સ્ટિમ્યુલસ પૅકેજના આશાવાદ વચ્ચે શૅરબજાર બીજા દિવસે પણ માયૂસ

ઍમેઝૉનના સથવારે શૉપર્સ સ્ટૉપ ૨૦ ટકા તેજીમાં : કૅપેસિટી ઇન્ફ્રાનું તગડું લિસ્ટિંગ પછીથી પ્રોત્સાહક પુરવાર થયું : ફાર્મા ઉદ્યોગના ૧૩૩ શૅરમાંથી માત્ર ૨૧ શૅર વધીને બંધ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સરકારની છાશવારે મસમોટી યોજનાઓની જાહેરાતો અને ઇવેન્ટ-મૅનેજમેન્ટના જોરદાર જલસા છેવટે પોકળ પુરવાર થઈ રહ્યાં છે. અર્થતંત્રની વરવી વાસ્તવિકતા એના નગ્ન સ્વરૂપે બહાર આવવા માંડી છે અને આની સાથે જ વર્ચ્યુઅલ રિયલિટી કે આભાસી વિકાસની દુનિયામાં મહાલતા શૅરબજારમાં ક્યારનાય પાકી ગયેલા મીનિંગફુલ કરેક્શનનો માર્ગ મોકળો થયો હોય એમ લાગે છે. શૅરબજાર આગલા દિવસના ચાલુ કૅલેન્ડર-વર્ષના મોટા ધબડકાને આગળ ધપાવતાં ગઈ કાલે ૨૯૬ પૉઇન્ટની વધુ નબળાઈમાં ૩૧૬૨૬ બંધ આવ્યું છે. ઇન્ટ્રા-ડેમાં તો સેન્સેક્સ નીચામાં ૩૧૪૭૪ થયો હતો.

નિફ્ટી નીચામાં ૯૮૧૬ બતાવીને અંતે ૯૨ પૉઇન્ટની નરમાઈમાં ૯૮૭૨ આવ્યો છે. બન્ને બજારો ખાતે એક પણ બેન્ચમાર્ક પ્લસમાં બંધ રહી શક્યો નથી. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ફક્ત ૬ જાતો કે નિફ્ટી-૫૦નાં ૫૧માંથી ૧૩ કાઉન્ટર વધ્યાં હતાં. માર્કેટ-બ્રેડ્થમાં વ્યાપક નેગેટિવિટી જોવા મળી છે. BSE ખાતે કુલ ૨૭૨૮ શૅરના સોદા પડ્યા હતા જેમાંથી ૧૮૬૧ કાઉન્ટર તો NSE ખાતે ૧૭૮૩માંથી ૧૪૨૦ જાતો ઘટીને બંધ રહી છે. સેન્સેક્સ-નિફ્ટીના એક ટકાથી ઓછા ઘટાડા સામે મિડકૅપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ, સ્મૉલકૅપ બેન્ચમાર્ક બે ટકાથી વધુ અને BSE-૫૦૦ સવા ટકા નજીક ઢીલા હતા. ઑબેરૉય રિયલ્ટીને બાદ કરતાં બાકીની ૯ જાતોની ખરાબીમાં રિયલ્ટી ઇન્ડેક્સ સાડાત્રણ ટકા તરડાયો હતો. ૨૬માંથી ૨૧ શૅરની નબળાઈમાં કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧.૬ ટકા ડાઉન હતો. લાર્સન પોણાબે ટકા માઇનસ હતો, તો હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૦માંથી ૫૯ શૅરના ઘટાડામાં પોણાબે ટકા માંદો પડ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડે ૧.૮ ટકા બીમાર હતો.

બૅન્કિંગ અને ફાર્મામાં નોંધપાત્ર ધોવાણ


બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી આમ તો સેન્સેક્સના મુકાબલે પ્રમાણમાં ઓછો ઘટાડો બતાવતા હતા, પરંતુ આંતરપ્રવાહમાં કમજોરી વધુ દેખાતી હતી. બૅન્કનિફ્ટીના ૧૨માં કેવળ ત્રણ તો બૅન્કેક્સના ૧૦માંથી બે શૅર સુધર્યા હતા. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના વધેલા શૅરની સંખ્યા ૪૦માંથી ૬ હતી. આંધþ બૅન્ક અઢી ટકા તથા સ્ટાન્ચાર્ટ બૅન્ક અને AU સ્મૉલ બૅન્ક સવા ટકાની આસપાસ પ્લસ હતા. સામે ૨૦ બૅન્ક-શૅર દોઢ ટકાથી લઈને સાડાપાંચ ટકા સુધી તૂટ્યા હતા. ફાર્મા સેક્ટરના કુલ ૧૩૩ શૅરમાંથી ગઈ કાલે ૨૧ શૅર વધી શક્યા હતા જેમાં ગુફિક બાયો ૧૨ ટકાની તેજીમાં મોખરે હતો. સેન્સેક્સમાં સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, સિપ્લા, લુપિન જેવી ચારેચાર જાતો સવાથી સવાબે ટકા નરમ હતી. ટૂ-થ્રી વ્હીલર્સ સેગમેન્ટમાં એકમાત્ર TVS રૂપિયા મોટર્સ સામા પ્રવાહે સવા ટકો વધીને ૬૪૨ રૂપિયા બંધ હતો. બાકીના ૯ શૅર માઇનસમાં હતા. યુનાઇટેડ બ્રુઅરીઝ સાત ગણા વૉલ્યુમમાં સવાછ ટકાના જમ્પમાં ૮૫૯ રૂપિયા, શિપિંગ કૉર્પોરેશન આઠ ગણા કામકાજમાં ૧૧.૫ ટકા ઊછળીને  ૯૮ રૂપિયા નજીક તો રિલાયન્સ હોમ ચાર ગણા વૉલ્યુમમાં સાડાચાર ટકા વધીને ૧૧૪ રૂપિયા બંધ હતો. 

બૉમ્બે ડાઇંગમાં નીચલી સર્કિટ

બૉમ્બે ડાઇંગ તાજેતરની ફાટફાટ તેજી પછી ઝડપી પ્રત્યાધાતી સુધારાની ચાલમાં ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૯૩ રૂપિયા બંધ હતો. છેલ્લે બન્ને બજાર ખાતે કુલ મળીને આશરે પોણાદસ લાખ શૅરના સેલર્સ લાઇનમાં હતા. આ શૅર બાવીસમી ઑગસ્ટે ૭૩ હતો ત્યાંથી જોરદાર તેજીમાં વધીને એક મહિનામાં બાવીસમી સપ્ટેમ્બરે ઇન્ટ્રા-ડેમાં ૨૨૨ રૂપિયાની મલ્ટિયર ટોચે ગયો હતો. આ જ ગાળામાં ૪૭૨થી વધીને શુક્રવારે ૧૦૬૮ રૂપિયાની વિક્રમી સપાટી બતાવનાર HEG લિમિટેડ પણ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૪૦ રૂપિયા રહ્યો હતો. ગોવા કાર્બન મહિનામાં ૨૮૮થી વધીને ગયા શુક્રવારે ૪૭૫ના શિખર બાદ ગઈ કાલે નીચામાં ૪૧૮ થઈ છેલ્લે ચાર ટકાના ઘટાડે ૪૨૨ રૂપિયા, કામત હોટેલ એક મહિનામાં ૬૧થી ઊંચકાઈને ૨૨ સપ્ટેમ્બરે ૧૧૫ રૂપિયા નજીક નવી વર્ષર્ની  ટોચે ગયો હતો એ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટ બાદ છેલ્લે ૪ ટકાની નરમાઈમાં ૧૦૫ રૂપિયા નીચે બંધ હતો. ફ્યુચર માર્કેટ નેટવર્ક, ફ્યુચર કન્ઝ્યુમર, ફ્યુચર એન્ટરપ્રાઇઝ, ફ્યુચર લાઇફસ્ટાઇલ પાંચથી સાડાપાંચ ટકા ડાઉન હતા. ફ્યુચર રીટેલ પોણો ટકો પ્લસ હતો.

શૉપર્સ સ્ટૉપમાં ઍમેઝૉનની તેજી

શૉપર્સ સ્ટૉપ રોજના સરેરાશ ૧૪,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૨.૩૩ લાખ શૅરના તગડા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૦૦ રૂપિયા નજીક નવા શિખરે બંધ રહ્યો છે. છેલ્લે ૩૮,૦૦૦ શૅરના બાયર્સ BSE ખાતે તો ૬૧,૦૦૦ શૅરના બાયર્સ NSE ખાતે લાઇનમાં હતા. ઈ-કૉમર્સ જાયન્ટ ઍમેઝૉન દ્વારા પ્રેફરેન્શિયલ રૂટ મારફત કંપનીમાં ૪૪ લાખ ઇક્વિટી શૅરને શૅરદીઠ ૪૦૮ રૂપિયા નજીકના ભાવે હસ્તગત કરવાની જાહેરાત તેજીનું કારણ બની છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૫૭ રૂપિયા પ્લસ છે. ઑગેર્નાઇઝ્ડ રીટેલ સેગમેન્ટની મોટા ભાગની જાતો ગઈ કાલે ઘટાડામાં હતી, જેમાં આદિત્ય બિરલા ફૅશન્સ, કેન્ટાબિલ રીટેલ, ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ, ફ્યુચરલાઇફ, કેવલ કિરણ ક્લોધિંગ્સ, મંધાના રીટેલ, ટ્રેન્ટ ઇત્યાદિ અઢીથી સાડાપાંચ ટકા ડાઉન હતા. ડી-માર્ટ એક ટકો નરમ હતો, જ્યારે વી-રીટેલ અને ફ્યુચર રીટેલ પોણા ટકાની આસપાસ વધ્યા હતા. ફ્યુચર એન્ટરપ્રાઇઝિસનો DVR અઢી ટકાના ઘટાડે ૪૬ રૂપિયા હતો. વી-ટૂ રીટેલ ૪૧૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નજીવો વધીને ૩૯૯ રૂપિયા રહ્યો હતો.

નોવાર્ટિસમાં બાયબૅક પ્રાઇસને લીધે માયૂસી

CCD ફેમ કૉફી ડે એન્ટરપ્રાઇઝ પરના વ્યાપક દરોડામાં આશરે ૬૫૦ કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મળી આવી હોવાના અહેવાલ પાછળ શૅર નરમાઈની હૅટટ્રિકમાં ગઈ કાલે બમણા કામકાજમાં નીચામાં ૨૦૪ રૂપિયા બતાવી છેલ્લે ૮.૪ ટકા તૂટીને ૨૧૨ રૂપિયા બંધ હતો, તો નોવાર્ટિસ ઇન્ડિયામાં શૅરબાયબૅકની મહત્તમ પ્રાઇસ શૅરદીઠ ૬૭૦ રૂપિયા જેવી નીચી ઠરાવાયાના પગલે ભાવ ગઈ કાલે ચાર ગણા કામકાજમાં ૬૯૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડીને નીચામાં ૬૨૬ થયા બાદ છેલ્લે પોણાસાત ટકા લથડીને ૬૩૭ રૂપિયા નજીક બંધ રહ્યો છે. ઑબેરૉય રિયલ્ટી તરફથી થાણેમાં GSK ફાર્માસ્યુટિકલ્સની લૅન્ડ પ્રૉપર્ટી ૫૫૫ કરોડ રૂપિયામાં ખરીદવાની સફળ બિડ થયાના પગલે ભાવ ગઈ કાલે ત્રણગણા કામકાજમાં ૪૩૭ રૂપિયાના નવા શિખરે પહોંચીને છેલ્લે ૩.૮ ટકાની મજબૂતીમાં ૪૨૩ રૂપિયા આસપાસ બંધ હતો. થૉમસ કુક દ્વારા તાતા કૅપિટલની સબસિડિયરી તાતા ફોરેક્સ અને TC ટ્રાવેલ્સને હસ્તગત કરવાની યોજના જાહેર થઈ છે. જોકે શૅર ઉપરમાં ૨૩૭ વટાવી અંતે અડધા ટકા જેવા ઘટાડે ૨૩૧ રૂપિયા બંધ હતો.

કૅપેસિટી ઇન્ફ્રામાં લિસ્ટિંગ બાદ પીછેહઠ

શૅરદીઠ ૨૫૦ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલો કૅપેસિટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનો શૅર ગઈ કાલે લિસ્ટિંગની સાથે જ ૩૯૯ રૂપિયા ખૂલ્યો હતો. જોકે ત્યાર બાદ ઘસારો શરૂ થતાં શૅર નીચામાં ૩૩૬ની અંદર જઈને અંતે ૩૪૨ રૂપિયા બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને લગભગ ૨૨૦ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. આ ભરણું ૧૮૩ ગણું ભરાયું હતું. રીટેલ પોર્શન ૧૭.૬ ગણો તો હાઈ નેટવર્થ પોર્શન ૬૩૮ ગણો છલકાયો હતો. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOની વાત કરીએ તો ૯૮૫ રૂપિયાની ઇશ્યુ-પ્રાઇસવાળો મૅટ્રિમની ડૉટકૉમ ગઈ કાલે ૭૮૪ રૂપિયાનું નવું બૉટમ બનાવી છેલ્લે ૨.૮ ટકા ઘટીને ૮૦૧ રૂપિયાની અંદર બંધ હતો. ભારત રોડ નેટવક્ર્સવ સવા ટકો ઘટીને ૧૯૦ રૂપિયા નજીક, ડિક્સન ટેક્નૉલૉજીઝ પોણાબે ટકાથી વધુની નરમાઈમાં ૨૬૧૫ રૂપિયા, એમેક્સ ફ્રોઝન પાંચ ટકાના કડાકામાં ૨૬૫ રૂપિયા, કોચિન શિપયાર્ડ દોઢેક ટકો ઘટીને  ૫૨૪ રૂપિયા તો SIS ઇન્ડિયા પોણાબે ટકા વધીને ૭૮૦ રૂપિયા બંધ હતા.

કો-લોકેશન કેસ સંબંધનું OPG સિક્યૉરિટીઝનું સસ્પેન્શન મોકૂફ રખાયું

દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ NSE (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)એ કો-લોકેશન કેસ સંબંધે OPG સિક્યૉરિટીઝ પર લદાનારા ૬ મહિનાના પ્રસ્તાવિત પ્રતિબંધને મોકૂફ રાખ્યો છે. આ કેસમાં સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલ (SAT) સમક્ષ કાર્યવાહી અનિર્ણીત હોવાથી ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

NSE પર કેટલાક બ્રોકરોને કો-લોકેશન સુવિધા દ્વારા અન્યોની તુલનાએ પ્રાથમિકતા મળતી હોવાને લગતો આ કેસ છે. એક્સચેન્જની ડેટા-ફીડ અમુક લોકોને બીજાઓ કરતાં થોડી વહેલી મળી જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમય એક સેકન્ડથી પણ ઓછો હોય છે છતાં ટ્રેડર માટે એને લીધે ઘણો મોટો ફાયદો થઈ જાય છે.

એક્સચેન્જે પરિપત્રમાં જણાવ્યું છે કે SAT સમક્ષ કાર્યવાહી અનિર્ણીત હોવાથી OPG સિક્યૉરિટીઝનું સસ્પેન્શન આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે.

આ સસ્પેન્શન ૨૯ સપ્ટેમ્બરથી અમલી બનીને આગામી ૨૮ માર્ચ સુધી રહેવાનું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK