નવા સર્વોચ્ચ શિખરનો શિરસ્તો જાળવી શૅરબજાર સુસ્તીમાં બંધ

માર્કેટકૅપની રીતે ફરીથી નંબર વન થવાની દિશામાં આગળ વધતી TCS : PSU બૅન્ક નિફ્ટીમાં વધુ ૩.૫ ટકાની તેજી, બૅન્ક નિફ્ટી નવી વિક્રમી સપાટીએ : લાર્સન ટેક્નૉલૉજીઝ અને લાર્સન ઇન્ફોટેકમાં નવા બેસ્ટ લેવલની હારમાળા

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડેરિવેટિવ્ઝમાં જાન્યુઆરી વલણની પૂર્વસંધ્યાએ શૅરબજારે નવી સર્વોચ્ચ સપાટીનો સિલસિલો જાળવી રાખ્યો છે, પરંતુ અતિ સાંકડી વધ-ઘટ દાખવી છેલ્લે માર્કેટ લગભગ ફ્લેટ જોવાયું છે. સેન્સેક્સ ગઈ કાલે ઉપરમાં ૩૬,૨૬૮નું નવું શિખર બતાવી છેલ્લે ૨૧ પૉઇન્ટ વધી ૩૬,૧૬૧ તો નિફ્ટી ૧૧,૧૧૦ના બેસ્ટ લેવલ પછી બે પૉઇન્ટ વધી ૧૧,૦૮૬ બંધ રહ્યો છે. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર પ્લસ હતા. સ્ટેટ બૅન્ક અઢી ગણા કામકાજમાં પોણાચાર ટકાની તેજીમાં ૩૩૦ રૂપિયા આસપાસ બંધ આપી બન્ને આંક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. તો રિલાયન્સ જીઓ દ્વારા ટૅરિફ-વૉરના નવા રાઉન્ડના પગલે ભારતી ઍરટેલ સાતેક ટકાની નજીકની ખરાબીમાં વર્સ્ટ પર્ફોર્મર રહ્યો છે. મહિન્દ્ર, રિલાયન્સ, તાતા સ્ટીલ, ICICI બૅન્ક, તાતા મોટર્સ, હિન્દાલ્કો, ઍક્સિસ બૅન્ક, વેદાન્ત, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇશર, એશિયન પેઇન્ટ્સ જેવી અગ્રણી આઇટમ દોઢથી સવાત્રણ ટકા ડાઉન હતી. નવી ઐતિહાસિક ઊંચી સપાટી સાથે બન્ને બજારમાં IT ઇન્ડેક્સ દોઢ ટકાની મજબૂતીમાં મોખરે હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ બેન્ચમાર્ક બે ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો નરમ હતા. બજાર નજીવું પ્લસમાં બંધ આવવા છતાં માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી ખરાબ હતી. વધેલા પ્રત્યેક શૅર સામે લગભગ બે શૅર ડાઉનનો ઘાટ હતો. મિડ કૅપ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ તો સ્મૉલ કૅપ બેન્ચમાર્ક એક ટકાની નજીક ખરડાયાની આ અસર કહી શકાય. બ્રોકિંગ ફર્મ એડલવાઇઝ તરફથી બુલરનના કેસમાં ૧૦૮૦ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સાથે મોન્ટે કાર્લોમાં તગડો બુલિશ વ્યુ જારી થવા છતાં માંડ પોણાબે રૂપિયાના સુધારામાં ૬૨૪ રૂપિયા બંધ આવ્યો છે. રેડીકો ખૈતાન, સારેગામા, RBL બૅન્ક, યુનાઇટેડ સ્પિરિટ્સ, KRBL, જિન્દલ શો, મહિન્દ્ર ફાઇનૅન્સ જેવી જાતોમાં અપેક્ષા કરતાં નબળાં ત્રિમાસિક પરિણામનો વસવસો દેખાયો હતો. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશને ૬૫૧ કરોડ રૂપિયાના અંદાજ સામે ૭૬૦ કરોડ રૂપિયાનો સ્ટૅન્ડઅલોન નેટ પ્રૉફિટ બતાવતાં ભાવ ૧૨૬૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ થયા બાદ છેલ્લે પોણાચાર ટકા વધીને ૧૨૩૮ રૂપિયા રહ્યો છે.  

માર્કેટકૅપમાં TCS ફરીથી નંબર વન થશે

વિશ્વસ્તરે IT સ્પેન્ડિંગ વધવાના વરતારા પાછળ અગ્રણી IT શૅરમાં રિ-રેટિંગ શરૂ થયું છે. બ્રોકરેજ હાઉસ તરફથી ટાગેર્ટ પ્રાઇસ અપવર્ડ કરવામાં આવી રહી છે. સરવાળે IT શૅર છેલ્લા કેટલાક દિવસથી સારી એવી મજબૂતીમાં ચાલી રહ્યા છે. હેવીવેઇટ TCS ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૩૨૫૪ રૂપિયાની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ છેલ્લે સવાબે ટકા વધી ૩૧૭૪ રૂપિયા બંધ આવતાં કંપનીનું માર્કેટકૅપ ગઈ કાલે ૬.૦૭ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. ઇન્ટ્રા-ડેમાં તો એ ૬.૧૮ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૯૦ રૂપિયાની આગલા દિવસની વિક્રમી સપાટી બાદ ૯૮૨ રૂપિયા બંધ હતો એ ગઈ કાલે નીચામાં ૯૬૦ રૂપિયા થઈ અંતે પોણાબે ટકાની નરમાઈમાં ૯૬૪ રૂપિયા બંધ રહેતાં કંપનીનું માર્કેટકૅપ ૬.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. મતલબ કે આગામી દિવસોમાં માર્કેટકૅપની રીતે દેશની નંબર વન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી ગમે ત્યારે બીજા ક્રમે હડસેલાઈ શકે છે. ટોચના સ્થાન માટે TCS અને રિલાયન્સ વચ્ચે રસાકસી જામવાની છે. રિલાયન્સ એક સપ્તાહમાં ૯૧૧ રૂપિયાના બૉટમથી વધીને ઉપરમાં ૯૯૦ રૂપિયા સુધી ગયો છે. સામે TCS આ ગાળામાં ૨૮૬૬ રૂપિયાની નીચી સપાટીથી ઊંચકાઈને ઉપરમાં ૩૨૫૫ રૂપિયા નજીક પહોંચ્યો છે.

લાર્સન ટેક્નૉલૉજીઝમાં ૨૦૩નો ઉછાળો

લાર્સનની ૮૯.૩ ટકા માલિકીની લાર્સન ટેક્નૉલૉજીઝ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં સારાં પરિણામ રજૂ થતાં ભાવ રોજના સરેરાશ માંડ ૪૫૦૦ શૅર સામે ૨.૩૭ લાખ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૧૬ રૂપિયા પ્લસની વિક્રમી સપાટી બનાવી અંતે ૨૦ ટકા કે ૨૦૨ રૂપિયા વધીને ૧૨૧૬ રૂપિયા બંધ હતો. અન્ય ગ્રુપની લાર્સન ઇન્ફોટેક પણ બાર ગણા વૉલ્યુમમાં ૧૨૭૨ રૂપિયાનું શ્રેષ્ઠ લેવલ મેળવી અંતે સવાત્રણ ટકાની મજબૂતીમાં ૧૨૦૦ રૂપિયા હતો. આ બન્ને શૅર અનુક્રમે લગભગ બાર મહિના અને સાત મહિનામાં બમણાથી વધુ ઊંચકાયા છે. લાર્સન ફાઇનૅન્સ બે દિવસના સુધારા બાદ ગઈ કાલે અડધો ટકો ઘટીને ૧૭૯ રૂપિયા હતો. લાર્સન ૧૪૧૫ રૂપિયાના આગલા દિવસની ઐતિહાસિક ટૉપ પછી ગઈ કાલે નીચામાં ૧૩૯૨ થઈ છેલ્લે પોણા ટકાની નરમાઈમાં ૧૪૦૦ રૂપિયા રહ્યો છે. બાય ધ વે, અગાઉની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી અને હાલની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે આઠેક ગણા કામકાજમાં ઉપરમાં ૧૨૩ રૂપિયા આસપાસનો ભાવ મેળવી છેલ્લે સાડાતેર ટકાના જમ્પમાં ૧૧૯ રૂપિયા બંધ હતો. તાજેતરમાં ધમાકેદાર લિસ્ટિંગ પછી ઘટાડાને આગળ ધપાવતા અપોલો માઇક્રો સિસ્ટમ્સ બુધવારે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૪૦૯ રૂપિયાના તળિયે હતો. વૉલ્યુમ માંડ ૧૬૦૦ શૅરનું હતું અને બે લાખથી વધુ શૅરના સેલર ઊભા હતા.

PSU બૅન્ક શૅરમાં સુધારાની આગેકૂચ

આગલા દિવસની ચારેક ટકાની મજબૂતી આગળ ધપાવતા PSU બૅન્ક નિફ્ટી ગઈ કાલે બારમાંથી બાર શૅરની આગેકૂચમાં સાડાત્રણ ટકા વધીને બંધ આવ્યો છે. સામે પક્ષે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૬ શૅરના ઘટાડે પોણો ટકો ડાઉન હતો. બૅન્ક નિફ્ટીમાં નજીવો સુધારો હતો. બૅન્કેક્સ પણ જૈસે થે હતો. PSU બૅન્કની હૂંફમાં સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૨૪ શૅર પ્લસ હતા. PNB સુધારાની હૅટ-ટ્રિકમાં સાડાત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૯૪ રૂપિયા વટાવી અંતે સાડાચાર ટકા વધીને ૧૯૪ રૂપિયા હતો. IOB, JK બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કૅનેરા બૅન્ક તથા IDBI બૅન્ક જેવી જાતો એકથી સાડાત્રણ ટકાની રૅન્જમાં અપ હતી. અપેક્ષા મુજબનાં પરિણામ નહીં આવતાં RBL બૅન્ક નીચામાં ૫૧૦ રૂપિયા થઈ છેલ્લે સવાચાર ટકા તૂટીને ૫૧૪ રૂપિયા બંધ હતો. ICICI બે દિવસના ચમકારા બાદ બુધવારે અઢી ટકાની પીછેહઠમાં ૩૫૨ રૂપિયા હતો. PNB હાઉસિંગ, બજાજ ફાઇનૅન્સ, કેન્ફિના હોમ્સ, દીવાન હાઉસિંગ, ગૃહ ફાઇનૅન્સ, મેક્સ ફાઇનૅન્શિયલ સર્વિસિસ જેવી આઇટમો દોઢથી સાડાચાર ટકા ડાઉન હતી. PSU બૅન્ક શૅરના સુધારાના કારણે BSEનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ખરડવામાંથી બચી ગયો હતો.

આઇડિયા સેલ્યુલરમાં પરિણામની નબળાઈ

આઇડિયા સેલ્યુલર દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉની ૩૮૪ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ સામે આ વખતે ૧૨૮૪ કરોડ રૂપિયાની નેટ લોસ કરી છે. બજારની ૧૩૦૯ કરોડ રૂપિયાની એકંદર ધારણા કરતાં ચોખ્ખી ખોટ ઓછી આવી છે, પરંતુ શૅર બુધવારે આશરે બમણા કામકાજમાં ૯૩ રૂપિયાની અંદર જઈ છેલ્લે સવાïપાંચ  ટકાની ખરાબીમાં ૯૪ રૂપિયા બંધ હતો. સળંગ ચાર દિવસની નબળાઈમાં આ કાઉન્ટર બાર રૂપિયા ડાઉન થયું છે. ટેલર્કિામ સેગમેન્ટના અન્ય કાઉન્ટરમાં ભારતી ઍરટેલ ૪૫૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અંતે સાડાછ ટકા ગગડીને ૪૫૯ રૂપિયા, R.કૉમ દોઢ ટકાના ઘટાડે ૨૯ રૂપિયા, MTNL  ૩.૫ ટકાની કમજોરીમાં ૨૫ રૂપિયા બંધ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૬માંથી ૧૧ શૅરની પીછેહઠમાં સાડાત્રણ ટકા ખરડાયો હતો. વિન્દ્ય ટેલિ, HFCL અને ITIમાં ૩થી ૪ ટકા જેવી નબળાઈ હતી. બીજી તરફ IT ઇન્ડેક્સ મજબૂતીની ચાલ આગળ ધપાવતાં ૫૯માંથી ૪૧ શૅરના સુધારામાં ૧૩,૧૨૬ના બેસ્ટ લેવલે જઈ અંતે દોઢ ટકા વધીને ૧૨,૮૩૪ બંધ હતો. TCS ૩૨૫૪ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બાદ સવાબે ટકા વધીને ૩૧૭૪ રૂપિયા તથા ઇન્ફોસિસ ૧૨૨૦ રૂપિયાની નવી ઊંચી સપાટી બનાવી પોણો ટકો વધીને ૧૧૮૫ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને ૫૭ પૉઇન્ટનો લાભ થયો હતો. પરિણામ પછી નરમાઈમાં સરકી પડેલો વિપ્રો ગઈ કાલે પ્રત્યાઘાતી સુધારામાં ઉપરમાં ૩૩૩ રૂપિયા થઈ વ્યાપક પ્રૉફિટ-બુકિંગ આવતાં ૩૧૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે અડધો ટકો ઘટી ૩૧૪ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK