બૅક-ટુ-બૅક નવી વિક્રમી સપાટી સાથે બજારમાં ઑક્ટોબર વલણની વિદાય

તાતા મોટર્સમાં CLSA દ્વારા બેરિશ વ્યુ : આરકૉમ પોણાદસ વર્ષમાં ૮૦પ રૂપિયાના શિખરથી ૧૬ રૂપિયાની અંદર નવા નીચા તળિયે : PSU ઇન્ડેક્સ સાતેક વર્ષની ઊંચી સપાટીએ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સરકાર દ્વારા જાહેર કરાયેલા ૯.૧૧ લાખ કરોડના મૅગા સ્ટીમ્યુલસ પૅકેજથી વધુ પડતા ઉત્સાહમાં આવી ગયેલા શૅરબજારે નવા વિક્રમી શિખર સાથે ઑક્ટોબર વલણને વિદાય આપી છે. સેન્સેક્સ ૧૦૪ પૉઇન્ટની આગેકૂચમાં ૩૩,૧૪૭ તો નિફ્ટી ૪૮ પૉઇન્ટ વધીને ૧૦,૩૪૪ નજીક બંધ રહ્યા છે. BSEનું માર્કેટકૅપ ૧૪ર.૪ર લાખ કરોડ રૂપિયાના નવા બેસ્ટ લેવલે પહોંચ્યું છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉપરમાં ૩૩,૧૯૬ તથા નિફ્ટી ૧૦,૩પપ થયા હતા. ડેરિવેટિવ્સમાં સેટલમેન્ટના લીધે વધ-ઘટની રેન્જ પ્રમાણમાં મોટી હતી. પ્રથમ સેશન નરમાઈનું હતું જેમાં સેન્સેક્સ ૩ર,૮૩પ તથા નિફ્ટી ૧૦,ર૭રની અંદર ઊતરી ગયા હતાં. ર૪ ઑક્ટોબર સુધીમાં FII બુધવારે પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૩પ૮ર કરોડ રૂપિયાની નેટ બાયર રહી એ સૂચક કહી શકાય કેમ કે ૧૩ જૂન પછીની આ સૌથી તગડી એક દિવસની નેટ લેવાલી છે. ૧૩ જૂને FII દ્વારા ૪૯૦૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી બજારમાં કરાઈ હતી. ગઈ કાલે સેન્સેક્સના મુકાબલે મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં ટકાવારી સુધારો મોટો હોવા છતાં આ સુધારો મહદ અંશે પસંદગીયુક્ત જૂજ જાતો પૂરતો સીમિત હોવાથી માર્કેટ-બ્રેડથ રસાકસી ભરી જોવાઈ છે. સ્ટીમ્યુલસ પૅકેજ પાછળ મેટલ શïૅરોમાં ભળતી તેજી કામે લાગી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧પમાંથી ૧૩ શૅરની મજબૂતીમાં બે ટકા વધ્યો હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ર.ર ટકાના ઉછાળે ઑલટાઇમ હાઈ થયો છે.

PSU શૅરમાં તેજીનો કરન્ટ


ધિરાણવૃદ્ધિ, મૂડીરોકાણ અને રોજગારીને પ્રોત્સાહન આપવાના ઇરાદાથી સરકાર દ્વારા જાહેર કરાયેલા કુલ નવ લાખ કરોડ પ્લસના વિશેષ પૅકેજની અસરમાં PSU શૅરમાં નવું જોમ આવ્યું છે. PSU ઇન્ડેક્સ ગઈ કાલે ૯૬૫૭ની ડિસેમ્બર ૨૦૧૦ પછીની ઊંચી સપાટી બનાવી છેલ્લે સવા ટકો વધીને ૯૫૧૯ બંધ હતો. એના ૫૪માંથી ૩૮ શૅર પ્લસ હતા. સેઇલ સાડાસાત ગણા કામકાજમાં ૭૭ રૂપિયા નજીક મલ્ટિયર ટૉપ બનાવી અંતે ૧૪ ટકાના ઉછાળે ૭૬ રૂપિયા હતો. IFCI ૮ ટકા, એન્જિનિયર્સ ઇન્ડિયા ૭ ટકા, ભેલ ૬.૬ ટકા, NMDC ૪.૮ ટકા, ભારત મેટ્રો ૫.૩ ટકા, MTNL ૫ ટકા, હિન્દુસ્તાન મેટ્રો ૩.૬ ટકા, IOC ૪.૮ ટકા અપ હતા. નિફ્ટી ખાતેનો PSE ઇન્ડેક્સ પણ ૪૪૧૫ની મલ્ટિયર ઊંચી સપાટી બનાવી છેલ્લે ૨૦માંથી બે શૅરના ઘટાડે બે ટકા જેવો વધીને ૪૪૦૨ નજીક બંધ હતો. સેઇલ ઉપરાંત ગેઇલ, ITI, નાલ્કો જેવી જાતો ગઈ કાલે સવારે નવી ઐતિહાસિક સપાટીએ ગઈ હતી. 

પોલારિસમાં ડીલિસ્ટિંગના અહેવાલે ઉછાળો

IT કંપની પોલારિસ કન્સલ્ટિંગમાં ૩૧ ઑક્ટોબરે સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટે બોર્ડ- મીટિંગની નોટિસ લાગતાં શૅર ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૯૧ રૂપિયાની ૧૬ વર્ષની ઊંચી સપાટીએ બંધ હતો. રોજના સરેરાશ માંડ ૭૬૦૦ શૅર સામે BSE ખાતે ચારેક લાખ શૅરના કામકાજ થયા હતા. છેલ્લે ૫૬,૦૦૦ શૅરના બાયર લાઇનમાં હતા. NSE ખાતે ૨૧.૨૯ લાખ શૅરનું વૉલ્યુમ હતું. છેલ્લે ૨.૯૦ લાખ શૅરના બાયર ઊભા હતા. પાંચ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૦૭ રૂપિયા જેવી છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૪ ટકા છે. FIIના ૬.૬ ટકા સહિત સંસ્થાકીય કુલ હોલ્ડિંગ ૧૧ ટકા પ્લસ છે. ૩૭,૪૯૮ જેટલા નાના શૅરધારકો પાસે ૧૦.૪ ટકા શૅર છે. લગભગ વર્ષ પૂર્વે ૯ નવેમ્બરે ભાવ નીચામાં ૧૪૧ રૂપિયા દેખાયો હતો, જ્યારે ૨૦૦૦ની ૨૨ ફેબ્રુઆરીએ આ કાઉન્ટર ૧૦૦૧ રૂપિયાની વિક્રમી સપાટીએ જોવાયું હતું. દરમ્યાન IT ઇન્ડેક્સ ગઈ કાલે નહીંવત વધી ૧૦,૪૦૮ બંધ હતો. એના ૬૦માંથી ૨૭ શૅર ડાઉન હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી ૧.૩ ટકા વધીને ૯૪૭ હતો. સામે TCS એક ટકાની નરમાઈમાં ૨૫૩૩ રૂપિયા હતો. વિપ્રોમાં એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. માસ્ટેક સર્વાધિક ૭ ટકા ગગડી ૩૨૨ રૂપિયા હતો.

બૅન્ક-શૅરમાં હળવું પ્રૉફિટ-બુકિંગ શરૂ

બે લાખ કરોડ રૂપિયા પ્લસના રિકૅપિટલાઇઝેશન બૉન્ડ મારફત સરકારી બૅન્કોએ મૂડીસહાય આપવાની જાહેરાત પાછળ બુધવારે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ઐતિહાસિક તેજી જોવાઈ હતી જેના લીધે બૅન્કેક્સ સાડાબાર ટકા, બૅન્ક નિફ્ટી સાડાઆઠ ટકા અને PSU બૅન્ક નિફ્ટી તો ૨૯.૬ ટકા ઊછળ્યો હતો. આટલા જબ્બર અને અવાસ્તવિક જમ્પ બાદ ગઈ કાલે બૅન્ક-શૅર હળવા પ્રૉફિટ-બુકિંગમાં રહેતાં બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી નજીવા ઘટીને તો PSU બૅન્ક નિફ્ટી અડધા ટકાની નરમાઈમાં બંધ રહ્યા છે. જોકે ઇન્ટ્રા-ડેમાં બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, ICICI બૅન્ક, PNB, સ્ટેટ બૅન્ક જેવા અડધો ડઝન શૅરમાં નવાં ઐતિહાસિક શિખર દેખાયાં હતાં. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૧૯ શૅર પ્લસ હતા. યુનિયન બૅન્ક છ ટકાને ઉછાળે મોખરે હતો. PNB સાડાપાંચ ટકાની આગેકૂચમાં ૨૧૩ રૂપિયા રહ્યો હતો. સામે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર છ ટકાથી વધુ લથડીને ૨૮ રૂપિયાની અંદર, યુકો બૅન્ક પાંચેક ટકા તૂટીને ૩૫ રૂપિયાની નીચે તો વિજયા બૅન્ક સવાચાર ટકાની ખરાબીમાં ૬૩ રૂપિયા બંધ હતા.

આરકૉમમાં ઑલટાઇમ તળિયું બન્યું


દેવાના ડુંગર હેઠળ દબાયેલી અને નાદારીના જોખમ સામે હવાતિયાં મારી રહેલી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ ગઈ કાલે દોઢા વૉલ્યુમમાં ૧૫.૭૦ રૂપિયાની નવી ઑલટાઇમ બૉટમ બનાવી છેલ્લે ૩.૭ ટકા ગગડી ૧૫.૮૫ રૂપિયા બંધ રહ્યો છે. ૨૦૦૮ની ૧૪ જાન્યુઆરીએ આ શૅર ૮૦૫ રૂપિયા નજીક વિક્રમી સપાટીએ હતો. છેલ્લા બેએક વર્ષમાં આ શૅરમાં રોકાણકારોની આશરે ૭૦ ટકા મૂડી સાફ થઈ ગઈ છે. અનિલ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ કૅપિટલ એક ટકાના ઘટાડે ૫૬૭ રૂપિયા, રિલાયન્સ હોમ બે ટકા ગગડીને ૮૧ રૂપિયા, રિલાયન્સ પાવર દોઢ ટકાની નરમાઈમાં ૪૦ રૂપિયાની અંદર બંધ હતા. રિલાયન્સ નેવલ તથા રિલાયન્સ ઇન્ફ્રામાં એકાદ-બે ટકાનો સુધારો હતો. દરમ્યાન ટેલિકૉમ ઇન્ડેક્સ ખાતે ૧૬માંથી ૧૧ શૅર વધ્યા હતા પણ ઇન્ડેક્સ પોણાબે ટકા ડાઉન હતો. તાતા કમ્યુનિકેશન્સ પાંચ ટકા, આઇડિયા સવાબે ટકા અને ભારતી ઍરટેલ એક ટકો નરમ રહેવાની આ અસર હતી. તાતા ટેલિસર્વિસિસ સળંગ દસમા દિવસે ઉપલી સર્કિટમાં સાડાસાત રૂપિયા નજીક હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેજીની આગેકૂચમાં ૯૫૮ રૂપિયાની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને પોણો ટકો વધી ૯૪૭ રૂપિયા રહ્યો હતો.

તાતા મોટર્સમાં સેલનું રેટિંગ


વિદેશી ફન્ડ હાઉસ CLSA દ્વારા અગાઉની ૩૮૦ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સહેજ વધારીને ૩૯૫ રૂપિયા કરાઈ છે, પરંતુ સેલનું રેટિંગ જાળવી રખાયું છે. એ માને છે કે કંપનીનો ડોમેસ્ટિક એટલે કે ભારત ખાતેનો બિઝનેસ ટર્નઅરાઉન્ડ થાય એવી શક્યતા ઓછી છે અને પશ્ચિમી દેશો ખાતે લક્ઝરી વાહનોની ડિમાન્ડ નબળી પડી રહી છે એ જોતાં જગુઆર લૅન્ડરોવર માટે આગામી સમય પ્રતિકૂળ રહેશે. શૅર ગïઈ કાલે નીચામાં ૪૧૭ રૂપિયા થઈ છેલ્લે અડધા ટકાથી વધુના ઘટાડામાં ૪૧૯ રૂપિયા બંધ હતો. અન્ય ઑટો શૅરમાં મારુતિ સુઝુકી અઢી ટકા ઊંચકાઈને ૮૦૭૬ રૂપિયા, અશોક લેલૅન્ડ બે ટકા વધીને ૧૩૧ રૂપિયા, મહિન્દ્ર પોણો ટકો વધીને ૧૩૭૬ રૂપિયા, TVS મોટર્સ ચારેક ટકાની તેજીમાં ૭૨૦ રૂપિયા, બજાજ ઑટો દોઢ ટકો વધીને ૩૨૭૯ રૂપિયા બંધ હતા. સામે કાઇનેટિક એન્જિનિયરિંગ ૩.૩ ટકા, સ્કૂટર્સ ઇન્ડિયા બે ટકા, આઇશર અડધો ટકો, અતુલ ઑટોે અડધો ટકો, એસ્ર્કોટ્સ એક ટકો ડાઉન હતા. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK