શૅરબજારમાં ૨૦૧૭ના ચાલુ વર્ષની સૌથી લાંબી એવી સળંગ સાત દિવસની નરમાઈ

સપ્ટેમ્બર વલણની પૂર્વસંધ્યાએ બજાર ૪૪૦ પૉઇન્ટ ગગડીને ત્રણ મહિનાના તળિયે, વર્તમાન કરેક્શનમાં રોકાણકારોને ૬.૩૨ લાખ કરોડ રૂપિયાનો ફટકો : બન્ને બજારમાં તમામ બેન્ચમાર્ક ઘટીને બંધ : સરકારી બૅન્કોમાં વધતી ખુવારી, PSU બૅન્ક નિફ્ટી આઠ મહિનાની નીચી સપાટીએ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

મીનિંગફુલ કરેક્શનની દિશામાં આગળ ધપતું શૅરબજાર આગલા બંધ સામે બુધવારે ૧૮૫ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલી ૩૧૭૯૭ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી તરત જ લપસવા માંડ્યું હતું જેમાં એક તબક્કે ઉપલા મથાળેથી ૬૯૭ પૉઇન્ટના ધબડકામાં ૩૧૧૦૦ની બૉટમ બની હતી. માર્કેટ અંતે ૪૪૦ પૉઇન્ટના ધોવાણમાં ૩૧૧૬૦ નજીક બંધ આવ્યું છે. નિફ્ટી ૯૯૨૧ની ઇન્ટ્રા-ડે ટૉપથી ૨૦૭ પૉઇન્ટ લથડ્યા બાદ છેવટે ૧૩૬ પૉઇન્ટના ગાબડામાં ૯૭૩૬ની અંદર જોવા મળ્યો છે. સળંગ સાત દિવસની નરમાઈના પગલે બજાર હવે ત્રણ મહિનાની નીચી સપાટીએ આવી ગયું છે. માર્કેટની માયૂસી માટે મ્યાનમાર બૉર્ડર પર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકની વાત ચેનલિયા અમુક પંડિતો ચગાવી રહ્યા છે. જોકે મૂળ વાત એ છે કે બજારનો સરકાર પરનો અંધવિશ્વાસ કે અંધ-ભક્તિનો દોર હવે લાંબો ચાલી શકે એમ નથી. વિશ્વબજારમાં ક્રૂડ ૨૬ મહિનાની ટોચે ગયું હોવા છતાં હજી ૬૦ ડૉલરના લેવલથી દૂર છે. ત્યાં જ ઘરઆંગણે પેટ્રોલ લીટરદીઠ ૮૦ રૂપિયાને વટાવી ગયું છે. ડૉલર સામે રૂપિયો સાડાછ-સાત મહિનાના તળિયે પહોંચી ગયો છે. FII નેટ વેચવાલીના મૂડમાં છે. જોકે આક્રમક વેચવાલી હજી શરૂ થઈ નથી. ADB તરફથી ચાલુ વર્ષના આર્થિક વિકાસદરના અંદાજમાં અડધા ટકા જેવું ડાઉનગ્રેડિંગ જાહેર થયું છે. બીજા ઇન્સ્ટિટ્યુશન એને અનુસરવાનાં છે. ચાલુ મહિનાના પ્રથમ ક્વૉર્ટરમાં જ રાજકોષિય ખાધ બજેટઅંદાજના ૯૨ ટકા નોંધાઈ છે અને હજી બીજા ૯ મહિના કાઢવાના બાકી છે. ક્રૂડ ૧૦૦ ડૉલર નહીં, ૭૦ ડૉલર પણ થયું એટલે અહીં ધોતિયાં ઢીલાં થવા માંડશે.

ઑલરાઉન્ડ ખરાબીમાં બધું રેડ ઝોનમાં

ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૨૯ તો નિફ્ટીના ૫૧માંથી ૪૬ કાઉન્ટર ઢીલાં હતાં. બન્ને બજાર ખાતે સમ ખાવા પૂરતો એકેય ઇન્ડેક્સ પ્લસ નહોતો. મિડકૅપ, સ્મૉલકૅપ, બ્રૉડર માર્કેટ અને નિફ્ટી ૫૦૦ જેવા બેન્ચમાર્ક દોઢથી અઢી ટકા તૂટ્યા હતા. સરવાળે માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ હતી. NSE ખાતે ૧૭૫૬ શૅરમાં સોદા પડ્યા હતા જેમાંથી વધેલા શૅરની સંખ્યા ૨૬૧ કે માંડ ૧૫ ટકા હતી. ફાર્મા ઉદ્યોગના ૧૩૧ શૅરમાંથી ફક્ત ૧૯, બૅન્કિંગના ૪૦માંથી બે, શુગર ઉદ્યોગના ૩૪માંથી ૪, ટેક્સટાઇલ સેક્ટરના ૧૬૧માંથી ૨૯, ટૂ-થ્રી વ્હીલર્સ ક્ષેત્રના ૧૧માંથી એક,  સિમેન્ટ ઉદ્યોગના ૪૪માંથી ૭, હેવી ઇલેક્ટ્રિકલ સેગમેન્ટના ૨૮માંથી ૩, ખાતર ઉદ્યોગના ૧૯માંથી બે શૅર સુધર્યા હતા. BSE ખાતે ભાવની રીતે ગઈ કાલે ૪૬ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ઊંચી સપાટીએ ગયા હતા. સામે ૯૪ કાઉન્ટરમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં. ‘એ’ ગ્રુપના ૩૪૦માંથી વધેલા શૅરનું પ્રમાણ દસેક ટકા કે ૩૬ શૅરનું હતું. ‘બી’ ગ્રુપ ખાતે ૧૧૪૨માંથી ૯૭૦ શૅર માઇનસ હતા. ડિવીઝ લૅબ USFDAની વૉનિંગ નોટિસમાં સાડાઅગિયાર ટકા કે ૧૧૧ રૂપિયા તૂટીને ૮૫૦ રૂપિયા બંધ હતો.    

ICICI લોમ્બાર્ડનું લિસ્ટિંગ ઝમક વગરનું

જનરલ ઇન્શ્યૉરન્સ બિઝનેસમાં પ્રવૃત્ત ICICI લોમ્બાર્ડનો IPO શૅરદીઠ ૬૬૧ રૂપિયાની ઇશ્યુપ્રાઇસ સામે ગઈ કાલે લિસ્ટિંગમાં BSE ખાતે બિલોપાર ૬૫૦ રૂપિયા ખૂલી નીચામાં ૬૩૮ રૂપિયા થયો હતો. ત્યાંથી શાર્પ બાઉન્સબૅકમાં ૬૯૪ રૂપિયાની ટોચ બતાવી છેલ્લે ૬૩૮ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ ૫૯ લાખ શૅરનું હતું. NSE ખાતે ભાવ ૬૫૧ ખૂલી નીચામાં ૬૩૯ રૂપિયાની અંદર જઈ ઉપરમાં ૬૯૪ રૂપિયા થયા બાદ અંતે ૬૮૧ રૂપિયા રહ્યો છે. અહીં વૉલ્યુમ ૩૪૬ લાખ શૅરનું હતું. ૫૭૦૦ કરોડ રૂપિયાનું આ ભરણું રીટેલમાં ૧.૮ ગણું અને HNI પૉર્શનમાં ૮૨ ટકા સહિત કુલ ત્રણગણું ભરાયું હતું. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલા IPOમાં ૨૫૦ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો કૅપેસિટી ઇન્ફ્રા ગઈ કાલે ઉપરમાં ૩૭૦ થઈ છેલ્લે ૨.૭ ટકા વધીને ૩૪૮ રૂપિયા નજીક, ૯૮૫ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો મૅટ્રિમની ડૉટકૉમ ઉપરમાં ૮૧૬ બતાવી અંતે ૧.૭ ટકા ઘટીને ૭૮૮ રૂપિયા, ભારત રોડ નેટવર્ક સવા ટકો ઘટીને ૧૯૩ રૂપિયા, ડિક્સન ટેક્નૉ ૨૭૦૯ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧.૩ ટકા ઘટીને ૨૫૯૦ રૂપિયા તો એપેક્સ ફ્રોઝન ૧૦ ટકાની તેજીમાં ૩૨૧ રૂપિયા નજીક બંધ હતા.

મનપસંદ, મોઇલ એક્સ-બોનસમાં ઘટ્યા

ગઈ કાલે મનપસંદ બેવરેજિસ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ઉપરમાં ૪૯૦ અને નીચામાં ૪૫૦ બતાવી છેલ્લે ઍડ્જસ્ટ પ્રાઇસ પ્રમાણે સાડાત્રણ ટકા ગગડીને ૪૫૯ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ લેટ હતું. સરકારી કંપની MOIL પણ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે સવાત્રણ ગણા કામકાજમાં ૧૯૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૮૦ રૂપિયા થઈ છેલ્લે ૪.૭ ટકાની ખરાબીમાં ૧૮૫ રૂપિયા બંધ હતો. જ્યારે લૉયલ ઇક્વિપમેન્ટ શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ ડેટ ૨૮ સપ્ટેમ્બર હોવાથી ગઈ કાલે એક્સ-બોનસ થવા છતાં કોઈ કામકાજ નહોતાં. શૅર આગલા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૧ રૂપિયાના લેવલે સ્ક્રીન પર દેખાતો હતો. આ શૅર માત્ર BSEમાં લિસ્ટેડ છે. PSU ઇજનેરી જાયન્ટ ભેલમાં બે શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ ડેટ ૩૦ સપ્ટેમ્બર હોવાથી શૅર ગુરુવારે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૩૦ અને નીચામાં ૧૨૪ બતાવી અંતે અઢી ટકા ઘટીને ૧૨૪ રૂપિયા હતો. અન્ય સરકારી કંપની ભારત ઇલેક્ટ્રૉનિક્સ પણ ૧૦ શૅરદીઠ એક બોનસ શૅરમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ૩.૪ ટકાની નબળાઈમાં ૧૭૬ રૂપિયા રહ્યો છે. વૉલ્યુમ ચાર ગણું હતું.

ડેન નેટવર્કમાં ઊભરો આવ્યો

બ્રૉડકાસ્ટિંગ - કેબલ ટીવી બિઝનેસમાં પ્રવૃત્ત ડેન નેટવર્ક્સ સરેરાશ ૪૮,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૫.૩૬ લાખ શૅરના કામકાજમાં ૮૭ રૂપિયાના આગલા બંધ સામે ૯૯ પ્લસ ખૂલ્યા બાદ છેલ્લે પોણાબે ટકાના સુધારામાં ૮૯ રૂપિયા પ્લસ બંધ રહ્યો છે. આગલા બંધથી તેજીના કડક ઊભરા માટે કંપનીમાં હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એન્ટ્રી લેવામાં આવશે એવી હવા કારણભૂત હતી. કંપની તરફથી આ બાબતે મીડિયાના અહેવાલ સંબંધે નરોવા કુંજરો વા જેવું સ્પષ્ટિકરણ થયું છે. ડેન નેટવર્ક્સને ટેકઓવર કરવાથી રિલાયન્સ માટે ૧૦૫ લાખ ડિજિટલ સબસ્ક્રાઇબર્સ સહિત આશરે ૧૩૦ લાખ હાઉસહોલ્ડ્સ હાથવગા થવાની ધારણા છે. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ અને ૪૭ રૂપિયાની બુકવૅલ્યુવાળી આ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૬.૮ ટકા જેવું છે જેમાંથી ૧૧.૫ ટકા માલ ગીરવી છે. FII પાસે ૧૭.૯ ટકા, સિંગાપોર સ્થિત બ્રૉડસ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટના ૨૧.૬ ટકા સહિત ફૉરેન કૉર્પોરેટ બૉડીઝ પાસે ૨૯.૨ ટકા માલ છે. ૧૦૭૭૬ જેટલા નાના શૅરધારકોનું હોલ્ડિંગ માંડ બે ટકાય નથી. દરમ્યાન ગઈ કાલે મીડિયા એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટના મોટા ભાગના શૅર નરમ હતા. ઝી મીડિયા, ટીવીવિઝન, ટીવી ટુડે નેટવર્ક, સનટીવી, શ્રી અધિકારી બ્રધર્સ, સબ ઇવેન્ટ, PVR, ઓરટેલ, મુક્તા આર્ટ્સ, ડિક્યુ એન્ટરટેઇનમેન્ટ, ઇરોઝ ઇન્ટરનૅશનલ, સિનેલાઇન, BAG ફિલ્મ્સ, સિનેવિસ્ટા જેવી જાતો ૩થી ૧૩ ટકા સુધી ખરડાઈ હતી. NDTV બૅક-ટુ-બૅક પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૧ રૂપિયા ઉપર બંધ હતો. હેથવે કેબલ ઉપરમાં ૩૩ નજીક જઈ અંતે પોણો ટકો વધીને ૩૦ રૂપિયા હતો.

PSU બૅન્ક નિફ્ટી ૮ મહિનાના તળિયે

ગઈ કાલે સેન્સેક્સના ૧.૪ ટકાના ધબડકા સામે બૅન્કેક્સ ૪૫૪ પૉઇન્ટ કે ૧.૭ ટકા, તો બૅન્ક નિફ્ટી ૩૮૬ પૉઇન્ટ કે ૧.૬ ટકા ખરડાયા હતા. બન્ને બેન્ચમાર્ક ખાતે તમામ શૅર માઇનસમાં હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીની દોઢ ટકાની નરમાઈ સામે PSU બૅન્ક નિફ્ટી ત્રણ ટકા લથડીને આઠેક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦ શૅરમાંથી માત્ર બે શૅર વધ્યા હતા જેમાં સેન્ટ્રલ બૅન્ક પોણાબે ટકાના સુધારામાં ૭૪ રૂપિયા નજીક બંધ હતો. વિજયા બૅન્ક નામ કે વાસ્તે સુધર્યો હતો. બીજી તરફ ઘટેલા ૩૮ બૅન્ક શૅરમાંથી ૨૮ શૅર દોઢ ટકાથી લઈને સાડાચાર ટકા જેવી ખુવારીમાં હતા. આંધ્ર બૅન્ક સર્વાધિક ૪.૬ ટકા ડૂલ થયો હતો. ICICI બૅન્ક સવાબે ટકા, HDFC બૅન્ક ૦.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૯ ટકા, ઍક્સિસ બૅન્ક એકાદ ટકો તથા કોટક મહિન્દ્ર બૅન્ક દોઢ ટકા જેવા ઘટીને બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૧૩૩ પૉઇન્ટનો માર પડ્યો હતો. હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૮૨૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૭૯૫ રૂપિયા બતાવી પ્રમાણમાં સારા કામકાજ સાથે અઢી ટકાની ખરાબીમાં ૭૯૮ રૂપિયા આસપાસ બંધ આવતાં બજારને સર્વાધિક ૭૨ પૉઇન્ટની હાનિ થઈ હતી. અદાણી પોર્ટ્સ પોણાપાંચ ટકાના કડાકામાં બન્ને માર્કેટના મુખ્ય બેન્ચ માર્કમાં ટૉપ લુઝર હતો.

રોકાણકારોના ૬.૩૨ લાખ કરોડ ગયા

BSEનું માર્કેટકૅપ ગઈ કાલે પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૧૩૦.૫૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે ૧૯ સપ્ટેમ્બરે ૧૩૬.૮૭ લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ હતું. અર્થાત્ કામકાજના ૬ દિવસમાં માર્કેટકૅપની રીતે હાલનું કરેક્શન રોકાણકારોને ૬.૩૨ લાખ કરોડ રૂપિયામાં પડ્યું છે. જ્યારે સેન્સેક્સ આ ૬ દિવસમાં ૧૨૪૨ પૉઇન્ટ તો સાત દિવસના સળંગ ઘટાડામાં કુલ મળીને ૧૨૬૪ પૉઇન્ટ ડાઉન થયો છે. નિફ્ટી આ ગાળામાં ૧૦૧૭૯ નજીકની ઇન્ટ્રા-ડેની રીતે ઑલટાઇમ હાઇથી ૪૬૫ પૉઇન્ટ ગગડીને ગઈ કાલે નીચામાં ૯૭૧૪ દેખાયો છે. ટકાવારીની રીતે બજારની સાત દિવસની પીછેહઠ કુલ મળીને માંડ ચાર ટકા થતી નથી. મીનિંગફુલ કરેક્શનની થિયરીવાળા માને છે કે બજાર હજી કમસે કમ પાંચ-સાત ટકા ઢીલું પડવું જોઈએ, મતલબ કે નિફ્ટી લગભગ ૯૨૦૦ની આસપાસ અને સેન્સેક્સ ૨૯૦૦૦ની અંદરનો થયો. આ ધોરણે રોકાણકારોને બીજો ઓછામાં ઓછો દસેક લાખ કરોડ રૂપિયાનો ફટકો વેઠવો રહ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK