હવે બજારની મોટી આશા બજેટ : ૨૦૧૮ માટે તમારું ઇન્વેસ્ટમેન્ટ-બજેટ પણ પ્લાન કરી રાખો

ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, શૅરબજારના ઇતિહાસમાં કોઈ એક રાજ્યની ચૂંટણીનાં પરિણામો માટે બજાર આટલુંબધું આતુર રહ્યું હોય એવું પહેલી વાર બન્યું. હવે પછી બજાર માટે અને બજાર સામે શું છે એની ચર્ચા કરીએ

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

આખરે ગુજરાતમાં પરિવર્તનની શક્યતાના ભણકારા વચ્ચે પુનરાવર્તન જ થયું એટલે કે  BJP ફરી સત્તા પર આવતાં બજારે ગયા સોમવારે કેવી ધમાલ મચાવી હતી એ આપણે જોઈ હતી. શરૂઆતમાં કૉન્ગ્રેસની શક્યતાના સંકેત વધુ બહાર આવતાં બજારે ૭૦૦ પૉઇન્ટનો કડાકો પણ બોલાવ્યો હતો, પરંતુ ધીમે-ધીમે ચિત્ર બદલાતું જતાં આખરે બજાર ૮૦૦થી વધુ પૉઇન્ટની રિકવરી સાથે સવાસો પૉઇન્ટ પ્લસ બંધ રહ્યુ હતું. BJPની જીત એની અપેક્ષા કે દાવા કરતાં ઓછી થઈ. જો એ દાવા મુજબ થઈ હોત તો ચિત્ર વધુ રંગીન અને સંગીન જોવા મળ્યું હોત, પરંતુ જે પણ થાય એ સારા માટે થાય એમ માનીએ તો BJPને, એના નેતાઓને એક ગંભીર સબક મળ્યો છે. જોકે તેઓ એને ગંભીરતાથી લે એ જરૂરી છે. બીજું, આ જીતથી એવું પણ જોવા મળ્યું કે નોટબંધી, GST જેવા મોદી સરકારનાં કડવા, કડક અને કઠિન પગલાં પણ વેપારી પ્રજાએ સ્વીકાર્યાં છે. મંગળવારે આ વાતને સમર્થન આપતાં બજારે સુધારો આગળ વધાર્યો હતો અને સેન્સેક્સ ૩૩,૮૦૦ આસપાસ પહોંચી ગયો હતો. મંગળવારે ૧૦૦ સ્ટૉક્સ વધીને એમની બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. બુધવારે અને ગુરુવારે બજારે ગતિ ધીમી કરીને સાધારણ કરેક્શન સાથે કન્સોલિડેશનનો સંકેત આપ્યો હતો. જોકે પ્રૉફિટ-બુકિંગ પણ ઘટાડાનું એક કારણ હોઈ શકે. શુક્રવારે બજારે ફરી ઉત્સાહ સાથે પોણાબસો પૉઇન્ટનો ઉછાળો મારી સેન્સેક્સને ૩૪,૦૦૦ની નજીક મૂકી દીધો અને નિફ્ટી ૧૦,૫૦૦ની સાવ નજીક આવી ગયો. હવે ઊંચા ભાવે પ્રવેશવું કે કરેક્શનની રાહ જોવી એ પણ રોકાણકારોના મનમાં જે સવાલો ફરતા હતા એ પણ વધી ગયા છે.

રોકાણકારોની તલાશ

રોકાણકારો હવે સારા શૅરોની તલાશમાં લાગ્યા છે. આ માર્કેટમાં કયા શૅર ખરીદવા અને કયા ભાવે લેવા તેમ જ કેટલા સમય માટે લેવા, કયા શૅર કાઢી નાખવા એવા સવાલ લઈ ફરી રહ્યા છે. ૨૦૧૮ની તેજી કેવી હશે એની કલ્પના કરવા કરતાં અત્યારથી રોકાણનું આયોજન કરી લેવું વધુ સલાહભર્યું છે. એટલું ચોક્કસ છે કે ૨૦૧૮ ઘણી બધી રીતે મહત્વનું હશે, કારણ કે ૨૦૧૯ એ સામાન્ય ચૂંટણીનું વર્ષ છે. ગુજરાતની ચૂંટણીનાં પરિણામને ધ્યાનમાં રાખતાં તેમ જ હજી આવનારી અન્ય કેટલાંક રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સરકાર તરફથી હવે પછી સાવચેતી સાથે લોકપ્રિય પગલાં આવે એમ માની શકાય જેમાં ગ્રામ્યવર્ગ અને કૃષિવર્ગ પર વધુ ફોકસ હોઈ શકે.

ગુજરાતની અનિãતતા પૂરી, હવે શું?

હવે મોદી સરકાર તરફથી રિફૉર્મ્સ આગળ વધશે. GSTને વધુ સરળ બનાવવા વધુ   સુધારા થશે. આ સંબંધી જાન્યુઆરીમાં GST કાઉન્સિલની મીટિંગ પણ છે. જોકે સરકાર હવેના રિફૉર્મ્સમાં સાવચેતી પણ રાખશે કે લોકો બહુ નારાજ ન થાય. જે પ્રજા પર કે જે વર્ગ પર અને જે વિસ્તારો પર ધ્યાન નથી અપાયું કે ઓછું અપાયું છે ત્યાં સરકાર વધુ મહેનત કરશે એમ ચોક્કસ માની શકાય. ચૂંટણીનાં પરિણામની સમીક્ષામાંથી સરકારને આ સંકેત આસાનીથી મળશે. કૃષિ ક્ષેત્ર, નાના વર્ગ, પછાત વર્ગ સહિત બિઝનેસ વર્ગને વ્યાપક રીતે આવરી લેવામાં આવશે. ઇન શૉર્ટ, ‘સબકા સાથ સબકા વિકાસ’ના સૂત્રને ખરા અર્થમાં સાબિત કરવા સરકારે જોર આપવું જોઈશે અને આપવું પણ જોઈએ.   

મુખ્ય લક્ષ્ય બજેટ

શૅરબજાર અને આર્થિક વિકાસ માટે હવે મેજર પરિબળ બજેટ હશે, રિફૉર્મ્સ હશે; રોજગારી સર્જન હશે અને ઇન્કમ-ટૅક્સના સુધારા હશે. બજારના નિષ્ણાતો અને અગ્રણી બ્રોકરેજ હાઉસિસ માને છે કે તેજીની ગાડીની રિવર્સ ગતિ પૂરી થઈ છે, હવે એ આગળ વધશે અને સરકાર ચૂંટણીનાં પરિણામને ધ્યાનમાં રાખીને થોડાં ઘણાં લોકપ્રિય પગલાં પણ લાવશે. ખાસ કરીને બજેટ એમાં મુખ્ય ભૂમિકા ભજવશે. બૅન્કોની સમસ્યા પર ફોકસ કરીને એના ઉપાયને વધુ સઘનતાથી હાથ ધરશે. એ માટેની પ્રોસેસ ઑલરેડી ચાલુ થઈ ગઈ છે. ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી કાનૂનમાં સુધારા સાથે આ પગલાંને વધુ સાર્થક બનાવાશે.

મ્યુચ્યુઅલ ફન્ડ અને માર્કેટ આકર્ષક

વિદેશી રોકાણકારોનો ભારતીય ઇકૉનૉમી અને માર્કેટ પર વિશ્વાસ વધશે. પૉલિટિકલ મજબૂતી, આર્થિક મજબૂતી, સરકારનું કમિટમેન્ટ, કૉર્પોરેટ કામગીરી-અર્નિંગ્સ વધશે. GDPએ પણ પોતાની બૉટમ બનાવી લીધી હોવાથી હવે પછીના સમયમાં એ ધીમી ગતિએ ઊંચાઈ તરફ જશે અને ઊંચાઈને જાળવી શકશે એવી આશા રાખી શકાય. HDFC ફન્ડને મળેલી સફળતા હાઉસિંગ સેક્ટર માટે મોટી તક બનશે અને રોજગારી તેમ જ અન્ય ઉદ્યોગો માટે પણ બિઝનેસ લાવશે કે વધારશે.

માર્કેટકૅપ વિક્રમી ઊંચાઈએ


વીતેલું સપ્તાહ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ માટે મેજર ડેવલપમેન્ટનું રહ્યું. અદાણી ગ્રુપે રિલાયન્સની વીજ કંપની લઈ લેતાં આ સમીકરણ બદલાશે. રિલાયન્સ ગ્રુપનું ધ્યાન અત્યારે એનું કરજ ઓછું કરવા પર હોવાથી આ ગ્રુપની કંપનીઓમાં વધ-ઘટની વધુ શક્યતા જણાય છે. બાકી સેન્સેક્સ અને નિફ્ટીમાં સમાવેશ ધરાવતી મોટા ભાગની  કંપનીઓમાં આકર્ષણ રહેશે. સ્માર્ટ ઇન્વેસ્ટરો આ શૅરો જમા કરતા જઈ શકે, ખાસ કરીને કરેક્શન વખતે વધુ. કરેક્શનની રાહ જોતા રહેવું નહીં, કારણ કે માર્કેટ સતત નવી ઊંચાઈ બનાવતું જાય છે. હવે નાતાલ વેકેશનમાં વૉલ્યુમ અને વધ-ઘટ પણ હળવાં થશે. બાકી નવા વર્ષ માટે આશાવાદી રહીને સારા શૅરો જમા કરવામાં શાણપણ છે. BSEનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન પ્રથમ વાર ૧૫૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જે એક વિક્રમી સ્તર છે.

બૅન્કો માટે ભય અને આશા

નાણાપ્રધાન અરુણ જેટલીએ કરેલી સ્પષ્ટતા મુજબ જાહેર ક્ષેત્રની કોઈ પણ બૅન્કને બંધ કરવાની દરખાસ્ત નથી, આવો કોઈ ભય રાખવાની જરૂર નથી એવાં વિધાનની સારી અસર થવાની આશા છે. ખાસ કરીને બૅન્કિંગ સ્ટૉક્સ માટે આ સારા સંકેત છે, જ્યારે બીજી બાજુ રિઝર્વ બૅન્કે બૅન્કોની NPA ઉર્ફે બૅડ લોન્સ હજી વધવાની શક્યતા વ્યક્ત કરી છે જે માટે રિઝર્વ બૅન્કે પ્રોજેક્ટ્સના ખોટા અને ભૂલભરેલા મૂલ્યાંકનને જવાબદાર ઠેરવ્યાં છે જે ચિંતાનો વિષય છે. એ ઉપરાંત ફુગાવાને ધ્યાનમાં રાખી તેમ જ ઓવરઑલ સ્થિતિને કારણે રિઝર્વ બૅન્ક ૨૦૧૮માં પણ વ્યાજદરમાં કાપ મૂકી શકશે નહીં એવો મત જાણીતી નાણાસંસ્થા દ્વારા વ્યક્ત થયો છે જે ઉદ્યોગો માટે નિરાશાજનક બાબત ગણાય.

પાંચ નાની પણ ખાસ વાત

આગામી સપ્તાહમાં વિદેશી રોકાણકારો મોટા ભાગે નાતાલની રજા પર રહેવાથી ભારતીય માર્કેટમાં વૉલ્યુમ અને વધ-ઘટ ઓછાં રહેવાની શક્યતા છે. બીજી વાત, બિટકૉઇનના ક્રૅશ થઈ રહેલા ભાવ મોટા રોકાણકારોને ઇક્વિટી તરફ વાળી શકે. ત્રીજી વાત, સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જંગી ખર્ચની યોજના ઘડી હોવાથી આ સેક્ટરને, ઇકૉનૉમીને અને ઇન્ફ્રા શૅરોને બૂસ્ટ મળશે. ચોથી વાત, ક્રૂડના ભાવ અને ડૉલર સામે રૂપિયાની ગતિવિધિ પણ બજારમાં ભાગ ભજવશે. પાંચમી વાત, નવા સપ્તાહમાં કરેક્શનની તૈયારી રાખવી અને સારા શૅરો ઘટીને મળતા હોય તો લેવાય અથવા નિફ્ટી ETF જમા કરાય કે પછી ૨૦૧૮ અને ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને SIP વધારી દેવાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK