વધ-ઘટ સાથે બજારનો ટ્રેન્ડ તેજીનો રહેવાના સંકેત

સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને તે તો દઈ દે દરિયો. હવે આ દરિયામાં ડૂબી ન જવાય અને તરી શકાય એ માટે રોકાણકારોએ પોતે સજાગ રહેવું પડશે

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

તાજેતરના સમયમાં શૅરબજાર યા ચોક્કસ શૅરો માટે રોકાણકારો ઉપર મુજબનું  ગીત ગાતા હોય તો નવાઈ નહીં. શૅરબજાર જે રીતે વધે છે એ જોતાં રોકાણકારોને ઉમ્મીદ સે જ્યાદા લાગી શકે. બીજી બાજુ, ચોક્કસ IPOમાં પણ લિસ્ટિંગ બાદ સારી કમાણી થઈ રહી છે. HDFC ઍસેટ મૅનેજમેન્ટ કંપની એનું તાજું ઉદાહરણ છે. જ્યારે સેકન્ડરી માર્કેટમાં લાર્સન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC, HDFC બૅન્ક જેવા સ્ટૉક્સે પણ રોકાણકારોને દરિયો આપ્યાની લાગણી વ્યક્ત થાય છે.

નવી રેકૉર્ડ સપાટી

ગયા સપ્તાહના પ્રથમ દિવસે શૅરબજારનો સુધારો આગલા શુક્રવારની જેમ આગળ વધ્યો હતો એટલું જ નહીં, વધારે ઉત્સાહથી ઊછળ્યો પણ હતો. સેન્સેક્સ ૩૮,૦૦૦ની ક્યાંય ઉપર એટલે કે ૩૩૦ પૉઇન્ટ વધીને ૩૮,૨૭૮ પૉઇન્ટ અને નિફ્ટી ૮૧ પૉઇન્ટના જમ્પ સાથે ૧૧,૫૫૧ સુધી પહોંચી ગયો હતો. આ વધુ એક નવી રેકૉર્ડ સપાટી હતી. વર્લ્ડ ટ્રેડ-વૉર હળવી થવાના અણસારે આમ બન્યું હોવાની ચર્ચા હતી. અમેરિકન માર્કેટ પૉઝિટિવ રહેવાની અસર પણ હતી. આ ઉપરાંત સોમવારે રૂપિયાની પણ ડૉલર સામે સહજ રિકવરી થઈ હતી. મંગળવારે બજાર ફ્લૅટ ખૂલીને પછી નેગેટિવ થઈને માઇનસમાં આગળ વધતું રહ્યું હતું. જોકે આખરમાં એ સાધારણ પ્લસમાં બંધ રહ્યું હતું જેમાં સેન્સેક્સ માત્ર સાત પૉઇન્ટ અને નિફ્ટી ૨૬ પૉઇન્ટ પ્લસ રહ્યાં હતાં. બજાર પાસે લોકલ કે ગ્લોબલ કોઈ ટ્રિગર નહોતાં. હવે પછી ઇન્ડેક્સ શૅરો ટૂંકા ગાળામાં વધુ વૃદ્ધિ નહીં આપી શકે એવો મત વ્યાપક બનવા લાગ્યો છે છતાં લાંબા ગાળા માટે આ શૅરો ઘટાડા બાદ ખરીદી શકાય. બુધવારે બજાર બકરી ઈદને કારણે બંધ રહ્યું હતું. ગુરુવારે માર્કેટની શરૂઆત ફ્લૅટ થઈ હતી પછી છેલ્લે સાધારણ ઊંચું બંધ રહ્યું હતું. શુક્રવારે પણ બજાર સો-સવાસો પૉઇન્ટની વધ-ઘટ સાથે આખરે સેન્સેક્સ ૮૫ અને નિફ્ટી પચીસ પૉઇન્ટ નીચે બંધ રહ્યાં હતાં. જોકે સેન્સેક્સે ૩૮,૨૦૦ ઉપરની અને નિફ્ટીએ ૧૧,૫૫૦ની સપાટી જાળવી રાખી હતી. અર્થાત બજાર વધ-ઘટ સાથે પણ તેજીના ટ્રેન્ડમાં રહેવા માગે છે. આમાં વચ્ચે પ્રૉફિટ-  બુકિંગ થવાનું કારણ પણ આવતું રહેશે.

બજારની ગ્લોબલ નજર

બજારની નજર વિશ્વ વેપાર બાબતે અમેરિકા અને ચીન વચ્ચે થનારી બેઠક પર છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આ મીટિંગ માટે બહુ આશા વ્યક્ત કરી નથી. બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ વધુ એક વાર વ્યાજવધારા માટે સજ્જ થઈ રહ્યું છે. અમેરિકન ઇકૉનૉમી મજબૂત થતી જતાં ફેડરલ રિઝર્વને આ પગલું વાજબી લાગે છે. એને કારણે  વિદેશી રોકાણપ્રવાહ પર કંઈક અંશે અસર થઈ શકે છે. જોકે ભારતીય માર્કેટનો સવાલ છે ત્યાં સુધી અહીં વિદેશી રોકાણનો પ્રવાહ આવતો રહ્યો છે. આ વર્ગ માટે ભારત ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટમાં હૉટ ફેવરિટ ગણાય છે. ટર્કીની કરન્સીની ચિંતાનું પરિબળ

ધીમે-ધીમે ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે. આમ પણ ટર્કીનો વર્લ્ડ GDPમાં ફાળો એક ટકાથી પણ ઓછો છે. જોકે ભારતીય બજારની નજર ક્રૂડના ભાવની ચાલ પર પણ છે, જ્યારે કે એશિયન માર્કેટ્સની ચાલ પણ ભારતીય બજાર માટે મહત્વની છે. કહેવાય છે કે ગ્લોબલ લેવલે કંઈક છમકલાં થાય તો ભારતીય માર્કેટ પર એની ટૂંકા ગાળાની અસર અવશ્ય થઈ શકે, પરંતુ ભારતમાં બધું સરખું હશે અને કોઈ નેગેટિવ પરિબળ ઊભું ન થાય તો ભારતીય માર્કેટનું મોમેન્ટમ જળવાઈ રહેશે. અત્યારે તો જે સંકેત મળે છે એ મુજબ અમેરિકા અને ચીન વચ્ચેનું વેપારયુદ્ધ વકરવાની સંભાવના વધી છે. ચીને અમેરિકાથી થતી આયાત પર ડ્યુટી નાખવાનું નક્કી કર્યું છે.

સારા સંકેત અને સમર્થન

એક સારી બાબત માર્કેટ માટે એ છે કે ઇન્ટરનૅશનલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર ૭.૫ ટકા રહેવાની ધારણા મૂકી છે. અન્ય વૈશ્વિક સંસ્થાઓ તરફથી પણ ભારત માટે સારા અભિપ્રાય વ્યક્ત થતા રહે છે જે ભારતીય અર્થતંત્રની પ્રગતિને સમર્થન આપે છે. લાંબા ગાળાના રોકાણકારોએ આમાંથી માર્કેટના ભાવિ માટેનો ઇશારો સમજવા જેવો છે. જો અર્થતંત્રનો આ ગ્રોથ હોય તો બજારનો ગ્રોથ પણ નિશ્ચિત ગણાય એવી આશા રાખવી અસ્થાને નથી. દેશમાં ગ્રામ્ય અને શહેરી સ્તરે વધી રહેલી ડિમાન્ડ અને વપરાશનો ટ્રેન્ડ પણ સારા સંકેત આપે છે. આ સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ વેગ પકડી રહી છે. ૨૦૧૭-’૧૮માં ઇન્કમ ટૅક્સ કલેક્શન વધીને દસ લાખ કરોડ ઉપર પહોંચ્યું છે, જ્યારે કે રિટર્ન ફાઇલ કરનારની સંખ્યા પણ વધીને ૬.૯૨ કરોડ થઈ છે. આને સારી નિશાની ગણી શકાય. આમ ગયા વર્ષ કરતાં રિટર્ન ફાઇલ કરનારની સંખ્યા સવાસો કરોડ જેટલી વધી છે. 

આપણા બજારમાં હાલમાં કન્ઝમ્પ્શન સ્ટોરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. રૂપિયો ડૉલર સામે ૭૦ થવા છતાં એની ચિંતા હવે ડિસ્કાઉન્ટ થતી જાય છે, જ્યારે બીજી બાજુ ટર્કીની કરન્સી લીરાની કફોડી હાલતને ધ્યાનમાં રાખી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સે એનું રેટિંગ જન્ક કૅટેગરીમાં મૂક્યું છે અને આગામી વર્ષે ટર્કીમાં મંદીની રિસેશનની આગાહી કરી છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનું ધ્યાન


ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (FPI) મોટેપાયે વેચાણ અને ખરીદી પણ કરી રહ્યા છે. FPIનું રોકાણ ખાસ કરીને આ મહિનામાં અત્યાર સુધીમાં ૭૫૦૦ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે. આ રોકાણકારો કન્ઝમ્પ્શનમાં અગ્રણી કંપનીઓના શૅરોમાં રોકાણ વધારી રહ્યા છે જેમાં અવેન્યુ સુપરમાર્ટ (ડી-માર્ટ), પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, મહાનગર ગૅસ, બજાજ ફાઇનૅન્સ, તાતા ગ્લોબલ, ઇન્ટરગ્લોબ એવિયેશન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતના ગ્રોથની સંભાવના વધી છે. આ માટે વિકાસદર વધુ ઊંચે જવાની આશા વ્યક્ત થાય છે. કહે છે કે અમેરિકા-ચીન વેપારયુદ્ધ વધશે તો ભારતને નિકાસ માટે વધુ તક મળશે.

મિડ કૅપ સ્ટૉક્સમાં અચ્છે દિન

મિડ કૅપ શૅરોના અચ્છે દિન પાછા ફરે એવી શક્યતા જાણવા મળે છે. એક ગ્લોબલ ફન્ડ ભારતીય મિડ કૅપ કંપનીઓના શૅરોમાં ખાસ રસ ધરાવે છે. ઍશબર્ટન ઇન્વેસ્ટમેન્ટ નામનું આ ફન્ડ ભારતીય મિડ કૅપ સ્ટૉક્સમાં ૧૦ અબજ ડૉલરના રોકાણનો પ્લાન ધરાવે છે. આને પરિણામે સારા મિડ કૅપ શૅરોમાં ભાવો રિકવર થવાની આશા છે. જોકે રોકાણકારોએ સમજી-વિચારીને આ શૅરોમાં પસંદગી કરવી જોઈએ. ગ્લોબલ ફન્ડના મત  મુજબ લાર્જ કૅપ શૅરો સારા એવા વધી ગયા છે. હવે ભાવવૃદ્ધિનો વધુ અવકાશ મિડ કૅપમાં જણાય છે. ટર્કીની ક્રાઇસિસથી આ સ્ટૉક્સ મહદાંશે મુક્ત રહેશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગ્લોબલ ફન્ડ સહિત ઘણા મોટા રોકાણકારો આ સ્ટૉક્સની વધ-ઘટનો લાભ લેશે.

નાની ખાસ વાત - માતૃભાષા ફન્ડામેન્ટલ છે


ગયા સપ્તાહમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવાયો જેને ધ્યાનમાં રાખતાં શૅરબજારના સંદર્ભમાં એક વાત સૂઝે છે. જેમ ગુજરાતી વ્યક્તિ માટે તેની માતૃભાષા ગુજરાતી છે અને તેનો શિક્ષણનો પાયો આ ભાષામાં મજબૂત હશે તો અન્ય ભાષામાં પણ તે મજબૂત બની શકશે. અલબત્ત, તેણે અન્ય જરૂરી ભાષા પર પણ પ્રભુત્વ મેળવવું જોઈશે, કારણ કે ગુજરાતી ભાષા - માતૃભાષા તરીકે શૅરબજારના ફંડામેન્ટલ સમાન ગણાય જે મજબૂત હોય તો બજાર તેજીમાં રહે. જ્યારે વિદેશી ભાષા સેન્ટિમેન્ટ સમાન ગણાય જેની પણ બજારને જરૂર હોય છે. વિદેશી રોકાણકારો આપણી બજારમાં વેચવા આવી જાય તો આપણા સ્થાનિક રોકાણકારો - મ્યુચ્યુઅલ ફન્ડ્સ તેને ટકાવી રાખવા સક્ષમ છે એમ ગુજરાતી ભાષા પણ ગુજરાતી માણસના જીવનમાં સક્ષમ છે. જોકે આ ગ્લોબલાઇઝેશનના સમયમાં આપણને ફન્ડામેન્ટલની સાથે-સાથે અંગ્રેજી ભાષા રૂપી સેન્ટિમેન્ટની પણ જરૂર તો છે જ. આખરે તો આ વિદેશી રોકાણકારો આપણા આર્થિક ફન્ડામેન્ટલ્સ જોઈને જ રોકાણ કરવા - વધારવા પ્રેરાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK