S&Pને અવગણીને ભારતીય બજારની સળંગ આઠમા દિવસે આગેકૂચ

અદાણી ગ્રુપના શૅરમાં પ્રૉફિટ-બુકિંગ : ઇમામી, DLF, ઝી એન્ટરપ્રાઇઝિસ, TVS મોટર, TV૧૮ બ્રૉડકાસ્ટ વર્ષની ટોચે : રાઇટ ઇશ્યુની ચિંતાએ લક્ષ્મી વિલાસ બૅન્કમાં નુકસાની

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

S&Pના જડ વલણને અવગણીને ભારતીય શૅરબજારની સળંગ આઠમા દિવસે આગેકૂચ જારી રહી હતી. આમ તો બજાર પાછલા બંધથી નીચલા ગૅપમાં ૩૩,૬૪૦ના મથાળે ખૂલીને બપોર સુધીમાં સાંકડી રેન્જમાં અથડાઈ ૩૩,૫૪૦ની ઇન્ટ્રા-ડે તળિયે ક્વૉટ થઈ હતી. જોકે બપોર બાદ પસંદગીયુક્ત સ્ટૉકમાં મજબૂત લેવાલી નીકળતાં બજાર નોંધપાત્ર રિકવરી દર્શાવી ૩૩,૭૫૪ની ટોચે પહોંચી અંતે ૪૫ પૉઇન્ટના સુધારામાં ૩૩,૭૨૪ના મથાળે બંધ રહી હતી તો બેન્ચમાર્ક નિફ્ટી ૧૦ પૉઇન્ટ વધીને ૧૦,૩૯૯ના સ્તરે બંધ હતો. કામકાજ દરમ્યાન આ બેન્ચમાર્ક નીચામાં ૧૦,૩૪૦ અને ઉપરમાં ૧૦,૪૦૭ સુધી ગયો હતો. મૂડીઝ દ્વારા રેટિંગ અપગ્રેડશન બાદ અગ્રણી એજન્સી S&P દ્વારા પણ રેટિંગમાં સુધારા થવાની વ્યાપક ધારણા હતી. જોકે ધારણાથી વિપરીત S&Pએ રેટિંગ યથાવત રાખ્યું છે જે એક રીતે ભારતીય અર્થતંત્ર પ્રત્યે રેટિંગનો બેરિશ વ્યુ દર્શાવે છે અને રેટિંગ અપગ્રેડેશન માટે હજી ઘણું બધું કરવાનું બાકી હોવાનું સરકારને જણાવ્યું છે. S&Pના આ વલણથી માર્કેટ ઍનૅલિસ્ટોએ બજારમાં કરેક્શનની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે નવેમ્બર વલણ નજીક હોવાથી નિફ્ટીને ઊંચા મથાળે ટકાવી રાખવા માટે ખેલાડીઓ કામે લાગતાં બજારને ટેકો મળ્યો છે અને સળંગ આઠમા દિવસે સુધારો જળવાઈ રહ્યો છે. નિફ્ટી-૫૦માં ફિફ્ટી-ફિફ્ટી અને સેન્સેક્સના ૩૧માંથી ૧૭ શૅર પ્લસ હતા જેમાં NTPC ૩.૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા, ONGC દોઢ ટકા, SBI, વિપ્રો, લાર્સન, HDFC, કોટક બૅન્ક, ભારતી ઍરટેલ, સન ફાર્મા, કોલ ઇન્ડિયા, મારુતિ સુઝુકીના શૅર સાધારણથી લઈ એક ટકા જેટલા વધ્યા હતા. તો બીજી બાજુ ઇન્ફોસિસ સવા ટકા, અદાણી પોર્ટ્સ ૧.૧ ટકા, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, બજાજ ઑટો, પાવર ગ્રિડ, HUL અને ITCના શૅરમાં અડધાથી એક ટકા સુધીની નરમાઈ જોવા મળી હતી.

અદાણી ગ્રુપના શૅર એકંદરે નરમ

ઑસ્ટ્રેલિયા ખાતેના ક્વીન્સલૅન્ડની ચૂંટણીમાં ડાબેરી ઝોકવાળી લેબર પાર્ટી વિજયી થવાના પગલે અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી તેમ જ વિવાદાસ્પદ કારમાઇકલ કોલ પ્રોજેક્ટ આડે ફરીથી અવરોધ આવવાની આશંકા ઊભી થઈ છે. કોલ પ્રોજેક્ટ માટે ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ તરફથી આશરે ૬૯ કરોડ ડૉલરની લોન મળવાની શક્યતા હવે ધૂંધળી બની છે. એની સીધી અસર ગઈ કાલે શૅરના ભાવ પર જોવાઈ હતી. ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ નીચામાં ૧૪૭ રૂપિયા થયા બાદ છેલ્લે સવા ટકા ઘટીને ૧૫૧ રૂપિયા બંધ હતો. અદાણી પોર્ટ્સ પ્રમાણમાં પાંખા કામકાજમાં ૩૯૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવા ટકાની નરમાઈમાં ૪૦૦ રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન નીચામાં ૧૯૬ રૂપિયા થયા પછી બે ટકા ઘટીને ૧૯૭ રૂપિયા તથા અદાણી પાવર સાડાત્રણ ટકા વધીને ૩૭ રૂપિયા બંધ હતા. દરમ્યાન અનિલ અંબાણી ગ્રુપની નાદારી ટાળવા ઝઝૂમી રહેલી રિલાયન્સ કમ્યુનિકેશન્સ ગઈ કાલે સરેરાશ કરતાં ચોથા ભાગના કામકાજમાં સવા ટકાની નબળાઈમાં ૧૩ રૂપિયા બંધ રહી છે. ગ્રુપના અન્ય શૅર સાધારણ સુધારામાં જોવાયા હતા. રિલાયન્સ હોમ ઉપરમાં ૮૦ રૂપિયા નજીક જઈ છેલ્લે પોણાત્રણ ટકા વધીને ૭૯ રૂપિયા હતો.

દાલમિયા ભારત વિક્રમી સપાટીએ

સિમેન્ટ ઉત્પાદક દાલમિયા ભારત ગઈ કાલે ૩૧૭૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે પાંચ ટકાની મજબૂતીમાં ૩૨૨૦ રૂપિયા બંધ હતો. બે રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૬૨૭ રૂપિયા છે. કંપની દ્વારા નાગપૂરસ્થિત મુરલી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરવા બીડ કરાઈ હોવાના અહેવાલ છે. મુરલી ઇન્ડસ્ટ્રીઝના માથે ૧૮૦૦ કરોડ રૂપિયાનું બૅન્કરોનું દેવું છે. કંપનીને નાદારીની કોર્ટમાં લઈ જવાઈ છે. દાલમિયા ભારત તરફથી ૮૦ ટકાના હેર-કટથી અર્થાત ૧૮૦૦ કરોડ રૂપિયાની લોન સામે ૩૬૦ કરોડ રૂપિયામાં પતાવટ કરી મુરલી ઇન્ડસ્ટ્રીઝને ખરીદવા માટે તૌયારી બતાવાઈ હોવાનું કહેવાય છે. વિદેશી ફન્ડ હાઉસ ડ્યુશ બૅન્ક તરફથી જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાં ૮૩૦ રૂપિયાના ટાગેર્ટ સાથે વર્તમાન રોકાણ જાળવી રાખવાની સલાહ અપાઈ છે. શૅર ગઈ કાલે ૭૯૧ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે એક ટકાની આસપાસ ઘટાડામાં ૭૮૯ રૂપિયા બંધ હતો.  લાર્સન-ટુબ્રોની કન્સ્ટ્રક્શન સબસિડિયરીને વિવિધ સેગમેન્ટમાંથી ૩૫૭૨ કરોડ રૂપિયાના નવા ઑર્ડર મળ્યાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ઉપરમાં ૧૨૩૦ રૂપિયા બતાવી અંતે અડધો ટકો વધી ૧૨૨૩ રૂપિયા બંધ રહ્યો હતો. માઇન્ડટ્રીમાં ક્રેડિટ સ્વીસ તરફથી ૬૦૦ રૂપિયાના ટાગેર્ટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ અપાતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૫૫૪ રૂપિયા થઈ અંતે સાત ટકાના ઉછાળે ૫૫૦ રૂપિયા બંધ હતો.

GHCL વૉલ્યુમ સાથે નવા ઊંચા શિખરે

કૉમોડિટી કેમિકલ્સ બિઝનેસમાં પ્રવૃત્ત GHCLમાં DSP બ્લૅકરૉક મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા NSE ખાતે સરેરાશ ૨૭૨ રૂપિયાના ભાવે સાડાનવ લાખ શૅર બલ્ક ડીલમાં લેવાયાના સમાચાર પાછળ ગઈ કાલે ભાવ ૩૧૪ રૂપિયાના ઐતિહાસિક શિખરે જઈ છેલ્લે સાડાદસ ટકાની તેજીમાં ૩૦૨ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ આશરે ૧૨ ગણું હતું. ઝુઆરી ગ્લોબલ બીજા દિવસની તેજીમાં ૩૨૦ રૂપિયાની નવી ઊંચી સપાટી મેળવી પાંચ ગણા કામકાજમાં ૧૮ ટકાના ઉછાળે ૩૧૫ રૂપિયા બંધ હતો. વર્ષ પૂર્વે આ શૅરનો ભાવ ૯૦ રૂપિયા આસપાસ હતો. ડેટ-ફ્રી આ કંપની ચંબલ ફર્ટિલાઇઝર્સમાં ૧૪ ટકા હોલ્ડિંગ ધરાવે છે જેની માર્કેટવૅલ્યુ ૯૦૦ કરોડ રૂપિયા જેવી બેસે છે. ઝુઆરીનું ગ્રુપ કંપનીઓમાંનું કુલ હોલ્ડિંગ ૧૪૦૦ કરોેડ રૂપિયા પ્લસનું છે. એની સામે હાલમાં આખી કંપનીનું માર્કેટકૅપ ૯૧૭ કરોડ રૂપિયા છે! ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૬૮૪ રૂપિયા છે. મેઇડન બોનસ બાકી છે. કંપની દ્વારા નવેમ્બર ૧૯૯૬ તથા મે ૧૯૯૭માં શૅરદીઠ એકના ધોરણે ભાવોભાવ રાઇટ કરાયા હતા. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ જબરી તેજીમાં છે. ભાવ ગઈ કાલે ૨૦૪ રૂપિયાને વટાવી નવી વિક્રમી સપાટીએ ગયા બાદ છેલ્લે પાંચ ટકાની આગેકૂચમાં ૧૯૮ રૂપિયા બંધ આવ્યો છે. સપ્તાહ દરમ્યાનનું બૉટમ ૧૨૦ રૂપિયાનું હતું.

સ્કિપરને ઇઝરાયલી ટાઇ-અપ ફળ્યું

સ્કિપર લિમિટેડ દ્વારા ડ્રીપ ઇરિગેશન ક્ષેત્રે વૈશ્વિક ખેલાડી ગણાતી ઇઝરાયલની કંપની મેટઝરપ્લાસ સાથે ટાઇ-અપ કરવાની યોજના પાછળ શૅર સળંગ બીજા દિવસે વધી ઉપરમાં ૨૯૨ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી અંતે ચાર ગણાથી વધુના કામકાજમાં સાડાપાંચ ટકાની તેજીમાં ૨૭૭ રૂપિયા રહ્યો છે. ફેસવૅલ્યુ એક રૂપિયા અને બુકવૅલ્યુ ૪૮ રૂપિયા આસપાસ છે. ઇન્ડસ્ટ્રીના ૩૦ પ્લસના P/E સામે હાલમાં આ કાઉન્ટર ૨૫ના P/E પર ચાલે છે. પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કૅપિટલ સ્ક્વેર પાર્ટનર્સ દ્વારા એસ્સાર ગ્રુપની BPO કંપની એજીસને ૩૦ કરોડ ડૉલરમાં ખરીદી લેવાઈ છે. આ ૨૦૦૦ કરોડ રૂપિયાની રોકડીમાંથી એસ્સાર ગ્રુપ તરફથી ઍક્સિસ બૅન્કને લેણા પેટે ૧૦૦૦ કરોડ રૂપિયા ચૂકવી દેવાયા હોવાના અહેવાલ પાછળ ઍક્સિસ બૅન્કનો શૅર ગઈ કાલે ઉપરમાં ૫૪૫ રૂપિયા થઈ છેલ્લે પોણાત્રણ ટકાના સુધારામાં ૫૬૦ રૂપિયા બંધ રહ્યો છે. બીજી તરફ લક્ષ્મી વિલાસ બૅન્ક તરફથી રાઇટ ઇશ્યુની રેકૉર્ડ-ડેટ ૬ ડિસેમ્બર નક્કી થઈ છે. બૅન્કનો રાઇટ ઇશ્યુ બિનઆકર્ષક ભાવે થઈ રહ્યો હોવાના કારણે શૅર સળંગ બીજા દિવસની નબળાઈમાં ગઈ કાલે નીચામાં ૧૬૪ રૂપિયા થઈ છેલ્લે છ ટકાની ખરાબીમાં ૧૬૮ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK