી સાવ આખરમાં સેન્સેક્સમાં સવાસો પૉઇન્ટનો અને નિફ્ટીમાં ૩૫ પૉઇન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો. સેન્સેક્સ ૩૭,૦૦૦ની સાવ નજીક પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી ૧૧,૧૦૦ ઉપર હતો. ઇન શૉર્ટ, માર્કેટ નવા બેન્ચમાર્ક બનાવતું જાય છે. શુક્રવારે તો બજારે ૩૫૦ પૉઇન્ટના ઉછાળા સાથે વધુ એક નવી ઊંચાઈ સેન્સેક્સમાં અને ૧૧૧ પૉઇન્ટના જમ્પ સાથે નિફ્ટીમાં નોંધાવી હતી.

સાત દિવસમાં કયાંથી કયાં


આમ સાત જ દિવસમાં બજાર કયાંથી કયાં પહોંચી ગયું છે. આ ગતિ અને તેજીનાં કેટલાંક કારણો નજરમાં લઈએ તો અગાઉ જે કારણો બજારને નીચે લઈ જતાં હતાં એ કારણોએ ટર્ન લેતાં હવે બજારે પણ ટર્ન લઈ લીધો છે. જોકે એની સ્પીડ બહુ જ તેજ બની ગઈ છે જે થોડી સાવચેતી રાખવાના પણ સંકેત આપે છે. એક કારણ ક્રૂડનું છે જે ઘટવાનું શરૂ થતાં ભારતીય માર્કેટ માટે પૉઝિટિવ પરિબળ બન્યું છે. કૉર્પોરેટ પરિણામો સારાં આવવાં લાગતાં બજારને સ્ટૉક સ્પેસિફિક અને ઇન્ડેક્સ કિક મળી છે. વધુમાં તૂટી ગયેલા મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરોએ પણ રિકવરી શરૂ કરતાં સેન્ટિમેન્ટ સુધર્યું છે. જોકે આ સાથે માર્કેટ બ્રેડ્થ (ઘટનાર કરતાં વધનાર શૅરોની સંખ્યા વધી છે) પણ પૉઝિટિવ થતાં બજારના ઉત્સાહને વેગ પ્રાપ્ત થયો છે. સારા ચોમાસાએ પણ એકંદરે રાહત આપી છે. ઇકૉનૉમી રિવાઇવલનાં ચિહ્નો પણ બજારને ઉપર જવામાં જોર આપી રહ્યાં છે.

૪૦,૦૦૦ અને ૧૨,૦૦૦

વર્તમાન સંજોગોમાં માર્કેટ માટે તેજીનો આશાવાદ વધતો જાય છે. ગુરુવારના નવા લેવલ બાદ અને ખાસ કરીને માત્ર ઇન્ડેક્સ જ નહીં, બલકે મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરો પણ વધવા લાગતાં ૨૦૧૮ના અંત સુધીમાં નિફ્ટી માટે ૧૨,૦૦૦ના લેવલની ધારણા મુકાવા લાગી છે. એ હિસાબે સેન્સેક્સ ૪૦,૦૦૦ આસપાસ જઈ શકે.

સ્મૉલ અને મિડ કૅપ શેરો સામે શંકા


શૅરબજારમાં છેલ્લા અમુક સમયથી ખાસ કરીને સ્મૉલ-મિડ કૅપ શૅરોમાં જે કડાકા આવ્યા હતા એનાં બે મુખ્ય કારણ ગણાય છે. એક, આ શૅરોના ભાવ વધુ પડતા વધી ગયા હતા જેથી એમાં કરેક્શન આવશ્યક બની ગયું હતું. જ્યારે બીજું, આ યાદીના અમુક શૅરોના ભાવોની વૉલેટિલિટી, ખાસ કરીને નક્કર કારણ વગર વધતા ભાવ અથવા અસ્વાભાવિક ભાવવૃદ્ધિએ નિયમનતંત્ર સેબીને શંકામાં નાખી દીધું હતું. આ શંકાને પગલે સેબી આવા શૅરોને ઍડિશનલ સર્વેલન્સ મેજર્સ હેઠળ મૂકવાની શૅરબજારોને ફરજ પાડે છે, જેને પરિણામે આ શૅરોના સોદામાં ચોક્કસ નિયંત્રણ આવી જાય છે, જેના પરિણામે  રોકાણકારોને પણ શંકા વધે છે અને એમાં વેચવાલી આવી જાય છે. સેબીના આ અભિગમ સામે એક્સચેન્જ અને બ્રોકરોએ નારાજગી પણ જાહેર કરી છે. અત્યારે તો આ શૅરોના ભાવ ચિંતાનો વિષય બની ગયા છે. માર્કેટ નિષ્ણાતોના મતે જે શૅરના ભાવ ૧૦૦માંથી ૫૦૦ થઈ ગયા હતા એવા શૅર હાલમાં ૩૦૦ આસપાસ આવી ગયા છે એને વધુ રિકવર થતા સમય લાગી શકે. એ પહેલાં એ ધીમે-ધીમે વધ-ઘટ કરશે. એને વધુ સમય પણ આપવો જોઈશે. ગયા સપ્તાહમાં સ્મૉલ અને મિડ કૅપ શૅરોએ રિકવરી નોંધાવી હતી.

સ્મૉલ-મિડ કૅપ શૅરોમાં રિવાઇવલ?

જોકે છેલ્લા સપ્તાહથી સ્મૉલ-મિડ કૅપ રિવાઇવલ જોવાયું છે, પરંતુ આ શૅરોમાં ફરી એ જ ઊંચા ભાવ જોવા નહીં મળે એવા સંકેત પણ છે. છેલ્લાં બે વર્ષનો ટ્રેન્ડ જોવામાં આવે તો મિડ કૅપ શૅરો અત્યારે પણ ૧૩ ટકા ઊંચા છે, જ્યારે કે છેલ્લા છ મહિનામાં આ શૅરો ૨૫ ટકા તૂટી ગયા હતા. આ શૅરો હવે બૉટમ-આઉટ થવાની નજીક પહોંચી રહ્યા છે જેથી એમાં એકાદ ક્વૉર્ટરમાં રિકવરીની આશા રાખી શકાય, પરંતુ એ ફરી એ જ ઊંચા ભાવે પહોંચે એવી આશા નઠારી નીકળી શકે છે. આવામાં સિલેક્ટેડ શૅરો જ રાખવા બહેતર રહેશે. સારું ગવર્નન્સ ધરાવતી અને બિઝનેસ સ્કૉપ ધરાવતી કંપનીઓ માટે ગણતરીપૂર્વકનું જોખમ લઈ શકાય.

નાની સાદી વાત


આગામી મહિને જાહેર થનારી મૉનિટરી પૉલિસી પર નજર મંડાઈ છે. આ વખતે પણ વ્યાજદરમાં કોઈ કાપ નહીં આવે એવી શક્યતા વધુ વ્યક્ત થાય છે, જ્યારે કે અમેરિકા સતત ત્યાં વ્યાજદરના વધારાના સંકેત આપે છે. આ બન્ને બાબત ભારતીય માર્કેટ માટે નકારાત્મક બની શકે એવી છે. જોકે આ બાબતોની સતત ચર્ચાને લીધે આ પરિબળ ડિસ્કાઉન્ટ થઈ ગયું હોવાનું જણાય છે.  

નાની ખાસ વાત

અગાઉના સપ્તાહમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો મત મુકાયો જેમાં વર્તમાન સરકારની સરળ જીત થઈ. એટલું જ નહીં, મોદી સરકાર ૨૦૧૯માં પણ ફરી આવશે એવા સંકેત નક્કર બન્યા એમ કહી શકાય. બજાર હાલમાં જ્યારે મોદી સરકારની પુન: સત્તા પર આવવાની શક્યતા વિશે અવઢવમાં છે ત્યારે આ સંકેત મહત્વનો ગણી શકાય. આ વાતમાં વિશ્વાસ હોય તેઓ પોતાની વિવેકબુદ્ધિ સાથે અત્યારથી જ સારા શૅરો જમા કરતા જઈ શકે, કારણ કે માર્કેટ આગામી વર્ષે સ્પીડ પકડશે ત્યારે એની ગતિવિધિ વધુ ઝડપી હોઈ શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK