ટ્રેડ-વૉરના મામલે અમેરિકા તરફથી સમાધાનના નિર્દેશમાં બજાર ઊછળ્યું

ક્રૂડના કમઠાણ પાછળ રિફાઇનરી શૅરમાં ઘટાડો જારી : HDFC-ટ્વિન્સની મજબૂતી બજારને ૧૮૧ પૉઇન્ટ ફળી : US FDAની મંજૂરી પાછળ કૅડિલા હેલ્થકૅરની લાલિમા વધી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આશરે ૬૦ અબજ ડૉલરની ચાઇનીઝ આયાત પર અંકુશ લાદીને ટ્રેડ-વૉરના શ્રીગણેશ કરનાર અમેરિકા હવે કંઈક વચગાળાનો રસ્તો શોધે છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્ટીવન મુચિન દ્વારા ટૅરિફ-વૉર ઉગ્ર ન બને અને બન્ને પક્ષનું હિત જળવાઈ રહે એ પ્રકારનો કોઈ કરાર કે ઍગ્રીમેન્ટ કરવા વિશેની શક્યતા ચકાસવાની કવાયત હાથ ધરાઈ છે. આ નિર્દેશના પગલે ગઈ કાલે વિશ્વબજારોને નવી હૈયાધારણ મળી છે. શુક્રવારની રાત્રે પણ અમેરિકન ડાઉ ઇન્ડેક્સ વધુ પોણાબે ટકા કે સવાચારસો પૉઇન્ટ ગગડીને ર૪પ૩૩ બંધ આવવા છતાં આ નવા ડેવલપમેન્ટમાં એશિયન બજારો ગઈ કાલે અડધો-પોણો ટકો વધીને બંધ રહ્યા છે. રનિંગ ક્વોટમાં યુરોપ પણ પ્રત્યાઘાતી સુધારો દેખાડતું હતું. ઘરઆંગણે પણ સેન્સેક્સ ઉપરમાં ૩૩૧૦ર વટાવી છેલ્લે ૪૭૦ પૉઇન્ટ ઊંચકાઈને ૩૩૦૬૬ તો નિફ્ટી ૧૦૧૪૧ નજીક જઈને ૧૩૩ પૉઇન્ટની મજબૂતીમાં ૧૦૧૩૧ નજીક બંધ આવ્યો છે. લગભગ ૧૨ વાગ્યા સુધી આગલા બંધની આસપાસ સાંકડી વધ-ઘટમાં રમતું રહેલું શૅરબજાર ત્યાર પછી એકધારું અપવર્ડ મૂવમેન્ટમાં જોવા મળ્યું છે. સેન્સેક્સના ૩૧માંથી રપ તો નિફ્ટીના પ૦માંથી ૩૯ શૅર પ્લસ હતા. યસ બૅન્ક અને સ્ટેટ બૅન્ક સવાપાંચથી સાડાછ ટકાની તેજીમાં બન્ને બજાર ખાતે મોખરે હતા. જ્યારે વિપ્રો નીચામાં ર૭ર બતાવી અંતે સાડાત્રણ ટકાના કટમાં ટૉપ લૂઝર બન્યો હતો. HDFC ર.૩ ટકા અને FDFC બૅન્ક ૩.૩ ટકા મજબૂત બંધ રહેતાં સેન્સેક્સને ગઈ કાલે ૧૮૧ પૉઇન્ટનો લાભ થયો છે.

ગઈ કાલના ઉછાળામાં શૉર્ટ-કવરિંગ ફૅક્ટર પણ નોંધપાત્ર ભાગ ભજવી ગયું હતું. સરવાળે માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી જળવાઈ રહી છે. સ્મૉલ-કૅપ, મિડ-કૅપ તથા બ્રૉડર માર્કેટ સેન્સેક્સના મુકાબલે ઓછા વધ્યા હતાં. IT, ટેક્નૉલૉજી તેમ જ ઑઇલ-ગૅસને બાદ કરતાં બજારના બાકીના ૧૬ સેક્ટોરલ ઇન્ડાઈસિસ, ટેલિકૉમ, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા બેન્ચમાર્ક પોણાબેથી સવાબે ટકા અપ હતા. મુખ્યત્વે સરકારી બૅન્કો સાથે MMTC, એન્જિનિયર્સ ઇન્ડિયા, સેઇલ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, પાવર ફાઇનૅન્સ જેવી જાતો બેથી આઠ ટકા વધતાં PSU ઇન્ડેક્સ પ૩માંથી ૩૦ શૅરના સુધારામાં ૧.૩ ટકા વધ્યો છે.

MMTCમાં ઉછાળો, STCમાં સુધારો

ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુના જણાવ્યા પ્રમાણે સરકાર MMTC અને STCના મર્જરની યોજના વિચારી રહી છે. STC માંદલી કંપની છે અને એના ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ માઇનસ રૂપિયા પ૦રની છે. એમાં સરકારનું હોલ્ડિંગ ૯૦ ટકા છે. ર૭ર૯૩ જેટલા નાના ઇન્વેસ્ટર્સ પાસે લગભગ સાડાછ ટકા હોલ્ડિંગ છે. નવેમ્બર ર૦૦૭માં આ શૅરમાં ૭૧૭ રૂપિયા પ્લસની વિક્રમી સપાટી બની હતી. ગયા શુક્રવારે શૅરમાં ૧૩પ રૂપિયાની મલ્ટિયર બૉટમ બની છે. શૅર ગઈ કાલે લગભગ બમણા કામકાજમાં ૧૪ર રૂપિયાના પ્લાનની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેલ્લે સવા ટકાના સુધારામાં ૧૩૭ રૂપિયા હતો. MMTCનો ભાવ ગઈ કાલે ઉપરમાં ૬૦ થઈ છેલ્લે આઠ ટકાના ઉછાળે પ૯ રૂપિયા હતો. ૯ માર્ચે એમાં ૪પ રૂપિયાનું મલ્ટિયર બૉટમ બન્યું હતું. તાજેતરની બોર્ડ-મીટિંગમાં બે શૅરદીઠ એક બોનસ જાહેર થયું છે. આ એનું બીજું બોનસ છે. છેલ્લે જૂન ૨૦૧૦માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. એક રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૧૨ રૂપિયાની છે. સરકાર પાસે ૮૯.૯ ટકા હોલ્ડિંગ છે. ૮૬૯૮૬ જેટલા નાના રોકાણકારો પાસે ૩.૪ ટકા માલ છે. જાન્યુઆરી ર૦૧૦માં ભાવ ૧૮૭૩ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ તો ફેબ્રુઆરી ર૦૧૬માં ૩૧ રૂપિયાની અંદરના ઑલટાઇમ તળિયે જોવા મળ્યો છે.

કૅડિલા હેલ્થકૅરમાં તેજી

કૅડિલા હેલ્થકૅરને મેટોપ્રોરોલ સક્સિનેટ ટૅબ્લેટ્સના વેચાણ માટે અમેરિકન FDAની ફાઇનલ અપ્રૂવલ મળવાના સમાચાર પાછળ શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૩૯૦ નજીક જઈ અંતે ૪.૮ ટકાની તેજીમાં ૩૮૭ રૂપિયા બંધ રહ્યો છે. શુક્રવારે આ કાઉન્ટરમાં ૩૬૧ રૂપિયાની વર્ષની બૉટમ દેખાઈ હતી. મેટોપ્રોરોલનો ઉપયોગ છાતીમાં દુખાવો, બ્લડ-પ્રેશર, હાર્ટ સંબંધી બીમારી તથા કિડનીને લગતી બીમારીના ઇલાજમાં થયા છે. ગ્રુપ કંપની ઝાયડ્સ વેલનેસ પણ સવાયા કામકાજમાં સવા ટકો વધીને ૧૧પપ રૂપિયા બંધ રહ્યો છે. અન્ય જાણીતા ફાર્મા શૅરમાં પેનેસિયા બાયો સાડાત્રણ ગણા વૉલ્યુમમાં ર૯૮ રૂપિયા નજીક જઈ છેલ્લે ૯.પ ટકાની તેજીમાં ર૮૬ રૂપિયા, સિન્જેન ૪.૪ ટકા વધીને પ૮પ રૂપિયા તો ડૉ. લાદ પૅથલૅબ્સ બે ટકા વધીને ૮૬પ રૂપિયા હતા. સિપ્લા, ડિવીઝ લૅબ, ડૉ. રેડ્ડીઝ લૅબ, લુપિન, બાયોકૉન, અજન્ટા ફાર્મા ઇત્યાદિ પોણાથી પોણાબે ટકા અપ હતા. યુનિકેમ લૅબ ૭ ગણા કામકાજમાં ર૯પ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧૧ ટકાની ખરાબીમાં ર૯પ રૂપિયા બંધ રહ્યો છે. કૅપલિન પૉઇન્ટ લૅબમાં ત્રણ ટકાની નરમાઈ હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરના સુધારામાં પોણો ટકો વધ્યો હતો.

IOC-હિન્દુસ્તાન પેટ્રોમાં ઐતિહાસિક બૉટમ

છેલ્લા ૯ દિવસમાંથી આઠ દિવસની નરમાઈમાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧પ૬ર૪ની ટોચથી ગગડીને ૧૪ર૪૩ થઈ ચૂક્યો છે. જ્યારે નવેમ્બર ર૦૧૭ની ૧૬૭ર૭ની વિક્રમી સપાટીની વાત કરીએ તો આ આંક સાડાચાર મહિનામાં ર૪૮૪ પૉઇન્ટ કે લગભગ ૧પ ટકા તૂટી ગયો છે. સોમવારે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં ૦.૩૧ ટકા ડાઉન હતો. ગેઇલ ઇન્ડિયા ત્રણ ગણા કામકાજમાં નીચામાં ૪૧૩ થઈ અંતે ૪૨૭ રૂપિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૩ર૩ રૂપિયાની વર્ષની બૉટમ બનાવી દોઢા કામકાજમાં પોણો ટકો ઘટીને ૩૩૨ રૂપિયા, પેટ્રોનેટ LNG સવાબે ટકાની નબળાઈમાં ૨૨૬ રૂપિયા, IOC ૧૬પ રૂપિયાની નીચેનું વર્ષનું નવું તળિયું બનાવી એક ટકાના ઘટાડે ૧૬૭ રૂપિયા, ભારત પેટ્રો ૪૦૦ રૂપિયાની વર્ષની બૉટમ ભણી સરકતાં નીચામાં ૪૦ર થઈ ૧.૪ વધીને ૪૧૯ રૂપિયા બંધ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૦૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બાદ એક ટકો વધીને ૯૦૧ રૂપિયા તો ONGC ૧૮૦ રૂપિયા થયા પછી પોણો વધીને ૧૭૯ રૂપિયા બંધ હતા. ઑઇલ એક્સ્પ્લોરેશન સેગમેન્ટમાં અબાન ઑફશૉર, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન તથા સેલાન એક્સ્પ્લોરેશન બેથી ત્રણ ટકા મજબૂત હતા.

બૅન્ક નિફ્ટીમાં રિલીફ રૅલી


PSU બૅન્ક શૅરમાં નીચા મથાળે લેવાલીના આકર્ષણ વચ્ચે બૅન્કિંગ શૅર ગઈ કાલે સારી એવી ફૅન્સીમાં હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની મજબૂતીમાં ૫૭૪ પૉઇન્ટ કે અઢી ટકા વધ્યો હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સુધારામાં પાંચેક ટકા ઊંચકાયો હતો. જ્યારે બૅન્કેક્સ ૧૦માંથી ૧૦ શૅરની મજબૂતીમાં ૬૦૯ પૉઇન્ટ કે ૨.૩ ટકા અપ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૦માંથી ૨૭ જાતો ગઈ કાલે વધી હતી. કૅનેરા બૅન્ક સાથે દેના બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, વિજયા બૅન્ક ઇત્યાદિના મર્જરની હાલમાં કોઈ યોજના ન હોવાના સરકારી નિવેદન પાછળ કૅનેરા બૅન્ક સોમવારે ૧૦ ટકાના જમ્પમાં ૨૬૯ રૂપિયા બંધ રહ્યો છે. બૅન્ક ઑફ બરોડા, સિન્ડિકેટ બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સવાથી બે ટકા પ્લસ હતા. યસ બૅન્ક ૫.૭ ટકા, સ્ટેટ બૅન્ક પાંચ ટકા, HDFC બૅન્ક ૨.૯ ટકા ICICI બૅન્ક બે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો વધીને બંધ રહેતાં સેન્સેક્સને ગઈ કાલે ૨૯૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. ધનલક્ષ્મી બૅન્ક, વિજયા બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર એકથી બે ટકા ડાઉન હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK