સેન્સેક્સ-નિફ્ટીમાં સામસામા રાહ સાથે નવેમ્બર વલણનો સુસ્ત આરંભ

હેડલબર્ગ સિમેન્ટનો નફો બેવડાતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ : નબળાં પરિણામ બાદ PVR નીચલા મથાળેથી ૧૦૦ રૂપિયા બાઉન્સબૅક : યુનાઇટેડ સ્પિરિટ્સમાં ૬૦૦ રૂપિયાનો શરાબી જમ્પ : ટેલિકૉમ શૅરોમાં ખરાબી વચ્ચે તાતા ટેલિમાં ઉપલી સર્કિટનો સિલસિલો જારી


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

દિવસ દરમ્યાન ૧૭૫ પૉઇન્ટની ઠીકઠાક વધ-ઘટમાં અથડાઈને સેન્સેક્સ ગઈ કાલે ૧૦ પૉઇન્ટ વધીને ૩૩૧૫૭ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૩૩૨૮૬ તો નિફ્ટી ૧૦૩૬૬ની સર્વોચ્ચ સપાટીએ ગયા હતા. નિફ્ટી છેલ્લે ૨૧ પૉઇન્ટ જેવા ઘટાડે ૧૦૩૨૩ બંધ આવ્યો છે. ટ્રેડિશનલ રેશિયો જોતાં નિફ્ટીના ઘટાડાના સંદર્ભમાં ખરેખર તો સેન્સેક્સ કમસે કમ ૭૦ પૉઇન્ટ માઇનસમાં બંધ રહેવો જોઈતો હતો. BSEનું માર્કેટકૅપ ગઈ કાલે ૧૪૨.૭૮ લાખ કરોડ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ ગયું છે. માર્કેટ-બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ રહી છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨.૩૭ ટકા વધ્યો છે જે ૭ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક સુધારો કહી શકાય. નિફ્ટી વીકલી ધોરણે પોણાબે ટકા ઊંચકાયો છે. બજાર બંધ થયા પછી જાહેર થયેલાં પરિણામમાં ICICI બૅન્કનો નેટ પ્રૉફિટ ૨૦ ટકાની ધારણા સામે ૩૪ ટકા જેવો ઘટીને ૨૦૫૮ કરોડ રૂપિયા આવ્યો છે. સોમવારે બૅન્ક શૅરમાં નરમાઈનું એક કારણ મળી ગયું છે. IOC દ્વારા ૬૦૨૩ કરોડ રૂપિયાની બજારની એકંદર ધારણા સામે ૧૮.૭ ટકાના ઘટાડામાં ૩૬૯૬ કરોડ રૂપિયાનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર પાંચેક ટકા લપસીને ૪૧૪ રૂપિયા બંધ રહ્યો છે. ગ્રોસ રિફાઇનિંગ માર્જિન વર્ષ પૂર્વે બૅરલદીઠ ૭.૧ ડૉલર હતું એ ઘટીને આ વખતે ૬.૦૮ ડૉલરે આવી ગયું છે. હેડલબર્ગ સિમેન્ટનો ત્રિમાસિક ચોખ્ખો નફો બેવડાઈને ૩૩૨ લાખ રૂપિયા થતાં ભાવ ૨૫ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૧૫૬ રૂપિયાના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. ઇન્ડોનેશિયા, તાઇવાન અને પાકિસ્તાનને બાદ કરતાં એશિયન બજારો પ્રમાણમાં સારા સુધર્યા હતા. જૅપનીઝ નિક્કી સવા ટકો વધીને ૨૨૦૦૮ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યો છે. યુરોપ રનિંગ ક્વોટમાં પોણા ટકા સુધી ઉપર દેખાતુ હતું.

PSU બૅન્કોના શૅરમાં મોટી ખરાબી


સરકાર દ્વારા બે લાખ કરોડ પ્લસ રૂપિયાની મૂડીસહાયતા સ્કીમની જાહેરાત સાથે જોરદાર અને ખરું કહીએ તો અવાસ્તવિક તેજી દાખવનારા જાહેર ક્ષેત્રની બૅન્કના શૅર ઝડપથી ઘટવાનું શરૂ થયું છે. હકીકતમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના રીકૅપિટલાઇઝેશનથી આડે ગયેલી PSU બૅન્કોનું દળદર ફિટવાનું નથી. ૨૦૧૯થી બેઝલ-૩ નૉર્મ્સ લાગુ થવાના છે. એનું પાલન કરવા બૅન્કોને બીજા પાંચ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. વળી બૅડ લોન અને NPAનો આંકડો ૧૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચવા આવ્યો છે, પરંતુ સ્ટ્રેસ્ડ લોનનો કુલ આંકડો ગણતરીમાં લેવાય તો આંકડો સહેજેય ૧૮થી ૨૦ લાખ કરોડ થવા જાય છે. આ તો ડેરિવેટિવ્ઝનું સેટલમેન્ટ માથે હતું એટલે કાબા અને મોટા ગજાના તેજીના ખેલાડીઓએ રીકૅપિટલાઇઝેશનની થીમ પાછળ બૅન્ક નિફ્ટી તેમ જ નિફ્ટીને ખેંચવાની તક ઝડપી લઈને મંદીવાળાનાં લૂગડાં ઉતારી લીધાં. બાકી બૅન્કોની બૅલૅન્સશીટ હજી બગડવાની છે. બૅન્ક શૅર વધુ ભીંસમાં આવવાના છે એ લખી રાખજો.

બાય ધ વે, ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી આમ તો પોણા ટકા જેવા નરમ હતા. પરંતુ PSU બૅન્ક નિફટી બારેબાર શૅરના ધબડકામાં સવાચાર ટકા તૂટ્યો હતો. PSU સેગમેન્ટની તમામ ૨૧ બૅન્કના શૅર માઇનસમાં હતા અને ઘટાડો બેથી આઠ ટકાની રેન્જમાં હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦ જાતોમાંથી ૯ શૅર પ્લસ હતા; જેમાં જેકે બૅન્ક ૩.૪ ટકાના જમ્પમાં મોખરે હતો. યસ બૅન્કની બૅડ લોન બમણી થતાં ભાવ ૭ ગણા કામકાજમાં ૨૯૯ રૂપિયાના તળિયે જઈ છેલ્લે ૭.૪ ટકા ખરડાઈને ૩૦૭ રૂપિયા રહ્યો હતો. ICICI બૅન્ક પરિણામ પૂર્વે નીચામાં ૨૮૫ થઈ અંતે અડધો ટકો વધીને ૩૦૧ રૂપિયા હતો. અલાહાબાદ બૅન્ક, PNB, IDBI બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, OBC બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સિન્ડિકેટ બૅન્ક, યુકો બૅન્ક, આંધ્ર બૅન્ક, કૅનરા બૅન્ક, દેના બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક વગેરે જેવા દોઢ ડઝન PSU બૅન્ક શૅર ચાર ટકાથી લઈ આઠ ટકા સુધી તૂટ્યા હતા. સ્ટેટ બૅન્ક ત્રણ ટકાના ઘટાડે ૩૧૧ રૂપિયા હતો.

લિકર શૅરોમાં શરાબી મસ્તી

શુક્રવારે લિકર શૅરો શરાબી મસ્તીમાં હતા. યુનાઇટેડ સ્પિરિટનો ત્રિમાસિક નફો ૮૬ ટકા વધીને આવતા શૅર રોજના સરેરાશ ૨૪૦૦૦ સામે ૭.૨૭ લાખના વૉલ્યુમમાં ૩૧૭૫ રૂપિયાની ડિસેમ્બર ૨૦૧૫ પછીની ટૉપ બનાવી છેલ્લે ૧૮ ટકાના જમ્પમાં ૩૦૩૭ રૂપિયા હતો. ગ્લોબસ સ્પિરિટ્સ ૧૫.૬ ટકા વધીને ૧૦૧ રૂપિયા, GM બ્રુઅરીઝ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૭૭૦ રૂપિયાની સવા વર્ષની ટોચે, પાયોનિયર ડિસ્ટિલરીઝ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૦૬ રૂપિય બંધ હતા. MP ડિસ્ટિલરીઝ, પિનકોન સ્પિરિટ, રેડિકો ખૈતાન, રવિકુમાર ડિસ્ટિલરીઝ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, યુનાઇટેડ બ્રુઅરીઝ, સોમ ડિસ્ટિલરીઝ જેવી જાતો બેથી આઠ ટકા ઉપર હતી. ઇન શૉર્ટ, લિકર સેગમેન્ટમાં એક પણ શૅર ઘટેલો નહોતો. અચ્છે દિન તો હજી આવ્યા નથી, ઊલટું અર્થતંત્ર સ્લોડાઉનનો ભોગ બની ગયું છે. લાગે છે કે હવે મંદીનો ગમ ગલત કરવાનો વિકલ્પ લોકોએ શોધી લીધો છે.

ટેલિકૉમ ઇન્ડેક્સ પાંચ ટકા કટ થયો


ટેલિકૉમ ઇન્ડેક્સ બુધવારે ૧૬૬૩ની વિક્રમી સપાટી બાદ વ્યાપક પ્રૉફિટ બુકિંગના પગલે ઘટવા માંડ્યો છે. ગઈ કાલે તો આ બેન્ચમાર્ક ૧૫૭૩ થઈ છેલ્લે પાંચ ટકાથી વધુની ખુવારીમાં ૧૫૭૮ બંધ આવ્યો છે. ભારતી ઇન્ફ્રાટેલ ૧૯ ગણા વૉલ્યુમમાં આઠ ટકાની ખુવારીમાં ૪૧૯ રૂપિયા તો ભારતી ઍરટેલ સરેરાશ કરતાં ચોથા ભાગના કામકાજમાં પાંચ ટકાના ધોવાણમાં ૪૮૫ રૂપિયા બંધ હતા. આઇડિયા સેલ્યુલર ચારેક ટકા, તાતા કમ્યુનિકેશન્સ ત્રણ ટકા, ITI અને MTNL બબ્બે ટકા નરમ હતા. તાતા ટેલિ ઉપલી સર્કિટનો શિરસ્તો બરકરાર રાખીને ૭.૮૩ રૂપિયા બંધ હતો. ય્કૉમ અડધા ટકાના સુધારામાં ૧૬ રૂપિયા નજીક રહ્યો છે. મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુરુવારે ૯૫૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બાદ પ્રત્યાઘાતી ઘટાડામાં ૧.૯ ટકા ઘટીને ૯૨૯ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને સર્વાધિક ૬૨ પૉઇન્ટની હાનિ થઈ હતી.

મારુતિ સુઝુકી વિક્રમી સપાટીએ

મારુતિ સુઝુકી દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩.૪ ટકાના વૃદ્ધિદરથી ૨૪૮૪ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સાથે પ્રોત્સાહક પરિણામ રજૂ થતાં શૅર ગઈ કાલે ૮૨૪૨ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે અડધા ટકા જેવા સુધારામાં ૮૧૧૫ રૂપિયા નજીક બંધ હતો. હેવી વેઇટ ITC દ્વારા ૬ ટકાના વધારામાં ૨૬૪૦ કરોડ રૂપિયાનો ત્રિમાસિક નફો દર્શાવાયો છે. જોકે ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન એક ટકો ઘટીને ૩૬.૫ ટકા રહેવાના વસવસામાં શૅર ૨૭૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૨૬૮ રૂપિયાની અંદર જઈને અંતે સાધારણ વધીને ૨૬૯ રૂપિયા હતો. યુનાઇટેડ સ્પિરિટ્સ સારાં પરિણામના પગલે ૨૫૭૫ રૂપિયાના આગલા બંધથી ૬૦૦ રૂપિયા ઊછળી ૩૧૭૫ના શિખરે જઈ છેલ્લે ૧૭.૬ ટકાની તેજીમાં ૩૦૨૯ રૂપિયા બંધ હતો. મલ્ટિપ્લેક્સ કંપની PVR લિમિટેડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ધારણા કરતાં મોટા એવા પોણાચૌદ ટકાના ઘટાડે ૨૫૧૭ લાખ રૂપિયા રહેતાં શૅર ચાર ગણા કામકાજમાં ૧૪૧૭ રૂપિયાના આગલા બંધ સામે ખરાબીમાં ૧૩૩૫ રૂપિયા થઈ બાઉન્સબૅક થતાં ૧૪૩૫ રૂપિયાના લેવલે ગયો હતો અને છેલ્લે સાધારણ સુધારામાં ૧૪૨૧ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK