કરેક્શનની રાહ શૅરબજારમાં દર વખતે ન જોવાય

કરેક્શનને કારણો મળતાં રહે છે, જેમાં ગયા સપ્તાહમાં ગ્લોબલ કારણો વધુ ભાગ ભજવી ગયાં. જોકે ફરી પ્રૉફિટબુકિંગ પણ થયું. અર્થતંત્રને ગતિ આપવા, ઊંચે લઈ જવા સરકારે નવાં પ્રોત્સાહક પગલાં વિચારવાનું શરૂ કર્યું છે એથી રિકવરી અને કરેક્શનના ખેલ હજી ચાલ્યા કરશે

BSE

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

શૅરબજાર જ્યારે પણ ઊંચે હોય કે તેજીમાં ચાલી રહ્યું હોય ત્યારે અમુક રોકાણકારો વિચારે છે કે આ લેવલે પ્રવેશી શકાય? એવા સવાલ ઉઠાવી ઊંચા ભાવે એન્ટ્રી કરવી જોખમી બની શકે એવું વિચારે છે, પણ બીજો વર્ગ એવું વિચારે છે કે તેજી છે તો ભાવો હજી વધશે, વાસ્તે હજી ખરીદી કરો, વધુ કમાઈશું. ત્રીજો વર્ગ માને છે કે અત્યારના સમયમાં થોભી જવું બહેતર છે, હવે કરેક્શનની રાહ જોવાય અને કરેક્શન બાદ પ્રવેશાય! જોકે આ વર્ગને કરેક્શન આવશે જ એવી ખાતરી નથી હોતી, આવશે તો ક્યારે અને કેટલું આવશે તેની પણ ખબર નથી હોતી અને કરેક્શન આવવાને બદલે બજાર વધી ગયું તો? વધુ ઊંચા ભાવે શું કરીશું? વાસ્તવમાં શૅરબજારમાં એના સમય કરતાં રોકાણકારોએ પોતાના સમયને જોવો જોઈએ. કરેક્શનની રાહમાં ઘણા રહી જતા હોય છે. દર વખતે કરેકશનની રાહ જોવાય પણ નહીં. જો તમારે લૉન્ગ ટર્મ માટે બજારમાં એન્ટ્રી લેવી છે તો હમણાં ટૂંક સમય માટે આવનાર કરેક્શનની રાહ કેમ જોવી? વાસ્તવમાં દરેક તબક્કે ખરીદી ચાલુ રાખવી જોઈએ. શૅરબજાર હોય કે મ્યુચ્યુઅલ ફન્ડ- ઇન્વેસ્ટમેન્ટ લૉન્ગ ટર્મ હોય ત્યારે દૃષ્ટિ પણ લાંબી જ રાખવાની હોય.

સોમ પૉઝિટિવ-શુક્ર નેગેટિવ

ગયા સોમવારે પણ બજારે શુભ શરૂઆત કરી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટી બનાવી હતી. મંગળવાર અને બુધવારે બજાર ફ્લૅટ સમાન રહ્યું હતું, કોઈ ખાસ ઉત્સાહ કે વધ-ઘટ નહોતાં. બુધવારે અમેરિકાના ફેડરલ રિઝર્વની મીટિંગ પર સૌની નજર હતી, જ્યારે કે આ મીટિંગમાં વ્યાજદરનો કોઈ વધારો આવ્યો નહીં. જોકે ફેડરલ રિઝર્વે એક નોંધવા જેવી વાત સ્પષ્ટ કરી છે કે આ વરસના અંત સુધીમાં વ્યાજદર વધી શકે છે. ગુરુવારે પણ માર્કેટ સામાન્ય વધ-ઘટ સાથે જોર વિનાનું રહ્યું હતું. જોકે શુક્રવારે બજારે અચાનક નેગેટિવ ટર્ન લીધો હતો. નૉર્થ કોરિયાના પ્રકરણે ગ્લોબલ ચિંતા વધારી દેતાં સેન્સેક્સ સાડાચારસો પૉઇન્ટથી અને નિફ્ટી દોઢસો પૉઇન્ટથી વધુ તૂટી ગયો હતો. રોકાણકારોએ જ્યારે બજાર ઘટે ત્યારે એ કયા કારણસર ઘટે છે એ ખાસ સમજવું જોઈએ, જેના આધારે જ તેમણે રોકાણની વ્યૂહરચના બનાવવી કે બદલાવવી જોઈએ. માત્ર એક દિવસ વધુ પૉઇન્ટ ઊછળી જાય કે તૂટી જાય એના આધારે નિર્ણય લેવામાં આવવો ન જોઈએ.

IPOનું માર્કેટ જોરમાં


નવા ઇશ્યુઓ-IPOની લાઇન પાછી લાગી ગઈ છે અને એને મળી રહેલા રિસ્પૉન્સની અસર પણ સર્વત્ર દેખાય છે. ગયા સપ્તાહમાં છલકાઈને રેકૉર્ડ કરનાર ડિક્ïસન ટેક્નૉલૉજીઝ ઇન્ડિયાનો IPO છેલ્લાં સાત વરસનો પાંચમો બેસ્ટ IPO બન્યો છે, જેને લિસ્ટિંગ સાથે જ પચાસ ટકા ઉપર પ્રીમિયમ પ્રાપ્ત થયું હતું. આ પહેલાં ઍવન્યુ સુપરમાર્ટ (ડી-માર્ટ)ના શૅરનું લિસ્ટિંગ ૧૦૦ ટકા (એટલે કે ડબલ ભાવ)ના પ્રીમિયમે થયું હતું. હવે વિચારો, પહેલા જ દિવસે સફળ રોકાણકારોને આટલું ઊંચું વળતર મળી રહ્યું હોય તો IPO શા માટે છલકાય નહીં? હવે બે જાયન્ટ ઇન્શ્યૉરન્સ કંપનીઓ પણ IPO લાવી છે. ICICI લોમ્બાર્ડ ઇન્શ્યૉરન્સ અને SBI લાઇફ ઇન્શ્યૉરન્સ, જેને પણ ભવ્ય પ્રતિસાદ મળવો સહજ છે. શૅરબજારમાં ભાવો વધુપડતા ઊંચા ગયા હોવાનું માનનાર વર્ગ IPOમાં કિસ્મત અજમાવે છે. નાના રોકાણકારો પણ લિસ્ટિંગ બાદના નફાને જોઈ અરજીઓ કરવામાં સક્રિય રહે છે. ઇન શૉર્ટ, માર્કેટમાં પૈસો છે, લોકોને એના રોકાણ માટે સારાં સાધનો જોઈએ છે. આ સારા સાધનની વ્યાખ્યા દરેકની પોતાની હોઈ શકે, પરંતુ ઇક્વિટી એમાં અગ્રેસર છે. પછી એ ડાયરેક્ટ હોય કે મ્યુચ્યુઅલ ફન્ડના માર્ગે હોય.

ગ્લોબલ સંજોગો - FII

સપ્તાહના આરંભના સમય દરમ્યાન ગ્લોબલ સંજોગોમાં નૉર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેના તનાવમાં હળવાશ આવી હતી, એથી બજાર ઘટતું અટક્યું હતું, પણ શુક્રવારે નૉર્થ કોરિયાના નિમિત્તે જ તૂટ્યું હતું. એમ છતાં આ વિશે હજી સચોટતાપૂર્વક કહી શકાય નહીં. બાકી ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારતનો GDP દર ઘટવાની ચર્ચા અને ચિંતા છે, એમ છતાં ભારતીય માર્કેટ પ્રત્યેનું આકર્ષણ હજી અકબંધ છે. પરિણામે વિદેશી રોકાણકારોની લેવાલી ચાલુ રહેશે. આ ગ્લોબલ ઇન્વેસ્ટરો નેટ વેચવાલ રહ્યા બાદ પણ ભારતીય ઇક્વિટીમાં વધુ રસ લઈ રહ્યા છે. ફેડરલ રિઝર્વે આ વખતે વ્યાજદર વધાર્યો નહીં, પણ હવે પછીની મીટિંગમાં વધારશે એવા સંકેત આપીને ભારતીય બજારની સ્પીડને નાની બ્રેક મારી છે.

ચીનની પણ અસર

ચીનના વધતા જતા દેવાને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ S&P નામની ગ્લોબલ રેટિંગ એજન્સીએ ચીનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. જોકે ભારત માટે આ બાબત સારી ગણાય. ચીન આર્થિક મુશ્કેલીમાં હશે તો ગ્લોબલ ઇન્વેસ્ટરો ભારત તરફ વધુ ખેંચાશે. જોકે અત્યારે તો આ પરિબળ પણ ભારતીય બજાર માટે નેગેટિવ બન્યું છે. ઇન શૉર્ટ, ચીન અને નૉર્થ કોરિયા શુક્રવારે ભારતીય બજારને નડી ગયાં હતાં અને કંઈક અંશે પ્રૉફિટબુકિંગ પણ ભાગ ભજવી ગયું હતું.

અર્થતંત્રને વેગ આપવાના પ્રયાસ


અર્થતંત્રની ગતિની ચિંતા સરકારમાં વધી છે, રૂપિયો નબળો પડ્યો છે, ક્રૂડના ભાવ વધ્યા છે. GDPનો દર નીચો આવવાથી પણ ચિંતા વધી રહી છે. જોકે સરકાર આ બાબતે ગંભીર બને એ માર્કેટ અને ઇકૉનૉમી માટે સારી બાબત છે. નાણાપ્રધાને અર્થતંત્રને વેગ આપવા સરકાર સંખ્યાબંધ પગલાં લેવા જઈ રહી હોવાની જાહેરાત કરી છે. આ તહેવારોની મોસમ દરમ્યાન પ્રોત્સાહક પગલાં જાહેર થવાની આશા છે. નિકાસને વેગ આપવાનાં પગલાં સહિત હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનાં કદમ પણ હશે. નાના-મધ્યમ ઉદ્યોગોને રાહતદાયી ધિરાણ, સ્થાનિક રોકાણ વધારવાનાં પગલાં વગેરે શ્રેણીબદ્ધ પગલાં આવી રહ્યાં છે.

નાની સાદી વાત

સેબીએ તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ડેટ સાધનો ઇશ્યુ કરી ભંડોળ ઊભું કરવાની મંજૂરી આપી છે તેમ જ એમને વધુ રાહતો પણ આપી છે, જે આ બન્ને સેકટર માટે સારું પગલું છે. આનાથી બન્ને સેક્ટરને પ્રોત્સાહન મળશે, નાણાં ઊભાં કરવાની સવલત મળશે. આ બન્ને સેક્ટરનો વિકાસ ઝડપી બનતાં એની સાથે સંકળાયેલાં અન્ય સેક્ટર્સને પણ બૂસ્ટ મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK