ઇન્ટ્રા-ડેમાં નવા સર્વોચ્ચ શિખર બાદ શૅરબજાર સાધારણ ડાઉન

નવી ગિલ્લી, નવા દાવમાં R.કૉમ વેગીલી તેજી જાળવી સાત મહિનાની ટોચે : રેન્જ-બાઉન્ડ બજારમાં ફાર્મા શૅરમાં ઝમક, સંખ્યાબંધ જાતો નવાં ઊંચાં શિખરે : ૨૫૭ જાતો ઐતિહાસિક ઊંચી સપાટીએ, ૪૦ કાઉન્ટરમાં નવાં નીચાં બૉટમશૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડેરિવેટિવ્સમાં ડિસેમ્બર વલણની પૂર્વ સંધ્યાએ શૅરબજાર નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરી છેલ્લા એકાદ કલાકના હળવા પ્રૉફિટ-બુકિંગમાં ૯૯ પૉઇન્ટ ઘટીને ૩૩,૯૧૨ નજીક તો નિફ્ટી ૪૧ પૉઇન્ટ નજીકની પીછેહઠમાં ૧૦,૪૯૧ આસપાસ બંધ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૪,૧૩૮ તથા નિફ્ટી ૧૦,૫૫૨ની નવી વિક્રમી સપાટીએ ગયા હતા. બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસની સાધારણ નબળાઈ વચ્ચે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ અઢી ટકા વધ્યો છે. માર્કેટ-બ્રેડ્થ થોડીક નેગેટિવ બની છે. BSE ખાતે ગઈ કાલે ૧૨૦૮ શૅર વધ્યા હતા સામે ૧૫૩૯ જાતો નરમ હતી, પરંતુ વધેલાં ૧૨૦૮ કાઉન્ટર્સમાંથી ૨૫ ટકા કરતાંય વધુ, ૩૧૩ શૅર ઉપલી સર્કિટે બંધ આવ્યાં છે. ૨૫૭ શૅર ગઈ કાલે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં હતાં. બીજી તરફ ૪૦ જાતોમાં નવાં ઐતિહાસિક તળિયાં દેખાયાં છે. બૅન્ક નિફ્ટી આમ તો માત્ર ૦.૭ ટકા ડાઉન હતો, પરંતુ એના બાર શૅરમાંથી ૧૧ શૅર ઘટ્યા હતા. IDFC બૅન્ક સમખાવા પૂરતો પાંચ પૈસા અપ હતો, જ્યારે સળંગ બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૧૧ શૅર પ્લસ હતા. લક્ષ્મી વિલાસ તથા DCB બૅન્કમાં બે ટકા પ્લસની મજબૂતી હતી. શુગર સેક્ટરના ૩૪માંથી ફક્ત છ શૅર સુધર્યા હતા.

મલપતી ચાલમાં ક્રૂડ ગઈ કાલે બેરલદીઠ ૬૭ ડૉલરની સાવ નજીક નવી મલ્ટિયર ટોચે જઈ ૬૩.૩૫ ડૉલર રનિંગમાં ચાલતું હતું. ક્રૂડની તેજીના પગલે ઑઇલ એકસ્પ્લોરેશન બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓમાં નવી હૂંફ વર્તાઈ છે. સેલન એકસ્પ્લોરેશન, જિન્દલ ડ્રિલિંગ, GSPL, ઑઇલ ઇન્ડિયા, અબાન ઑફશૉર જેવી જાતો એકથી અઢી ટકાની આસપાસ ઊંચકાઈ હતી. દરમ્યાન નીચામાં ૧૪,૭૭૬ ડૉલર તથા ઉપરમાં ૧૬,૫૨૭ ડૉલર બતાવી રનિંગ ક્વોટમાં પાંચેક ટકાના ઉછાળે ૧૫,૬૯૧ ડૉલર દેખાતો હતો. ઇન્ડિયન કરન્સીમાં રેટ નીચામાં સાત લાખ રૂપિયા તથા ઉપરમાં ૧૨.૬૭ લાખ રૂપિયા વટાવી રનિંગમાં  ૧૨.૧૦ લાખ રૂપિયા બોલાતા હતા.

૩M ઇન્ડિયામાં હજારી ઉછાળા

અમેરિકન મલ્ટિ-નૅશનલ ૩M કંપનીની ૭૫ ટકા માલિકીની ભારતીય સબસિડિયરી ૩M ઇન્ડિયાનો ભાવ રોજના સરેરાશ ૪૪૮ શૅર સામે ગઈ કાલે ૨૮૦૦ શૅરના કામકાજમાં ૧૭,૩૮૪ રૂપિયાના આગલા બંધ સામે ૧૯,૩૮૫ રૂપિયાની નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૧૦ ટકા કે ૧૭૨૬ રૂપિયાના ઉછાળામાં ૧૯,૧૧૧ રૂપિયા બંધ આવ્યો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૦૮૯ રૂપિયા છે. ઇન્ડસ્ટ્રીના ૨૩ની સામે આ શૅર હાલમાં ૮૪ નજીકના P/E ઉપર ચાલે છે. બોનસ અને રાઇટનું ખાનું ખાલી છે. વર્ષ પહેલાં ભાવ ૧૦,૦૫૫ રૂપિયાનો હતો. નાહર કૅપિટલ ૨૨ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૨૧ રૂપિયા પ્લસની નવી ટોચે બંધ રહ્યો છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર વર્ષ પહેલાં ૮૮ રૂપિયામાં મળતો હતો. મંગલમ ડ્રગ્સ વૉલ્યુમ સાથે આગેકૂચ જારી રાખતાં ૨૨૦ રૂપિયાની નવી હાઈ બનાવી ૧૫ ટકાનો જમ્પ લઈને ૨૧૪ રૂપિયા રહ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલ શૅલ્બી નરમાઈની ચાલમાં ૨૧૧ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે ત્રણેક ટકાના ઘટાડે ૨૧૧ રૂપિયા પ્લસ બંધ હતો. મહિન્દ્ર CIE ઑટોમોટિવ રોજના ૨૭,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૬૧.૪૪ લાખ શૅરના જંગી કામકાજમાં ઉપરમાં ૨૭૦ રૂપિયા નજીક જઈ છેલ્લે પોણાચાર ટકાની ખરાબીમાં ૨૫૦ રૂપિયા રહ્યો હતો. LT ફૂડ્સ સાડાચાર ગણા વૉલ્યુમમાં ૯૩ રૂપિયા નજીક નવું શિખર મેળવી છેલ્લે સાતેક ટકાની તેજીમાં ૯૦ રૂપિયા હતો. વર્ષ પહેલાં ભાવ ૨૭ રૂપિયાની અંદર હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે.

R.કૉમમાં નવેસરથી પ્રાણસંચાર થયો

અનિલ અંબાણી દ્વારા ઍસેટ્સ વેચીને ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માર્ચ સુધીમાં ઘટાડીને ૬૦૦૦ કરોડ રૂપિયા સુધી લાવવાની સાથે રિલાયન્સ કમ્યુનિકેશન્સના બિઝનેસના કાયાપલટની નવી યોજના પાછળ મુડદાલ બની ગયેલી કંપનીમાં જબરું જોર આવ્યું લાગે છે. ભાવ ગઈ કાલે ï૩૦ રૂપિયા નજીક સાતેક મહિનાના શિખરે જઈ છેલ્લે ૩૪.૭ ટકાની વધુ હરણફાળમાં ૨૮.૭૪ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૮૭૪૬ લાખ શૅરના ચિક્કાર કામકાજ થયા હતા. દોઢેક મહિના પૂર્વે, ૧૫ નવેમ્બરે ભાવ ૯.૬૦ રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયો હતો. રિલાયન્સ નેવલ ૧૮ ડિસેમ્બરે ૩૪ રૂપિયાની અંદર ઐતિહાસિક તળિયે ગયા બાદ સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ગઈ કાલે ૪૮ રૂપિયા વટાવી છેલ્લે ૩.૬ ટકાની મજબૂતીમાં ૪૭ રૂપિયા રહ્યો છે. વૉલ્યુમ બમણું હતું. રિલાયન્સ પાવરમાં ૧૫ નવેમ્બરે ૩૫ રૂપિયાની નીચેનું મલ્ટિયર બૉટમ બન્યું હતું એ ગઈ કાલે સાડાત્રણ ગણા વૉલ્યુમમાં ૪૬ રૂપિયા નજીક જઈ છેલ્લે સવાત્રણ ટકા વધીને ૪૪.૫૫ રૂપિયા હતો. લગભગ બે વાગ્યા સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગલા બંધથી આશરે એકાદ ટકો અપ રહ્યો હતો. પાછળ નીચામાં ૯૧૮ રૂપિયા થઈ અંતે અડધો ટકા ઘટીને ૯૨૨ રૂપિયા જોવાયો છે. અદાણી ટ્રાન્સમિશન સળંગ બીજા દિવસની નરમાઈમાં પોણાબે ટકા ઘટીને ૨૨૪ રૂપિયા બંધ આવ્યો છે. અદાણી પાવર સાડાત્રણ ટકા વધીને તથા અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧૬૯ રૂપિયા નજીક નવી ટૉપ બતાવી દોઢ ટકા વધીને ૧૬૫ રૂપિયા હતા.

પિડિલાઇટમાં બાયબૅક પ્રાઇસનો વસવસો

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહત્તમ ૧૦૦૦ રૂપિયા સુધીની પ્રાઇસથી ટેન્ડર ઑફર મારફત ૫૦૦ કરોડ રૂપિયાની બાયબૅક યોજના નક્કી થઈ છે. વર્તમાન બજારભાવના મુકાબલે બાયબૅક પ્રાઇસમાં ખાસ આકર્ષણના અભાવે આગલા દિવસે ભાવ ૯૭૨ રૂપિયાની વિક્રમી સપાટી બાદ નરમાઈમાં સરી પડ્યો હતો. ગઈ કાલે વધુ નબળાઈમાં નીચામાં ૯૦૬ રૂપિયા થઈ અંતે એક ટકો ઘટી ૯૧૬ રૂપિયા બંધ આવ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૭૦ રૂપિયા પ્લસ છે. કંપનીએ છેલ્લે જાન્યુઆરી ૨૦૧૦માં શૅરદીઠ એક બોનસ આપ્યુ હતું. એક અન્ય ઘટનાક્રમમાં સૉવરિન વેલ્થ ફન્ડ GIC દ્વારા DLF સાઇબર સિટી ડેવલપર્સમાં ૩૩.૩૪ ટકા હિસ્સો આશરે ૯૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ૨૭,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું ઘટાડવા DLF આ નાણાંનો ઉપયોગ કરશે. શૅર ગઈ કાલે ૨૫૬ રૂપિયાની માર્ચ ૨૦૧૩ પછીની ઊંચી સપાટી બનાવી અંતે સાડાત્રણ ટકા ઘટી ૨૪૫ રૂપિયા હતો. સાઉથ બેઝ્ડ રિયલ્ટી કંપની પ્રેસ્ટિજ એસલ્ટેટ્સ દ્વારા ૩૨૪ કરોડ રૂપિયામાં ગ્રુપ કંપની પ્રેસ્ટિજ પ્રોજેક્ટ્સમાં ૬૬.૭ ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત પાછળ ભાવ સાત ટકાના ઉછાળે ૩૨૨ રૂપિયા બંધ હતો. સાંધી ઇન્ડસ્ટ્રીઝમાં બ્રોકિંગફર્મ મોતીલાલ ઓસ્વાલ તરફથી બાયના રેટિંગ પાછળ ભાવ ૧૪૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે પોણાનવ ટકાની તેજીમાં ૧૩૮ રૂપિયા હતો. વૉલ્યુમ સાત ગણું નોંધાયું હતું.

સન ફાર્મામાં નવા ડ્રગ્સનો કરન્ટ

સન ફાર્માની અમેરિકાની સબસિડિયરી દ્વારા ‘ડ્રાય આઇ’ની બીમારીના ઇલાજ માટે વિકસાવાયેલ OTX-૧૦૦ નામની નવી ડ્રગ્સને USFDAએ તરફથી સ્વિકૃતિ મળતાં શૅર સળંગ ચોથા દિવસની આગેકૂચમાં સાત ગણા કામકાજ વચ્ચે ૫૯૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી અંતે સાતેક ટકાની મજબૂતીમાં ૫૭૮ રૂપિયા નજીક બંધ રહ્યો છે. અન્ય ફાર્મા કંપની ગ્લેનમાર્કને નવી કૉન્ટ્રાસેપ્ટિવ ડ્રગ માટે USFDAની ફાઇનલ એપ્રૂવલ મળી ગયાના સમાચારમાં ભાવ ૫૮૮ રૂપિયા નજીક જઈ છેલ્લે બે ટકા વધીને ૫૮૪ રૂપિયા બંધ આવ્યો છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ઉપરમાં ૧૪,૯૦૩ વટાવી અંતે ૧.૮ ટકા વધીને ૧૪,૮૧૧ બંધ હતો. એના ૭૦માંથી ૪૧ શૅર પ્લસ હતા. ઍલેમ્બિક ચોથા દિવસની આગેકૂચમાં ૫૮.૫૦ રૂપિયાની ઐતિહાસિક ટોચે જઈ એક ટકો વધીને ૫૬.૫૦ રૂપિયા, બાયોકોન ૫૪૮ રૂપિયા પ્લસના નવા શિખર બાદ નહીંવત્ સુધારામાં ૫૪૧ રૂપિયા, ડિવીઝ લૅબ ૧૧૪૨ રૂપિયા નજીકની નવી ટોચે ગયા બાદ સાડાત્રણ ટકાની તેજીમાં ૧૧૨૫ રૂપિયા, ક્રેબ્સ બાયો પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૭ રૂપિયાની મલ્ટિયર ટોચે, સન ફાર્મા ઍડ્વાન્સ્ડ રિસર્ચ (સ્પાર્ક) ૫૧૧ રૂપિયાના બેસ્ટ લેવલ બાદ પોણાઆઠ ટકાના ઉછાળે ૪૯૯ રૂપિયા, વૉકહાર્ટ ૯૩૫ રૂપિયાની ૧૬ મહિનાની ઊંચી સપાટી નોંધાવી પોણાત્રણ ટકાના જમ્પમાં ૮૯૨ રૂપિયા, ઇન્ડસ્વીટ લૅબ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૪ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ હતા. સમગ્ર ફાર્મા ઉદ્યોગ સાથે ૯૪ શૅર વધ્યા હતા, ૪૨ જાતો નરમ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK