તમારી રોકાણની ગાડી ધીમી-ધીમી જ આગળ ચલાવજો તેજીએ સ્પીડ પકડી, પરંતુ સામે ઘણાં સ્પીડબ્રેકર છે

બજારે બે સપ્તાહથી ટર્ન લઈને રિકવરીની દિશામાં પ્રયાણ કર્યું છે; પરંતુ આ ચાલ સતત વધ-ઘટ સાથેની છે, કારણ કે બજાર સામે નેગેટિવ અને અનિશ્ચિતતાનાં પરિબળો સતત ઊભાં છે અને ઊભાં રહેવાનાં પણ છે જેમાં ક્રૂડના વધતા ભાવ, ડૉલર, ગ્લોબલ ટ્રેડ-વૉર અને રાજકીય પરિબળ સૌથી મુખ્ય છે. તેથી રોકાણકારોએ પણ આ ચાર બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટૉક-સ્પેસિફિક અભિગમ સાથે આગળ વધવું બહેતર રહેશે

speed

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સપ્તાહની શરૂઆત રિકવરી-કરેક્શન રિકવરીથી થઈ હતી. બજાર એક સમયે ૨૦૦ પૉઇન્ટ પ્લસ પણ થયું હતું અને એક સમયે માઇનસ પણ રહ્યું હતું. છેવટે બજાર સાધારણ નીચે બંધ રહ્યું હતું. મંગળવારે ફરી સોમવારના ટ્રેન્ડ સાથે માર્કેટ આગળ વધ્યું હતું. જોકે આખરમાં સેન્સેક્સ ૧૬૫ પૉઇન્ટ અને નિફ્ટી ૩૦ પૉઇન્ટ ઊંચા બંધ રહ્યા હતા. બુધવારે પણ બજારે એની વધ-ઘટની ચાલ રહેવા દઈને છેવટે સેન્સેક્સ ૧૧૫ અને નિફ્ટી ૪૪ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે ગુરુવારે બજારે પૉઝિટિવ ટર્ન લીધો હતો જેમાં બૅન્કિંગ સેક્ટરના શૅરો અને ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી (IT) શૅરોનો સુધારો કારણભૂત બન્યો હતો. પરિણામે સેન્સેક્સ ૨૧૨ પૉઇન્ટ અને નિફ્ટી ૪૭ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આગલા દિવસના ઘટાડાનું કારણ કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગનું પણ હતું. સેન્સેક્સે ૩૪,૭૦૦ અને નિફ્ટીએ ૧૦,૬૦૦ પરનું લેવલ બનાવ્યું હતું. શુક્રવારે તો બજારે જબરદસ્ત પૉઝિટિવ શરૂઆત કરી હતી. અમેરિકન માર્કેટ ડાઉન છતાં અન્ય વિદેશી માર્કેટ્સના સારા સંકેતની અસરરૂપે ભારતીય શૅરબજારના સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એક વાર ૩૫,૦૦૦ની અને નિફ્ટીએ ૧૦,૭૦૦ની સપાટી વટાવી હતી. જોકે બંધ સમયે સેન્સેક્સ અને નિફ્ટી સહેજ નીચે ઊતરીને અનુક્રમે ૩૪,૯૭૦ અને ૧૦,૬૯૨ રહ્યા હતા. આપણે ગયા વખતે વાત કર્યા મુજબ હાલનો સમય શૅર અને શૅરની ચાલ જોવાનો છે. એ મુજબ આવો ટ્રેન્ડ હજી ચાલુ રહે એવી શક્યતા જણાય છે. અલબત્ત, વીતેલા સપ્તાહમાં તેજીએ થોડી સ્પીડ પકડી હોવાનું દેખાય છે, પરંતુ આ સામે સ્પીડબ્રેકર પણ ઘણાં છે એ યાદ રાખવું જોઈશે.

રાજકીય પરિબળની અસર

કરેક્શન તો ક્યારનું પાકી ગયું હતું એ પછી કન્સોલિડેશન આવ્યું. હવે રિકવરી સાથે વધ-ઘટ શરૂ થઈ, પરંતુ ભાવિ સારું છે. અર્થાત રોકાણકારોએ એક વાત સતત યાદ રાખવી જરૂરી છે કે હવે પછીના સમયમાં માર્કેટમાં વધ-ઘટ રહ્યા જ કરશે. આ વધ-ઘટ ટૂંકા ગાળાની હશે, જ્યારે જે રોકાણકારો લાંબા ગાળાના અભિગમ સાથે રોકાણ કરશે યા જાળવશે તેમણે અત્યારની વધ-ઘટની ખાસ ચિંતા કરવાની જરૂર નથી. અલબત્ત, આમાં સૌથી મોટું પરિબળ રાજકીય રહેશે જેને માટે ૨૦૧૯નું વર્ષ મહત્વનું ગણાશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી રાજકીય તખ્તો બદલશે તો આર્થિક તખ્તો પણ બદલાશે જેમાં શરૂઆત બહુ મોટા અને એકધારા કડાકા સાથે થઈ શકે.

આ ત્રણ પરિબળો મોંઘાં

રિઝર્વ બૅન્ક પાસે હવે પછી વ્યાજદરના ઘટાડાની આશા વધી રહી છે. આમ તો ફુગાવાનો આંકડો નીચો આવ્યો છે, પરંતુ ક્રૂડનો ભાવવધારો ભારે પડે એવો છે. પેટ્રોલના વધતા ભાવ બજારના સ્વભાવને બગાડે એવી પૂર્ણ શક્યતા છે. ક્રૂડ અને ડૉલર બન્ને ભારતીય અર્થતંત્રને મોંઘાં પડે એવો ભય અસ્થાને નથી. ગ્લોબલ ટ્રેડ-વૉરનું પરિબળ પણ હજી ચિંતામાંથી બહાર આવ્યું નથી. પરિણામે બજાર હાલમાં ચાલી શકે એવા કોઈ સંજોગો દેખાતા નથી. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામ એક મહત્વનું પરિબળ બનશે જે આ મે મહિનામાં જ સ્પષ્ટ થઈ જશે. જ્યારે જનરલ ઇલેક્શન ૨૦૧૯ના મધ્યમાં છે એથી એ સમય સુધી બજારને ચોક્કસ સ્થિરતા પ્રાપ્ત થવાની શક્યતા નહીંવત છે. આ સંજોગોમાં ક્રૂડ, ટ્રેડ-વૉર, ગ્લોબલ અનિશ્ચિતતા, રૂપિયા સામે ડૉલરની મજબૂતી, ઊંચો આયાત-ખર્ચ જેવી બાબતો બજાર માટે સતત અવરોધ બન્યા કરશે જેને લીધે કોઈ પણ સ્વરૂપે બજારની દિશા નક્કી થવી મુશ્કેલ છે.

TCS જેવા શૅરને જમા કરો

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ બજારને એક નવું બૂસ્ટ આપ્યું છે. ૧૦૦ અબજનું માર્કેટ કૅપિટલાઇઝેશન પાર કર્યાના વિક્રમ બાદ આ કંપનીએ ગ્લોબલ સ્તરે પણ પોતાનું નામ ઊંચું કર્યું છે. વધુમાં ઊંચાં કાર્યકારી માર્જિન, ડબલ ડિજિટ ગ્રોથ અને ૧:૧ના બોનસ ઇશ્યુ સાથે એણે શૅરધારકો ઉપરાંત બજારનું પણ દિલ જીતી લીધું છે. આવા લગડી શૅર વેચવા માટે બહુ ઓછા લોકો તૈયાર થાય છે અને ઘટે ત્યારે બહુ બધા લોકો ખરીદવા  ઉત્સુક હોય છે. નોંધનીય વાત એ છે કે આ કંપની કન્ઝર્વેટિવ અભિગમ સાથે કાયમ આગળ વધતી હોય છે. એ માર્કેટકૅપ કે ભાવને બદલે પોતાના ગ્રોથના લક્ષ્ય પર વધુ ધ્યાન આપે છે. મજાની વાત એ પણ છે કે મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફથી પણ માર્ચમાં TCSના શૅરોની સારી ખરીદી થઈ હતી જે આશરે ૪૧૦૦ કરોડ રૂપિયા જેટલી થઈને ૧૨,૦૦૦ કરોડ રૂપિયા આસપાસ પહોંચી હતી. રોકાણકારો આનો સંકેત સમજી લે એમાં સાર છે.     

ફૉરેન ફન્ડ અને સ્થાનિક ફન્ડ


એક તરફ મ્યુચ્યુઅલ ફન્ડના માર્ગે બજારમાં ભંડોળ આવવાનું વધતું જાય છે તો બીજી તરફ ફૉરેન ફન્ડ્સ તરફથી ભંડોળ બહાર ખેંચાતું જવાનું પણ બને છે. ૨૦૧૭-’૧૮માં ફૉરેન ફન્ડ્સ દ્વારા ૯.૧૦ કરોડ ડૉલર જેટલા રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા, જ્યારે ગયા વર્ષે આ ફન્ડ્સ દ્વારા ૩.૮ અબજ ડૉલરનું રોકાણ બજારમાં આવ્યું હતું. આમાં સક્રિય એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ અને નૉન-ઍક્ટિવ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ પણ હોય છે જેમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોનો મોટો ભાગ હોય છે, જ્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સનું રોકાણ વધતું રહ્યું છે. ૨૦૧૭-’૧૮માં આ ભંડોળ વધ્યું છે. ખાસ કરીને નાનાં શહેરોમાંથી પણ આ રોકાણપ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પ્રવાહ ચાલુ રહેવાની આશા ઊંચી છે. શૅરબજારથી દૂર રહેતા કે દૂર ભાગતા રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.

કૉર્પોરેટ પરિણામ અને માર્કેટની ચાલ

આ સમય કૉર્પોરેટ પરિણામનો છે. TCS બાદ મારુતિના પરિણામે બજારને નવો ઉત્સાહ આપ્યો છે. ચોથા ક્વૉર્ટરનાં પરિણામને લીધે દરેક કંપની અને એના સેક્ટરના સંકેત મળતા જશે. આ બાબત સુધારા અને બગાડાના પણ સંકેત આપશે. યુ હેવ ટુ બી સિલેક્ટિવ.

ખાસ નાની વાત

વર્તમાન સમયમાં રોકાણકારોએ તેજી ફરી સક્રિય થઈ ગઈ હોવાનું માની લેવાની જરૂર નથી. આપણે અહીં કરેલી ચર્ચા મુજબ તેમ જ સંજોગો અને પરિબળો અનુસાર કરેક્શન આવતાં રહેવાના ચાન્સ સતત રહેશે. કર્ણાટકની ચૂંટણી, ક્રૂડના ભાવના ટ્રેન્ડ પર નજર રાખવી જોઈશે. લાંબા ગાળાની ખરીદી કરવી હોય તો સ્ટૉક-સ્પેસિફિક રહીને જ કરવી જોઈશે. તેજીની સ્પીડને બ્રેક ગમે ત્યારે લાગી શકે છે અને કરેક્શનને રિકવરીનો રાહ પણ ગમે ત્યારે મળતો રહેશે. રોકાણકારોએ બન્ને બાબતને ધ્યાનમાં રાખીને પોતાની વ્યૂહરચના ગોઠવવી પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK