ઑગસ્ટ વલણની વિદાય પહેલાં શૅરબજાર ૩૯,૦૦૦ થવાના મૂડમાં

ફાર્મા-હેલ્થકૅર ઇન્ડેક્સ સતત નવા શિખરે, ૧૫ ફાર્મા-શૅર લાઇફટાઇમ હાઈ : સાત બૅન્ક-શૅરની મજબૂતીથી શૅરબજારને ૧૮૭ પૉઇન્ટનો લાભ થયો : અદાણી ટ્રાન્સમિશન વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજીમાં બંધ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકન ફેડ તરફથી નાણાનીતિ ક્રમશ: કે ધીમા રાહે કડક બનાવવાનું આશ્વાસન જારી થતાં વૈશ્વિક શૅરબજારો ગઈ કાલે સાધારણથી લઈ બે ટકા કરતાં વધુ ઊંચકાયાં હતાં. હૉન્ગકૉન્ગનું બજાર ૬૦૦ પૉઇન્ટ કે ૨.૧ ટકાના ઉછાળે મોખરે હતું. ચાઇનામાં ૧.૯ ટકાની મજબૂતી હતી. ઘરઆંગણે ટેરિવેટિવ્સમાં ઑગસ્ટ વલણની પતાવટ માથે હોવાના ટાંકણે વિશ્વબજારોની હૂંફ મળી જતાં ઇન્ડેક્સ મૅનેજમેન્ટના ખેલાડીઓ પૂરા જોરમાં આવી ગયા હતા. સરવાળે સેન્સેક્સ ૩૮,૭૩૭ નજીક જઈ ૪૪૨ પૉઇન્ટના ઉછાળે ૩૮,૬૯૪ તથા નિફ્ટી ૧૧,૭૦૧ નજીક ગયા બાદ ૧૩૫ પૉઇન્ટની આગેકૂચમાં ૧૧,૬૯૨ આસપાસ ગઈ કાલે બંધ રહ્યાં છે. નવી સર્વોચ્ચ સપાટીની આ સપ્તાહથી શરૂ થયેલી રમતમાં સેન્સેક્સ આજકાલમાં ૩૯,૦૦૦ના નવા માઇલસ્ટોનને સર કરે તો નવાઈ નહીં. સન ફાર્માને બાદ કરતાં સેન્સેક્સના બાકીના ૩૦ શૅર ગઈ કાલે વધ્યા હતા. ચારેક ટકાની નજીકના ઉછાળે ૩૮૩ રૂપિયા બંધ આવી ભારતી ઍરટેલ મોખરે હતો. નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર અપ હતા. આરંભથી અંત સુધી ખાસ્સા મજબૂત રહેલા બજારની માર્કેટ-બ્રેડ્થ ગઈ કાલે નબળી રહી છે. મતલબ કે ૪૪૨ પૉઇન્ટનો ઉછાળો બહુધા સેન્સેક્સ બેઝ્ડ શૅર તેમ જ લાર્જ કૅપ જાતોને આભારી છે. રોકડું જોઈએ એવું ઝળક્યું નથી. રિયલ્ટી બેન્ચમાર્કના નજીવા ઘટાડાને અપવાદ ગણતાં તમામ ઇન્ડાઇસિસ સુધારામાં હતા. પાવર ઇન્ડેક્સ ૧૮માંથી ૧૨ શૅરના અજવાળામાં સર્વાધિક ૨.૪ ટકા ઊંચકાયો હતો. બૅન્કેક્સ, ટેક્નૉલૉજી, IT, ઑઇલ-ગૅસ, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકૉમ, ફાઇનૅન્સ, એનર્જી‍, બેઝિક મટીરિયલ્સ ઇત્યાદિ એકથી પોણાબે ટકા પ્લસ હતા. ૨૦૯ શૅર મંદીની સર્કિટમાં તો ૨૧૪ કાઉન્ટર તેજીની સર્કિટમાં બંધ હતાં. BSEમાં ૧૩૬ શૅર ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં હતાં. સામે પક્ષે ૧૨૦ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ જોવાયાં હતાં.

ઇન્ફીમાં ૧૬૦૦ના ટાર્ગેટ સાથે બાયનું રેટિંગ


IT અગ્રણી ઇન્ફોસિસ દ્વારા શૅરદીઠ એક બોનસ માટે પાંચ સપ્ટેમ્બરની રેકૉર્ડ ડેટ નક્કી કરાઈ છે. વધુમાં બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલ તરફથી અત્રે ૧૬૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયની ભલામણ આવી છે. શૅર ૧૭ ઑગસ્ટે તાજેતરમાં ૧૪૩૭ની વિક્રમી સપાટીએ ગયો હતો. ભાવ ગઈ કાલે સરેરાશ કરતાં અડધા કામકાજમાં ઉપરમાં ૧૪૧૯ થઈ અંતે અઢી ટકા વધીને ૧૪૧૫ રૂપિયા બંધ હતો. ટોચની IT જાયન્ટ TCS ઑલટાઇમ હાઈનો સિલસિલો આગળ ધપાવતાં ૨૦૫૮ના બેસ્ટ લેવલે જઈ અડધા ટકાની આગેકૂચ સાથે ૨૦૫૨ રૂપિયા બંધ હતો. વિપ્રો દોઢા વૉલ્યુમમાં દોઢ ટકા વધીને ૨૯૬ રૂપિયા, ટેક મહિન્દ્ર સરેરાશ કરતાં ૪૦ ટકા કામકાજમાં ૭૪૨ની નવી ઊંચી સપાટી મેળવી ૨.૭ ટકા વધીને ૭૩૮ રૂપિયા અને HCL ટેક્નૉલૉજીઝ દોઢ ટકા વધીને ૧૦૩૮ રૂપિયા રહ્યા હતા. BSEનો IT ઇન્ડેક્સ ૧૫,૩૦૪ની સર્વોચ્ચ સપાટી બાદ દોઢ ટકા વધીને ૧૫,૨૮૫ હતો. એના ૫૮માંથી ૩૩ શૅર પ્લસ હતા. NSEનો નિફ્ટી IT ઇન્ડેક્સ દસમાંથી ૧૦ શૅરની મજબૂતીમાં ૧૫,૩૪૦ની વિક્રમી સપાટીએ જઈ ૧.૭ ટકા વધીને ૧૫,૫૧૫ બંધ હતો. IT સેક્ટરના અન્ય શૅરમાં એમ્ફાસિસ, ઇન્ફોએજ ઇન્ડિયા, ઝેનસાર ટેક્નૉલૉજી પણ સોમવારે નવાં શિખરે ગયાં હતાં. ITની હૂંફ સાથે આઇનૉક્સ લિઝર, ભારતી ઍરટેલ, તાતા કમ્યુનિકેશન્સ, નવનીત એજ્યુકેશન, તેજસ નેટ એકથી પોણાપાંચ ટકા વધીને બંધ રહેતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨૯માંથી ૨૦ શૅરના સુધારામાં ૭૭૨૭ની ઑલટાઇમ હાઈ બનાવી દોઢ ટકા વધીને ૭૭૧૩ હતો.

ફાર્મા-શૅરમાં સિલેક્ટિવ આકર્ષણ જારી


ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ તેમ જ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ નવી મલ્ટિયર ટૉપ બનાવી વર્ષના નવા શિખરે બંધ રહ્યાં છે. જોકે સુધારાનું ટકાવારી પ્રમાણ અડધા ટકાની આસપાસ સીમિત હતું. આમ છતાં, ગઈ કાલે અમૃતાંજન હેલ્થકૅર, એસ્ટ્રાઝેનેકા, ડિવીઝ લૅબ, ડૉ. લાલ પેથલૅબ્સ, ફ્રેદુન ફાર્મા, GSK ફાર્મા, ગ્લેનમાર્ક, મર્ક, ફાઇઝર, નૉવાર્ટિસ, વિમતા લૅબ, ઝાયડ્સ વેલનેસ, ટૉરન્ટ ફાર્મા, સુવેન લાઇફ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ જેવા સવાડઝન શૅરના ભાવ ઐતિહાસિક ઊંચા શિખરે ગયા હતા. ઍરિસ લાઇફ સાયન્સ ૧૪ ગણા કામકાજમાં ૭૯૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૧.૭ ટકાના ઉછાળે ૭૬૪ રૂપિયા, HCG રોજના માંડ ૧૩૫૦ શૅરની સામે અઢી લાખ શૅરના વૉલ્યુમમાં ૨૯૦ નજીક જઈ સવાબાર ટકાની તેજીમાં ૨૭૪ રૂપિયા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ ૩૦૮૦ની વિક્રમી સપાટી બતાવી ૬.૨ ટકા કે ૧૭૯ રૂપિયાના જમ્પમાં ૩૦૬૨ રૂપિયા બંધ હતા. સન ફાર્માના હાલોલ પ્લાન્ટનું અમેરિકન FDA દ્વારા અણધાર્યું ઇન્સ્પેક્શન થયાના અહેવાલ પાછળ ભાવ નીચામાં ૬૨૦ થઈ અંતે સવા ટકો ઘટીને ૬૨૨ રૂપિયા બંધ હતો. વિમતા લૅબ ૨૯૨ના બેસ્ટ લેવલને વટાવી સાડાપાંચ ગણા કામકાજમાં સાડાબાર ટકાથી વધુ ઊંચકાઈને ૨૭૯ રૂપિયા રહ્યો હતો.

રિલાયન્સ ૧૩૦૦ની નજીક સરક્યો

ઘણા વખત બાદ રાજા-પાઠમાં આવેલો માર્કેટલીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવા વિક્રમી શિખર બનાવવાની નવી પરંપરા આગળ ધપાવતાં ગઈ કાલે ૧૨૯૬ને વટાવી અંતે એક ટકાની મજબૂતીમાં ૧૨૯૧ રૂપિયાની આસપાસ બંધ રહેતાં એનું માર્કેટકૅપ હવે ૮.૧૮ લાખ કરોડના નવા શિખરે પહોંચી ગયું છે. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટિÿયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ટકાથી વધુના સુધારામાં ૪૩૬ રૂપિયા, નેટવર્ક ૧૮ મીડિયા એક ટકો વધીને ૪૩.૬૦ રૂપિયા તથા વ્સ્-૧૮ બ્રૉડકાસ્ટ પણ એક ટકાના સુધારામાં ૪૮.૬૦ રૂપિયા બંધ હતા. બીજી તરફ અનિલ અંબાણી ગ્રુપમાં R.કૉમ બે ટકાના ઘટાડે ૧૮.૭૦ રૂપિયાની નીચે, રિલાયન્સ હોમ સવા ટકો ઘટીને ૬૨ રૂપિયા નજીક, રિલાયન્સ નિપ્પોન અડધા ટકા જેવા ઘટાડે ૨૩૫ રૂપિયા, રિલાયન્સ નેવલ પાંચ ટકાની નીચલી સર્કિટે સાડાપંદર રૂપિયાની નીચે બંધ હતા. રિલાયન્સ પાવર નહીંવત, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોણાત્રણ ટકા અને રિલાયન્સ કૅપિટલ એકાદ ટકાના સુધારામાં હતા. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ પોણાબે ટકાથી વધુ ઊંચકાઈને ૧૫૪ રૂપિયા હતી. ગૌતમ અદાણી ગ્રુપની અદાણી પાવર સાડાછ ટકાના જમ્પમાં ૩૩ રૂપિયાની ઉપર અને અદાણી ટ્રાન્સમિશન દસેક ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૦૩ રૂપિયા બંધ હતા.

બૅન્ક નિફ્ટીમાં ૪૨૯ પૉઇન્ટની તેજી

ગઈ કાલે બૅન્ક નિફ્ટી બારમાંથી દસ શૅરના સુધારામાં ૨૮,૩૧૮ નજીક જઈ અંતે ૪૨૯ પૉઇન્ટના ઉછાળે ૨૮,૨૬૪ તથા બૅન્કેક્સ ૧૦માંથી આઠ શૅર પ્લસમાં આવી ૩૨,૦૪૪ નજીક જઈ છેલ્લે ૫૩૦ પૉઇન્ટના જમ્પમાં ૩૧,૯૭૪ બંધ હતા. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૦ શેરના સુધારામાં ૨.૨ ટકા અપ હતો. ICICI બૅન્ક ત્રણ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૬ ટકા, HDFC બૅન્ક અડધો ટકો, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૬ ટકા, યસ બૅન્ક ૨.૩ ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકો વધીને બંધ આવતાં ગઈ કાલે સેન્સેક્સને ૧૮૭ પૉઇન્ટનો ફાયદો થયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૧ જાતોમાંથી ૩૦ સ્ક્રીપ્સ વધેલી હતી. RBL બૅન્ક ૬૩૮ નજીક લાઇફટાઇમ હાઈ બનાવી ચાર ટકાની તેજીમાં ૬૩૫ રૂપિયાના બંધમાં અહીં મોખરે હતો. જોકે બૅન્ક સામે પક્ષે સવાપાંચ ટકાના કડાકામાં ૫૪ રૂપિયા બંધ હતો. યુનિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, AU બૅન્ક, બંધન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, DCB બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુકો બૅન્ક પોણાબે ટકાથી લઈ પોણાચાર ટકા અપ હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK