બજાર માટે ક્રૂડ ક્રૂર બની શકવાનું જોખમ ઊભું છેુ

બજાર પાસે વૉલેટિલિટી સિવાયની કોઈ પણ આશા રાખવાનો અર્થ નથી. ક્રૂડ અને રૂપિયો બજારને નચાવ્યા કરશે અને હવે વરસાદ તેમ જ વ્યાજદરની ધારણા વધ-ઘટ કરાવશે. ટ્રેડર્સ વર્ગ એકેક ઘટના-સમાચાર અને સિચુએશનને આધારે ભલે લે-વેચ કરે, પણ રોકાણકારોએ તો માત્ર લૉન્ગ ટર્મનો જ અભિગમ રાખવામાં સાર છે. ધ્યાન રહે, ઇકૉનૉમીનું રિવાઇવલ શરૂ થયું છે, સમઝનેવાલે કો ઇશારા કાફી

crude

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

અગાઉના સપ્તાહની કર્ણાટક અને ક્રૂડની નકારાત્મક અસર ચાલુ હોવાના પુરાવારૂપે ગયા સોમવારે બજારે નેગેટિવ શરૂઆત કરી હતી. સેન્સેક્સ ૨૩૨ પૉઇન્ટ નીચે બંધ આવ્યો અને સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. મંગળવારે બજારે સુધારા સાથે શરૂઆત કરી, પણ આખરમાં નજીવી રિકવરી સાથે જ બંધ રહ્યું હતું. અર્થાત માર્કેટ સેન્ટિમેન્ટ બજારને ઊંચે જવા કે રહેવા દેતું નથી. જોકે ઘણા દિવસ બાદ બજાર પૉઝિટિવ બંધ રહ્યું એ નોંધનીય હતું. બજાર પર આ દિવસે સ્ટેટ બૅન્કના પરિણામની અસર હતી. જોકે બુધવારે બજાર શરૂમાં સાધારણ પૉઝિટિવ ટ્રેન્ડ બતાવી થોડો સમય ઠંડું રહ્યું અને બંધ થતી વખતે ૩૦૦ પૉઇન્ટ જેટલું મોટું ગાબડું પાડી દીધું. પેટ્રોલનો ભાવવધારો સૌને દઝાડી રહ્યો છે. બીજી બાજુ રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. સ્ટેટ બૅન્કની NPAની જોગવાઈને કારણે ખોટનો વિક્રમી આંકડો (૭૭૧૩ કરોડ રૂપિયા) બહાર આવ્યો છે, પણ એના ચૅરમૅને આગામી વરસમાં બૅન્કના અચ્છે દિનની આશા વ્યક્ત કરી છે. બીજી બાજુ જાહેર ક્ષેત્રની બૅન્કોની કુલ NPA છ લાખ કરોડ પર પહોંચી ગઈ છે, જયારે તમામ બૉન્કોની કુલ NPA સવાસાત લાખ કરોડ પર પહોંચી છે. ક્રૂડના ભાવ નરમ પડે એવી આશા વચ્ચે પણ બજારે બુધવાર બગાડ્યો હતો. નિફ્ટી ૧૦,૫૦૦ નીચે આવ્યો અને સેન્સેક્સ ૩૪ હજાર નજીક સરકી રહ્યો હતો. દરમ્યાન જીઓપૉલિટિકલ સિચુએશન પણ ચિંતાનો વિષય બનીને ઊભી હતી. વળી IT, ફાર્મા વગેરે જેવાં સેક્ટરમાં તેજી ચાલતા ગુરુવારે સેન્સેક્સે ૩૧૮ પૉઇન્ટ અને નિફ્ટીએ ૮૩ પૉઇન્ટના ઉછાળા સાથે બજારને એકદમથી પૉઝિટિવ ટર્ન આપ્યો હતો. શુક્રવારે બજારે પૉઝિટિવ મોમેન્ટમ ચાલુ રાખી ૩૦૦ પૉઇન્ટની સપાટી ફરી વાર વટાવી હતી. જોકે અંતે સેન્સેક્સ ૨૬૨ પૉઇન્ટ પ્લસ રહી ૩૪,૯૦૦ આસપાસ રહ્યો અને નિફ્ટી ૯૧ પૉઇન્ટ પ્લસ સાથે ૧૦,૬૦૦ ઉપર બંધ આવ્યો હતો. એકમાત્ર કારણ ક્રૂડના ભાવમાં સાધારણ કરેક્શન અને એને લીધે રૂપિયામાં સુધારો થતાં ઇક્વિટીમાં ઉત્સાહ આવ્યો હતો. જોકે આ બન્ને પરિબળ આગામી દિવસોમાં બજારને નચાવ્યા કરશે, જેથી બજારની વૉલેટિલિટી આમ જ ચાલુ રહેશે.

વાત જોખમી છે, પરંતુ...


આમ પણ બજાર પાસે કોઈ નક્કર પૉઝિટિવ ટ્રિગર નથી, એથી બજાર વધવા કરતાં ઘટવાની શક્યતા વધુ રહેવાની છે. જોકે આમાં વૉલેટિલિટીનો વટ ચાલુ રહેશે એ પણ નક્કી જણાય છે. આ સંજોગો કે સંકેત રોકાણકારો માટે નિરાશાજનક ગણાય, પરંતુ જો રાજકીય સંકેતોને યોગ્ય રીતે સમજવામાં આવે તો અત્યારે ઘટતી બજારે ખરીદી કરતાં રહી સારા શૅરો જમા કરવાનો સમય છે. આ વાત જરા નવાઈ લાગે અથવા જોખમી લાગે એવી જણાઈ શકે, પણ સ્માર્ટ ઇન્વેસ્ટરો અને લૉન્ગ ટર્મમાં વિશ્વાસ કરતા ઇન્વેસ્ટરો અત્યારે આ તકનો લાભ લઈ રહ્યા છે અને જેઓ આ લાભ લેવાથી દૂર રહ્યા છે તેમણે પોતે જ વિવેકપૂર્ણ વિચાર કરવાનો સમય છે. યાદ રહે, મંદી અને માર્કેટનો ડાઉનટ્રેન્ડ ખરીદીનો સમય ગણાય, બાકી અત્યારના સંજોગો જોતાં ૨૦૧૯ સુધી કોઈ મોટા સુધારા શક્ય જણાતા નથી.

બૅન્કોના શૅરો જમા કરાય, કારણ કે અત્યારે જાહેર ક્ષેત્રની મોટા ભાગની બૅન્કોએ નેગેટિવ પરિણામ આપ્યાં છે, જેમાં એમની કથળેલી નાણાકીય કામગીરી પ્રતીત થઈ છે. રિઝર્વ બૅન્કનાં NPAનાં ધોરણોની કડકાઈ પણ આમાં ભૂમિકા ભજવે છે એ જુદી વાત છે, જેને લીધે આ બૅન્કોના શૅરોના ભાવ લગભગ ઑલટાઇમ નીચે આવી ગયા છે. અમુકના રિકવર પણ થયા છે. સ્ટેટ બૅન્કે ઊંચી NPAની જોગવાઈ સાથે ઊંચી ખોટ નોંધાવી આંચકો તો આપ્યો, પણ નવાઈની વાત એ હતી કે આ ખોટ છતાં એનો ભાવ વધ્યો હતો. જ્યારે બૅન્કના ચૅરમૅને બૅન્કના ભાવિ માટે સારો આશાવાદ પણ વ્યક્ત કર્યો. આ જ રીતે અગાઉ ICICI બૉન્ક સાથે પણ બન્યું હતું. આમ ચોક્કસ બૅન્ક શૅરોને થોડા જોખમ સાથે લાંબા ગાળાની તક બનાવી શકાય, પણ સિલેક્ટિવ બનીને આ કામ કરવું જોઈએ. આગામી વરસમાં આ બૅન્કોની કામગીરી સુધરવાની આશા છે. અત્યારનાં બૅન્કોની બૅડ લોન્સ સામેનાં પગલાં ભાવિમાં બૅન્કોનું ભલું કરે એવી આશા રાખવી નકામી નથી. પરિણામે સિલેક્ટિવ બૅન્ક શૅરો વિશે વિચારી શકાય. અમુક ખાનગી ક્ષેત્રની બૅન્કો માટે પણ વિચારી શકાય.

ક્રૂડ અને ગ્લોબલ જોખમ

ક્રૂડ ઑઇલના ભાવ જ્યાં સુધી વધતા નહીં અટકે અને ઘટવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી ભારતીય અર્થતંત્રને અને બજારને રાહત થાય એવી શક્યતા દૂર છે. શુક્રવારે ક્રૂડમાં જરા ઘટાડો આવ્યો કે રૂપિયો સુધર્યો અને બજાર ઊછળી પડ્યું. આમ હાલ તો ક્રૂડ પર મોટો દાવ અને આધાર છે. માર્કેટ માટે પણ અને મોદી સરકાર માટે પણ. ક્રૂડના નિષ્ણાતો ક્રૂડ ૧૦૦ ડૉલર વટાવે એવી શકયતા જુએ છે. જો આમ થાય તો બજાર બેસી જશે એ પણ નક્કી માનવું.

ટ્રેડ-વૉરને મામલે શાંતિ થવાની ધારણાએ બજારને રાહત આપી છે, પણ આવું સતત ચાલ્યા કરશે. ગ્લોબલ પરિબળ બજારને સ્થિર થવા નહીં દે, જેમાં વળી ક્રૂડ બજારને ઉપર-નીચે કુદાવ્યા કરશે. અમેરિકન ફેડરલ રિઝર્વ જૂનમાં ફરી એક વાર વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે. આ મતલબના નિર્દેશ બહાર આવ્યા છે, જેની કંઈક અંશે અસર ભારતીય બજાર પર થઈ શકે છે.

ઇકૉનૉમીનું રિવાઇવલ શરૂ

ફાઇનૅન્શિયલ માર્કેટના નિષ્ણાત અને કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO નીલેશ શાહ કહે છે કે ભારતીય અર્થતંત્ર રિવાઇવ થઈ રહ્યું છે. હજી સમય લાગશે, પણ એના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે. આ વિષયમાં તેમનું કહેવું છે કે ગ્રામ્ય અને શહેરી ડિમાન્ડ બહાર આવવા લાગી છે અને વધવા પણ લાગી છે. કમર્શિયલ વાહનોના ઑર્ડર, ટ્રૅક્ટર્સના ઑર્ડર, વેચાણના આંકડા, સિમેન્ટનું વેચાણ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની ડિમાન્ડ જેવી બાબતો ઇકૉનૉમી માટે સારાં ચિહ્નો સમાન છે. ભારતની ઇકૉનૉમીને ૨.૫ ટ્રિલ્યન ડૉલર (૨.૫ લાખ કરોડ ડૉલર)ના કદની બનતા ૭૦ વરસ લાગ્યાં છે, જ્યારે આગામી માત્ર સાતથી આઠ વરસમાં આ ઇકૉનૉમી પાંચ લાખ કરોડ ડૉલરની બની શકવાની ક્ષમતા ધરાવે છે. આ માટે રાજકીય સ્થિરતા પણ મહત્વની ભૂમિકા ભજવશે. ભારતના દરેક મુખ્ય સેક્ટરમાં કરન્ટ વધી રહ્યો છે. રીટેલ સેક્ટરમાં બહુબધાં ડેવલપમેન્ટ આકાર પામી રહ્યા છે. ઍર-કન્ડિશન્ડ માર્કેટ હજી બહુ મોટી થવાનો અવકાશ છે. ધિરાણ બિઝનેસ અને મની પ્રોટેક્શન તેમ જ વેલ્થ મૅનેજમેન્ટમાં અઢળક સ્કોપ ઊભા થશે.

નાની સાદી વાત

અત્યારે મોટી કંપનીઓના નાણાકીય પરિણામની પણ બજાર પર તેમ જ એના વેઇટેજના આધારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર અસર થાય છે. એથી બજાર કરતાં ઇન્ડેક્સની વધ-ઘટ વધુ થાય છે, અર્થાત માત્ર ઇન્ડેક્સની વધ-ઘટને બજારનીવધ-ઘટ માનવી નહીં.

નાની ખાસ વાત

આગામી મહિનામાં ચોમાસાનું આગમન ભાગ ભજવશે એવી આશા છે, જેમાં બજારને એકાદ પૉઝિટિવ કિક મળી શકે. હવે પછીની બજારની ચાલમાંચોમાસું અને વ્યાજદરના ડેવલપમેન્ટનો ઉમેરો થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK