ક્રૂડ ગરમ ને રૂપિયો નરમ થવાનો નવો દોર શૅરબજારને ભારે પડશે

તમામ શૅરના ધબડકામાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૫૪૦ પૉઇન્ટ તૂટ્યો : BSEના ૨૧૯૦ શૅર ડાઉન, એમાંથી ૩૧૮ જાતો મંદીની સર્કિટમાં બંધ : દિવસ દરમ્યાન ૪૯૧ શૅરમાં નવાં નીચાં બૉટમ બન્યાં

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ટ્રેડ-વૉરના વધતા તનાવ વચ્ચે વિશ્વબજારમાં ક્રૂડમાં ઝડપી ઉછાળો અને રૂપિયામાં નવા મલ્ટિયર બૉટમ જોવાતાં ડેરિવેટિવ્સમાં જૂન વલણની પતાવટની પૂર્વસંધ્યાએ શૅરબજાર વધુ ૨૭૩ પૉઇન્ટ બગડીને ૩૫,૨૧૭ તથા નિફ્ટી ૯૮ પૉઇન્ટ ગગડીને ૧૦,૬૭૧ ગઈ કાલે બંધ રહ્યા છે. સેન્સેક્સનો ઘટાડો પ્રથમ નજરે માર્કેટના રાબેતા મુજબના ટ્રેન્ડનો એક ભાગ કહી શકાય, પરંતુ બજારનું પોત જે રીતે પાતળું થઈ રહ્યું છે એ ખરેખર ચિંતાનો વિષય છે. ગઈ કાલે BSE ખાતે અત્યંત ખરાબ માર્કેટ-બ્રેડ્થમાં ૪૯૦ શૅર વધ્યા હતા એની સામે ૨૧૯૦ જાતો નરમ હતી અને એમાંથી ૩૧૮ શૅર તો મંદીની સર્કિટમાં બંધ રહ્યા છે. દિવસ દરમ્યાન ગઈ કાલે ૪૯૧ શૅરમાં ભાવની રીતે નવાં નીચાં બૉટમ બન્યાં છે. રોકડું વધુ ખરાબે ચડ્યું છે. મિડ કૅપ ઇન્ડેક્સ દોઢ ટકા અને સ્મૉલ કૅપ બૅન્ચમાર્ક બે ટકા ડૂલ થયા છે. બ્રૉડર-માર્કેટનો માપદંડ ગણાતા BSE-૫૦૦ ખાતે ૫૦૧ શૅરમાં માત્ર ૮૩ શૅર વધ્યા હતા. ‘બી’ ગ્રુપ કે રોકડાની ૧૦૮૪ આઇટમમાંથી કેવળ ૧૨૬ શૅર પ્લસ હતા. એક માત્ર IT ઇન્ડેક્સના ૧૩ પૉઇન્ટના ચિલ્લર સુધારાને બાદ કરતાં BSE ખાતેના તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યા છે. હજી ક્રૂડ ૭૭ ડૉલર અને ડૉલર સામે રૂપિયો ૬૯ થયા નથી અને આ હાલત છે તો પછી આગળ શું થશે? વર્ષાન્ત સુધીમાં ક્રૂડ કમસે કમ ૮૫ ડૉલર અને ડૉલર ૭૨ રૂપિયા થવાના વરતારા અમારા તરફથી પાકા ગણી લેજો સાથે-સાથે અમે હજી માનીએ છીએ કે મોટી અને લાંબી મંદીનો આરંભ બહુ દૂર નથી, પરંતુ એ પહેલાં માર્કેટ એકથી વધુ વખત નવી ઑલટાઇમ હાઈ અવશ્ય બતાવશે અને એ બુઝાતા દીપકના જબરા ઝબકારા જેવું હશે. દરેક ઉછાળે નફો ઘરભેગો કરતા રહો. શક્ય હદે લૉસ બુક કરતા શીખો. રોકાણની બહેતરીન તક અને એ પણ એકથી વધુ વાર એકાદબે વર્ષ પછી શરૂ થવાની છે એ યાદ રાખજો દોસ્ત!

ક્રૂડની કઠણાઈમાં ઑઈલ-શૅર લપસ્યા

ગયા સપ્તાહની આખરમાં ઓપેક દેશોની બેઠકમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવાયો ત્યાર પછી ક્રૂડ ઘટવાના બદલે ઝડપથી વધવા માંડ્યું છે, કારણ કે ઉત્પાદનમાં કથિત ઘટાડો પ્રમાણમાં સારો એવો નાનો છે અને એના અમલીકરણ પર પણ પ્રશ્નાર્થ લાગેલો છે. બ્રેન્ટ ક્રૂડ જે બૅરલદીઠ ૭૨ ડૉલર અને નાઇમેક્સ ક્રૂડ ૬૪ ડૉલરની અંદર આવી ગયા હતા એ વધીને ગઈ કાલે ઉપરમાં અનુક્રમે ૭૭ ડૉલર તથા ૭૧ ડૉલરની નજીક આવી ગયા છે. એની સીધી અસર ઘરઆંગણે ઑઇલ-ગૅસ શૅર ખાસ કરીને સરકારી કંપનીઓના શૅરમાં જોવાઈ છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દસેદસ શૅરની ખરાબીમાં નીચામાં ૧૩,૫૫૯ થઈ અંતે ૩.૮ ટકા લથડીને ૧૩,૬૭૩ બંધ રહ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૨૭૩ના બૉટમ બાદ ૭.૫ ટકા તૂટીને ૨૭૭ રૂપિયા, ભારત પેટ્રોલિયમ ૮ ટકાની ખુવારીમાં ૩૮૩ રૂપિયા, ONGS ૧૫૪ રૂપિયાનું વર્ષનું નવું તળિયું દેખાડી સવા ટકા ખરડાઈને ૧૫૬ રૂપિયા, ઑઇલ ઇન્ડિયા ૧.૭ ટકા ઘટીને ૨૦૮ રૂપિયા, MRPL ૩.૭ ટકાની કમજોરીમાં ૮૭ રૂપિયા, ચેન્નઈ પેટ્રો ૩.૩ ટકાના ધોવાણમાં ૨૯૮ રૂપિયા બંધ હતા. ગેઇલ ૫.૬ ટકા અને પેટ્રોનેટ LNG ૨.૬ ટકા ડાઉન હતા. આગલા દિવસની ખરાબીને આગળ ધપાવતાં રિલાયન્સ નીચામાં ૯૬૦ થઈ ૧.૪ ટકા ઘટીને ૯૬૫ રૂપિયા હતો.

NDTVમાં ઓપન ઑફર માટે સેબીનો આદેશ

સેબી તરફથી વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડને NDTVમાં ૩૫૦ કરોડ રૂપિયાની કન્વર્ટિબલ લોન મારફત ૫૨ ટકા સુધીનો કન્ટ્રોલિંગ સ્ટેક પરોક્ષ રીતે હસ્તગત કરવા બદલ ઓપન ઑફરનો આદેશ આપવામાં આવ્યો છે. ૪૫ દિવસમાં આ ઑફર કરવાની રહેશે. સેબીના આદેશના પગલે NDTVનો શૅર ગઈ કાલે ખૂલ્યા પછી તરત ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૯ રૂપિયા થઈ ત્યાં જ બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ ૨.૩૦ લાખ શૅરના કામકાજ થયા હતા અને આઠેક લાખ શૅરના બાયર લાઇનમાં દેખાતા હતા. ચાર રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ માઇનસ પોણાદસ રૂપિયા જેવી છે. કંપનીમાં રૉય દંપતી ૩૨.૩ ટકા તથા RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ ૨૯.૨ ટકા એમ કુલ મળીને પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૧.૫ ટકા આસપાસ છે. RRPR રૉય ફૅમિલીની હોલ્ડિંગ કંપની છે. એક અન્ય ડેવલપમેન્ટમાં ઇન્ડસઇન્ડ બૅન્ક દ્વારા ILFS ગ્રુપની બ્રોકરેજ બિઝનેસ માટેની કંપની ILFS સિક્યૉરિટીઝને હસ્તગત કરી લેવાઈ છે. ડીલ કેટલામાં થયું એની વિગત જાહેર થવી બાકી છે. ઇન્ડસઇન્ડ બૅન્કનો શૅર ગઈ કાલે ૧૯૬૫ની લાઇફટાઇમ હાઈ બનાવી અંતે એક ટકો ઘટી ૧૯૬૫ રૂપિયા બંધ હતો. ILFS એન્જિનિયરિંગ ૩.૪ ટકા. ILFS ટ્રાન્સપોર્ટેશન ૪.૮ ટકા તથા ILFS ઇન્વેસ્ટમેન્ટ અડધો ટકો ડાઉન હતા.

બૅન્કોની હાલત વધુ બગડશે : રિઝર્વ બૅન્ક

અગાઉ ક્યારેય ન જોવાઈ હોય એવી જબ્બર ખોટ અને બૅડ લોનના બિહામણા આંકડા જાહેર થયા પછી લગભગ તમામ બૅન્કના ચૅરમૅન, મૅનેજિંગ ડિરેક્ટર અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ તરફથી ખરાબ સમય પૂરો થયાનું કોરસ જોરશોરથી શરૂ થયું હતું. અમે ત્યારે જ કહ્યું હતું કે આ બધું વાહિયાત છે. બૅન્કોની સ્થિતિ નજીકના ભવિષ્યમાં સુધરવાની નથી. હવે રિઝર્વ બૅન્ક તરફથી જારી થયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે બૅન્કોની ગ્રોસ NPA જે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૦ ટકા હતી એ વધી માર્ચ ક્વૉર્ટરમાં ૧૧.૬ ટકા થઈ ગઈ છે અને વર્ષાન્તે વધીને સવાબાર ટકાએ જશે. જે ૧૧ બૅન્કો પ્રોપ્ટ કરેક્ટિવ ઍક્શન પ્લાન હેઠળ ખાસ નિગરાની અને અંકુશાત્મક પગલાં હેઠળ મુકાઈ છે એમાંથી કોઈ ૨૦૨૦ પહેલાં બહાર આવી શકે એમ નથી. બૅન્કોના કૉર્પોરેટ ધિરાણમાંથી કમસે કમ ૨૦ રૂપિયા એક યા બીજી રીતે ડૂબી ગયા છે. ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી ૯ શૅરની ખરાબીમાં એક ટકો અને બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નબળાઈમાં પોણા ટકો વધ્યો હતો. PSU બૅન્ક નિફ્ટી એની આદત મુજબ બારેબાર શૅરની કમજોરીમાં અઢી ટકા ગગડ્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧ શૅરમાંથી ગઈ કાલે ૪૦ શૅર રેડ ઝોનમાં હતા. IDBI બૅન્કને ન્ત્ઘ્ના હવાલે કરવાના સરકારી કારસા સામે વિરોધ વધી રહ્યો છે. આગલા દિવસના સાતેક ટકાના ધબડકાને આગળ ધપાવતાં ગઈ કાલે પણ આ શૅર નીચામાં ૫૦ થઈ અંતે ૬.૬ ટકા ખરડાઈ ૫૧ રૂપિયા બંધ હતો. હિસાબી હેરફેર દ્વારા ખોટી રીતે ૧૩,૦૦૦ કરોડનો નફો વધુ બતાવવાના નવા આરોપના પગલે ICICI બૅન્ક ઘટાડાની હૅટ-ટ્રિકમાં ૨૭૪ની અંદર જઈ અંતે ૩ ટકાની નરમાઈમાં ૨૭૯ રૂપિયા રહી છે. ગઈ કાલે સવાબે ડઝન, સ્પક્ટ રહીએ તો ૨૮ બૅન્કોના શૅર બે ટકાથી લઈને સાડાછ ટકા સુધી કટ થયા હતા. આંધ્ર બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, IOB, OBC, સાઉથ ઇન્ડિયન બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, વિજયા બૅન્ક, યુનિયન બૅન્કમાં નવાં નીચાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે.

TCS-ઇન્ફીમાં ઑલટાઇમ હાઈ બની

ડૉલર સામે માર ખાવાનો દોર આગળ ધપાવતાં રૂપિયો ૬૮.૫૩ની ૧૯ મહિનાની નીચી સપાટીએ જતાં રાબેતા મુજબ IT શૅરને ગઈ કાલે સામા પ્રવાહે રહેવાની જગ્યા મળી ગઈ હતી. IT ઇન્ડેક્સ ખાતે આમ તો ૫૯માંથી ૪૫ શૅર નરમ હતા, પણ હેવીવેઇટ્સની હૂંફમાં ઇન્ડેક્સ સાધારણ પ્લસમાં બંધ હતો. NSEનો નિફ્ટી IT ઇન્ડેક્સ ૧૦માંથી પાંચ શૅરના સુધારામાં અડધો ટકો અપ હતો. TCS ૧૮૮૬નું નવું બેસ્ટ લેવલ મેળવી અંતે અડધો ટકો વધી ૧૮૬૨ રૂપિયા તો ઇન્ફોસિસ ૧૨૯૪ નજીકની ઑલટાઇમ હાઈ બતાવી છેલ્લે એકાદ ટકાના ઘટાડામાં ૧૨૬૬ રૂપિયા બંધ હતા. એમ્ફાસિસ છ ટકા, સિએન્ટ સવાચાર ટકા, ટેક મહિન્દ્ર પોણાચાર ટકા વધ્યા હતા. HCL ટેક્નૉલૉજી એક ટકો મજબૂત હતો સામે વિપ્રોમાં પોણા ટકાથી વધુની નરમાઈ હતી. બાય ધ વે, ગઈ કાલે NSEનો નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૫માંથી ૧૧ શૅરના ઘટાડે બે ટકાથી વધુ તૂટ્યો હતો. ઍડલૅબ્સ, સિનેવિસ્ટા, ઇરોઝ ઇન્ટરનૅશનલ, જાગરણ પ્રકાશન, મ્યુઝિક બ્રૉડકાસ્ટ, HT મીડિયા, હિન્દુસ્તાન મીડિયા, મુક્તા આર્ટ્સ, નેટવર્ક ૧૮, રાજ ટીવી, ઝી મીડિયા જેવી જાતો નવી નીચી સપાટીએ ગઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK