બૅન્કિંગ અને ફાર્માની સિલેક્ટિવ હૂંફમાં બજારમાં ૭ દિવસની નરમાઈનો વિરામ

નિફ્ટીમાં ૨૦૩ પૉઇન્ટ અને સેન્સેક્સમાં ૪૪૮ પૉઇન્ટની પીછેહઠ સાથે સપ્ટેમ્બર વલણની વિદાય

bse


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વિશ્વબજારોની સાંકડી વધ-ઘટ સાથેના મિશ્ર વલણ વચ્ચે ઘરઆંગણે ડેરિવેટિવ્સમાં સપ્ટેમ્બર વલણની પતાવટ હોવાથી ગુરુવારે શૅરબજાર ૧૨૩ પૉઇન્ટ વધીને ૩૧૨૮૨ તથા નિફ્ટી ૩૩ પૉઇન્ટ વધીને ૯૭૬૯ બંધ રહ્યા છે. માર્કેટમાં બીજું સત્ર શૉર્ટ કવરિંગ પ્રેરિત સુધારાની ચાલનું હતું જેમાં સેન્સેક્સ ૩૧૦૮૪ નીચેના લેવલથી ઊંચકાઈને ઉપરમાં ૩૧૩૪૧ તથા નિફ્ટી ૯૬૮૭થી વધીને ૯૭૮૯ થયા હતા. આ સાથે બજારમાં સપ્ટેમ્બર વલણમાં સેન્સેક્સ ૪૮૮ પૉઇન્ટ કે ૧.૪ ટકા તેમ જ નિફ્ટી ૨૦૩ પૉઇન્ટ કે બે ટકા ડાઉન થયા છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૯ અને નિફ્ટીના ૫૧માંથી ૨૬ શૅર પ્લસ હતા. બાય ધ વે, તાતા મોટર્સનો DVR બન્ને મેઇન બેન્ચમાર્કમાંથી વિદાય થતો હોવાથી હવે પછી સેન્સેક્સ અને નિફ્ટી શૅરની સંખ્યાની રીતે એમના મૂળ સ્વરૂપમાં આવી જશે. ગઈ કાલે બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસ પ્લસમાં હતા. માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર રીતે પૉઝિટિવ બની હતી. હેલ્થકૅર, બૅન્કિંગ, ફાઇનૅન્સ, મેટલ, રિયલ્ટી, સ્મૉલકેપ, મિડકૅપ જેવા બેન્ચમાર્ક પોણા ટકાની આસપાસ વધેલા હતા. NSE ખાતે કુલ ૧૭૫૫ શૅરનાં કામકાજ થયાં હતાં જેમાંથી ૧૦૧૭ જાતો વધીને બંધ રહી હતી. ડૉલર સામે રૂપિયામાં કમજોરી છતાં એની કોઈ હકારાત્મક અસર IT  શૅરમાં  જોવા નથી મળી. પતંજલિ સાથે ડિસ્ટ્રિબ્યુશન કરારની અસરમાં રુચિ સોયા ત્રણ ગણા કામકાજમાં પોણાબાર ટકાના જમ્પમાં ૨૫ રૂપિયા નજીક બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે. હિન્દુસ્તાન ઑઇલ એક્સપ્લોરેશન, અદાણી ટ્રાન્સમિશન, કૅમલિન ફાઇન, IRB ઇન્ફ્રા આઠથી નવ ટકા ઊછળ્યા હતા. 

મૉર્ગન સ્ટૅનલી ૧૧ શૅરમાં બેરિશ

મૉર્ગન સ્ટૅનલી દ્વારા આગામી એકથી દોઢ વર્ષના ગાળાને અનુલક્ષીને બૅન્ક ઑફ બરોડા, ભેલ, સિપ્લા, કોલ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલીવર, TVS, ICICI બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક, સન ફાર્મા તથા વિપ્રો જેવા ૧૧ લાર્જ-કૅપ શૅર રોકાણ માટે અવૉઇડ કરવાની સલાહ અપાઈ છે. ભેલ બે શૅરદીઠ એક બોનસમાં ગઈ કાલે એક્સ-બોનસ થયો હતો. ભાવ ઉપરમાં ૮૫ અને નીચામાં ૮૨ થઈ અંતે સાધારણ ઘટીને ૮૩ રૂપિયા નજીક બંધ હતો. સિપ્લા ૫૮૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૨ ટકા વધીને ૫૮૨ રૂપિયા, બૅન્ક ઑફ બરોડા ૧૪૦ રૂપિયા વટાવી છેલ્લે અડધો ટકા વધીને ૧૩૯ રૂપિયા, ICICI બૅન્ક ૨૭૦ રૂપિયાની અંદર ગયા બાદ નજીવા ઘટાડે ૨૭૫ રૂપિયા પ્લસ, સ્ટેટ બૅન્ક એકાદ ટકાના સુધારામાં ૨૫૩ રૂપિયા, કોલ ઇન્ડિયા ૨૭૦ નજીક ગયા બાદ ૨.૩ ટકાની મજબૂતીમાં ૨૬૭ રૂપિયા, વિપ્રો સવા ટકાની નજીકની નરમાઈમાં૨૮૫ રૂપિયા, હિન્દુસ્તાન યુનિલીવર નામ કે વાસ્તે ઘટાડામાં ૧૨૦૬ રૂપિયા, પંજાબ નૅશનલ બૅન્ક સવા ટકો ઘટીને ૧૩૧ રૂપિયા તથા સન ફાર્મા ૫૦૭ નજીકની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધા ટકાથી વધુના સુધારામાં ૪૯૮ રૂપિયા બંધ હતા. TCS અડધા ટકાની નબળાઈમાં ૨૪૭૮ રૂપિયા હતો. ભેલ ઉપરાંત ગઈ કાલે ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧૦ શૅરદીઠ એક બોનસ શૅરમાં એક્સ-બોનસ થયો હતો. ભાવ ઉપરમાં ૧૬૬ અને નીચામાં ૧૬૩ની અંદર જઈ છેલ્લે દોઢ ટકાથી વધુના સુધારામાં ૧૬૪ રૂપિયા નજીક રહ્યો હતો. તો ભારત ર્ફોજ શૅરદીઠ એક બોનસમાં ગઈ કાલે એક્સ-બોનસ થતાં ઉપરમાં ૬૨૩ અને નીચામાં ૫૯૨ બતાવી અંતે અઢી ટકા ઘટીને ૫૯૩ રૂપિયા હતો. બુધવારે એક્સ-બોનસ થવા છતાં જેમાં કોઈ સોદા પડ્યા નહોતા એ લૉયલ ઇક્વિપમેન્ટ ગઈ કાલે દોઢ ટકો ઘટીને ૩૪ રૂપિયા નજીક બંધ હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નરમાઈની હૅટ-ટ્રિક

હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ ત્રીજા દિવસની પીછેહઠમાં ગઈ કાલે બમણા કામકાજ વચ્ચે નીચામાં ૭૮૧ થઈ છેલ્લે દોઢ ટકો ઘટીને ૭૮૭ રૂપિયા નજીક બંધ રહ્યો છે. સપ્તાહના આરંભે આ કાઉન્ટરમાં ૮૪૭ રૂપિયાનો બંધ હતો. અનિલ અંબાણી ગ્રુપ ખાતે રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૦ રૂપિયા આસપાસ બંધ રહ્યો છે, જ્યારે ટેલિકૉમ સેક્ટરના અન્ય શૅરમાં ભારતી ઍરટેલ પોણો ટકો નરમ હતો. આઇડિયા સેલ્યુલર પરચૂરણ સુધર્યો હતો. અનિલ ગ્રુપની રિલાયન્સ કૅપિટલ દોઢા વૉલ્યુમમાં અઢી ટકા વધીને ૫૯૯ રૂપિયા, રિલાયન્સ હોમ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૯૮ રૂપિયાના ઑલટાઇમ તળિયે, રિલાયન્સ ઇન્ફ્રા નહીંવત્ વધીને ૪૬૪ રૂપિયા, રિલાયન્સ નેવલ અડધો ટકો ઘટીને ૫૩ રૂપિયાની અંદર, તો રિલાયન્સ પાવર નામ કે વાસ્તે વધીને ૪૧ રૂપિયા બંધ હતા. અદાણી ગ્રુપમાં અદાણી ર્પોટ્સ આગલા દિવસના ધબડકા બાદ ગુરુવારે ૩૬૪ રૂપિયાનું અઢી મહિનાનું બૉટમ બનાવી છેલ્લે પાંખા કામકાજમાં નજીવા ઘટાડે ૩૭૧ રૂપિયા પર બંધ હતો. અદાણી ટ્રાન્સમિશન ત્રણ ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટ મારીને છેલ્લે પોણાનવ ટકાની તેજીમાં ૧૪૭ રૂપિયા નજીક બંધ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ તથા અદાણી પાવરમાં પોણા ટકાથી વધુનો સુધારો હતો.

રિફાઇનરી શૅરમાં ડીરેટિંગનો આંચકો

ક્રૂડના વધતા જતા ભાવને કારણે ઘરઆંગણે સરકાર પર પેટ્રોલ-ડીઝલમાં બજારભાવની નીતિ વિશે ફેરવિચારણા કરવાનું દબાણ આવશે. ઑઇલ કંપનીઓને એક યા બીજી રીતે ભાવવધારો કરતાં અટકાવાશે એવી આશંકાને પગલે વિદેશી ફન્ડ-હાઉસ ક્રેડિટ સ્વિસ તરફથી પ્રાઇસ ટાર્ગેટ ઘટાડવામાં આવ્યા છે. ઍન્ટિક સ્ટૉક બ્રોકિંગ દ્વારા પણ કરેક્શનનો વ્યુ અપાયો છે. આને લીધે રિફાઇનરી શૅર ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં નોંધપાત્ર ઘટ્યા હતા. જોકે પછીથી મોટા ભાગનો ઘટાડો સરભર કરી લીધો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ નીચામાં ૩૯૭ રૂપિયા થઈ છેલ્લે ૦.૩ ટકા ઘટીને ૪૧૫ રૂપિયા, ભારત પેટ્રોલિયમ ૪૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અડધા ટકા નજીકની નરમાઈમાં ૪૬૨ રૂપિયા, ઇન્ડિયન ઑઇલ ૩૭૫ રૂપિયાની નીચે ગયા પછી ૦.૪ ટકા વધીને ૩૯૮ રૂપિયા, મૅન્ગલોર રિફાઇનરી અડધો ટકો વધીને ૧૨૨ રૂપિયા, ચેન્નઈ પેટ્રોલિયમ ૩૮૨ની અંદર ગયા બાદ નજીવા ઘટાડે ૩૯૧ રૂપિયા બંધ હતા. ONGC એક ટકો વધીને ૧૭૨ રૂપિયા, ઑઇલ ઇન્ડિયા પોણો ટકો ઘટીને ૩૪૭ રૂપિયા, ગેઇલ તથા પેટ્રોનેટ અડધો ટકો ડાઉન હતા.

P-નોટ્સ રોકાણ સાડાસાત વર્ષના તળિયે

પાર્ટિસિપેટરી નોટ્સ અર્થાત્ P-નોટ્સ મારફત દેશના મૂડીબજારમાં કરાતું રોકાણ છેલ્લા કેટલાક સમયથી સતત ઘટી રહ્યું છે. છેલ્લા આંકડા પ્રમાણે આવું રોકાણ ઑગસ્ટના અંતે સવા લાખ કરોડ રૂપિયાએ આવી ગયું છે જે છેલ્લાં સાડાસાત વર્ષની નીચી સપાટી છે. જુલાઈના અંતે P-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ ૧.૩૫ લાખ કરોડ રૂપિયા હતું. અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૦માં P-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટનો આંકડો ૧.૨૪ લાખ કરોડ રૂપિયા નોંધાયો હતો.

P-નોટ્સ મારફત ભારતીય ઇક્વિટી, ડેટ તેમ જ ડેરિવેટિવ્સ માર્કેટમાં વિદેશી રોકાણ આવે છે.  સેબી કેટલીક ગેરરીતિઓને લઈને આ કારના રોકાણ સામે કેટલાક વખતથી કડક બની છે. સરવાળે રોકાણ ઘટવા માંડ્યું છે. ઑગસ્ટના અંતે ૧.૨૫ લાખ કરોડ રૂપિયાના કુલ P-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટમાં ઇક્વિટી રોકાણનો હિસ્સો ૮૮૯૧૧ કરોડ રૂપિયા છે.

મેફેર ઇમ્પેક્સે સેબી સાથે કેસની પતાવટ કરી

મેફેર ઇમ્પેક્સે માર્કેટ નિયમનકાર સેબી સાથેના કેસમાં સમાધાન કરી લીધું છે. કંપની પર ઇન્સાઇડર ટ્રેડિંગ અને શૅર ટેકઓવરના નીતિનિયમોના ઉલ્લંઘન માટે કેસ ચાલી રહ્યો હતો જેનો કંપનીએ પાંચ લાખ રૂપિયા જેટલો સેટલમેન્ટ-ચાર્જ ભરીને સમાધાન કર્યું હતું. સેબીએ સેટલમેન્ટ-ઑર્ડરમાં જણાવ્યું હતું કે આરોપીઓ સામે હવે એ કોઈ પગલાં નહીં ભરે. પ્રોહિબિશન ઑફ ઇન્સાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન અને સબસ્ટેન્શિયલ ઍક્વિઝિશન ઑફ શૅર્સ ઍન્ડ ટેકઓવર્સનાં ધોરણો પ્રમાણે કંપની પર ડિસ્ક્લોઝરમાં મોડું કરવાનો આરોપ હતો. સેબીએ કંપની પાસેથી ૫,૦૭,૭૫૦ રૂપિયાનો સેટલમેન્ટ-ચાર્જ વસૂલ્યો હતો.

એક દાયકામાં સેન્સેક્સ ૧,૦૦,૦૦૦ થઈ શકે : મૉર્ગન સ્ટૅનલી

લગભગ દસ વરસ બાદ સેન્સેક્સ એક લાખ સુધી પહોંચી શકે છે અને ભારતીય માર્કેટ ૬.૧ ટ્રિલ્યન ડૉલરના માર્કેટકૅપ સાથે વિશ્વનાં પાંચ ટૉપ માર્કેટમાં સ્થાન ધરાવતું હશે એવો મત વૈશ્વિક નાણાસંસ્થા મૉર્ગન સ્ટૅનલીએ એના એક રિપોર્ટમાં વ્યક્ત કર્યો છે. મૉર્ગન સ્ટૅનલી માને છે કે આગામી એક દાયકામાં ભારત વિશ્વની ટોચની માર્કેટ બની જશે અને એની કામગીરી શ્રેષ્ઠ બની ગઈ હશે. જોકે આગામી પાંચ જ વરસમાં આનાં ફળ દેખાવાનાં શરૂ થઈ જશે.

આ ઉપરાંત મૉર્ગન સ્ટૅનલીના અભ્યાસ મુજબ ભારત ડિજિટાઇઝેશનની સહાયથી વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકૉનૉમી બની ગયું હશે, જ્યારે એનો GDP છ ટ્રિલ્યન ડૉલર થઈ ગયો હશે. ડિજિટાઇઝેશનથી ભારતના GDPમાં ૫૦થી ૭૫ બેઝિસ પૉઇન્ટની વૃદ્ધિ થશે. ભારતની ઇક્વિટી માર્કેટ સ્થાનિક ઇન્વેસ્ટરોના પાર્ટિસિપેશન સાથે સતત વૃદ્ધિ પામશે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK