બજાર સળંગ છઠ્ઠા દિવસે રેડ ઝોનમાં પણ મેટલ અને રિયલ્ટી શૅર ઝળક્યા

એશિયન ડેવલપમેન્ટ બૅન્કે ચાલુ વર્ષે માટે ભારતનો GDP ગ્રોથ ડાઉનગ્રેડ કર્યો

share market


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

એશિયન બજારોના નરમ વલણ અને FIIની બેરૂખી વચ્ચે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક તરફથી ૨૦૧૭ માટે ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ અડધા ટકા જેવો ઘટાડીને ૭ ટકા કરાયાના પગલે આગલા બંધથી પચાસેક પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલેલું બજાર લપસણીની ચાલમાં નીચામાં ૩૧૪૫૫ થયું ત્યારે મંગળવાર પણ થોડો ભારે જવાની દહેશત સેવાતી હતી. જોકે બપોરે ૧૨ વાગ્યે ચોઘડિયું બદલાયું અને બજાર ક્રમશ: સુધરવા માંડ્યું જેમાં તમામ ઘટાડો ભૂંસાઈ ગયો હતો. સેન્સેક્સ છેવટે ૨૭ પૉઇન્ટના નહીંવત્ ઘટાડે ૩૧૬૦૦ની નજીક બંધ આવ્યો છે. નિફ્ટી એક પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૯૮૭૧ રહ્યો છે. આ નજીવા ઘટાડા સાથે બન્ને આંક સળંગ છઠ્ઠા દિવસે માઇનસમાં બંધ થયા છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૪ અને નિફ્ટી-૫૦ના ૫૧માંથી ૨૨ શૅર સુધર્યા હતા. ગુરુવારે નિફ્ટીમાં સપ્ટેમ્બર વલણની પતાવટ છે એટલે શૉર્ટ કવરિંગ પણ ગઈ  કાલે નીચલા મથાળેથી સુધારામાં આંશિક સહાયક બન્યું હતું. માર્કેટ-બ્રેડ્થ સારી એવી પૉઝિટિવ બની છે. મંગળવારે રિયલ્ટી અને મેટલ ઇન્ડેક્સ ખાતે ૧૫માંથી એકમાત્ર સેઇલ નજીવો નરમ હતો. બાકીના શૅરમાંથી ડઝન જાતો એકથી સાડાત્રણ ટકા ઊંચકાઈ હતી. આ સાથે મેટલ ઇન્ડેક્સમાં સળંગ પાંચ દિવસના ઘટાડાને ગઈ કાલે બ્રેક લાગી છે. ફાર્મા શૅર પણ તાજેતરની ખરાબી બાદ પ્રત્યાઘાતી સુધારાની ચાલમાં જોવા મળ્યા છે.

ડી-માર્ટ તગડા વૉલ્યુમ સાથે સર્વોચ્ચ શિખરે

ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપર માર્ટ ગઈ કાલે દસ ગણાથી વધુના કામકાજમાં ૧૨૧૭ની વિક્રમી સપાટી બનાવી અંતે ૮.૬ ટકા કે ૮૮ની તેજીમાં ૧૧૧૭ રૂપિયા નજીક બંધ હતો. ચાલુ વર્ષે માર્ચમાં આ IPO શૅરદીઠ ૨૯૯ રૂપિયાના ભાવે આવ્યો હતો. ૨૧ માર્ચે લિસ્ટિંગમાં ભાવ નીચામાં ૫૫૯ રૂપિયા થઈ છેલ્લે ૬૪૧ રૂપિયા નજીક બંધ રહ્યો હતો. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ અને ૬૧.૫૦ રૂપિયાની બુકવૅલ્યુવાળી આ કંપનીનું માર્કેટકૅપ ગઈ કાલે ૬૯૬૯૮ કરોડ રૂપિયાએ પહોંચી જતાં એ દેશની ટોચની ૩૯મા ક્રમની ટોચની કંપની બની છે. લિસ્ટિંગના દિવસે એ લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાના માર્કેટકૅપ સાથે ૬૩મા ક્રમે હતી. ઑગેર્નાઇઝ્ડ રીટેલ શૅરમાં ગઈ કાલે મિશ્ર વલણ હતું. ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ ૭ ટકા તથા એનો DVR ૯.૭ ટકા, કેવલ કિરણ ક્લોધિંગ્સ ૩.૭ ટકા, ટ્રેન્ટ ૨.૩ ટકા અને V2 રીટેલ ૪.૫ ટકા અપ હતા. આગલા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટ મારનારો શૉપર્સ સ્ટૉપ ગઈ કાલે ઉપરમાં ૫૪૦ રૂપિયાની નવી ઊંચી સપાટી બનાવી છેલ્લે ૪.૬ ટકાના ઘટાડે ૪૭૬ રૂપિયા બંધ હતો. ફ્યુચર લાઇફ-સ્ટાઇલ, ફ્યુચર રીટેલ, કેન્ટાબિલ રીટેલ, મંધાના રીટેલ અડધા ટકાથી લઈને સવાબે ટકા સુધી ડાઉન હતા. વી-માર્ટ રીટેલ ૧૪૨૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૫૮૭ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે બે ટકા વધીને ૧૪૭૯ રૂપિયા હતો.

ક્રૂડની તેજીની ઑઇલ એક્સપ્લોરેશનમાં ઝમક 

વિશ્વબજારોમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૬૦ ડૉલર નજીક બોલાયાના પગલે મંગળવારે ઘરઆંગણે ઑઇલ એક્સપ્લોરેશન બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓના શૅર ફૅન્સીમાં હતા. અબાન ઑફશૉર અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૧૯૫ રૂપિયા વટાવી છેલ્લે સવાચાર ટકા વધીને ૧૮૬ રૂપિયા, દીપ ઇન્ડસ્ટ્રીઝ ૬ ટકાના જમ્પમાં ૨૨૬ રૂપિયા, ડોલ્ફિન ઑફશૉર ૧૦૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાસાત ટકાના ઉછાળામાં ૯૪ રૂપિયા, હિન્દુસ્તાન ઑઇલ એક્સપ્લોરેશન ચારેક ટકાની નજીકના જમ્પમાં ૮૪ રૂપિયા, જિન્દલ ડ્રિલિંગ અઢી ટકાની મજબૂતીમાં ૧૬૩ રૂપિયા, ઑઇલ ઇન્ડિયા સાડાપાંચ ટકાની તેજીમાં ૩૪૯ રૂપિયા પ્લસ, ONGC સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૧૭૦ રૂપિયા તથા સેલાન એક્સપ્લોરેશન ૩.૬ ટકા વધીને ૧૮૭ રૂપિયા નજીક બંધ હતા. સામા પક્ષે ભારત પેટ્રોલિયમ ૩.૪ ટકા તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ બે ટકાથી વધુ ડાઉન હતા. IOC ૩૯૯ રૂપિયા નજીકના લેવલે ફ્લૅટ હતો. MRPL તથા ચેન્નઈ પેટ્રોમાં સવાબે ટકાથી વધુની નરમાઈ હતી. હેવી વેઇટ રિલાયન્સ નજીવો ડાઉન હતો.

ટીવી ટુડે નેટવર્ક મંદીની સર્કિટમાં

ટીવી ટુડે નેટવર્ક તેજીની આગેકૂચમાં ગઈ કાલે બમણા કામકાજમાં ૪૩૪ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી હાંસલ કર્યા બાદ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૭૨ રૂપિયાની અંદર બંધ રહ્યો છે. આજથી દોઢેક મહિના પૂર્વે ૧૦ ઑગસ્ટે આ શૅરમાં ૨૧૧ રૂપિયાનો ભાવ હતો. મીડિયા એન્ટરટેઇન સેગમેન્ટના અન્ય શૅરમાં ગઈ કાલે NDTV પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૫૮ રૂપિયા ઉપર હતો. ઝી મીડિયા સાડાત્રણ ટકા, ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ અડધો ટકો, DB કૉર્પ દોઢ ટકો, જાગરણ પ્રકાશન દોઢેક ટકા, HT મીડિયા અડધો ટકો, ઇરોઝ ઇન્ટરનૅશનલ સાડાનવ ટકા, ડેન નેટવર્ક અઢી ટકા, DQ એન્ટરટેઇનમેન્ટ આઠ ટકા, સારેગામા સવા ટકો, શેમારુ ત્રણ ટકા, UFO સાડાત્રણ ટકા અપ હતા. શ્રી અધિકારી બ્રધર્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૯૫ રૂપિયાના વર્ષના તળિયે તો સબ ઇવેન્ટ ૩૧ રૂપિયાની નવી નીચી બૉટમ બનાવી છેલ્લે સાડાઆઠ ટકા ગગડીને ૩૨ રૂપિયા બંધ હતો. સનટીવી બે ટકાની નરમાઈમાં ૭૭૧ રૂપિયા રહ્યો હતો.

ત્રણ શૅર આવતી કાલે એક્સ-બોનસ થશે

મનપસંદ બેવરેજિસ, MOIL તથા લૉયલ ઇક્વિપમેન્ટ્સ દ્વારા શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ ડેટ ૨૮ સપ્ટેમ્બરે હોવાથી આ ત્રણેય આવતી કાલે બુધવારે એક્સ બોનસ થશે. ગઈ કાલે મનપસંદ બેવરેજિસ ઉપરમાં ૯૬૮ થઈ છેલ્લે સવા ટકો ઘટીને ૯૫૩ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે. સરકારી કંપની MOILનો ભાવ ઉપરમાં ગઈ કાલે ૪૦૪ બતાવી અંતે સાધારણ વધીને ૩૮૮ રૂપિયા તથા લૉયલ ઇક્વિપમેન્ટનો શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૧ બંધ હતો. બાય ધ વે, બે અન્ય PSU, ભારત ઇલેક્ટ્રૉનિક્સ દ્વારા શૅરદીઠ એક તેમ જ ભેલ તરફથી બે શૅરદીઠ એકના પ્રમાણમાં બોનસ જાહેર થયા છે. એની રેકૉર્ડ ડેટ ૩૦ સપ્ટેમ્બર હોવાથી શૅર ૨૮ સપ્ટેમ્બરે એક્સ-બોનસ થવાના છે. પનામા પેટ્રોકેમમાં બે શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડડેટ ૪ ઑક્ટોબર છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ તથા ભેલ નહીંવત્ સુધારામાં ગઈ કાલે બંધ રહ્યા હતા.

શુક્રવારથી ૩૮ શૅર ટ્રેડ-ટુ-ટ્રેડમાં જશે

BSEના સત્તાવાળાઓ દ્વારા ૨૮ સપ્ટેમ્બરથી અમલી અને એ રીતે ૩૮ શૅરને ટ્રેડ-ટુ-ટ્રેડમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે. આ યાદીમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : ઑટોલાઇન ઇન્ડિયા, CMI FPE, ભગીરાધા કેમિકલ્સ, CNI રિસર્ચ, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ્સ, નેલ્કો લિમિટેડ, હિન્દ રેક્ટિફાયર્સ, KSK એનર્જી, લિબર્ટી શૂઝ, નીતિન ફાયર પ્રોટેક્શન, રાધે ડેવલપર્સ, ઑર્ચિડ ફાર્મા, પંકજ પિયુષા, પિકાડેલી શુગર, શ્રીરામ ઍસેટ્સ મૅનેજમેન્ટ, SMS લાઇફ સાયન્સ, ટાયો રોલ્સ, હિન્દુસ્તાન ફૂડ્સ, કિંગ્સ ઇન્ફ્રા, રાસી ઇલેક્ટ્રોડ્સ, SE પાવર, સોરિલ હોલ્ડિંગ્સ (અગાઉની ઇન્ડિયા બુલ્સ હોલસેલ સર્વિસિસ), સ્ટીલ્કો ગુજરાત, ઊર્જા‍ ગ્લોબલ, તારાપુર ટ્રાન્સફૉર્મર્સ, વર્ટેક્સ સિક્યૉરિટીઝ, વાઇટ ઑગેર્નિક ઍગ્રો (અગાઉની વાઇટ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ) તથા પનાશે ઇનોવેશન (અગાઉની રુબી ટ્રેડર્સ ઍન્ડ એક્સપોર્ટર્સ).

પાયોનિયર ડિસ્ટિલરીઝના કેસમાં યુનાઇટેડ સ્પિરિટ્સે સેબી સાથે સેટલમેન્ટ કર્યું

યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડે પાયોનિયર ડિસ્ટિલરીઝના કેસમાં સેબી સાથે સેટલમેન્ટ કરી લીધું છે. પાયોનિયરના શૅરની ખરીદી વખતે કથિત રીતે ટેકઓવરના નિયમોનું ઉલ્લંઘન થયું હતું એવો સેબીનો આક્ષેપ હતો.

પાયોનિયર ડિસ્ટિલરીઝની પ્રમોટર યુનાઇટેડ સ્પિરિટ્સે ઉક્ત કથિત ચૂક બદલ સેટલમેન્ટ કરી લેવા સેબીને ૮.૧૯ લાખ રૂપિયાની ચુકવણી કરી છે.

સેબીએ ઉક્ત કેસમાં સેબી (સબસ્ટેન્શિયલ ઍક્વિઝિશન ઑફ શૅર્સ ઍન્ડ ટેકઓવર્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૧ હેઠળની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ ઍડ્જુડિકેશનની કાર્યવાહી શરૂ કરી હતી. યુનાઇટેડ સ્પિરિટ્સે એમાં સેટલમેન્ટ કરી લેવા માટે ફેબ્રુઆરી ૨૦૧૬માં અરજી કરી હતી.

ગઈ ૩૦ જૂને યુનાઇટેડ સ્પિરિટ્સનો પાયોનિયર ડિસ્ટિલરીઝમાં ૭૫ ટકા હિસ્સો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK